Tuesday, May 12, 2020

મહેંક માનવતાની.

મહેંક માનવતાની. 


             
                 વતનની  માટે વલખતાં રસ્તે રઝળતાં શ્રમિકોની પીડા હૃદય કંપવાનારી છે. કોઈ માતા પોતાના સંતાનને કુંખમાં લઈ ધોમધખતા તાપમાં ચાલતી રહે છે. તો કોઈ જુવાન દીકરાએ પોતાની વૃદ્ધ માતાને કેડે લીધાના દૃશ્યો આંખ ભીની કરી જાય છે. ચોતરફથી નકારાત્મક સમાચારોની વચ્ચે વેરાન રણમાં મીઠી વીરડી સમાન માનવીય ઘટનાઓ બની રહી છે. જે સાંભળી અને માનવતા મહેંકી ઊઠે છે.
વાત થોડા દિવસ પહેલાંની છે.
           મોડાસા રહેતા રાજુભાઈ પટેલ કોઈ અગત્યના કામે પોતાની કાર લઈ સવારના 5:30 મોડાસાથી બાયડ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં અલવાકંપાથી આગળ 50 થી 60 શ્રમિકો માથે પોટલાં તેમજ તેના બાળકો લઈને ચાલતા જતા હતા. રજુભાઈએ ગાડી ઊભી રાખી પૂછ્યું "ભાઈઓ ક્યાંથી ચાલતા આવો છો ને ક્યાં જાઓ છો?  તો જવાબ મળ્યો કે "સાહેબ વિજાપુરથી ચાલતા અહીં પહોંચ્યા છીએ અને છોટાઉદેપુર જઈએ છીએ." શ્રમિકોને ચહેરા પર થાક અને ચિંતા વર્તાતી હતી. એને એથીય સ્પષ્ટ વર્તાતી હતી પેટમાં લાગેલી આગ!
             રાજુભાઈએ પૂછ્યું કે તમે ક્યારે જમ્યા છો?” તો એમને કહ્યું કે સાહેબ અમે કાલે જમ્યા હતા.” ભુખ્યા પેટે ચાલતાં  ચાલતાં શ્રમિકો અહિં સુધી પહોચ્યા હતા. મોટેરાઓતો ભુખ કેમેય સહન કરી શકે પણ કેડે તેડેલાં આ ભુલકાઓ ?? આ વિચાર માત્રથી રજુભાઈની આંખના ખુણા ભીના થયા વિના ના રહી શક્યા. અને  આશ્વાસન આપતાં શ્રમિકોને  કહ્યું કે “બસ હવે થોડું ચાલીને આગળૅ આવો, તમારી હું જમવાની વ્યવસ્થા કરાવું છું.”  રાજુભાઈએ કહેતાં તો કહ્યું પણ 50 થી 60 વ્યક્તિઓ માટે જમવાની વ્યવસ્થા ક્યાં અને કેવી રીતે કરવી.?  અને મનો મન પ્રભુને પ્રાર્થી રહ્યા.  પ્રભુ હું તો મારા કામે બાયડ જઈ રહ્યો છું અને અહીંયા હું ક્યાં જમવાનું વ્યવસ્થા ગોઠવી શકુ હે પરમ કૃપાળુ પરમાત્મા તું કંઈક કર મારા વાલા!”  ત્યાંથી ગાડી લઇ રાજુભાઈ આગળ બાયડ તરફ પ્રયાણ કર્યું. 
               બાયડમાં પ્રવેશતાં જ  જય અંબે  મંદબુદ્ધિનો મહિલાઓનો આશ્રમ છે તેના પર નજર પડી. અને રાજુભાઈના હ્રુદયમા એક ઝબકારો થયો.  ગાડી ઊભી રાખી આશ્રમમાં ગયા અને બોર્ડ ઉપર થી ટ્રસ્ટીનો મોબાઈલ નંબર લઇ આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈનને ફોન કર્યો.   રાજુભાઈ એ ફોન પર વિનંતી કરતાં કહ્યું. “ અશોકભાઈ રસ્તામાં ૫૦થી ૬૦ માણસો ચાલતા આવી રહ્યા છે. તો એમની ચા-પાણી અને બટાટા પૌઆ જેવા નાસ્તાની કોઈ વ્યવસ્થા કંઈક થઈ શકશે?’ અશોકભાઈ પણ એક અલગારી જીવ. તેઓ અહિં મંદબુધ્ધી ધરાવતી બિનવારસી મહિલાઓની સેવા યજ્ઞની ધૂની ધખાવી ને બેઠા છે.   અશોકભાઈએ જ્વાબ વાળ્યો “અરે સાહેબ ચિંતા ના કરશો આપણે તેમને માત્ર ચા નાસ્તો જ નહિં પરંતુ  ગરમાગરમ પુરી શાક બનાવી જમાડીશું.” 
               રાજુભાઈ તો આ સાંભળીને ગદગદીત થઈ ગયા. શ્રમિકો  તો હજી  અહિં પહોચતા . એક કલાકની વાર હતી અને રાજુભાઈથી રોકાઈ શકાય તેમ હતું. એટલે નિકળતાં ત્રણ હજાર રૂપિઆ  અશોકભાઈના હાથમાં મુકતાં બોલ્યા એક અગત્યના કામે નિકલ્યો છું  હું રજા લઈ શકું છું? “   અશોકભાઈએ કહ્યું :અરે સાહેબ તમ તમારે નિકળો અને આ   પૈસાની પણ જરૂર નથી. ચિંતા ના કરો તમે મને આ પુણ્ય કાર્ય માટે  આંગળી ચીંધી ઘણું છે”   અશોકભાઈના શબ્દો સાંભળી રાજુભાઈનું હ્રુદય ફરી ભિંજાયું. અને બોલ્યા  અશોકભાઈ તમે તો અહિં ધૂણી ધખાવીને બેઠા છો મને એક ધૂપસળી કરવાની કુદરતે તક આપી છે એ હું જતી કરવા નથી માંગતો.“  ત્યારે અશોકભાઈએ ત્રણ હજાર સ્વિકાર્યા.
      આશરે બે કલાક પછી અશોકભાઈએ રાજુભાઈને  ફોન કરી જણાવ્યું  સાહેબ,  બધા જ શ્રમિકોને ભરપેટ ભોજન જમાડી અને એમના વતન  જવા માટે ટેમ્પાની  વ્યવસ્થા પણ  કરી દીધી છે."
               સરકારી તંત્ર તો આવા શ્રમિકોને વતન પહોંચાડવા રાત દિવસ જહેમત ઉટઃઆવી જ રહ્યું છે. પરંતુ સાથે સાથે રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરિકે  આવા શ્રમિકોની પીડાની તસવીરો સોશિયલ મિડિયા પર વહેતી મુકી આત્મસંતષ અનુભવવાના બદલે આપણાથી બનતી મદદ કરએ તો માનવતાની મહેંક  અધિક મ્હોરી ઉઠશે.

લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો

3 comments:

  1. રાજુભાઇ ની સંવેદના ને પ્રણામ.અશોકભાઈ અને તેમની ટિમ સદકાર્ય ની પરબ છે.તેમનું કાર્ય રૂબરૂ જઈ અનુભવેલ છે.પ્રભુ આવા કાર્ય કરવાની સૌ ને શક્તિ અને દિલ આપે.
    પ્રદીપ શાહ
    અમદાવાદ

    ReplyDelete
  2. ધન્યવાદ, રાજુભાઈને તથા અશોકભાઈ ની ટીમને. સદ્કાર્યની જ્યોત હંમેશાં જેના દિલમાં જલતી રહેછે..👌ઉત્તમ કાર્ય કરવા બદલ સૌનો ખુબ ખુબ આભાર.
    અરવિંદ ભાઈ એસ.પટેલ નરોડા.ના જય ગુરૂદેવઃ🎂🙏

    ReplyDelete
  3. ઈશ્વરભાઈ પ્રજાપતિ , આ સમાજ સેવકોને ઉજાગર કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete