સોમવાર, 9 માર્ચ, 2020

જિંદગી ઝિંદાબાદ : સ્માર્ટ મહિલા સરપંચ હેતલબેન દેસાઈ


સ્માર્ટ અને ડિઝિટલ વિલેજનાં સ્વપ્ન દૃષ્ટા સ્માર્ટ મહિલા સરપંચ 
હેતલબેન દેસાઈ


          હિંમતનગરથી અંબાજી જતાં રસ્તામાં આવતું એક ગામ એની વિશિષ્ઠતાઓને કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓનું ધ્યાન અચૂક ખેંચે છે. ખુલા-પહોળા, સુઘડ રસ્તાઓ,  એલ.ઈડી લાઈટથી સજ્જ  હારબંધ ઉભેલા ઈલેક્ટ્રિક થાભલા, સી.સી.ટી.વી કેમેરા, સાઉંડ સિસ્ટમ, વાઈ ફાઈ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ  આ ગામ જોઈ બે ઘડી રોકાઈ ગામના દર્શન કરવાનું મન થઈ આવે. આમતો ગામડામા વસતો માનવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખાં મારતો હોય છે. પરંતું આ એક એવું ગામ છે જ્યાં ગામલોકો જે સુવિધાઓ ભોગવી રહ્યા છે એ જોઈ શહેરી જનોને પણ ઇર્ષ્યા થઈ આવે. હા, આપણે વાત કરીએ છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરામલી ગામની. આ ગામને સ્માર્ટ વિલેજ બનાવવાનું જો કોઈને શ્રેય આપવું હોય તો એ છે આ ગામનાં મહિલા સરપંચ અને તેઓની સમસ્ત ટીમને આપવું ઘટે.
              તેઓનું નામ છે  હેતલબેન અંકુરભાઈ દેસાઈ.
        તેઓ  એક સ્માર્ટ મહિલા સરપંચ છે. પોતે વેલ એજ્યુકેટેડ છે. વહિવટી સૂઝ ધરાવે છે.  વહિવટી કુશળતા અને આગવા વિઝનથી ગામની એવી તો કાયાપલટ કરી કે ગણતરીના વર્ષોમાં જ એક નાનું અમથું ગામડું શહેરને સરમાવે એવી સુવિધાઓથી સજ્જ બન્યું છે. સાબરકાંઠાના બે ગામોએ અસાધારણ વિકાસ સાધી રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો છે. હિમાંશુભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી વિકસેલું પુંસરી ગામ અને ઈડર તાલુકાનું દરામલી ગામ. આ ગામે મહિલા સરપંચ હેતલબેનની આગેવાનીમાં વિકાસના સર્વોત્તમ શિખરો સર કરી દરામલી ગ્રામપંચાયત દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચયતનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
            પારિવારિક અને સામાજિક વિશેષ  જવાબદારીઓ વહન કરવાની  સાથે સાથે પોતાના કાર્ય ક્ષેત્રમાં પણ ઉત્તમ યોગદાન આપી પ્રગતિ સાધવી એ સામાન્ય બાબત તો નથી જ. એમ છતાં સ્ત્રીઓને પુરુષ સમોવડી કહેવું પુરતું નથી, કારણ હવે અનેકવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓ પુરુષ કરતાં એક કદમ આગળ નીકળી છે. એનું ઉત્તમ ઉદાહરણ હેતલબેને પુરું પાડ્યું છે.
        આ વાત છે વર્ષ 2012 ની જ્યારે હેતલબેન પ્રથમવાર   દરામલી ગ્રામ પંચાયતમાં સરપંચ બન્યાં.  અઢારસોની વસ્તી ધરાવતા આ ગામમં 23 ઉપરાંત જ્ઞાતિઓ વસે છે. ગામની વિકાસ યાત્રાની આડે અનેક પડકારો હતા. એમ છતાં  ગામને જરૂરિયતો,અનુકુળતાઓ મુજબ વિકાસની દિશામાં લઈ જવા માટે અને વિકાસનાં સર્વોત્તમ શિખરો સર કરવાના નિર્ધાર સાથે વિકાસયાત્રા શરુ થઈ.
      આજે પણ દેશનાં મોટાભાગના ગામડાં પ્રાથમિક સુવિધાઓ માટે વલખે છે. હેતલબેન સામાજિક રીતે રૂઢીચુસ્ત સમાજમાંથી આવતા હોવા છતાં સમાજની માન મર્યાદા જાળવીને એક મહિલા તરીકે, ગામના સરપંચ તરીકે યથાર્થ કામગીરી કરી બતાવી.  હેતલબેન અને તેઓની ટીમ દ્વારા ગામને તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કટીબધ્ધ બન્યા. ખુલ્લા પહોળા સી.સી. રોડ, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ પીવાના પાણીની ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી સાથે સાથે ગામને 100 ટકા શૌચાલયથી સજ્જ કર્યું.  આ ગામનું પંચાયત કર્યાલય પણ તમે જોયેલાં અને કલ્પેલાં પંચાયત ભવનથી તદ્દન નોખું. ટેકનોલોજીથી એક્દમ સજ્જ. અહીં કર્મચારીઓથી લઈ પંચયતના તમામ સદસ્યોની હાજરી બાયોમેટ્રીક પદ્ધતિથી લેવાય છે.

               હેતલબેને પ્રથમ પાંચ વર્ષના સમયગાળામાં જ ઉત્તમ  કામગીરી કરી ગામ લોકોના હ્રુદયમાં સ્થાન પામ્યા. રાજ્ય કક્ષાએ ગામના વિકાસના કામોની ચર્ચા થવા લાગી. પાંચ વર્ષ બાદ  જ્યારે  વર્ષ 2017 માં  સરપંચનું ઈલેક્શન આવ્યું ત્યારે ઓપન સીટ હોવા છતાં ગામલોકોએ ભેગા મળીને ફરી પાછા હેતલબેન દેસાઈને સમરસ સરપંચ તરીકે નિયુક્ત કર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1800 ની વસ્તી ધરાવતા દરામલી ગામમાં રબારી સમાજનો માત્ર એક જ પરિવાર વસે છે. એમ છતાં વિકાસ ઝંખતાં ગ્રામ જનોએ જાતી વાદની રાજનીતિ થી ઉપર જઈ ને હેતલબેનને ને જ સરપંચ તરીકે ચૂંટણી વિના જ પસંદ કર્યા.
છેલ્લા 7 વર્ષથી ખુબ સરસ રીતે અને સમભાવથી કામ કરતા હેતલબેન દેસાઈ ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ સરકારી સંસ્થાઓમાં અને તાલીમી સંસ્થાઓમાં તજજ્ઞ તરીકે કામગીરી કરીને અન્ય ગામના સરપંચો માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યા છે. હેતલબેન દેસાઈના સરપંચ તરીકેના કાર્યકાળમાં જ દરામલી ગ્રામ પંચાયતે 22 જેટલા વિવિધ અવાર્ડ મેળવ્યા છે અને વર્ષ-2018 માં ભારત સરકાર દ્વારા દરામલી ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પુરસ્કૃત કરેલ છે. સામાજિક અને પારિવારીક જવાબદારી સાથે તેઓ ગામના સરપંચ તરીકે પણ પ્રેરક કામગીરી કરી દરામલી ગામને દિવસેને દિવસે નવી સિદ્ધિઓ અને વિકાસની નવી ઉંચાઈઓ ઉપર લઇ જવામાં સફળ રહ્યા છે.
દરામલી ગામમાં સરકારની તમામ યોજનાઓનો લાભ ગમલોકોને મળે છે પરંતુ સાથે સાથે ગામમાં વાઈ-ફાઈ છે, એક સાથે આખા ગામમાં કોઈ સુચના આપવા માટે સ્પીકર સીસ્ટમ છે. એના  સવારે પ્રભાતિયાં અને સાંજે ભજન વગાડવામાં આવ્વ છે., ગામનો ખુણેખૂણો સી.સી.ટી.વી કેમેરાની સિક્યુરીટિથી સિક્યોર છે., બેંક છે., અદ્યતન પુસ્તકાલય છે.  સ્ટ્રીટ લાઈટ, ગ્રામહાટ, બ્લડ બેંક, અસ્થી બેંક, નોલેજ બેંક, સાયબર કાફે, થીએટર/એસી હોલ, સુવિધાપથ, આરોગ્ય સબ સેન્ટર, જેવી સુવિધાઓથી ગામ સજ્જ છે.
આવડા નાના અમથા ગામમાં  12 જેટલા ગ્રુહ ઉદ્યોગો ચાલે છે. આ ગામ કુપોષણ મુક્ત ગામ છે, ગુજરાતનું પ્રથમ સ્કીલ વિલેજ છે, નિર્મળ ગામ, પાવન ગામ, કેશલેસ ગામ, ડીજીટલ વિલેજ, વૃંદાવન ગામ, સ્માર્ટ વિલેજ, સમરસ ગામ જેવી ઓળખ બનાવવામાં હેતલબેન દેસાઈ સફળ રહ્યા છે. ગામમાં છેલ્લા 4 વર્ષમાં 300 થી ઉપર વિદેશી લોકોની સાથે કુલ 12000 થી ઉપર જુદા જુદા લોકોએ દરામલી ગામની મુલાકાત લઇ હેતલબેન દેસાઈની કામગીરી નિહાળી છે.
ગાંધીજી કહેતા ભરતનો ખરો આત્મા ગામડાંમાં વસે છે. ગાંધીજીના સ્વપ્નના ગામડાની પરિક્લ્પના દરામલી ગામ ચરિતાર્થ કરી રહ્યું છે. પોતાના ગામનો વિકાસ ઝંખતા ઉત્સાહી સરપંચોએ એક વાર આ ગામની મુલાકાત લઈ હેતલબેન પાસેથી આદર્શ વહિવટના પાઠ શિખવા જેવા છે. હેતલબેન જેવા પારદર્શી અને પ્રતિબધ્ધ સરપંચ જો ગુજરાતના તમામ ગામોને પ્રાપ્ત થાય તો ગુજરાતના ગામેગામ ગોકુળ બની જાય.
હેતલબેન અને તેમની સમસ્ત ટીમને અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ.  

સંપર્ક : હેતલબેન દેસાઈ : 99253 09409

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620

આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts