Saturday, March 26, 2022

સન્ડે સ્પેશિયલ - 10

પદ્મ ભૂષણથી સન્માનિત ક્રાંતિકારી સંત  સ્વામી સચ્ચિદાનંદજીએ

યુવાન વયે એક અંધારી રાતે  સવા રૂપિયો મુઠીમાં લઇ ગૃહત્યાગ કર્યો અને પછી...


       તાજેતરમાં જ ‘પદ્મ ભૂષણ’ જેવા દેશના પ્રતિષ્ઠિત સન્માનથી  સ્વામી સચ્ચિદાનંદજીને સન્માનિત કરવામાં આવ્યા. દેશ અને દુનિયાના લાખો – કરોડો લોકોમાં જાણે આનંદની એક લહેર પ્રસરી ગઈ. તીવ્ર વૈરાગ્યની ઝંખનાએ સવા રૂપિયો મુઠી માં લઈને ગૃહ ત્યાગ કરાનાર ૨૧ વર્ષનો એક યુવાન આગળ જતાં પદ્મ ભૂષણથી સન્માનિત થાય આ આખી વાત જ કોઈ કાલ્પનિક કે ચમત્કાર સમાન લાગે છે. પરંતુ આ આખીયે ઘટનાના પાયામાં સ્વામીજીએ વેઠેલો સંઘર્ષ બહુ ઓછા લોકો નજીકથી જોઈએ શક્યા છે.  સ્વામીજીનું જીવન જ સૌ કોઈએ માટે મિશાલરૂપ છે.

          આપણા  સમાજમાં સાધુ – સંતોની સંખ્યા ઓછી નથી. પરંતુ  સમાજને સાચુકલું દર્પણ દેખાડવાનું  કાર્ય    બહુ ઓછા સાધુ સંત કરી શક્યા છે. ધર્મનાં નામે સમાજમાં પ્રવેશેલાં દુષણો અને અંધશ્રદ્ધા વિષે વૈજ્ઞાનિક અભિગમની વાતો બધા માટે સુપાચ્ય હોતી નથી.  ધર્મના નામે પોચી પોચી શ્રોતાગમ્ય કર્ણપ્રિય વાતો કરી  અનુયાયીઓનાં ઝુંડ વધારવા સહેલા છે. પરંતુ કોઈનીય પરવા કર્યા વિના સમાજને ક્રાંતિકારી વિચારોથી નવપલ્લવિત કરવાનું  શ્રેય ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજીને ફાળે જાય છે.

          સ્વામીજીનો જન્મ ૨૨ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના ચંદૂર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. છ મહિનાનાં મનોમંથન બાદ તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ૧૯૫૩માં એક અંધારી  રાત્રે માત્ર સવા રૂપિયો મુઠ્ઠીમાં  લઈને, ઘરનાં બારણાં ઉઘાડાં મૂકી, થેલામાં ચાર જોડી કપડાં લઇ  ગૃહ ત્યાગ કર્યો.  સવા રૂપિયો મુઠીમાં  એટલા માટે  હતો કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને એટલા પૈસા એટલા  માટે કે તેની જેટલી ટીકીટ આવે તેટલા દૂર પહોંચી જઈ લક્ષ્મીનો ત્યાગ કરવાનો નિયમ લેવો હતો. બાકીના પૈસા ઘરમાં છુટ્ટો ઘા કરી ફેંકી તેઓ નીકળી પડ્યા. આગળ જતાં મુઠ્ઠીમાં રહેલો સવા રૂપિયો પણ કોઈ ભિખારીના હાથમાં પકડાવી દીધો. એ સમયે સ્વામીજીના ઉદ્ગાર હતા : “ હાશ ... છુટ્યા કંચનથી..” હવે તેઓ પાસે ચાર વસ્ત્રો – એકાદ વાપરવાનું, એકાદ ઓઢવાનું, ગીતા વગેરે બે ચાર પુસ્તકો અને એક મોટો લોટો, એ સિવાય કાંઈ ન હતું.  પોતે અકિંચન બની આગળની સફર આદરી. ગૃહ ત્યાગ સમયે સ્વામીજીની ઉમર માત્ર ૨૧ વર્ષ હતી.

          ઘર તો છોડ્યું પણ ક્યાં જવું એનું કોઈ ઠેકાણું નહિ, તીવ્ર વૈરાગ્યની ધૂન હતી અને આ ધુને સ્વામીજીને ગજબની શક્તિ આપી. પગમાં જોડા પહેરવા નહિ, પૈસા પાસે રાખવા નહિ, મિષ્ઠાન જમવું નહિ, એક દિવસથી વધુ કોઈ ગામમાં રોકાવું નહિ અને ચોવીસ કલાકમાં માત્ર એક જ વાર જમવું વગેરે જેવા કઠોર નિયમ લઈ ચાલતા રહ્યા.લક્ષ્મીના સ્પર્શ કર્યા વિના  સ્વામીજીએ  પોણા ભાગના ભારતમાં  ત્રણ વરસ સુધી ગુરુની શોધમાં ભ્રમણ કરતા રહ્યા. હાથમા એક પણ રૂપિયો લીધા વિના સ્વામીજીએ પોણા ભાગના ભારતની યાત્રા કરી.  ધૂની માણસો જ મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂંકીફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તો સારી રીતે ઘરબાર –પેઢીઓ સાચવનારા થતા હોય છે, ઈતિહાસ રચનારા નહિ.  

