ગુરુવાર, 20 ફેબ્રુઆરી, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : ભરતભાઈ પટેલ


જાત ઓગાળી વર્ગને વહાલ કરતો શિક્ષક : ભરતભાઈ પટેલ 


             પંદરેક દિવસ પહેલાંની જ આ વાત છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું છેવાડાનું નાનું અમથું નાણા ગામ સાંજના સુમારે જાણે ગમગીની ઓઢીને બેઠું હોય એવો માહોલ સર્જાયો હતો. ગામના વિદ્યાર્થીઓથી માંડી શિક્ષકો અને ગામના વડીલોની આંખોમાંથી નીતરતી અશ્રુઓની ધારા કેમ જાણે કેમ પણ રોકાતી નથી. વાત જાણે એમ હતી કે એક નિષ્ઠાવાન શિક્ષક પંદર પંદર વર્ષ પોતાની જાત ઓગળી ગામના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં શિક્ષણની જે ભૂખ જગાવી હતી એ શિક્ષકની વહીવટી બદલી માત્રના સમાચાર ગામમાં પ્રસર્યાને વિદ્યાર્થીઓ, શિક્ષકો સમેત ગામ આખું હિબકે ચડ્યું. જાણે કોઈ બાપ પોતાના કાળજાના ટુકડાને વિદાય આપે એમ આખું ગામ ભીની આંખે શિક્ષકને વળાવવા સ્વયંભૂ એકઠું થયું. આ દૃશ્ય જોતાં જ શિક્ષક તરીકે છાતી ગજ ગજ ફુલવા માંડે અને એમ થાય કે ભગવાન અવતાર ગમે તેટલા આપે પણ જનમોજન્મ શિક્ષક જ બનાવે. 
            ભરતભાઈ લખાભાઈ પટેલ. 
          આ એ નિષ્ઠાવાન શિક્ષક છે કે જેને ત્રણ ત્રણ દાયકાથી શિક્ષક તરીકે ફરજ બજાવતાં આજ સુધી કોઈ વર્ષે પોતાના હક્કની12 રજાઓ પુરી ભોગવી નથી. નિયમિતતા અને પ્રખર નિષ્ઠા થકી શિક્ષત્વને શણગાર્યું છે. એમનો વર્ગ અને વિદ્યાર્થીઓને જુઓ તો હૈયું રાજી રાજી થાય. વિદ્યાર્થીઓ માટે FILe બનવાના બદલે વિદ્યાર્થીઓની LIFe બનાવવામાં વધુ માને. વડીલોના મોઢે ઘણી વાર એવા દાખલા સાંભળવા મળતા કે 'અમારા ફલાણા શિક્ષક શાળાએ આવે ત્યારે ગામ વાળા પોતાની ઘડિયાળનો સમય મેળવતા.' આજે પણ સમાજમાં એવા શિક્ષકો છે કે જેમના શાળાએ આવના સમયે ઘડિયાળનો સમય આપ મેળવી શકો. એમનાં એક એટલે આ ભરતભાઈ. અચૂક સમયસર શાળાએ પહોંચી જ જવું એ તેમનો નિત્યક્રમ રહ્યો છે. અને શાળાએ પહોંચી વર્ગમાં પોતાની આખી જાત ઓગળી દે. ખુમારી અને ખુદારીથી ફરજ બજાવે. 
          ભરતભાઈએ કડીયાદરા પી ટી.સી.કરી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સીરાચા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે નિમણુંક થઈ. વર્ષ હતું 1992 નું. એ સમયમાં કચ્છનાં ગામડાઓની દશા અત્યંત બદતર. પ્રાથમિક સુવિધાઓને નામે મીંડું. વીજળી, પાણી, રસ્તા જેવી સુવિધાઓ પણ ન મળે. એ સમયે સીરાચા ગામની ભાગોળે જંગલ જેવા નિર્જન વિસ્તારમાં શાળા આવેલી. ભરતભાઈ એ વખતે ઓગણીસ વર્ષના લાબરમુછીયા યુવાન. વતન સાબરકાંઠા રૂપાલથી 500 કિલોમીટર દૂર આ નિર્જન વિસ્તારની શાળામાં પ્રથમ નીમણૂંક આમતો પડકાર જનક હતી. ટેબલનું ડ્રોવર ખોલો તો અંદર થી જવાડાં બહાર આવે. પરંતુ આ ઉજ્જડ વિસ્તારની શાળાને ઉપવન બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે કામ આરંભ્યું. જાતે કુહાડી ઉપાડી. શાળાની આપસપાસનાં ઝાડી ઝાંખરાં કાપી જગ્યા ચોખ્ખી ચણક કરી દીધી. અને લીમડાનાં 150 ઉપરાંત રોપા રોપ્યા. એ સમયે વળી કચ્છમાં ક્યાં નર્મદાના નિર પહોંચ્યાં હતાં?? પાણીના એક એક ટીપાં માટે વલખવું પડે ત્યારે ડોલો ભરી ભરી લીમડાને પાણી પાઇને માવજત કરી ઉછેર્યા. આજે તો એ શાળાના પરિસરમાં રીતસરનું લીમડાનું આખું વન ઉભું છે. શાળાને તો હરિયાળી બનાવી જ સાથે સાથે અહીં વસતા અતિ પછાત અને આર્થિક રીતે અત્યંત નબળા વર્ગના બાળકોને શિક્ષણ પ્રત્યેની ભૂખ જગાવી. પાંચ વર્ષ સુધી સખત પરિશ્રમ કરી શાળાને જીવંત કરી તેઓ બદલી કરી બાજુના નવીનાળ ગામની શાળામાં ગયા. 
                એક વાર ભરતભાઇ નવીનાળ શાળામાં વિદ્યાર્થીઓ સાથે ઓતપ્રોત હતા ત્યાં જ શિરાચા ગામની કેટલીક મહિલાઓ આવી . અને કહેવા લાગી "ભરત માસ્તર તમે અમારા ગામની શાળા છોડી અહીં આવી ગયા છો પણ એ દિવસથી અમારા ગામનું કોઈ છોકરું શાળાએ જવા રાજી નથી' 
મહિલાઓની આ વાત સાંભળી ભરતભાઈ એ બંદોબસ્તનો ઓર્ડર કરવી પાછા છ મહિના સીરાચા ગામમાં ફરજ બજાવી. ત્યાં વિદ્યાર્થીઓને ભણતર અને ગણતરના પાઠ શીખવ્યા.

               1992 માં જે વિદ્યાર્થીઓને ભરતભાઈએ ભણાવ્યા હતા એ વિદ્યાર્થીઓ તો આજે સમાજમાં મોભાદાર વ્યક્તિઓ બની ગયા છે. શિરાચા ગામના તેઓના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનસુખભાઈ ચૌહાણ અને પ્રભાતસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાત કરતાં તેઓ જણાવે છે કે આજે અમે અમે જે પણ કાંઈ છીએ એ અમારા ઘડતરમાં અમારા ગુરુ ભરતભાઈનો સિંહ ફાળો રહેલો છે. તેઓ ઉમેરે છે કે ભરતભાઈ ના હાથે ભણેલા વિદ્યાર્થીઓ આજે મોટા મોટા બીઝનેસ સંભાળે છે. અને જો અમારું ચાલે તક ભરતભાઈને અમારી શાળામાં પાછા લઈ જઈએ જેથી અમારા સંતાનોનું પણ ઉત્તમ ઘડતર થાય." 
              1992 થી 2004 સુધી કચ્છ ને કર્મભૂમિ બનાવી અને ત્યારબાદ વતનના જિલ્લાનો લાભ મળતાં બદલી કરાવી અરવલ્લી જિલ્લાની નાણા પ્રાથમિક શાળામાં આવ્યા. નાણા ગામ એટલે મોટા ભાગે રબારી સમાજની વસ્તી ધરાવતું ગામ. અન્ય જ્ઞાતિઓ પણ ખરી. હવે અહીંના લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત બન્યા છે. પરંતુ શરૂઆતમાં તો વિદ્યાર્થીઓની ગેરહાજરી માથાના દુખાવા સમાન હતી. જો કોઈ વિદ્યાર્થી ગેર હાજર રહે તો ભરતભાઈ તેના ઘરે જઈ વાલી ને ઝગડીને વિદ્યાર્થીને શાળાએ લાવીને ઝંપે. વર્ગમાં વિદ્યાર્થીઓને વહાલ કરે પણ શિસ્તના પણ એટલા જ અગ્રહી. વાલીઓ પણ શાળા પરિસરમાં આવી ધૂમ્રપાન કે તમાકુનું કરતાં સો વાર વિચાર કરે . અને જો આમ કરતા ભરતભાઈ ની નજરે ચડી ગયો તો સમજો એનું આવી જ બને. સમજાવી ફોસલાવી જરૂર પડે તો ખખડાવીને ગામના ઘણા લોકો ને વ્યસનથી મુક્તિ અપાવી છે. 
               ભરતભાઈ એટલે ભણાવવામાં એક્કો. પહેલું ધોરણ પણ ભણાવી જાણે અને આઠમા ધોરણનું ગણિત વિજ્ઞાન પણ બખૂબી ભણાવી જાણે. કન્ટેન્ટ પર ગજબનું પ્રભુત્વ. અને વિદ્યાર્થીઓને સમજાવવાની હથોટી પણ આગવી. એમના હાથ નીચે પસાર થયેલો વિદ્યાર્થી અલગ જ તરી આવે. સી.આર.સી. કક્ષાએ તાલુકા કક્ષાએ અને એસ. આર.જ કક્ષાએ તજજ્ઞ તરીકે તેઓએ ઉત્તમ સેવાઓ આપી છે. 
          ભરતભાઈ કહે છે કે "હું મારા વર્ગમાં પૂરતો સમય આપી શક્યો એના માટે હું શાળાના આચાર્ય સહદેવભાઈ રબારી સાહેબનો અને શાળાના સાથી શિક્ષક મિત્રોને આભારી છે. સહદેવભાઈ હકારાત્મક અને ઉમદા આચાર્ય છે. શાળાના તમામ શિક્ષકો સાથે આચાર્ય તરીકે નહીં પરંતું એક વડીલ મિત્ર તરીકે વર્ત્યા છે. શાળાના શિક્ષકોને મોકળું મેદાન પૂરું પાડ્યું. વર્ગ કાર્યને સતત બિરદાવી પ્રોત્સાહન પૂરું પડતા રહ્યા છે. મને વર્ગ કાર્યમાં જે પણ સફળતા પ્રાપ્ત થઈ છે એ માટે સાથી શિક્ષકો દેવિકાબેન, સંગીતા બેન, મુંજાલભાઈ અને ગૌતમભાઈ આ તમામને આભારી છે. નાણા શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ પ્રતિબધ્ધતાથી ફરજ બજાવી ખભે ખભા મિલાવી કામ કરી ઉદાહરણરૂપ કામ કરી રહ્યા છે. સૌ સાથે મળી શાળાને ઉત્કૃષ્ઠ બનાવવા પ્રયત્નશીલ છે. 
            દોઢ દાયકા જેટલો સમય નાણા શાળામાં નિષ્ઠા પૂર્વક ઉત્કૃષ્ઠ સેવાઓ બજાવી છે. સામાજિક વીજ્ઞાનનો વિકલ્પ સ્વીકારી જ્યારે પંદર દિવસ પહેલાં ભરત ભાઈ ધનસુરા તાલુકાની જ સીમાલી શાળામાં બદલી કરવી ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ સાહેબને બાથ ભીડીને રડ્યા છે. અનિયમિત વિદ્યાર્થીઓના વાલીઓને ભરતભાઈ રોજ ઝગડતા હતા એ વાલીઓની આંખો માંથી આંસુઓ રોકાવાનું નામ લેતા ન હતા. 
વિદ્યાર્થીઓનો, સાથી શિક્ષકોનો, વાલીઓનો અને ગ્રામજનો તરફથી પ્રાપ્ત થયેલો અપાર પ્રેમ એ શિક્ષક માટે સૌથી મોટો એવોર્ડ છે. હાલ ભરતભાઈ એ જ નિષ્ઠા અને એ જ પ્રતિબદ્ધતાથી સીમલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. 
           સરકારી શાળાના શિક્ષક વિશે નકારાત્મક વાતો કરી ઝેરી પ્રદૂષણ ફેલાવતા કહેવાતા સમાજ સુધારકોએ  એક વાર ભરતભાઈના વર્ગની મુલાકાત લેવી જોઈએ,  દિલને ટાઢક મળશે.

સંપર્ક : ભરતભાઈ પટેેેલ : 99251 77921

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620


આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)




1 ટિપ્પણી:

  1. ભરતભાઈ સાચે જ એક કર્મશીલ શિક્ષક છે... તેમના વ્યક્તિત્વ ને ઉચીત શબ્દબધ્ધ કરનાર ઈશ્વરભાઈ ને વંદન

    જવાબ આપોકાઢી નાખો

Popular Posts