Sunday, February 12, 2023

સન્ડે સ્પેશિયલ

અરવલ્લી ગિરિમાળાની  સાહિત્ત્યિક વેલ પર પાંગરતું સુગંધીદાર પુષ્પ એટલે :યુવા લેખિકા  ક્રિશ્ના પટેલ  



 

        અરવલ્લીની આ માટીમાં સાહિત્યનું કોઈ ગજબનું તત્વ ભળેલું જણાય છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રમણલાલ સોની, ભોગીલાલ ગાંધી, દેવેન્દ્રભાઈ પટેલ જેવા સમર્થ સાહિત્યકારો અને પત્રકારો આ ભૂમિની ભેટ છે. અહીં શબ્દ વાવોને કાવ્યત્વ, લલિત નિબંધ અને નવલ પ્રગટે છે. ક્રિશ્ના પટેલ આ ભૂમિનાં જ યુવા લેખિકા છે. 

    શબ્દની આંગળી પકડી જિંદગીનું સરનામું શોધવા સાહિત્યિક સફરનાં પગરણ માંડ્યા છે. અને આ શબ્દયાત્રાનું પરિણામ એટલે લેખિકાનું પહેલું પુસ્તક "જિંદગીના સરનામે" પ્રથમ પુસ્તકની સફળતાએ ક્રિષ્નાનું નામ સાહિત્ય જગતમાં લેખિકા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. સફળતાને સંતોષ માની બેસી રહે એ ક્રિશ્ના નહીં !
બીજાઓ કરતાં અલગ ચીલો ચતારવો એ ક્રિશ્નાનો સાહજિક સ્વભાવ છે. અને એટલે જ ખૂબ ઓછા સમયમાં તેઓ બીજું પુસ્તક "જીવતું જાગતું ગોકુળ નિવાસ - એક સંઘર્ષ કથા " લઈ ભાવકો સમક્ષ પ્રસ્તુત થયાં છે.
   
             લેખિકા ક્રિશ્નાનું પ્રથમ પુસ્તક 'જિંદગીના સરનામે' શબ્દ સુવાસ ગુજરાતના સીમાડાઓ ઓળંગી બંગાળ સુધી પહોંચી. પુસ્તકમાંના લાગણીભીના શબ્દો કલકત્તાના એક ગુજરાતી પરિવારના હૃદયને સ્પર્શી ગયા. આ પરિવારે ક્રિશ્નાને વિમાન ની ટીકીટ મોકલી કલકત્તા તેડાવી. લેખિકા આ પરિવાર સાથે પંદરેક દિવસ રહી અને એને જે સાંભળ્યું, જોયું અને અનુભવ્યું એ બધું આ પુસ્તક રૂપે અવતર્યું.
        સાંપ્રત સમયમાં સંયુક્ત પરિવારની વિભાવના કલ્પના સમાન લાગે છે. વિશ્વ સાથેના સંપર્કો વધતા રહ્યા પરંતુ પરિવારના સદસ્યો વચ્ચેના અંતરો સતત વધતા રહ્યા છે. આવા વિસમ વાતાવરણ વચ્ચે રણમાં મીઠી વીરડી સમાન એક સંસ્કારિત પરિવારની સંઘર્ષ ગાથાને પ્રસ્તુત કરતું આ પુસ્તક તૂટતા અનેક પરિવારો માટે અક્સિર ઔષધિરૂપ પુરવાર થશે એમાં કોઈ બેમત નથી.

        કચ્છના એક નાના અમથા ગામના સાવ સાધારણ પરિવારમાં જન્મેલા મનોહરલાલ રૂડાની પરિવારની સંઘર્ષ કથા બહેન ક્રિષ્નાએ આબેહૂબ આલેખી છે. મનોહરલાલ રૂડાનીની કચ્છથી કલકત્તા સુધીની સફર દિલધડક છે. લેખિકા ક્રિશ્નાની આગવી લેખન શૈલીને પરિણામે પુસ્તકના પ્રસંગો વાંચનારની નજર સમક્ષ ચલચિત્ર બની ભજવાઈ રહ્યા હોય એવી પ્રતીતિ સતત થતી રહે છે.

        એક સમયે કલકત્તા ભાડાના મકાનમાં રહેતા અને સ્કૂટર પર પરિવારના ચાર સદસ્યોને લઈને મુસાફરી કરતા મનોહરલે પરિશ્રમથી જીવનની દશા અને દિશા બદલી નાખી. સમૃદ્ધિના શિખરે હોવા છતાં આ પરિવારે સંસ્કારિતા પણ જાળવી રાખી છે.
        લેખિકા ક્રિશ્નાએ જીવતું જાગતું ગોકુળ નિવાસ - એક સંઘર્ષ કથાને શબ્દબદ્ધ કરીને સમૃદ્ધ છતાં સંસ્કારિત પરિવારનો સમાજને પરિચય કરાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો
            ક્રિષ્ના પટેલ યુવાન છે. લેખન પ્રત્યે નિસબતથી કામ કરવા પ્રતિબદ્ધ જણાય છે. ફોન જોકી યુટ્યુબ ચેનલ થકી   અવનવું જ્ઞાન પીરસીને સેંકડો લોકોના દિલ જીતી લીધા છે. સાહિત્ય વિશ્વમાં વિહરવા પાંખો ખોલી નાખી છે. આગામી સમયમાં સાહિત્ય ક્ષેત્રે નામના મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવું છું.

પુસ્તક પ્રાપ્તિ સ્થાન.
B- 13,  અમૃતાલય,  રોયલ પ્લાઝા, ઉમિયા ચોકની સામે,  મેઘરજ રોડ, મોડાસા, અરવલ્લી, પિન : 383315. મો. 9638236470
- ઈશ્વર પ્રજાપતિ
9825142620.

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts