Monday, February 24, 2020

જીદગી ઝિંદાબાદ : વાત્રક હોસ્પિટલ



અદ્યતન અને અનોખું આરોગ્યધામ : વાત્રક હોસ્પિટલ



                 વાત્રક નામ સાંભળતાં જ છલોછલ બન્ને કાંઠે વહેતી નદીનો રળિયામણો નદી કિનારો નજર સ્મક્ષ તરવળવા માંડે. મુર્ધન્ય સાહિત્યકાર પન્નાલાલ પટેલની નવલકથાના દૃશ્યો જીવંત થતાં લાગે. પરંતુ વાત્રકની અન્ય એક  ઓળખ પણ ગુજરાતમાં પ્રથપિત થઈ છે. વાત્રક નદીને કાંઠે નાનકડા બીજમાંથી વટ વૃક્ષ બની ફુલીફાલેલી વાત્રક હોસ્પિટલનાં સેવા કાર્યોની ફોરમ આજે ચોમેર પ્રસરી રહી છે. છ -સાડા છ દયકાની મજલ કાપનાર આ હોસ્પિટલે અનેક તડકી છાંયડી નિહાળી છે. એક સમય એવો પણ હતો કે આ હોસ્પિટલ પોતે મોતને બીછાને પડી હતી. પરંતુ કર્મશીલ અને સેવાવ્રતી પ્રમુખ, સાથી ટ્ર્સ્ટીઓ , વિરલ દાતાશ્રીઓ અને  સેવાભાવી તબીબોની દૂરંદેશીના પરિણામે આ હોસ્પિટલ ફરી એક વાર ફિનિક્સ પક્ષીની જેમ બેઠી થઈ. અને આજે અદ્યતન સવલતોથી સજ્જ આ હોસ્પિટલ  ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત છે.
          43 એકર જેટલી વિશાળ જગ્યામાં  પથરાયેલી આ ભવ્ય હોસ્પિટલનો ઇતિહાસ પણ ગૌરવંતો છે. આ વાત છે આઝાદીના પછીના દશકની. જૂના ઈડર સ્ટેટનો અભાવો અને અગવડોથી ભરેલો આ વિસ્તાર. પ્રાથમિક સુવિધાઓ જ એ સમયે કંઈ મળે નહી ત્યાં આરોગ્ય સેવાની તો વાત જ શી કરવી??? ‘સાબરકાંઠા આરોગ્ય મંડળ’ની સ્થાપના 1956ની જૂલાઈ 31મીએ થઈ.  એ સમયે આ ધરતીના પનોતા પુત્ર ગાબટના વતની  એવા  કે.કે.શાહ પોતે દેશના આરોગ્યપ્રધાન થયા. તેનોએ તેમના માદરે વતન માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે માં કમર કસી. ભારતભરમાંથી આ હોસ્પિટલ માટે દાન મેળવીને , સાબરકાંઠા જિલ્લાના ગરીબ અને પછાત એવા દર્દીઓ માટે આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે જ પ્રાપ્ત થાય , તેવું પોતે જ સેવેલું સ્વપ્ન સેવ્યું.  
        તેઓના જૂના મિત્ર અને વડોદરાના મહારાજ ફતેહસિંહરાવ ગાયકવાડનો સાથ લઈને કુલ 99 એકર જમીન સંપાદન કરી. એમાં ખેતીની જમીન 56 એકર અને 21 ગુંઠા, બાકીની 43 એકર બીન ખેતીવાડી કરાવી. વાત્રક ખાતે આવેલ શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલનો મહારાજા ફતેહસિંહરાવ દ્વારા સને 1960માં રૂ .3  લાખનું માતબર દાન આપીને પાયો નાંખવામાં આવ્યો. ખાતમૂહર્ત યશવંતરાય ચવ્હાણને હાથે કરાવ્યું  અને આલિશાન હૉસ્પીટલની ઈમારત બનાવી-, તો વાસ્તુ મોરારજીભાઈએ કરેલું. ઉદઘાટન તત્કાલિન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. સુશીલા નાયરના હાથે ૧૯૬૫ની પંદરમી માર્ચે થયેલું. એ વખતે શ્રીમાન કે.કે. શાહના શબ્દો હતા: “સરકારી ના હોય તેવી આવડી વિશાળ હૉસ્પીટલ આ જિલ્લામાં મારા વતનના ગામમાં ઉભી કરતાં હું ઋણ ચૂકવ્યાની લાગણી અનુભવું છું. મને વિશ્વાસ છે કે બહુ થોડા જ વરસોમાં આ હૉસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ દેશભરમાંથી આવશે.” અને આજે તેઓના શબ્દો યથાર્થ સાબિત થઈ રહ્યા છે.
     જ્યારે  1965માં  દોઢસો બેડની હોસ્પિટલનો આરંભ થયો ત્યારે મોડાસા કે હિંમતનગર જેવા શહેરોમાં પણ આરોગ્ય સેવાઓનો જોઈએ તેટલો વિકાસ થયો ન હતો. એટલે છેક ડુંગરપુર, ઉદેપુર જેવા દૂરના સ્થળોએથી દર્દીઓ અહીં આવતા હતા. હૉસ્પીટલ દર્દીઓથી ઉભરાતી રહેતી હતી પણ ધીરે ધીરે આસપાસના મોડાસા-હિંમતનગર જેવા શહેરોમાં તબીબી સગવડો વધવા લાગી. વાત્રક હોસ્પીટલમાં દર્દીઓ ઓછા થતા ગયા અને થતા ભારે ખર્ચ સામે થતી આવક પાતળી પડવા માંડી.  
     જેમ જેમ દાતા મળતા જાય છે તેમ તેમ સંસ્થામાં સગવડો વધારાતી જાય છે. દર્દીઓને હૉસ્પીટલમાંથી જ બે ટાઈમ ભોજન અને ચા-દૂધ મફત અપાય છે. સ્પેશીયલ રૂમ માત્ર પચાસ રૂપિયાના કિફાયતી દરથી અપાય છે.
         એ દરમ્યાન સરકારી ગ્રાન્ટના નિયમો આકરા બન્યા. અને પરિણામે ભયંકર નાણાકીય કટોકટી ઉભી થવા માંડી. ડોકટરોના માન્ય પગાર ( કે જે ખાનગી હૉસ્પીટલો કરતાં ઘણો જ ઓછો નિયત થયેલો હોય)ના માત્ર પંચોતેર ટકા ગ્રાન્ટ મળે. પગાર પૂરો ચૂકવવો, એના ય ફાંફા પડવા લાગ્યા આ સ્થિતિમાં હોસ્પિટલને ટકાવી રાખવામાં પણ ફાંફા પડવા માંડ્યા. આ વિશાળ હૉસ્પીટલને તાળાં મારવાં પડે તેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી. મરણ પથારી પર સુતેલી આ હોસ્પિટલની નવજીવનની  એ આખી કથા રસપ્રદ છે.
       ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સુખનું સરનામું બનેલી આ હોસ્પિટલનું બાળમરણ થાય એ કુદરતને પણ મંજૂર નહીં જ હોય એટલે પરીકથા જેવી બે ત્રણ ઘટનાઓ બની. અને તેમાંની એક તે આણંદના ધીરુભાઇ પટેલનો આમાં પ્રવેશ. સાયન્સની માસ્ટર ડીગ્રી ધરાવતા, બાયડમાં વાસદરા ગામમાં ૧૯૩૪માં જન્મેલા ધીરુભાઈ વીરમભાઈ પટેલ સામાન્ય સ્થીતીના હતા. ધંધો કર્યો અને જામ્યો  અને  એ બે પાંદડે થયા અને  વતનના ગામ બાયડમાં આવેલી આ હૉસ્પીટલમાં ઉપર છલ્લો રસ લેવા માંડ્યા. એમાં સક્રીય થયા. ધીરેધીરે વાઈસ પ્રેસીડેન્ટ થયા અને વિદેશ પ્રવાસો દ્વારા હૉસ્પીટલ માટે થોડુંઘણું ફંડ ઉઘરાવી લાવવા માંડ્યા. સમાંતરે જ કોદરભાઈ પટેલ સેક્રેટૅરી  ચંદુકાકા, અને ડૉ. સી. એમ. શાહ જેવા મિત્રો સાથે વધુ નિકટતા કેળવાતી ગઈ એમ હૉસ્પીટલ સાથે વધુ ને વધુ સંકળાતા ગયા. રિટાયર્ડ પ્રિન્સીપાલ કે.સી.શાહ પણ આ જ વિસ્તારના હતા. એમને પણ સાથે રાખ્યા.
             ત્યાં એક બહુ સારી વાત બની તે આદ્યસંસ્થાપક કે. કે. શાહના પુત્ર પ્રકાશભાઈ શાહની આમાં સામેલગીરી થઇ. એ અમેરિકામાં સી. પી. એ. (ચાર્ટેડ પબ્લિક એકાઉન્ટન્ટ) છે. – ત્યાં રહ્યે રહ્યે પિતાએ સ્થાપેલી આ અનન્ય સંસ્થાના સંચાલન કે વહીવટમાં રસ લેવાનું તેમને માટે શકય બને તેમ નહોતું, પણ ધીરૂભાઈ પટેલ અગાઉ જ્યારે અમેરિકા ગયા ત્યારે તેમની પાસેથી પ્રકાશભાઈએ હૉસ્પીટલને પાછી બેઠી કરવાના સંગઠીત પ્રયત્નો વિષે જાણ્યું અને તેમણે તરત ઓફર કરી કે જો તમે હૉસ્પીટલની વ્યવસ્થા સંભાળતા હો તો પૈસાની જવાબદારી હું લઉં છું. . જ્યારે 1997 માં સાનુકુળ સંજોગોને લીધે ધીરૂભાઈ અને મિત્રો પૂરો સમય હૉસ્પીટલના વહીવટમાં આપી શકે તેવી પરિસ્થીતી પેદા થઇ ત્યારે પ્રકાશભાઈએ પોતાનું જૂનું વચન દોહરાવ્યું અને નાણાંકીય મદદ શરૂ કરી. અત્યાર સુધીમાં તો પ્રકાશભાઈ આ સંસ્થાને  લાખો રૂપિયા ઉપરાંતનું દાન આપ્યું.
         હોસ્પિટલ ફરી ધમધમવા લાગી.   હોસ્પિટલના સેવાકાર્યોની સુવાસ ફેલાવા લાગી. બીજાઓ પણ આ તરફ આકર્ષાયા, વાઘબકરી ચાવાળા પિયુષભાઇ, સ્વામિ સચ્ચીદાનંદજી, વિનોદ બ્રહ્મભટ્ટ, વ્રજમોહન શાહ અને બીજા અનેકોએ લાખથી માંડીને પંદર લાખ સુધીની સખાવતો કરી અને પરિણામે  મરું મરું થતી હૉસ્પિટલને જાણે કે સંજીવની મળી. પણ સેવાઓ આપવાનું વધતું ગયું તેમ ચાલુ ખર્ચ વધતો ગયો, પગારો વધતા ગયા, સાધન, સરંજામના ખર્ચા વધતા ગયા. અને મોંઘવારી એટલે તો જાણે જોગણીનું ખપ્પર. હોસ્પિટલના સૌથી મોટા લાભાર્થીઓ તો સાવ નિર્ધન પ્રજા, એ ઘણું ય ઇચ્છે તો ય રૂપિયાની વાત આવે ત્યારે નિમાણા થઇને ઊભા રહે. એમનો, એ લોકો દઇ શકે તેવો વાજબી સહકાર કઇ રીતે લઇ શકાય? ટ્રસ્ટીઓએ અનોખા રસ્તાઓ અજમાવ્યા,
          નવતર રીત હતી  તે અનાજનું ઉઘરાણું કરવાનો રસ્તો.. ગામે ગામ ફરીને અનાજ ઉઘરાવવાનું શરુ કર્યું. જો કે, એ કામ સહેલું ન હતું. એના માટે સમય અને રુટનું આયોજન કરવામાં આવ્યું. ઘઉં તૈયાર થવાના થાય એટલે માર્ચના પહેલા અઠવાડિયામાં ચેરમેન ખુદ, સેક્રેટરી અને બીજા બે ચાર ટ્રસ્ટીઓ અને મિત્રો ગાડાં, બીજાં વાહનો કે જે સગવડ હોય તે લઈને નીકળી પડે. મોટે ભાગે અગાઉથી માણસો ફેરવીને અગાઉથી જ ઘઉંરૂપે ફાળા કેટલાકે નોંધાવી દીધા હોય. કોઈ વીસ કીલો ઘઉં લખાવે, કોઈ દસ કીલો, તો કોઈ પાંચ જ કીલોગ્રામ લખાવે. લગભગ તો આ માટે કોઈ ના ન પાડે. આ મંડળી રોજ સાંજે નીકળી પડે, ખાધેપીધે સુખી, કરોડોપતિ ટ્રસ્ટીઓને આ રીતે હૉસ્પીટલના હેતુ માટે “ભીખ” માગવામાં કોઈ શરમ નહીં. અરે, કોઈ તોછડાઈથી જાકારો આપે તોય આ મહામના લોકો ગમ ખાઈ જાય. ક્યાંક કોઈક ‘ઘઉં નથી, બટાટા લઈ જાઓ’ એમ કહીને બટાકા આપે. ક્યાંક મકાઈ, ક્યાંક શેરડી, ક્યાંક નકરા રાડા આપ્યાના દાખલા છે.
     આજુબાજુના ત્રીસ-પાંત્રીસ ગામો આવરી લેવાયા ને પછી જે કંઈ એકત્ર થયુ હોય તેનું વર્ગીકરણ થાય, સાફસૂફી થાય, વ્યવસ્થિત રીતે પેક થાય અને પછી બજારમાં એને વેચીને રોકડી કરી લેવાય. જ્યારે હૉસ્પીટલમાં જરૂર પડ્યે ત્યારે બજારમાંથી તાજા ખરીદી લેવામાં આવે – આવી રીતે દૂધમંડળીઓએ પણ દૂધ-માખણ આપ્યા હોય તેમાંથી ખપપૂરતો ઉપયોગ કરીને બીજું વેચી દેવાય ને તેની રકમ આગળ ઉપર દર્દીઓના માટે જ સારી કામમાં આવે. ટ્રસ્ટીઓની આ ‘ડાઉન ટુ અર્થ’ કાર્યપધ્ધતિએ ઘણી ચમત્કારિક અસર પેદા કરી. લોકોને હૉસ્પીટલ પોતીકી લાગવા માંડી.
       આ અપૂર્વ પ્રયોગ પછીનો બીજો પ્રયોગ તે ફાજલ પડેલી 56 એકર જમીનને ખેતી અને બાગાયત માટે ઉત્પાદક રીતે વાપરવાનો. એમાં આમળાના પાંચ હજાર વૃક્ષો, આંબા, સીતાફળી અને જામફળીનું વાવેતર કરવામાં આવ્યું. કૃષિનિષ્ણાતોની દેખરેખ નીચે એમાંથી પૂરક આવક ઊભી કરી. પૈસો પણ આવ્યો અને પર્યાવરણ પણ સુધર્યું. દર્દીઓને મળતા મફત ભોજન અને અન્ય સગવડો, ખોરાકનું સ્તર અને સ્વચ્છતા જોઇને 2004માં આ વાત્રક હૉસ્પિટલને ‘ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યક્ષેત્રે ઉત્તમ કામગીરી’બદલનું સર્ટિફિકેટ પણ ગુજરાત સરકારે આપ્યું.
       જેમ જેમ દાતા મળતા જાય છે તેમ તેમ સંસ્થામાં સગવડો વધારાતી જાય છે. દર્દીઓને હૉસ્પીટલમાંથી જ બે ટાઈમ ભોજન અને ચા-દૂધ મફત અપાય છે. સ્પેશીયલ રૂમ માત્ર પચાસ રૂપિયાના કિફાયતી દરથી અપાય છે.
સમતા વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૪ થી સંપૂર્ણ નિશુલ્ક આંખોની સારવાર ચકાસણી, ઓપરેશન, દવા -ચશ્મા સાથે વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે. અંધજન મંડળ, સમતા ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્રક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે અંદાજીત પાંચ કરોડના ખર્ચે એક અદ્યતન આંખની હોસ્પિટલ બનવા જઈ રહી છે. જેમાં બેલાબેન અને યોગેશભાઈ પટેલ તરફથી2 બે કરોડ નો માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે. સાથે સાથે અંધ જન મંડળના ભૂષણ પૂનાની સાહેબ , મૂળ ગાબટના  વાતની અને હાલ અમેરિકા સ્થિત રમેશભાઈ શાહ પણ અંગત રસ લઇ રહ્યા છે. આ સાથે જાન્યુઆરી 1016 થી સવારે અને સાંજે જમવાનું 5-10 રૂપિયા માં  દર્દી  અને તેની સાથેના સગાઓને સાત્વિક જમવાનું આપવાનો સેવાયજ્ઞ  સમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ થયો છે. 
        દાતાશ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી (આરતી ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રિઝ – મુંબઈ)ના માતબર દાનના લીધે 2008 ના વર્ષથી આ સંસ્થાના નેજા હેઠળ ‘મહાવીર સ્કુલ ઓફ નર્સિંગ’ ચાલુ કરી શકાઈ છે. પ્રથમ વર્ષમાં 30 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. હાલ 50 વિદ્યાર્થીઓને પ્રવેશની માન્યતા છે. ચંદ્રકાંતભાઈના સહકારથી જ લગભગ 200 વિદ્યાર્થીનીઓ રહી શકે, તે માટે ‘યશોદા ગર્લ્સ હોસ્ટેલ’ પણ બનાવવામાં આવી છે. નર્સિંગના બે વર્ષના ડીગ્રી કોર્સ માટે કોલેજ ઓફ નર્સિંગ પણ આ કેમ્પસમાં જ ચાલુ છે. આ સંસ્થાને મહાવીર બી.એસ.સી નર્સિંગ કોલેજ શરૂ કરવાની માન્યતા પણ મળી ગઈ છે.
            દર્દીઓને રાતદિવસ સેવા મળી રહે તે માટે હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ તથા મેડિકલ વિભાગમાં સારી સેવાઓ પૂરી પાડવા માટે એક એક વધારાના ડોકટર નિમવામાં આવ્યા છે. સરકારી ધારાધોરણ મુજબ ગ્રાન્ટ મળે છે, પણ એ પૂરતી નથી. હોસ્પિટલમાં સરકાર દ્વારા 53 માણસોનો સ્ટાફ મંજુર કરવામાં આવ્યો છે. પણ લોકોની સંખ્યા અને સેવાનું ઉચ્ચતમ ધોરણ જાળવી રાખવા વધારાનો સ્ટાફ રાખવો પડે છે. હોસ્પિટલને જીવાડવા માટે કાબેલ ડૉક્ટર્સને વધારે પગાર આપીને પણ સાચવવા પડે છે. તબીબી સાધનો ખરીદવા કે નવા બાંધકામ માટે ગ્રાન્ટ મળતી નથી. કિડનીના રોગો માટે પાંચ ડાયાલિસિસ મશીન સાથેનું યુનિટ કાર્યરત છે. હોસ્પિટલમાં નવું ઓપરેશન થિયેટર બનાવાયું છે. વર્ષ 2018 ના ફેબ્રુઆરી માસથી નવા દસ બેડનું આઈ.સી.યુ પણ કામગીરી બજાવી રહ્યું છે. લેબોરેટરીમાં અલગ અલગ પરીક્ષણો માટે નવાં નવાં મશીનો વસાવવામાં આવ્યા છે. આ બધા ખર્ચને લીધે હોસ્પિટલને દર વર્ષે જંગી ખોટ ભોગવવી પડે છે. આ ખોટ આવકમાંથી તો સરભર કરવી શક્ય નથી, એટલે દાન પર નિર્ભર રહેવું પડે છે.
         હોસ્પિટલની સેવાકીય મૂડીના બળ પર દાતાઓ મળતા રહે છે.


સંસ્થાનો સંપર્ક નંબર 02779 – 222018 અને 222001. ઇ મેલ: vatrakhospital@gmail.com અને વેબસાઇટ www.vatrakhospital.com



 
લેખન-  સંકલન ; ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)


(સંદર્ભ લ્યોઆ ચીંધી આંગળી : વાત્રક હોસ્પિટલ : મરણતોલ અવસ્થા-પછી નવજીવન : 
રજનીભાઈ પંડ્યા)





  


1 comment:

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts