name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: કોરોના એક અનુભવ

Sunday, February 5, 2023

કોરોના એક અનુભવ

 સસ્તા લોકો પાસેથી મોંઘી અપેક્ષાઓ રાખશો તો આખરે દુઃખી  થશો.

        સાવચેતીમાં સહેજ ક્યાંક ચૂક થઈ અને ક્ષણે કોરોનાએ મારા પર તરાપ મારી. ચીન દેશના વુહાન શહેરની વાયરોલોઝી લેબોરેટરીમાંથી છટકેલા વિમાશાકરી વાયરસને મારી જાણ બહાર મારી સાથે ઘરે લઈને પહોંચ્યો. ત્યાં સુધી મને સ્વપ્નામાંય ખ્યાલ નહોતો કે હું કોરોના સંક્રમિત થઈ ચૂક્યો છું. પરંતુ શરીરતંત્રમાં કોરોનાએ એનો અજગરી ભરડો લેવાનું કામ શરૂ કરી દીધું હતું. તારીખ 20 નવેમ્બરની સાંજે તબિયતમાં જરા નરમાશ લાગી. જમ્યા પછી તાવની ગોળી લેવાની ફરજ પડી એટલું શરીર તપી ગયું. પગમાં સખત દુખાવો, કમર તૂટવા લાગી અને માથું જાણે હમણાં ફાટી પડશે દરજે દુખવા લાગ્યું. મારું છેવાડાનું નાનું અમથું ગામ. અહીં ડૉકટર તો કોઈ મળે નહીં. દાક્તરી સારવાર માટે બાજુના ગામમાં જવું પડે. રાત્રે કોઈને હેરાન કારવનું વિચારી સહે રાખ્યું. પરંતુ રાત પસાર કરવી વિકટ હતી. સતત પડખા ઘસતા, કણસતા રાત પસાર કરવાની હતી. હવે મને સામાન્ય અંદાઝ આવી ગયો હતો કે કોઈ સામાન્ય તાવ નથી . એટલે ઘરનાને દૂર રહેવા સૂચના આપી દીધી. મારી આવી સ્થિતિ જોઈ ઘરમાં પણ ચિંતાનું મસમોટું મોજું ફરી વળ્યું. સવારે ઊઠતાં વેંત બ્રશ કર્યા બાજુમાંથી ભત્રીજાને બોલાવી ગાડી લઈ આકરૂન્દ પી એચ. સી. પર પહોંચી ગયો. ત્યાં રેપીડ ટેસ્ટ કરાવ્યો અને મારું અનુમાન સાચું પડ્યું. રિપોર્ટ કોરોના પોઝીટવ આવ્યો. આટઆટલા મહિનો સુધી ખૂબ સાવચેતી રાખેલી. એમ છતાં કોરનાએ મારા પર કયા સમયે તરાપ મારી, કાયા પ્રવેશ કર્યો હું હજી નથી સમજી શક્યો. હા, ક્યારેક હું પણ ઓવર કોન્ફ્યુડેન્સમાં રહેતો કે કોરોના આપણું શું બગાડી લેશે! કદાચ ઓવર કોન્ફ્યુડેન્સ મને મોંઘો પડ્યો. કોરોનાએ હવે મારા શરીરમાં દોડધામ મચાવી હતી. શરીરમાં એકાએક આવેલી અશક્તિ કલ્પી ના શકાય એવી હતી. રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતાં વાત્રક કોવિડ હોસ્પિટલ જઈ સી.આર.પી. ટેસ્ટ કારવવો મને વધુ મુનાસીબ લાગ્યું. ગાડીમાં બેસીને જઈ શકાય એટલી શક્તિ જાણે બચી હતી પાછળની સીટમાં આરામ કરતો વાત્રક હોસ્પિટલ પહોંચ્યો.

 
                 કોરોના કાળમાં પહેલીવાર કોઈ કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ સામાજિક અંતર જાળવી પોતાના રિપોર્ટ અવવાની રાહ જોતાં બેઠાં હતાં. કેટલાંક તો ત્યાં બગીચાની લોન પર લંબાવી સૂઈ ગયાં હતાં. એક પરિવાર તો એવો પણ હતો કે પરિવારના બધાં સભ્યો કોરોના સંક્રમિત. દાદા, દાદી , દીકરો, પુત્ર વધુ, પૌત્ર, પૌત્રી. એક પરિવારના સભ્યો પાસપાસે બેસી શકતાં હતાં. હજી જે કોઈ લોકો મહામારીની ગંભીરતા સમજવા તૈયાર નથી તેઓએ કોવિડ 19 હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડની લટાર મારી આવવી જોઈએ. તંદુરસ્ત માણસ સહજ રીતે શ્વસનમાં ઓક્સિજન લેતો હોય છે જ્યારે ગંભીર રીતે સંક્રમિત દર્દીઓ એક એક શ્વાસ લેવા મહેનત કરવી પડતી હોય છે.

             બધા વિચારોમાં મારા શરીરમાંથી પણ જાણે એક લખલખું પસાર થઈ ગયું. બ્લડ સેમ્પલ આપ્યું. રિપોર્ટની રાહ જોતો બેઠો હતો. કેવાય વિચારો માનસપટ પરથી પસાર થવા લાગ્યા. કોઈપણ દર્દ બીજા કોઈને થાય ત્યારે સલાહો આપવી સરળ છે. પરંતુ જાત પર આવી પડે ત્યારે ખરી હિંમત દાખવવાની હોય છે. મનોમન દૃઢ નીર્ધાર કર્યો કે રિપોર્ટ જે આવે તે પણ હું કોરોના સામે લડાઈ તો યોદ્ધાને છાજે એવી રીતે લાડીશ.

          દોઢ એક કલાકની રાહ જોયા બાદ રિપોર્ટ આવી ગયો હતો.
વાત્રક હોસ્પિટલ કોવિડ-19 મહામારી દરમ્યાન જે કામ કરી રહી છે ખરા અર્થમાં કાબિલે તારીફ છે. અહીંના સુપ્રિટેડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહ સૌમ્ય અને નિખાલસ સ્વભાવ ધરાવતા હોનહાર ડોકટર છે. તેઓના માર્ગદર્શન હેઠળ પી ડી. સાંભળતા ડૉ. કેતનભાઈ અને સમગ્ર સ્ટાફ દર્દીઓની આત્મીયભાવે સેવાઓ આપે છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડ 19 ની સારવાર નામે લાખોના બિલ દર્દીઓને પકડાવી દે છે. જ્યારે વાત્રક હોસ્પિટલ નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે. માટે હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન ધીરુભાઈ પટેલ , કોદરભાઈ પટેલ અન્ય સાથે ટ્રસ્ટીઓ , સૌ.મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ અભિનંદન આપીએ એટલા ઓછા છે.

             સંક્રમણને કારણે પી.ડી. ખુલ્લામાં કરવામાં આવતી. ખુલ્લા મેદાનમાં છુટાછવાયાં દર્દીઓ બેઠાં હોય. ડૉકટર એક પછી એક દર્દીને બૂમ પાડી બોલાવે. અને ખૂબ ધીરજ પૂર્વક દવાની સમજ આપતા હતા. આખરે ડોકટરનો સાદ કાને પડ્યો "ઈશ્વરભાઈ પ્રજાપતિ" અને હું પહોંચ્યો ડોકટર પાસે. હૃદયના ધબકારાની ગતિ બમણી ગતિ પકડી હતી. રિપોર્ટ ડોકટરના હાથમાં હતો. વાંચીને શુ નિદાન કરે છે સાંભળવા કાન આતુર હતા. ગરમ ટોપી કાન પરથી થોડી ઊંચી કરી. ડોકટરે કહ્યું. સંક્રમણ છે. ઘરે રહી દવા લઈ શકો છો. રિપોર્ટ જોતાં દાખલ થવાની જરૂરિયાત લાગતી નથી. એક વાતે રાહતનો ઊંડો શ્વાસ લીધો. પણ ડોકટરે બીજી એક શરત મૂકી કે "ઘરે સાચવવું ખૂબ પડશે. ઘરે બીજાં સભ્યો સંક્રમિત થાય એની કાળજી રાખશો." પરિવાર જનોના ચહેરા નજર સામે તગતગવા લાગ્યા. એક નાનકડી ચૂકની કિંમત હવે આખા પરિવારે ચૂકવવી પડશે. વિચારે પોતાની જાત પર ખિન્નતાનો ભાવ ઉઠ્યો. હવે મારે તો પથારીમાં રહેવાનું હતું સાચવવનું પરિવારે હતું. દીકરી રાહી તો ફોઈના ઘરે છે. સારું થયું. પરંતુ તોફાની કાવ્યાર્થને કેમ સાચવાશે. બાની ઉંમર પણ સિત્તેરની આસપાસ છે. એના સ્વાસ્થ્યને પણ જલ્દી અસર થઈ શકે. અને બધાને સાચવવનું કામ પત્ની કીર્તિનું. ઘરે પહોંચતાં કીર્તિએ કહ્યું તમે ફિકર કરો હું બધું સાચવી લઈશ. મારી પથારી અલગ ખંડમાં કરી દીધી. અને પોતે તળાવની પાળ પર આવેલ બ્રહ્માણી માતા મંદિરે ઉઘાડા પગે દીવો ભરવા ચાલી. શ્રદ્ધા માનો તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માનો તો અંધશ્રધ્ધા પરંતુ પ્રાર્થના અને ટેકમાં ગજબનું બળ છે એમ હું દૃઢ પણે માનું છું.

             હોસ્પિટલથી ઘરે પહોંચતાં સુધીમાં તો વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે " ઈશ્વરને કોરોના છે." રસ્તામાંથી ફોનની ઘંટડી શરૂ થઈ. જેટલા ફોન, એટલી સલાહ! "ઉકાળો પીજો, લીંબુ સરબત પર મારો રાખજો, મોસંબી ખૂબ ગુણકારી છે, નાસ તો ત્રણ ચાર વાર લેજો, ઓક્સીઝન માપતા રહેજો." જાત જાતની અને ભાતની સલાહો! પણ હા, દરેકની સલાહ સ્નેહ મિશ્રિત હતી.. એમને હું જલ્દી સ્વસ્થ્ય થાઉં માટેની ચિંતા પ્રગટ થતી હતી. આવા ચિંતા કરવા વાળા સ્વજનો અને મિત્રો બધાના નસીબમાં નથી હોતા. માટે હું મારી જાતને ખુશ નસીબ સમજુ છું.