         દિક્ષા વિના ભ્રમણ કરવામાં તકલીફ પડતી હતી. એટલે કુંભમેળામાં બ્રહ્મચારી દિક્ષા લીધી અને સ્વામીજીને   સત્યાનંદ એવું નામ આપવામાં આવ્યું. સન્યાસ દિક્ષા માટે ગુરુની શોધ તો ચાલુ જ હતી. આખરે સ્વામીજીનો પંજાબમાં  ગુરુ સાથે ભેટો થયો. સ્વામીજીની વૈરાગ્ય દૃઢતા જોઈએ  ગુરુએ દિક્ષા આપી અને સ્વામી સચ્ચિદાનંદ એવું નામ આપ્યું. સ્વામીજીએ ૧૧ વર્ષ કાશીમાં અભ્યાસ કર્યો.  તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પડાવી મેળવી.

           સ્વામીજીને  આશ્રમ બનાવાનો જરા પણ રસ હતો નહી.  જીવનભર વિરક્ત રહીને ગામેગામ ફરી જીવન પૂરું કરવું હતું. પરંતુ યાત્રા દરમિયાન થયેલા મરડોનાં કારણે લોકો ની પ્રતિક્રિયા એ માથું ઢાંકવા જેટલી કુટીયા બનાવવા ઈચ્છા પ્રગટ કરી. સાથે રાખેલાં પુસ્તકો સાચવવા માટે પણ એક કુટિયાની જરૂર તો હતી જ.નાનકડો આશ્રમ બાંધવા માટે સ્વામીજીનું ધ્યાન વૃદાવન અને નર્મદા કિનારે સ્થિર થયેલું હતું. પરંતુ નિયતિ તેઓને દંતાલી લઇને આવી. દંતાલીવાળા  બએએઓનો આગ્રહ હતો કે સ્વામીજીએ આશ્રમ દંતાલીમાં જ બનાવવો . કાન્તીભાઈના પ્રયત્નથી દંતાલી પેટલાદ માર્ગ ઉપર જ એક વીઘાથી થોડી ઓછી જમીન પડતર હતી. તેના માલિક શ્રી ઝવેરભાઈ ઊત્તમભાઈ પટેલ નિઃસંતાન હતા. તેઓએ ચાલીસ વર્ષ પૂર્વે આ જમીન કોઈ સંતને અર્પણ કરવા વિચારેલું. ઝવેર ભાઈએ કહ્યું કે જો મારી જમીન આશ્રમ માટે સ્વીકાર નહિ કરાય તો હું ઉપવાસ પર ઉતારીસ. અંતે દંતાલી આશ્રમ કરવાની જાય બોલાવવામાં આવી દંતાલીના ભાઈઓ રાજી રાજી થઈ ગયા.

          સવંત ૨૦૨૫ના મહા સુદ ૫ વસંતપંચમી સવારે ભક્તિનિકેતન આશ્રમનું ખાતમુહૂર્ત શ્રી વાળીનાથજીના મહંત શ્રી બળદેવગીરીના હસ્તે કરવામાં આવ્યું. જોતજોતામાં આશ્રમ તૈયાર થઇ ગયો. બે રૂમ એક રસોડું. બસ આટલું ઘણું થઇ ગયું.

       હાલ તો આશ્રમમાં ૫૫ કરતાય વધારે રૂમો, સત્સંગ હોલ, મંદિર વગેરે સારું એવું બાંધકામ થયું છે. જ્યારે શરૂ કર્યું ત્યારે માત્ર પુસ્તકો રાખવાની અને માથું ઢાંકવાની જ યોજના હતી. સ્વામીજીની અનિચ્છાએ પણ ધીરે ધીરે આ કામ આગળ વધતું ગયું. આજે તો આ સંસ્થા આરોગ્ય કેન્દ્ર, અન્નક્ષેત્ર વૃધ્ધાશ્રમ, અન્નવિઅતર્ન, શિષ્યવૃત્તિઓ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે.

         વર્ષ ૧૯૭૪-૭૫ની વાત છે. ચરોતરમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નહિ. દુષ્કાળનું વર્ષ આવ્યું. સ્વામીજીને વિચાર આવ્યો કે ભુખ્યા લોકોને જમાડવા અન્નક્ષેત્ર શરુ કરીએ તો કેવું ! અને આ વિચારે ૨૧ જાન્યુઆરી ૧૯૭૫ પોષ સુદ આઠમ ને મંગળવારના રોજ અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું, એ પણ ઉદ્વેગ ચોઘડીયામાં  ! હાલ તો આ  ભક્તિ નિકેતન આશ્રમ અનેક વિધ માનવીય સેવાકીય પ્રવૃતિઓ થાકી ધમધમી રહ્યો છે.  

                  સ્વામીજીએ પોતાના જીવના અનુભવો આલેખતા પુસ્તક ‘મારા અનુભવોની પ્રસ્તાવનામાં નોંધે છે કે “ મેં ગૃહત્યાગ ન કર્યો હોત તો હું આજે જે છું તે ન થઇ શક્યો હોત. આટલી સ્વીકૃતિ પછી પણ આટલાં વર્ષો મારા અને બીજા અનેકના અનુભવોથી કહી શકું છું કે આ કુદરતી માર્ગ નથી. નાના બાળકો અને યુવાનોને વૈરાગ્યનો નશો ચડાવીને આ માર્ગે વાળી તો શકાય છે, પણ પાર પાડવાનું કામ સરળ નહિ, અત્યંત કઠીન બની જાય છે. મેં મારા આશ્રમમાં સન્યાસ લેવા આવેલા કેટલાય યુવાનોને સમજાવીને ઘરે પહોચાડ્યા છે. હું ભલે બાવો થયો પણ લોકોને બાવા બનાવવા નથી. મેં ધાર્યું હોત તો ઘણા શિષ્યોનું ટોળું ઉભું કરી શક્યો હોત. પણ હું જાણું છું એ કુદરતી માર્ગ નથી. થોડા લોકો ભલે મારા ઉપર  ચિડાય પણ જાગ્રત થવા માંગતા લોકોને મારે જાગ્રત કરવા જ જોઈએ. પોતાના બાળકોને સાધુ ન બનાવશો, સજ્જન બનાવશો તો ઘણું છે.”

         સ્વામીજી કહે છે “ હું કોઈએ ધાર્મિક સંગઠનનો પ્રતિનિધિ નથી કે કોઈ દાનની આશા રાખતો નથી. કદાચ હું જે કહીશ તે તમારી લાગણીઓ અને માન્યતાઓ દુભવશે અને કદાચ તમારા કાને ઝેર સમાન લાગશે. પણ જે ધર્મ સાથે હું ગૌરવ પૂર્વક જન્મ્યો હતો અને જે દેશ મને પ્રાણથી પણ અધિક વ્હાલો છે; તેને માટે મારા મનની વાત પૂર્ણ સત્યાનિષ્ઠાથી મારીશ ત્યાં સુધી કહેતો રહીશ.”  સ્વામીજી કહે છે : “ મેં ઈશ્વરને જોયો નથી પણ તેની કૃપા અસંખ્ય વાર અનુભવી છે.”

            સ્વામી સચ્ચિદાનંદજી એક કર્મયોગી સંત છે. સ્વામીજીએ તેઓની જાતને ક્યારેય યોગી ગણાવી નથી. તેઓ એક સામાન્ય માણસ થઇને જીવવાનું પસંદ કર્યું છે. ક્યારેય ખોટો દંભ કે ઢોંગ કર્યો નથી એ તેમના જીવનની સૌથી મોટી મૂડી છે. તેઓ વૈશ્વિક સત્ય અને વિજ્ઞાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. સ્વામીજીએ વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે. અને લોકો, પ્રચારકો અને તીર્થસ્થાનોનું મુલ્યાંકન કર્યું છે. તેમને ભારતીય શાસ્ત્રો અને માનવા જાતના ઇતિહાસના ઊંડા અભ્યાસી છે. તેઓ ઉત્તમ વક્તા છે. તેમની ભાષા સરળ હોવા છતાં પ્રભાવી છે. તેઓની વાણી સમાજના દંભ પર ચોટદાર પ્રહાર કરે છે. ભલે કેટલાક લોકોને સ્વામીજીની વાણી ઝેર સમાન લાગે પરંતુ ખરા અર્થમાં તો  તેઓ દરેક સમાજ અને સંપ્રદાયનાં લોકોના હ્રદયમાં સ્થાન પામ્યા છે. તેઓએ ઘણા પુસ્તકો લખ્યા છે. તેમનો ચાહક વર્ગ  ઘણો વિશાળ  છે. વિશ્વભરનાં  લાખો લોકો સ્વામીજીનો પડ્યો બોલ જીલવા તત્પર રહે છે. 

             જો આ દેશને સો સ્વામી સચ્ચિદાનંદ મળી જાય તો દેશની તાસીર અને તસવીર બદલાઈ જાય. સ્વામીજીને પદ્મ ભૂષણ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ અને તેઓના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના !  

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620 (whatsapp only)

3 comments:

  1. સ્વામીજી ને કોટી કોટી વંદન....

    ReplyDelete
  2. સ્વામીજીને કોટી કોટી વંદન..આશીર્વાદવાંચ્છના.. ઈશ્વરભાઈને ધન્યવાદ.. સુંદર આલેખન માટે..

    ReplyDelete