ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : ટીમ ઈસનપુર પબ્લિક સ્કૂલ


સંકલ્પથી સિદ્ધી સુધીની સફર  ઈસનપુર પબ્લિક સ્કૂલ.


          છેવાડાના ગામડાની શાળાઓના પડકાર અલગ પ્રકારના હોય છે એવી જ રીતે શહેરોની મધ્યમાં આવેલી સરકારી શાળાના પણ આગવા પડકારો હોય છે. શહેરી વિસ્તારમાં આવેલી  ભૌતિક રીતે સમૃધ્ધ ખાનગી શાળાઓ સામે ટક્કર ઝીલી   "વિશ્વાસ સાથે આપણા દિવસો આવશે જ" આવા સૂત્ર સાથે જેણે શિક્ષણ જગતમાં પોતાના કાર્યો થકી ઓળખાણ બનાવી છે એ શાળા એટલે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલ.
         અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓના દબદબા વચ્ચે ઈસનપુર પબ્લિક સ્કૂલે ઉદાહરણ રૂપ કાર્ય કરી બતાવ્યું છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલે  આજુબાજુની ખનગી શાળાઓને હંફાવી છે. બે વર્ષ પહેલાં  એટલે કે વર્ષ 2017 માં 750 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં એવો તે શું ચમત્કાર સર્જાયો કે ખાનગી શાળા છોડી છોડી વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ મેળવવા લાગ્યા અને આજે   2300 ઉપરાંત વિદ્યાર્થીઓ અને 51 જેટલા શિક્ષકો ધરાવતી શાળા બની ગઈ?? વાત માન્યામાં ન આવે એવી છે પણ આ કલ્પનાને હકિકતમાં પરિવર્તિત કરી છે અહીના સંકલ્પબધ્ધ શિક્ષકોએ.  
      નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાનું નામ સાંભળતાં જ નાકનું ટેરવું ચડાવી દેતા લોકોને પણ આ શાળાએ પોતાના તરફ દ્યાન કેંદ્રિત કરવા મજબૂર કર્યા છે.   પ્રાથમિક વિભાગના આચાર્ય હેમંતભાઈ પંચાલ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય વીરાભાઈ પટેલિયાના સબળ નેતૃત્વમાં આ શાળા સફળતાના નવિનતમ શિખરો સર  કરી રહી છે.  
       આ શાળાનું પરિસર ખુબ જ સુંદર છે અને એનાથી પણ સુંદર શાળાના કાર્યો છે.  આ શાળાના શિક્ષકોએ નિશ્ચિત વિચારો સાથે આગળ વધવા પ્રયત્નો  હાથ ધર્યા. ચોક્કસ આયોજન કરીને આગળ વધ્યા અને પરિણામ મળવા લાગ્યા.  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત અવિરત બાળ વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળા સતત ભૌતિક રીતે સજ્જ બની રહી છે. સાથે શૈક્ષણિક દિશામાં પણ પ્રગતિ કરી રહી છે. બાળકો સાથે સતત કાર્ય કરતા કરતા શાળા વિકાસના પંથે આગળ વધી રહી છે. શાળાના શૈક્ષણિક કાર્યો અને ભૌતિક સુવિધાઓની સુવાસ સમાજ સુધી પહોંચી રહી છે.
          શરૂઆતથી જ શિક્ષકોએ નક્કી કર્યું  કે શાળાએ બાળકોને ગમે એવું વાતાવરણ આપવું. જો આવું વાતાવરણ આપી શકીશું તો તે શાળામાં આવશે અને આવશે તો ભણશે. શાળાનું ભૌતિક વાતાવરણ સુંદર કરવા માટે શિક્ષકોએ સતત સહયોગ આપ્યો છે. નાણાંકીય મદદ કરવાની સાથે સમય પણ આપ્યો છે. તમામ શિક્ષકોએ પોતાના વર્ગોને  અનેકવિધ પ્રવૃત્તિઓ થકી ધમધમતા કર્યા.   તેમની મહેનતનું પરીણામ આજે મળ્યું છે. ચોતરફ જ્યારે સરકારી શાળામાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે અમારી શાળામાં ઉત્તરોત્તર બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ અચાનક થયું નથી,શાળાની પુરી ટીમનું સાતત્યપુર્ણ પરિશ્રમનું પરિણામ છે.  
         શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મસ મોટી સંખ્યામાં વહિવટી કામગીરી પણ ખૂબ રહેતી. શિક્ષકો મહત્તમ સમય  વર્ગમાં રહી શકે તેશાળાની તમામ કમગીરી    ડિઝીટલ કરવામાં 100% સફળ રહ્યા. શાળાનો તમામ વહીવટ જી.આર સહિત Computeries. તમામ પ્રકારના સર્ટિ ( બોનાફાઇડ, પ્રોફઇલ, વાર્ષિક પરીણામપત્રક, કોઇ પણ અરજી તમામ )શિક્ષકોને ભણાવવા સિવાય કોઇ પણ કાર્ય નહિ. વિદ્યાથીઓનું  હાજરીપત્રક વર્ગશિક્ષકને તૈયાર કરી આપવામાં આવે છે. વાલીને હોમવર્ક આપવા માટે પ્રારંભિક ધોરણે વોટ્સએપ ગૃપ બનાવવામાં આવેલ છે.આજે શિક્ષકો પાસે વર્ગ સિવાય વધારાના કાર્યો ઓછા થયા અને તે બાળકોને વધારે સમય આપી શકે છે જેનાથી શૈક્ષણિક કાર્ય સારી દિશામાં આગળ વધી રહ્યું છે.
          સમગ્ર વર્ષ દરમ્યાન વિસ્તારમાં નાના નાના ગૃપમાં વાલી મિટીંગ કરવામાં આવે છે. એક સાથે તમામ 53 શિક્ષકો નામાંકન માટે પ્રયત્નો કરે છે. શાળા સમય બાદ  એક શિક્ષક 20 પરિવારની મુલાકત લઈ વાલીની મળી શાળાના કાર્યોથી અવગત કરે છે. એક જ દિવસમાં 1000 ઉપરાંત પરિવાર સુધી પહોંચી ઘર ઘર સુધી શાળાના કર્યોને વહેતા કર્યા. શાળામાં સતત થઇ રહેલા પ્રયત્નોના કારણે શાળમાં નામાંકન ખુબ વેગવંતું બનાવ્યું.
         પહેલા ધોરણથી જ બાળકને શાળાએ આવવું ગમે ભણવું ગમે એ હેતું એ આકર્ષક વર્ગખંડો તૈયાર કર્યા.  અંદાજીત પચાસ હજારના ખર્ચે પ્રજ્ઞા વર્ગનું સંદર નિર્માણ કર્યું. ગુજરાત રાજ્યમાં જો કોઈ શાળા સૌથી વધું ડિઝિટલ વર્ગો ધરાવતી હોય તો એ ઈસનપુર પબ્લિક સ્કૂલ છે. અહી 16 વર્ગખંડો ડિઝિટલ બનાવવામાં આવ્યા છે.

         શહેરી વિસ્તારની શાળા હોવાના કારણે સ્વાભાવિક રીતે જ અહીં પૂરતા મેદાનનો અભાવ હોય જ. એમ છતાં શાળાને ગ્રીન શાળા બનાવવા શિક્ષકોએ દિલથી પ્રયત્નો કર્યા છે.  વેસ્ટ ટાયર નો સુંદર ઉપયોગ કરી ટાયર ગાર્ડન શાળાએ બનાવી દીધો અને હેંગીગ ગાર્ડન બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો. અને અનેક છોડ ખીલી રહ્યા છે. જેને કંઈક કરવું જ છે એને કોઈ જ મર્યાદાઓ નડી શકતી નથી.  NMMS માં સૌથી વધુ બાળકોએ પરીક્ષા આપી અને 14 જેટલાં વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામી શિષ્યવૃત્તિ મેળવી રહ્યાં છે.
       આ શાળાના શિક્ષકોએ સમયનું દાનતો આપ્યું જ સાથે સાથે જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે ઉદાર આર્થીક સહિયોગ પણ પૂરો પાડ્યો. આશરે સવા લાખના ખર્ચે દરેક વર્ગખંડમાં સ્પિકર લગાવી દીધા.  આ શાળા નિયમિત રીતે માસિક મુખપત્ર બહાર પાડે છે. આ મુખપત્ર  સફળતા પૂર્વક સરકારી શાળાની વાત સમાજ સુધી લઇ જવામાં સફળ થઇ રહ્યું છે.  
         શાળા કાર્યમાં  શિક્ષણ સમિતિ, અમદાવાદના ચેરમેન શ્રી ધીરેન્દ્રસિંહ તોમર સર, શાસનાધિકારીશ્રી એલ.ડી.દેસાઇ સર, દિનેશભાઈ દેસાઈ સર,  મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી સર, સુપરવાઇઝર શ્રી જયદેશ દૂબે સર તથા રાજેશભાઇ આંબલિયાર નવનીતભાઇ અસારી સર, શ્રી  દ્વારા સતત માર્ગદર્શન અને પ્રેરણા મળે છે. સીઆરસી કો-ઓર્ડિનેટર અલ્પેશભાઇ ઉપાધ્યાય પણ સતત શાળાને માર્ગદર્શન આપે છે. અધિકારીઓ પણ એવા કે શાળાના સારા કાર્યો માટે શિક્ષકોની પીઠ થાબળી સતત પ્રોત્સાહન આપતા રહ્યા.
        આ શાળાની કામગીરીની નોંધ મિડિયા દ્વારા પણ લેવામાં આવી ઝી 24 કલાક દ્વારા શાળાની સફળતાનો સુંદર રીપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ સ્વચ્છ શાળા એવોર્ડ રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા સાહેબના  હસ્તે આપવામાં આવ્યો. નવોદય ક્રાંતિ પરિવાર દ્વારા બેસ્ટ સ્કૂલ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
      અપર પ્રાયમરી શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલીયા, પ્રાથમિક શાળા આચાર્ય હેમંતભાઈ પંચાલ, સમિરભાઈ દેસાઈ, યોગેશભાઈ, ચંદુભાઇ  પ્રજાપતિ, અશોકભાઇ પંચાલ, રાજેંદ્રભાઈ ખોખરીયા,  હરેશભાઇ મોદી એમ સૌ  કટિબધ્ધ શિક્ષકોનો સહિયારો પુરુષાર્થે શાળાને નમૂનારૂપ બનાવી છે.. 
      શાળાની વધું વિગતો માટે આપ નીચે આપેલ લિંક આધરે બ્લોગબ્લોગ, ફેસબૂકની મદદથી મેળૅવી શકશો. 
બ્લોગ એડ્રેસ - https://isanpurpublicschool.blogspot.com
ફેસબુક - @ઇસનપુર પબ્લિક સ્કૂલ           #IsasnpurPublicSchool
Twitter - @AmcIps2

 સંપર્ક : પ્રાથમિક હેમંતકુમાર પંચાલ, 7567853006
ઉચ્ચ વિરાભાઇ પટેલીયા 8780468062


લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620


આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)




2 ટિપ્પણીઓ:

Popular Posts