               હોસ્પિટલથી ઘરે પહોંચ્યા પછી ઘરની તમામ વ્યવસ્થા અને વ્યવહારમાં હવે બહુ મોટો ફેરફાર આવી જવાનો હતો. પરિવાર પર સંક્રમણનો ભય તોળાઈ રહ્યો હતો. હવે નાની અમથી ચૂક પણ પરિવાર માટે મોટી આફાત નોતરી શકે તેમ હતી. દીકરા કાવ્યાર્થને કપડાં લઈ કાકાને મોકલી દીધો. પત્ની કીર્તિ અને બા હવે ઘરમાં પણ માસ્ક પહેરી ફરવું ફરજીયાત બની ગયું હતું. રસોઈનું મેનુ અને ટાઇમટેબલ પણ હવે 15 દિવસ માટે બદલાઈ જવાનું હતું. ઉકાળો, નાસ, લીંબુ પાણી, ગોળીઓ, દેશી ઉપચાર જીવનનો એક ભાગ બની જવાનો હતો. મારી પથારી અલગ રૂમમાં તૈયાર હતી. શરીરમાં કળતર જબરજસ્ત હતી. હોસ્પિટલથી આવી સીધો પાથરીમાં સુઈ ગયો. બેઠા રહેવાની તાકાત શરીરમાં રહી નહતી. પરિવારનો એક માત્ર જવાબદાર વ્યક્તિ જ્યારે આમ મહામારીના ભરડામાં સપડાઈને પથારીમાં પડે ત્યારે આખા ઘરની શી સ્થિતિ થાય એનો અણસાર વાતાવરણમાં વર્તાતો હતો.
         એક બાજુ બે બહેનના ઘરે ભાણીના લગ્ન છે. એક 30 નવેમ્બરના રોજ અને બીજા બહેનને ત્યાં 10 ડિસેમ્બરે . ડિસેમ્બર.મહિના લગ્નને હજુ દિવસો બાકી હતા પરંતુ 30 નવેમ્બર ના ભાણીના લગ્ન વખતે મારો કોરાંટાઇન પ્રિયડ પણ પૂરો થતો હતો. અને મામેરું મારા ઘરેથી લઈ જવાનું હતું. એક વાતે રાહત હતી કે મામેરાની ખરીદી તેમજ બીજું તમામ કામ પૂર્ણ કરી દીધું હતું. એટલે હવે આપવા જવાની ચિંતા હતી. બહેનો બનેવી બધાના પરિવારમાં પણ પ્રસંગ બાબતે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સરકારે પણ રાત્રી કરફ્યુ જાહેર કર્યું. સુપ્રીમ કોર્ટ પણ સરકારની ઝાટકણી કાઢી નાખી. પ્રશ્ન વૈશ્વિક છે. માટે ચિંતા ઉપાય નથી પરંતુ સાવચેતી રાખી મર્યાદિત સંખ્યામાં લગ્ન ઉજવી લેવું એમાં શાણપણ છે. બહેન બનેવીને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી અને મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્ન પૂર્ણ કરવા સહમત કર્યા.

             હવે મારા રૂમની ચાર દીવાલો, મારી પથારી, પથરીની બાજુ રાખેલી ટીપોઈ પરની દવાઓ અને કેટલાંક પુસ્તકો આગામી દિવસોના મારા સંગાથી હતા. એકાંતવાસ દરમિયાન ઘણાં સર્જનાત્મક કામ હાથ પર લેવા મન તલપાપડ હતું. પરંતુ શરીરની હાલત જોતાં એક પણ કામ પૂર્ણ થવાની શક્યતા હલપુરતી તો જણાતી નહીં.

 
         શિક્ષણઋષિ ડૉ. મોતીભાઈ પટેલ સાહેબે ઉર્ફે આદરણીય મોતીદાદા મોકલેલાં પુસ્તકો મારી બાજુની ટીપોઈ પર રાખેલાં. સુવિખ્યાત સર્જક વીનેશ અંતાણીની સ્મૃતિયાત્રા "એક હતો વીનેશ" વાંચતો હતો અને બીમાર પડ્યો હતો એટલે અધૂરી રહી ગઈ હતી. કથા એવા વળાંકે આવીને અટકી હતી કે બીમારીમાં પણ કથા આગળ વાંચવાની લાલચ હું ખાળી શક્યો.


દીકરી રાહી મારી બહેનને ઘરે ભાવનગર હતી. બહેનના ઘરે થતી વાત ઉપરથી રાહીને અંદાજ આવ્યો કે પપ્પા બીમાર છે. અને રાહીબેને તો રડવાનું શરૂ કર્યું. રાહીને હવે છાનું કોણ રાખે ? ફોઈએ ઘણી સમજાવી પણ રાહી માને શાની! ઘરે કીર્તિ પર વીડિયો કોલ કર્યો. પણ રાહીબેન તો બસ રડતા રહ્યા. ધ્રુસકે ચડેલી દીકરીનાં ધ્રુસકાં સાંભળી મારૂ પણ હૃદય ચિરાઈ ગયું. "મારે તો પપ્પાની પાસે આવવું છે." જીદ લઈને રડ્યા કરતા રાહી બેનને મેં ખુદ વીડિયો કોલ કરી સમજાવવા પ્રયત્ન કર્યો કે બેટા મને કંઈ નથી થયું. હું બિલકુલ સ્વાસ્થ્ય છું. ત્યારે માંડ મામલો થાળે પડ્યો. આવડી નાની ઉંમરે પણ દીકરીને બાપની કેટલી ફિકર હોય છે! ખરા અર્થમાં દીકરી જીવનમાં આવેલી એક એવી વસંત છે જેને કદી પાનખર નથી આવતી.

             રાત પડે થોડો તાવ હતો જમવાની કોઈ ઈચ્છા થતી નથી. મો કડવાશથી ભરાયેલું છે. એમ છતાં આગ્રહને કારણે થોડું જમવું પડ્યું. હળદલ, તુલસી,સૂંઠ અને અન્ય ઘરેલુ ઔષધિનો ઉકાળો પીધો. ગોળીઓ લીધી. રાત્રે સુવાની તૈયારી કરતો હતો ત્યાં ફોનમાં વીડિયો કોલની રિંગ રણકી! ફોન બીજા કોઈનો નહીં પરંતુ દીકરા કાવ્યાર્થનો હતો. મારા રૂમમાં આવવાના પ્રતિબંધથી ફોન કરી ખબરઅંતર પૂછી રહ્યો હતો. એનો હસતો ચહેરો જોઈ દર્દ થોડી વાર માટે વિસરાઈ ગયું.

     

                   સંક્રમિત થયાને ચૌદ - ચૌદ દિવસ પસાર થઈ ગયા. છેલ્લા ચૌદ દિવસથી ચાર બંધ દીવાલો વચ્ચે માત્રને માત્ર હું અને હું હતો. અને આરંભ થયો અંતરયાત્રાનો! કયારેક વિચારું છું કે ભીતર યાત્રાની વ્યવસ્થા કુદરતે કરી આપી. બાકી જાતને મળવા હવે ક્યાં સમય બચ્યો હતો? કામ, પેલું કામ, આનું કામ પેલાનું કામ. બસ કોઈનું પણ, કાંઈ પણ કામ હોય, દોડી જવાનું. જીવનની ભાગદોડમાં ખરેખર જીવન જીવવાનું વિસરાઈ જવાયું હતું એમ લાગ્યું. મારા એકાંતદ્વીપ પર ધસમસતા વિચારોના એવા ઘોડાપૂર ઉમટ્યા એમાં ઘણું ઘણું તણાઈને દૂર ચાલી ગયું. તો બીજી બાજુ બીજું ઘણું ઘણું તણાઈને મારી પાસે લગોલગ આવીને ઉભું રહી ગયું. ચૌદ દિવસના એકાંતવાસ માં એટલું તો સમજાયું છે કે સુખ સમજી જેની પાછળ ભૂરાયા થઈ દોટ મૂકી હતી સઘળું તો આભાસી નીકળ્યું. જે પરિવાર માટે પળનો પણ સમય હતો પરિવાર , સ્નેહી અને સ્વજનોની હૂંફથી ફરી બેઠા થવાની ઉર્જા પ્રાપ્ત થઈ. જે લોકો માટે દિવસ રાત જોયા વિના દોડ્યો, અથડાયો, કૂટાયો તેઓ ફોન કરી ખબર અંતર પૂછવાનો પણ વિવેક ચુક્યા. ત્યારે એટલું તો સમજાયું કે તમારી હયાતી છે તો દુનિયા છે બાકી કોઈનેય ક્યાં કોઈનીય પડી હોય છે ?
        હવે મારી દિનચર્યા ધડમૂળથી બદલાઈ ગઈ છે. ક્યાંય જવાની, ક્યાંય કે પહોંચવાની કોઈ ઉતાવળ હતી. સ્વાસ્થ્ય સુધાર સિવાય બીજું એકેય કામ અગત્યનું લાગતું નથી. આમ જુઓ તો ફુરસત ફુરસત હતી. પરંતુ તબિયત નરમ હોવાને કારણે કંઈ પણ કરવું ગમતું હતું. શરીર ખૂબ અશક્તિનો અનુભવ કરતું હતું. આખો દિવસ પથારીમાં પડ્યા પડ્યા જાત સાથે સંવાદ સાધવાનો અવસર હતો.

         સામાન્ય રીતે રોજ સવાર વોટ્સએપ પર ગુડ મોર્નિંગના ફોર્વડેડ સંદેશા વાંચવાથી થતી. નવરાશની પળોમાં સમજાયું કે તમે કોઈના બ્રોડકસ્ટ ગ્રૂપના એક કોન્ટેક્ટ નંબર માત્ર છો. તમારી મોર્નિંગ ગુડ હોય કે બેડ એનાથી બ્રોડકસ્ટ ગ્રૂપ એડમીનને કોઈ લેવાદેવા નથી હોતી. માત્ર ઓપચારિતા પુરી કર્યાનો સંતોષ મેળવે છે. તેઓની ઔપચારિકતાને આપણે આપણા તરફનો અહોભાવ સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. ભૂલ સમજાય તો એને સુધારી લેવામાં શાણપણ છે. માટે સૌ સજ્જન મિત્રોને વિનંતી હજી પણ જો હું તમારા બ્રોડકસ્ટ લિસ્ટમાં હોઉં તો મને રિમુવ કરવાની કૃપા કરશો. તમને બ્લોક કરી શકું એટલી કઠોરતા કોરના પણ મને નહીં શીખવી શકે. પરંતુ હવે વધુ સમય તમારી ઔપચારિકતાનો હિસ્સો બનવા હું તૈયાર નથી.

         હવે મારી સવાર પત્નીના ગુડ મોર્નિંગથી થઈ રહી છે. સિવાય બીજા પણ દિલની નજીકનાં સ્નેહીજન જનોના પ્રભાતની શુભેચ્છાઓથી મારી ઉષા ખીલી ઉઠે છે. સવારે આંખ ખુલતાની સાથે હૂંફાળું લીંબુ પાણી લઈ સુંદર સ્મિત સાથે કીર્તિ ઉભી રહેતી. ક્ષણે દુનિયાના સૌથી આમિર વ્યક્તિ કરતાં પણ અધિક સુખી મને હું લાગ્યો.

            થોડીવાર પાથરીમાં યોગ કર્યા બાદ આયુર્વેદિક ઉકાળો તૈયાર હોય. રસોડામાં રહેલું મસાલીયાનો ડબ્બો કેટલો શક્તિશાળી ચૌદ દિવસ દરમ્યાન જાતે અનુભવ્યું. ઉકાળા પાન બાદ હૂંફાળા પાણીના મીઠના કોગળા અને બ્રશ કરીને આવું ત્યાં તો ટીપોઈ પર ચા અને ગરમ ભાખરી તૈયાર હોય. ત્યાર પછી નાહીં ધોઈને તૈયાર થઈ ધાબે જઈ સૂર્યનારાયણના તડકે બેસી પ્રાર્થનામાં ડૂબી જતો. આકાશેથી યુગોથી અવિરત કૃપા વરસાવતા સૂર્યનારાયણ ભગવાન ધ્યાન ધરવાથી ગજબની ઉર્જા પ્રાપ્ત થયાનું અનુભવ્યું. ભાગદોડ ભર્યા જીવનમાં સૂરજ દાદા સાથે ગોષ્ઠી કરવાનો જીવનનો આવો લ્હાવો ક્યારે લીધો હતો પણ ક્યાં યાદ છે?. સમસ્ત જીવસૃષ્ટિ પર સુરજદાદાના કેટલા ઉપકારો છે !

          ચૌદ દિવસ ધાબે બેસી ઉષાના ખુશનુમા સૌંદર્યને મેં મન ભરીને માણ્યું છે. રોજ સવારે દસ વાગે હળદર વાળું દૂધ અને ફ્રુટની ડિશ ધાબે પહોંચી જાય. પૂરું કરી સવારની ગોળીઓ લઈ પથારીમાં આરામ કરતો. ફરી પાછું અગિયાર વાગે મગનું પાણી અને બાફેલા મગ તૈયાર હોય. હું સતત આરામ કરતો પરંતુ મારો સમય સાચવવા આખું ઘર સતત ઊભું રહેતું. રોજ બપોરે 1 થી 1:30 વચ્ચે બપોરનું ભોજન લેતો. ભોજનમાં પણ જે ભાવતું હોય ડિશ તૈયાર હોય! ભોજન બાદ બપોરની ગોળી અને ફરી પાછો આરામ.

        આરામ કરી ઊઠો કે તરત નાસ તૈયાર હોય. નાસ લઈ માથું ઊંચું કરો ત્યાં ટીપોઈ પર ચા - નાસ્તો આવી ગયો હોય. સાંજ પડે ફ્રુટ અને રાત્રે જમીને પાછી ગોળી. સૂતાં પહેલાં હળદર મિશ્રિત દૂધ અને છેલ્લે નાસ. સાચું કહું તો આખો દિવસ ખાવાપીવાથી કંટાળી જવાતું.
ગોળીઓને કારણે જીભમાં એટલી કડવાશ રહેતી કે જમવાનું કંઈ ભાવતું હતું. એમ છતાં ઘરનાં બધાએ ભેગા મળી દમ મારી મારીને ખવડાવે રાખ્યું. અને મારા શરીરમાં અશક્તિ એટલી હતી કે આપણે દમ મારવાના લાયક નહોતા. હોમ મિનિસ્ટરના હુકમનો આદર કરે છૂટકો હતો.
તમને જાણી ને આશ્ચર્ય થશે કે ફેસબુક પર હું પાંચ હજાર મિત્રો(?) ધરાવું છું. વોટ્સએપ ગ્રુપના પણ સેંકડો મિત્રો(?) ધરાવું છું. અરે કેટલાક ગ્રૂપનો તો એડમીન હું પોતે છું. એમ છતાં મારી માંદગીના સમાચાર જાણ્યા પછી મારા સ્વાસ્થ્યની ચિંતા કરી ફોન દ્વારા ખબર અંતર પૂછ્યા હોય એવા ખરા મિત્રો તો અગળીના ટેરવે ગણી શકાય એટલા નીકળ્યા. ત્યારે વિચાર આવે કે જીવનના નાજુક સમયમાં ઔપચારિકતા દાખવવા માટે પણ જેઓને સમય નથી એવા સસ્તા લોકો માટે આપણે આપણી જિંદગીનો અમૂલ્ય સમય કેમ વેડફી વેડફી નાખવો જોઈએ?? કોરોનાનો પણ આભાર માનવો રહ્યો કારણ કે જો એને મારી કાયા પ્રવેશ કર્યો હોત તો મારા મગજમાં ભરાયેલી રાઈ કદાચ ક્યારેય નીકળતી! ખેર જગ્યા ત્યારથી સવાર!

          દુનિયા સાવ નફ્ફટ લોકોથી ભરી પડી નથી. રણમાં મીઠી વીરડી સમાન વ્યક્તિઓ પણ પૃથ્વી લોક પર વસે છે. એટલે પૃથ્વી આટલી સુંદર દીસે છે. એવી વ્યક્તિઓ જેઓ સાથે મારે લોહીનો કોઈ સંબધ નથી એવી વ્યક્તિઓએ જ્યારે મારા કોરોના સંક્રમણના સમાચાર જાણ્યા દિવસથી આજ દિન સુધી સતત ચિંતા કરી ફોન કરી મારા મનોબળને દૃઢ કરતા રહ્યા છે. એમાં સુપ્રસિદ્ધ કેળવણીકાર પૂજ્ય મોતીદાદા, આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ, વિમલભાઈ, ચિરાગભાઈ, હરેશભાઇ, નિતિનભાઈ અને માર્મિકભાઈ જેવા મિત્રોના નામ સમાવિષ્ટ છે.

        મારા એકાંતવાસના અનુભવ લખવાનું સૂચન પૂજ્ય મોતીદાદાનું હતું. અનુભવ લખ્યા. બીજાને ઉપયોગી થશે કે નહીં તો નથી જાણતો પરંતુ મને આમાંથી જીવનનો ઘણો મોટો બોધપાઠ મળ્યો છે. પરમ આદરણીય દેવન્દ્ર પટેલ સર સમયની વ્યસ્તતા વચ્ચે પણ દર બે દિવસે ફોન કરી અચૂક ખબર પૂછતા. માણસ મહાન બને છે અમથો નથી બનતો. માણસની અંદરના ગુણો અને પ્રચંડ સફળતા બાદ નમ્રતા અને નિખાલસતા જાળવી રાખનાર વ્યક્તિ મહાન બનતી હોય છે. દેવન્દ્ર પટેલ સરના સ્વભાવની સરળતા અને પોતાના અંગત વ્યક્તિની સ્વાસ્થ્યની ચિતા કેટલી હદે કરે છે એનો વધુ એક પ્રસંગ મારા હૃદયને સ્પર્શી ગયો

.              30 નવેમ્બર. દેવન્દ્ર પટેલ સરના ઘરે તેઓની પૌત્રીના લગ્ન હતાં. યુ.પી. નાં રાજ્યલાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અને શિક્ષણવીદ ડૉ. મફતલાલ સાહેબનો પરિવાર જાન લઈને આવવનો હતો. સામાન્ય ઘરે પણ લગ્ન હોય, જાન આવવાની હોય તો ઘરે કેટલી ધાંધલ ધમાલ હોય! પરિવારજનો કેટલા વ્યસ્ત હોય આપણે સૌ જાણીએ છીએ. ત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં મોખરાનું સ્થાન ધરાવતો પરિવાર જયારે ઘરે જાન લઈને આવવાના હોય ત્યારે તેઓને આવકારવા પરિવાર કેટલો વ્યસ્ત હોય સમજી શકાય એમ છે. આટલી વ્યસ્તતા વચ્ચે જાન આવતાં પહેલાં સવારે દસ વાગે દેવેન્દ્ર પટેલ સરનો ફોન આવ્યો. મને પણ આશ્ચર્ય થયું. કે આજે કેમ સાહબે કેમ ફોન કર્યો હશે ? આતુરતા સાથે ફોન રિસીવ કર્યો. દેવેન્દ્ર પટેલ સરના શબ્દો હતા " ઈશ્વરભાઈ હવે તમારી તબિયત કેમ છે? મેં કહ્યું સર તબિયત તો સુધરા પર છે. પરંતુ આજે તો આપના ઘરે લગ્ન છે તો સમયે તમે મને ફોન કર્યો? ત્યારે સાહેબે કહ્યું "બસ, તમારી ખબર અંતર પૂછવાજ ફોન કર્યો હતો. ખૂબ કાળજી રાખજો. આપણે છીએ તો દુનિયા છે." દેવેન્દ્ર પટેલ સરને મનોમન દંડવત કર્યા. આવી વ્યક્તિ ઘરમાં મોટો અવસર હોય અને આપણા સ્વાસ્થ્યની ચિંતા કરે તો સમજવું આપણો ફેરો સાવ ફોગટ નથી ગયો.
           સૌ સ્નેહી જનોની શુભેચ્છાઓથી ચૌદ દિવસના એકાંતવાસ બાદ હવે સ્વસ્થ્ય છું. ઘરમાં એક ખંડમાંથી બીજા ખંડમાં હરિફરી શકું છું. થોડી અશક્તિ હજુય છે. ડોકટરે હજી બીજા 14 દિવસ ઘરે રહી આરામ કારવાનું સૂચવ્યું છે. તબિયત સુધારો થતાં વાંચી લખી શકું છું એટલે સમય ક્યાં પસાર કરવો એની ફિકર નથી. "પુસ્તકો શ્રેષ્ઠ મિત્રો છે" સુવિચારમાં વાંચ્યું હતું હવે અનુભવી પણ રહ્યો છું.

          એકાંતવાસના મનોમંથન બાદ એક તારણ પર પહોંચ્યો છું.કે શરીર, સ્વાસ્થ્ય અને પરિવારથી વધુ અગત્યનું કાંઈ નથી. સસ્તા લોકો પાસેથી મોંઘી અપેક્ષાઓ રાખશો તો આખરે દુઃખી થશો.


No comments:

Post a Comment