Sunday, August 28, 2022

સન્ડે સ્પેશીયલ - 32

  યુધિષ્ઠિરે ભીષ્મપિતામહને પૂછ્યું  : સ્ત્રી અને પુરુષ બન્નેમાંથી સમાગમનું સુખ કોને વધુ પ્રાપ્ત થાય છે?


        મહાભારત એક અદભુત ગ્રંથ છે. કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ બીજે ક્યાય નથી. અને આ દુનિયામાં કશું જ મૌલિક નથી, સઘળી બાબતોનો સમાવેશ મહાભારતમાં થયેલો છે. મહાભારત જ્ઞાનનો ભંડાર છે. તેમાં નીતિ, ધર્મ, રાજનીતિ, જ્ઞાન-વિજ્ઞાન, યોગ, ઈતિહાસ, રહસ્ય વગેરે વાતોનો સમાવેશ થાય છે. મહાભારત ધર્મગ્રંથ હોવાની સાથે સાથે સામાજિક ગ્રંથ પણ છે. જ્યારે સ્ત્રી અને પુરુષ પરસ્પરમાં સમાગમ કરે છે ત્યારે બન્નેમાંથી સમાગમનું સુખ કોને વધુ પ્રાપ્ત થાય છે એ વિશેની પણ રસપ્રદ કથા મહાભારતમાં છે.

        મહાભારત અનુશાસન પર્વના બારમા અધ્યાયમાં એક કથા આવે છે. જે અનુસાર  બાણશૈયા પર સુતેલા  ભીષ્મપિતામહને  યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે :

સ્ત્રીપુંસયોઃ સમ્પ્રયોગે સ્પર્શ કસ્યાધિકો ભવેત્ ॥

               અર્થાત્ જ્યારે સ્ત્રી અને પુરુષ પરસ્પરમાં સમાગમ કરે છે ત્યારે બન્નેમાંથી સમાગમનું સુખ કોને વધુ પ્રાપ્ત થાય છે તે કહો. અહીં એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે. ભીષ્મ બાળબ્રહ્મચારી છે. પરણેલા નથી. તેમણે સ્ત્રીસુખ ભોગવ્યું નથી. તેમ છતાં બિનઅનુભવીને પ્રશ્ન પુછાય છે. ભીષ્મ પણ ‘હું નથી જાણતો’ તેવું કહીને છૂટી પડવાની જગ્યાએ એક આખ્યાયિકાના માધ્યમથી જવાબ આપે છે અને તે સચોટ જવાબ હોય છે. આને ‘પ્રાતિભજ્ઞાન' કહેવાય છે. શાસ્ત્રજ્ઞાન, અનુભવજ્ઞાન અને તેથી પણ વધારે પ્રાતિભજ્ઞાન હોય છે . પોતાને અનુભવ ન હોવા છતાં પણ પ્રતિભાની પ્રબળતાથી મહાપુરુષો બિનઅનુભવોનું જ્ઞાન પણ સચોટ આપી શકે છે. તે આ કથાથી જણાય છે.

          ભીષ્મ કહે છે : યુધિષ્ઠિર સાંભળ, એક ભંગાસ્વન નામનો રાજા હતો, તેણે એવો યજ્ઞ કર્યો કે જેમાં ઇન્દ્રને સ્થાન ન હતું. તેથી ઇન્દ્ર ચિડાયો. અને વેર બંધાયું. ઇન્દ્રને થયું કે આ ભંગાસ્વન રાજાએ યજ્ઞો કર્યા પણ મને તો બોલાવતો જ નથી. મારે તેને ખબર પાડી દેવી જોઈએ. તે દિવસથી ઇન્દ્ર ભંગાસ્વન રાજાનું છિદ્ર શોધવા લાગ્યો. છિદ્ર એટલે દોષ. દોષ વિના હુમલો ન કરાય. ઇન્દ્રે ઘણા કાગડાવેડા કર્યા પણ રાજાનું કોઈ છિદ્ર દેખાયું નહિ.

       એક વાર રાજા ભંગાવન શિકાર રમવા વનમાં એકલો જ ગયો. રાજા તો વનમાં દૂર દૂર ચાલ્યો ગયો. થાક્યોપાક્યો તે એક સરોવરના કિનારે પહોંચ્યો. તેણે ઘોડાને સ્નાન કરાવ્યું અને પાણી પિવડાવ્યું. પોતે પણ પાણી પીધું અને પછી સરોવરના નિર્મળ જળમાં સ્નાન કરવા ઊતર્યો. તેણે ખૂબ પ્રેમથી સ્નાન કર્યું. પણ આ શું ? તે તો પુરુષમાંથી સ્ત્રી બની ગયો. તેને નવાઈ લાગી, અરે !  આ શું થયું ? હવે મારું શું થશે ? હું ક્યાં જાઉં ? શું કરું ? ડૂબી મરું ? હવે આવું જીવન મારાથી કેમ કરીને જિવાશે ?'  તે ચિંતા કરવા લાગ્યો.

       સ્ત્રી બની ગયેલો રાજા મહાદુઃખી થઈ ગયો. તે પોતાની રાજધાની ગયો. મંત્રી - રાણીઓ અને પોતાના સો પુત્રોને મળ્યો. સૌને નવાઈ લાગી. રાજાએ જોયું કે હવે તેનું પહેલાં જેવું માન રહ્યું નથી. બધાં મશ્કરીઓ કરે છે. તિરસ્કાર કરે છે. ઇન્દ્રે આ બદલો લીધો છે. તેણે પુત્રોને ભેગા કરીને બધું રાજપાટ સોંપી દીધું અને વનમાં ચાલ્યો  ગયો. જે જગ્યાએ બહુમાનપૂર્વકનું જીવન જીવ્યા હોઈએ તે જગ્યાએ જો માનહીન થઈ જવાય તો ડાહ્યા પુરુષે તેવી જગ્યાનો ત્યાગ કરી દેવો જોઈએ. જો તે પડ્યો રહે તો વધુ ને વધુ તિરસ્કૃત થતો રહે.

      રાજા વનમાં તો ચાલ્યો ગયો. અથવા ચાલી ગઈ. પણ હવે વનમાં પણ  ક્યાં જવું ? ફરતાં ફરતાં તેને એક આશ્રમ દેખાયો. આશ્રમમાં એક ઋષિ રહેતા હતા. પેલી સ્ત્રીએ આશ્રય માગ્યો. ઋષિ એકલા જ હતા. આશ્રય માગનાર સ્ત્રી હતી. પુરુષને આશ્રય આપવામાં પાછળથી કોઈ ઉપાધિ થતી નથી, પણ સ્ત્રીને આશ્રય આપવાથી  લોકાપવાદ, વિજાતીય આકર્ષણ , મોહમાયા, બંધન વગેરે અનેક પ્રશ્નો સાથે હોય છે. પણ આશ્રય ન  આપીને તેને કાઢી મૂકવી તે પણ પુરષની કાયરતા જ કહેવાય. ઋષિએ પેલી સ્ત્રીને આશરો આપ્યો. બન્ને રહેવા લાગ્યાં. હવે પેલી સ્ત્રીને જવાની તો બીજી કોઈ જગ્યા જ ન હતી. કાયમી સાથે રહેવાનું નિમિત્ત ભગવાને જ બન્નેમાં મૂકી દીધું છે. તે છે આકર્ષણ. આવેગો અને લાગણીઓનું પ્રબળ આકર્ષણ. ન  ઇચ્છતાં હોય તોપણ બન્ને નજીક આવી જાય અને પછી બન્ને એકબીજામાં સમાઈ જાય.

         ઋષિ અને પેલી સ્ત્રીનું પણ એવું જ થયું. બન્નેના દ્વારા સો પુત્રો થયા. પેલી સ્ત્રી સો પુત્રોને નગરમાં લઈ ગઈ. અને પહેલાંના પોતાના સો પુત્રો હતા તેમની સાથે મેળવ્યા પછી બધાને હળીમળીને સંપીને રાજ કરવાનું કહી પાછી વનમાં ચાલી આવી. આ બાજુ ઇન્દ્રને થયું કે આ તો બધાં લીલાલહેર કરે છે. તે દ્વેષનો માર્યો બળી ઊઠ્યો. તેણે બસો પુત્રોને અંદરઅંદર લડાવી માર્યા. પેલી સ્ત્રી બહુ દુ:ખી થઈ. તેણે ઇન્દ્રની ક્ષમા માગી. મારી ભૂલ થઈ કે મેં તમને નિમંત્રણ ન આપ્યું. ઇન્દ્ર પ્રસન્ન થયો અને વરદાન માગવા કહ્યું કે ‘આ બસો પુત્રોમાંથી જે કહે તે સો પુત્રોને હું જીવતા કરી આપું.’ પેલી સ્ત્રીએ કહ્યું કે મેં પુરુષ અવસ્થામાં જે પુત્રો ઉત્પન્ન કર્યા હતા તેને જીવતા નહિ કરો તો ચાલશે, પણ મેં સ્ત્રી અવસ્થામાં જે પુત્રો ઉત્પન્ન કર્યા છે તે સો પુત્રોને જીવતા કરી આપો, કારણ સ્ત્રીને પોતાના સંતાન ઉપ૨ અત્યંત મમતા હોય છે. મા એ મા જ છે.’ તે સ્ત્રીના પોતાની પ્રસૂતિથી થયેલા પુત્રો જીવિત થઈ ગયા.

         ઇન્દ્રે કહ્યું કે હું તમને વધારાનું એક વરદાન આપવા માગું છું. બોલો માગી લો. તમે ધારો તો ફરીથી પુરુષ થઈને રાજા થઈ શકો છો. અથવા જે અત્યારે તમારું સ્ત્રીરૂપ છે એ જ ધારણ કરી રાખવા માગો છો ?  

      ત્યારે સ્ત્રીએ કહ્યું કે  

સ્ત્રીત્વમેવ વૃણે શક્ર, પુસ્ત્વમ નેચ્છામી વાસવ l

 ‘હે ઇન્દ્ર મારે સ્ત્રી જ રહેવું છે. પુરુષ નથી થવું. કારણ કે

સ્ત્રીયા:  પુરુષ સંયોગે પ્રીતિ રામ્યધિકા સદા |

          કારણ કે સ્ત્રી - પુરુષ જ્યારે પ્રેમ અને સમાગમ કરે છે, ત્યારે સ્ત્રીને જ વધુ રિતસુખ મળે છે. એવું રતિસુખ પામવા સ્ત્રી લાલાયિત રહે છે. એટલે હવે મારે ફરીથી પુરુષ થવું નથી. હું પત્ની તરીકે અને માતા તરીકે જે સુખ પ્રાપ્ત કરું છું, તે પુરુષ થઈને પ્રાપ્ત કરી શકાય તેમ નથી.

(સંદર્મભ : હાભારત અનુશાસન પર્વ બારમો અધ્યાય, મહાભારતની કથાઓ : સ્વામી સચ્ચિદાનંદ)

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

3 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts