Sunday, October 9, 2022

સન્ડે સ્પેશિયલ - 38

સિઆચેન જ્યાં એક શહીદ થયેલ જવાનની આજે પણ ડ્યુટી લાગે છે અને સમયાંતરે પ્રમોશન પણ આપવામાં આવે છે.


        વિશ્વમાં કેટકેટલીય ઘટનાઓ ઘટતી હોય છે કે જે સામાન્ય મનુષ્યની સમજશક્તિની બહાર હોય છે. જેને મનુષ્ય કાંતો ચમત્કારમાં ખપાવે છે અથવા તો એ બનાવ કે ઘટનાને જોગાનુજોગ માનવામાં આવે છે.  લેખક હર્ષલ પુષ્કર્ણા લિખિત અને ખૂબ જાણીતા બનેલા પુસ્તક આ છે સિઆચેન’માં ઓ.પી. બાબા ટેમ્પલની વિસ્તૃત વાત કરવામાં આવી છે. શહીદ થયેલ જવાનનું બનાવવામાં આવેલ મંદિર સિઆચેનમાં ફરજ બજાવતા સૌ ફૌજીઓનું આસ્થાનું કેન્દ્ર છે. જવાનોનું માનવું છે કે ઓ.પી. બાબા તમામ મુસીબતોથી તેમનું રક્ષણ કરે છે.  ઓ.પી. બાબા ટેમ્પલની અક્ષરશઃ  વાત લેખક હર્ષલ પુષ્કર્ણાના શબ્દોમાં જ અહી પ્રસ્તુત છે.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

         શીખ બટાલિઅનના ગેસ્ટરૂમથી આશરે બે-અઢી કિલોમીટરના અંતરે સિઆચેન હિમનદીનું મુખ આવેલું છે. બર્ફીલી ચાદર ત્યાં જળપ્રવાહમાં રૂપાંતર પામે છે. નદીના કાંઠા પાસે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. ઓ. પી. બાબા ટેમ્પલ તરીકે ઓળખાતું એ મંદિર સામાન્ય પ્રકારનું નથી, બલકે ખાસ છે. બે અસાધારણ બાબતો તેને ખાસ બનાવે છે: (૧) ઓ. પી. બાબા ટેમ્પલ એવું ધાર્મિક સ્થળ છે કે જ્યાં તમામ ધર્મ- સંપ્રદાયોના જવાનો અફસરો પોતપોતાની શ્રદ્ધા મુજબ પ્રાર્થના તેમજ બંદગી કરી શકે છે. ઓ. પી. બાબા મંદિર એ રીતે ‘સર્વ ધર્મ સ્થલ’ મતલબ કે ઓલ- ઇન-વન ધર્મસ્થાન છે. (૨) આ ધર્મસ્થાનને વિશેષ બનાવતી બીજી ખાસિયત તેના નામ ‘ઓ. પી. બાબા’માં રહેલી છે. સિઆચેનમાં ડ્યૂટી માટે આવેલા જવાનો/અફસરો ચાહે ગમે તે ધર્મ-સંપ્રદાયના હોય, પણ ઓ. પી. બાબામાં તેમની શ્રદ્ધા અડગ છે એટલું જ નહિ, પણ બુલંદીએ છે. ઓ. પી. બાબાની મંજૂરી લીધા વિના કોઇ જવાન કે અફસર પહાડી ચોકીએ પોતાની ડ્યૂટી બજાવવા પ્રયાણ કરતો નથી. એ જ રીતે ચોકીએથી ડ્યૂટી બજાવીને પરત ફરેલા જવાનો અફસરો બેઝ કેમ્પમાં પગ મૂકતાવેંત પહેલું કામ ઓ. પી. બાબાને સલામી આપવાનું કરે છે.

               અહીં ‘બાબા’ શબ્દ વાંચ્યા પછી ધાર્મિક ચેનલો ૫૨ વ્યાખ્યાનો આપવા પ્રગટ થતા મહાનુભાવોની છાપ મગજમાં કદાચ ઉપસે, પરંતુ એને છાપભૂલ ગણવી રહી. કારણ કે ‘બાબા’ શબ્દ જરા ભ્રામક છે. ઓ. પી. બાબાનું અસલ નામ ( શહીદ ) ઓમ પ્રકાશ છે. ૧૯૮૦ ના દસકા દરમ્યાન તેઓ સિઆચેનની ‘માલૌન’ ચોકીએ તોપચી ટુકડીના સૈનિક તરીકે ડ્યૂટીએ હતા. એક દિવસ ‘માલૌન’ પોસ્ટના સૌ જવાનોએ નીચેની ચોકીએ કોઇક કારણસર જવાનું થયું. ‘માલૌન'ની સંપૂર્ણ જવાબદારી ઓમ પ્રકાશના શિરે આવી. યોગાનુયોગે એ જ દિવસે પાક સૈનિકોએ ‘માલૌન’ પર અણચિંતવ્યું આક્રમણ કરી દીધું. ઓમ પ્રકાશ એકલે હાથે ઝઝૂમ્યા અને શત્રુ સૈનિકોને ખદેડી મૂકવામાં સફળ થયા. ફાયરિંગની મુઠભેડમાં તેઓ કદાચ શત્રુની ગોળીનો શિકાર બની ઢળી પડ્યા અને સંભવતઃ કો’ક ઊંડી કોતરમાં સમાઇ ગયા. હકીકતે શું બન્યું એ તો કોને ખબર, પણ નીચેની ચોકીએ ગયેલા જવાનો તેમનું કાર્ય આટોપીને ‘માલૌન’ પાછા ફર્યા ત્યારે તેમને ઓમ પ્રકાશનાં સગડ ન મળ્યાં.

          દિવસો સુધી તલાશી અભિયાન ચાલ્યું, પણ ઓમ પ્રકાશનો પત્તો ન ખાધો. આ જવાન ક્યાં લાપત્તા બન્યા તે રહસ્ય છેવટે રહસ્ય જ રહ્યું. વધુ રહસ્યમય ઘટનાઓ ત્યાર પછી બની. ‘માલૌન' તેમજ તેની આસપાસની આપણી ચોકીઓમાં ફરજ બજાવતા ઘણા જવાનોની કથની મુજબ ઓમ પ્રકાશ તેમનાં સ્વપ્નોમાં ઘણી વાર પ્રગટ થતા હતા અને સિઆચેન ક્ષેત્રમાં આવનારા કુદરતી જોખમો (દા.ત. હિમઝંઝાવાત યા હિમપ્રપાત) વિશે ચેતવણી આપતા હતા. આ જવાનોની વાત કેટલી સાચી (કે ખોટી) એ નક્કી કરવું મુશ્કેલ હતું, પણ તેમનું ( અગર તો તેમના માધ્યમ થકી ચેતવણીનો ભયસૂચક અલાર્મ રિલે કરનાર ઓમ પ્રકાશનું) ભવિષ્યનિદાન ક્યારેક સાચું પડતું ત્યારે અનેક જણાને વાતમાં દમ જણાયો. ઓમ પ્રકાશની (કથિત) ભવિષ્યવાણી સાચી પડવી કદાચ સહજ યોગાનુયોગ હતો, પણ આવા યોગાનુયોગ દર થોડા વખતે  બનવા લાગ્યા ત્યારે જવાનોને ઓમ પ્રકાશમાં આસ્તે આસ્તે વિશ્વાસ બેસવા લાગ્યો. વિશ્વાસ પછી તો ધાર્મિક શ્રદ્ધામાં પરિણમ્યો, જેણે ઓમ પ્રકાશને સામાન્ય સૈનિકમાંથી અસામાન્ય દૈવીપુરુષ ઓ. પી. બાબા બનાવી દીધા.

          સંખ્યાબંધ ચોકીઓમાં તેમનાં નાનાં અમસ્તાં મંદિરો બન્યાં. ૧૯૯૬ માં બેઝ કેમ્પ ખાતે પણ બન્યું અને ઓ. પી. બાબામાં જવાનોની અફસરોની શ્રદ્ધા વધતી ગઇ તેમ વર્ષોવર્ષ મંદિરનું કદ પણ વધ્યું. આજે બેઝ કેમ્પ ખાતે સિઆચેન હિમનદીના મુખ નજીક આવેલું ઓ. પી . બાબાનું મંદિર મોટા વિસ્તારને આવરી લે છે. હિમનદી તરફ જઇ રહેલા તેમજ ત્યાંથી પાછા ફરી રહેલા ફૌજીઓ એ મંદિરની અચૂક મુલાકાત લે છે. ઓ. પી. બાબાની મૂર્તિ સમક્ષ ખડા રહીને આરતી ઊતારે છે,પછી સલ્યુટ કરે છે અને લશ્કરી ઢબે ડ્યૂટી રિપોર્ટ પણ આપે છે. જવાનો અફસરો જો હિમનદી તરફ આરોહણ શરૂ કરવાના હોય તો જતાં પહેલાં ઓ. પી. બાબાને કંઇક આવી પ્રાર્થના કરે છેઃ ઓ. પી. બાબા! અમે ફલાણી બટાલિઅનના જવાનો ફલાણા અફસરના નેતૃત્વ હેઠળ ફલાણી ચોકીએ ફરજ બજાવવા જઇ રહ્યા છીએ. અમને સૌને ફરજ પર જવા માટે પરવાનગી આપો. અમારા સૌનું ધ્યાન રાખજો. કુદરતી જોખમો સામે અમને ચેતવજો. બધા જવાનો તથા અફસરો ત્યાર પછી ઓ. પી. બાબાને સલ્યૂટ કરે, તેમની સમક્ષ શ્રીફળ વધેરે અને પ્રસાદ ચડાવી ‘ ઓ. પી. બાબા કી જય ! ' ના પોકારો કર્યા બાદ બેઝ કેમ્પથી પહાડી ચોકીનું આરોહણ શરૂ કરે. ચોકીએ ફરજ બજાવીને પાછા આવેલા જવાનો અફસરોએ ખરેખર તો સૌ પ્રથમ તેમની બટાલિઅનના કમાન્ડિંગ ઓફિસરને આવીને રિપોર્ટ કરવો જોઇએ, કારણ બેઝ કેમ્પમાં એ વડા અફસર કરતાં સીનિઅર હોદો બીજા કોઇ અધિકારીનો નથી. ચોકીએથી આવેલા ફૌજીઓ જો કે પહેલાં ઓ. પી. બાબાને રિપોર્ટ કરે છે. અટેન્શનમાં તેમની મૂર્તિ સમક્ષ ઊભા રહીને જણાવે કે, અમે ફલાણી તારીખે ફલાણી ચોકીએ તમારી મંજૂરી લઈને ગયા હતા. આજે સૌ હેમખેમ પરત ફર્યા છીએ. પહાડોમાં અમારું ધ્યાન રાખવા બદલ તમારો આભાર માનીએ છીએ. માટે આ બધું આપણને જરા અજૂગતું યા વધુ પડતું લાગે, પણ સિઆચેનમાં જવાનો તથા અફસરો ઓ. પી. બાબા માનસિક સધિયારો છે.

           અહીં ઘણાખરાનું માનવું છે કે પહાડી ચોકીઓમાં ડ્યૂટી વખતે ઓ. પી. બાબાની દૃષ્ટિ તેમના પર સતત રહે છે અને વિષમ કુદરતી સંજોગોમાં એ દૈવીપુરુષ સૌને રક્ષણ આપે છે. ઓ. પી. બાબાની કથિત દિષ્ટ હંમેશાં રહે એ ખાતર તેમનો અનાદર કરવાની ભૂલ કોઇ કરતું નથી . માનો યા ન માનો , પણ ચોકીએ ગયેલા અમુક જવાનો ઓ. પી. બાબાની મંજૂરી લીધા વિના દાઢી - મૂંછ કરતા નથી . કેટલાક તો પોતાના નખ સુધ્ધાં કાપતા નથી. પર્મિશન વિના એમ કરવાથી ઓ. પી. બાબા નારાજ થાય એવી તેમને ભીતી હોય છે. આ કથિત દૈવીપુરુષ નારાજ થાય એનું પરિણામ શું આવે એ જાતનો સવાલ જ્યારે મેં ઓ. પી . બાબાના મંદિરે ઉપસ્થિત કેટલાક જવાનોને પૂછ્યો ત્યારે જવાબ મળ્યો, ‘કુછ ભી હો સકતા હે, સા'બ ! બિગડા હુઆ મૌસમ જલદી ઠીક નહીં હોતા. જનરેટર ખરાબ હો જાતા હૈ. સ્નો સ્કૂટર સ્ટાર્ટ હોને સે મના કર દેતા હૈ.’ ‘કભી ઐસા હુઆ હૈ? ’

        મારા એ સવાલના જવાબમાં જવાનોએ કહ્યું કે, ‘સા’બ, એક - દો બાર નહીં... કઇ બાર હુઆ હૈ ! ઓ. પી. બાબા મેં જો વિશ્વાસ નહીં રખતા ઉસકો કુછ ના કુછ મુશ્કિલ ઝેલની પડી હૈ. ઇસ લિયે સારે જવાન ઓ. પી. બાબા કો દિલ સે માનતે હૈ, ઔર ફિર હમારી ફૌજને ભી તો ઉનકો આદર સન્માન દિયા હૈ

          'વો કૈસે ?' મને સવાલ થયો.

          જવાનો મંદિરના પાછલા ભાગે આવેલી ઓરડી તરફ મને દોરી ગયા. એક નાની કેબિન હતી, જેના પર લખેલું હતું : ‘ ઓ. પી. બાબા કી જય ! ' આ કેબિનનો દરવાજો ખોલીને હું અંદર ગયો. એક તરફ પલંગ હતો, જેની ગાદી પર રજાઈ અને બ્લેન્કેટ વ્યવસ્થિત ગડી કરીને મૂકેલા હતા. પલંગની બાજુમાં એક પટારા પર કેપ્ટન ઓમ પ્રકાશ ( ઉર્ફે ઓ. પી. બાબાનું) નામ લખલું હતું. ભીંત પર એ જ નામવાળી લશ્કરી વર્દી લટકતી અને બાજુમાં તેમની ફોટોફ્રેમ હતી. મારી સાથે આવેલા જવાનોએ જણાવ્યું તેમ કેપ્ટન ઓમ પ્રકાશ ૧૯૮૦ ના દસકામાં શહીદ થયા, છતાં આપણા ખુશ્કીદળે તેમને હજી સેવાનિવૃત્ત કર્યા નથી. આ ફૌજીનો નિયમિત પગાર થાય છે, જે તેમના ઘરવાળાઓને મળે છે. આ સૈનિકે કર્મપાલન વખતે શહાદત વહોરી લીધી ત્યારે તેમનો લશ્કરી દરજ્જો સામાન્ય સિપાહીનો હતો. હવે આટલાં વર્ષે પ્રમોશન બાદ કેપ્ટનનો રેન્ક મળ્યો છે. ( જો કે કેપ્ટનનો જૂનિઅર હોદો હોવા છતાં સમગ્ર સિઆચેન ક્ષેત્રમાં તેમનાથી સીનિઅર કોઇ ગણાતું નથી. બેઝ કમાન્ડર નહિ તેમ બટાલિઅનના કમાન્ડિંગ ઓફિસર પણ નહિ).

           ભારતીય ખુશ્કીદળના ચોપડે કેપ્ટન ઓમ પ્રકાશ હજી ફરજ બજાવી રહ્યા છે. પરિણામે અન્ય સૌ જવાનો/અફસરોની માફક દર વર્ષે તેમને પણ અમુક દિવસોની રજા મળે છે. બે જવાનો ત્યારે કેપ્ટન ઓમ પ્રકાશનો યુનિફોર્મ તથા અન્ય સામાન પટારામાં ભરે છે અને ‘તેમને’ ઘર સુધી મૂકવા જાય છે. રજાઓ પૂરી થતા પાછા પણ લેતા આવે છે. બેઝ કેમ્પ ખાતે કેપ્ટન ઓમ પ્રકાશનું ( ઉર્ફે ઓ. પી. બાબાનું ) આવું ઔપચારિક પુનરાગમન થાય, એટલે ખુશ્કીદળના ચોપડે તેઓ ઓન - ડ્યૂટી હોવાનું અધિકૃત રીતે નોંધવામાં આવે છે. દરરોજ સવાર-સાંજ તેમને ( બધા કરતાં પહેલાં ) ભોજન પીરસવામાં આવે, રાત્રે તેમનું બિછાનું તૈયાર કરવામાં આવે અને સવારે સંકેલી લેવામાં આવે, જૂતાં પોલિશ કરવામાં આવે તથા દર થોડા વખતે યુનિફોર્મ ધોઇને ઇસ્ત્રી પણ કરવામાં આવે ! આમ કરવું કેપ્ટન ઓમ પ્રકાશના મદદનીશ જવાનની ડ્યૂટી છે, જેને તે પૂરી લગન સાથે કરે છે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

2 comments:

  1. ઈશ્વરભાઈ ધન્યવાદ તમારા આવા આર્ટીકલ (લેખન)થી અમને પણ જાણવા મળે છે.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts