Sunday, March 26, 2023

સન્ડે સ્પેશિયલ

 "તમે આચરેલા નિર્મમ અત્યાચારોના પસ્તાવા રૂપે તમે  માફી માંગો એ જ તમારી સારવારની ફી છે." : ડૉ. વાસંતી મકવાણા 


            આ વાત ઝાઝાં વરસો પહેલાંની નથી.  સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામડાનો દલિત યુવક એક કંપનીના મજુર તરીકે સામાન ઊંચકવા દરિયાઈ જહાજ (સ્ટીમર) માં મજુર તરીકે આફ્રિકા ગયેલો. શેઠે એને આફ્રિકા યુગાન્ડા જ રોકી લીધો. અને એની પત્નીને પણ ત્યાંજ બોલાવી લીધી. સમય જતાં એ દલિત દંપત્તિને એક બાળક જન્મ્યું. અને એ યુગાન્ડાનો જ નાગરિક બન્યો. ત્યાં જ  થોડું ભણી-ગણીને મોટો થયો. ત્યાં દલિત સમાજ માની એક કન્યાને પરણ્યો. એને પણ પાંચ  બાળકો થયાં. પરિવાર સુખેથી રહેતો હતો.  

       આફ્રિકાના દેશ યુગાન્ડામાં વર્ષ ૧૯૭૨માં કાળમુખા ક્રૂર સરમુખત્યાર શાશક ઈદી અમીનનું રાજ આવ્યું. એણે રાતોરાત ફતવો બહાર પડ્યો કે આફ્રિકા સિવાયના અન્ય દેશોના અહી સ્થાઈ થયેલા અન્ય દેશોના નાગરીકોએ ૯૦ દિવસમાં આ દેશ છોડી ચાલ્યા જવું. નહિ તો પરિણામ ભોગવવા તૈયાર રહે. દાયકાઓથી યુગાન્ડાને પોતાની કર્મ ભૂમિ બનાવી અહી સ્થાઈ થયેલા અનેક પરિવારો પોતાનું સર્વસ્વ છોડી જીવ બચાવી ત્યાંથી ભાગી જવું પડ્યું. તમામ પ્રજાની માલ-મિલકતો લુંટીને જપ્ત કરી લીધી. ચારેકોર અત્યાચાર ફેલાવ્યો. યુગાન્ડાના વતની હોવા છતાં ભારત, પાકિસ્તાન બાંગ્લાદેશી એવા તમામ નોન આફ્રિકન પ્રજાના નાગરિકોને રાતોરાત હાંકી કાઢયા. યુગાન્ડાના કાળીયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા. તમામ નોન આફ્રિકનો મોટા ભાગના ગુજરાતીઓ ત્યાંથી ભાગી છૂટયા. કેટલાક વતન પરત આવ્યા. કેટલાકને ઈંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીને કેમ્પમાં રાખ્યા. એમાં  આ દલિત દંપત્તિ પણ હતું.  કુમળી વયની સગીર દિકરી વસંતી મકવાણા પણ માતા-પિતા સાથે રેફયુજી કેમ્પમાં આશ્રય લીધો હતો.

 બ્રિટિશ સરકારે યુરોપિયન મિશનરીઓની મદદથી આ વિસ્થાપિત શરણાર્થીઓના પરિવારના નાના બાળકો માટે અલગ સ્કુલો અને બિમાર વૃદ્ધો માટે અલગ હોસ્પિટલોની વ્યવસ્થા કરી. કોઈનો સમય એક સરખો રહેતો નથી. કાળનુ ચકરડુ ફરી ગયુ. સમય જતા વરસો પછી યુગાન્ડાના ક્રૂર શાસક ઈદી અમીનના લશ્કરી સરમુખત્યાર શાસનનો કરૂણ અંત આવ્યો. એણે પોતે ભાગવું પડ્યું.

 આ વાતને દાયકાઓ વીતી ગયા. ઈદી અમીન કિડનીની જીવલેણ બિમારીઓમાં સપડાયો. સાઉદી અરેબિયામાં અદ્યતન હોસ્પિટલમાં વીઆઈપી પેશન્ટ તરીકે લવાયો. એને બચાવવા ઢગલો રૂપિયા ખર્ચાયા. કોઇપણ હિસાબે આખા વિશ્વમાંથી કિડની સ્પેશિયાલિસ્ટ શ્રેષ્ઠ ડૉકટર બોલાવવા ચારે બાજુ શોધ આદરી. કેનેડાથી એક વિશ્વ વિખ્યાત કિડની સ્પેશિયાલીસ્ટ મહિલા ડોક્ટરને તાત્કાલિક બોલાવાયાં. એ કિડની સ્પેશિયાલીસ્ટ મહિલા ડોક્ટર બીજુ કોઈ નહી પણ વરસો પહેલાં ઈદી અમીને સત્તાના મદ અને ગુમાનમાં યુગાન્ડાથી  હાંકી કાઢેલા સિત્તેર હજાર પરિવારો પૈકીના એક દલિત પરિવારની માસુમ દલિત દિકરી વાસંતી મકવાણા હતી.

  યુગાન્ડાથી ભાગી આ દલિત પરિવારે ઇંગ્લેન્ડની નિરાશ્રીતોની છાવણીમાં આશ્રય લીધો.  વાસંતી ઈંગ્લેન્ડમાં નિરાશ્રીતોની છાવણીમાં રહી ભણી ગણીને ડૉકટર બની હતી. તથા મિશનરીઓની મદદથી વધુ ભણવા કૅનેડા ગઈ. ત્યાં સ્થાઈ થઈ હતી. ડૉ. વાસંતી મકવાણાએ સાઉદી અરેબિયાની વિખ્યાત હોસ્પિટલમાં આવીને તાબડતોબ ઈદી અમીનનું અતિ જોખમી હીમોડાયાલીસીસ કર્યુ. અને વધુ સારવાર માટે કેનેડાની અદ્યતન હોસ્પિટલમાં શિફટ કર્યા. સારવારનું બીલ કરોડોમાં હતું. એમ છતાં ડૉ. વાસંતી મકવાણાએ એકપણ રૂપિયો લીધા વગર શ્રેષ્ઠ સારવાર આપી.

 ઈદી અમીને થોડો સાજો થયા પછી એ લેડી ડૉકટરને બે હાથ જોડી કહ્યું  ‘તમારા કારણે મને નવજીવન મળ્યું છે. આ પૃથ્વી પર હું નવા શ્વાસ લઈ શકુ છું. તમે જ  મારા ભગવાન છો. તમારી ફી લઈ લો.’  ત્યારે એ દલિત લેડી ડૉકટર વાસંતી મકવાણાએ વિનમ્રતા પૂર્વક જણાવ્યું : જે વ્યક્તિએ સત્તાના મદ અને ગુમાનમાં છકી જઈને યુગાન્ડાથી હાંકી કાઢેલા સિત્તેર હજાર પરિવારો પૈકીના એક દલિત પરિવારની હું  દિકરી છું. મારા મા-બાપ સહીત અનેકને લૂંટી લીધાં  હતાં. અને રડતાં- કકળતાં ઘરમાંથી કાઢી મૂક્યાં  હતાં. એ લોકો કોઈપણ કારણો વગર ત્રણ-ચાર દિવસ અન્ન પાણી વગર સરહદ ઉપર ભટકયા હતાં. સરહદ પાર કરીને રેફયુજી કેમ્પમાં પહોંચ્યાં ત્યારે કોઈક દયાળુ મુસ્લીમ બાઈએ મને બે બિસ્કીટ આપ્યાનું યાદ છે. એ અત્યાચારો આજેય હું ભુલી શકી  નથી. તમે આચરેલા નિર્મમ અત્યાચારોનો તમને પસ્તાવો થાય અને જો તમે એની માફી માંગો એ જ મારી તબીબી સારવારની ફી છે.

મારા માબાપ અને દાદા દાદી તો આ આઘાતમા સમય જતાં ગુજરી ગયાં. તેઓનો આત્મા કયારેય તમને માફ નહી કરે. પણ હું એક હિંદુસ્તાની ગુજરાતની સુદામાપુરી પોરબંદરની પૂજય મહાત્મા ગાંધીબાપુની કર્મભૂમિનુ લોહી છુ. એટલે મેં તમને માફ કરી દિધા છે. મેં સાચા દિલથી હ્રદયમાં દયા અને કરૂણાના ભાવથી એક લાચાર અને જીવલેણ રોગથી પિડિત દર્દીની સેવા કર્યાનુ પુણ્ય મેળવ્યુ છે. હુ તો માફ કરી દઈશ પણ તમારા કર્મો તમને નહી છોડે. તમે તમારી વિચારધારાના અનેક ઈદી અમીનો પૈદા કરીને ઘોર પાપ કર્યુ છે. પણ હુ કાયમ તમારી મફત સેવા જ કરીશ. કારણ કે તમારી આજની પરિસ્થિતિ લાચાર અને દયાજનક છે. હુ બદલાની વેરભાવનામાં  માનતી નથી. બે વરસથી સાંજની કૉલેજના મેડીકલ લૅકચરો મેં  બંધ કર્યા છે. અને  હિંદુસ્તાની શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ કર્યો છે. સમય મળ્યે નિયમિત વાંચ્યા છે. એના આધારે કહુ છુ કે કર્મો કોઈને છોડતા નથી. મારે ન કહેવુ જોઈએ પણ તમે પણ ચોક્કસ કર્મોની સજા ભોગવી રહ્યા  છો.

  આટલું સાંભળતા જ વિશ્વનો એ અતિ  ક્રૂર અત્યાચારી શાસક ધ્રુસકે ધ્રુસકે ‘ને પોકેપોકે રોઈ પડેલો.  ડૉકટર વાસંતિ મકવાણા એ એની ફાઈલમા લાંબુ પ્રિશ્ક્રિપ્શન લખીને કોઈ પણ પ્રતિક્રિયા વગર બીજા અન્ય પેશન્ટની સેવામા પરોવાઈ ગયેલી.

ડૉકટર વાસંતી મકવાણા આજે  જૈફ પહોંચ્યાં છે. તેઓ હાલ પણ કેનેડામાં  દર્દીઓની સેવા કરી રહ્યાં છે.  તેઓ પોતાનું શેષ જીવન મહાત્મા ગાંધીની અને પોતાના દાદા દાદીની જન્મભૂમિ અને મૂળ માતૃભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમા ગાળવાની ઈચ્છાઓ સેવે છે. બાળવયે એમણે રેફયુજી કેમ્પના તંબુમાં કડકડતી ઠંડીમાં દાદા-દાદી પાસે આ સોરઠધરા સૌરાષ્ટ્રની વાતો જ સાંભળેલી છે. આજેય કૅનૅડામા એની ગુજરાતી રસોયણ બાઈના હાથનો બાજરાનો રોટલો અને દેશી ગોળ તથા કઢી ખિચડી આરોગે છે. કયારેક ઢોકળા, ભજીયાં ભોજનની થાળીમાં જોવા મળે છે.  બે હાથ જોડી અન્નપૂર્ણા દેવીના મંત્રો બોલી ભોજન ગ્રહણ કરે છે.

 વિદેશમાં જન્મી અને ઉછરીને નામાંકિત ડૉકટર હોવા છતાં  ચોસઠ વરસની વયે તેઓ ગુજરાતી બોલી તથા સમજી શકે છે. કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા ભેદ મીટે નહી ભાઈએ લોકપ્રિય ભજન ડૉ.વાસંતીનુ પ્રિય ભજન છે.  એ ભજન એમના મોબાઈલની કૉલરટ્યુન છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ તથા દાસી જીવણના ભજનો પણ સાંભળવા એમને ખૂબ ગમે છે.

યુગાન્ડાના ક્રૂર રાષ્ટ્રપતિ ઈદી અમીનનું શું થયું?? એ સવાલ જયારે ડૉ. વાસંતિને  પૂછીએ છીએ ત્યારે તેઓ તરત જ કહે છે કે ‘સૉરી ! પ્લીઝ ! મને એ યાદ કરાવશો નહી. કર્મો કોઈને છોડતા નથી. જીવનની છેલ્લી અવસ્થામાં એ ઈદી અમીનના એટલા  બુરા હાલ થયા કે રિબાઈ રિબાઈને ૧૬ ઑગષ્ટ ૨૦૦૩માં તે ગુજરી ગયો.

 મૃત્યું પહેલાં  એણે અનેક વાર ડૉ. વાસંતિ મકવાણાની ફોન ઉપર ધ્રુજતા અવાજે રોઈ રોઈને પલ પલ માફી માંગી. ડૉકટર વાસંતી એક જ વાકય કહેતાં  કે ‘મારી રગોમાં આજે પણ  હિન્દુસ્તાની લોહી વહે છે. માફી માંગીને મને વધુ શરમાવશો નહી. મેં તમને માફ કરીજ દિધા છે. તમારા માટે બીજુ તો હું શું કરી શકુ ? પણ તમને માફ કરી દેવા હું ઈશ્વરને પ્રાર્થના કરીશ.’ ( સંદર્ભ : ડૉ. વાસંતી મકવાણા સાથે દિનેશ ગઢવીએ લીધેલ મુલાકાત. સહયોગ : કેતન સોલંકી, રાજકોટ )

ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.  

સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620) 


1 comment: