ગુરુવાર, 23 જાન્યુઆરી, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : વિષાલ ખત્રી


 મહેકતી અને  ધબકતી  ડિઝિટલ શાળાના શિલ્પી આચાર્ય
વિષાલ ખત્રી


                    વિષાલ ખત્રી.
              ગુજરાત રાજ્યને  એક નમૂનેદાર પ્રાથમિક શાળા ભેટ ધરનાર એક પ્રતિભાવાન આચાર્ય છે.  પોતાની શાળાને પ્રયોગભૂમિ બનાવી આ શિક્ષકે કરેલા સફળ પ્રયોગો થકી  શિક્ષણ ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી છે. આગવી સૂઝ અને આવડત થકી શાળાને મધમધતી અને ધબક્તી કરી દીવાદાંડીરૂપ કાર્ય કરી બતાવ્યું છે.  છેલાં પાંચ વર્ષમાં પાંત્રીસ લાખ જેટલી માતબર રકમનું દાન મેળવી ખાનગી શાળાને પણ ટક્કર મારે એવું ભાવાવરણ સર્જ્યું છે.  
          આ વાત છે ગુજરાતના દક્ષિણ છેડે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની પ્રાથમિક શાળાની.  સુરત બારડોલી હાઈવે પર સુરતથી 22 કિલોમીટર અંતરે   આવેલ આ ગામ આજે તેની પ્રાથમિક શાળાના કારણે આખા ગુજરાતમાં જાણીતું બન્યું છે.   વિશાલભાઈ ખત્રી શાળામાં 2003 માં વિદ્યાસહાયક તરીકે દસ્તાન શાળામાં જોડાયા.   શિક્ષકના વ્યવસાય તરીકે સમયનો મહત્તમ સદઉપયોગ કરીને અનેક રચનાત્મક , ક્રિયાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી સમગ્ર શાળાકીય વાતાવરણને ધબક્તું કરવા સતત પ્રયત્ન શીલ રહેતા. પરંતુ શિક્ષક તરીકે કેટલીક મર્યાદાઓ નડતી  વર્ષ 2014 માં આચાર્યનો ચાર્જ તેઓન પાસે આવતાં કાર્ય કરવાનું મોકળું મેદાન પ્રાપ્ત થયું.  સાથી શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરી એક ઉત્તમ વાતવરણ પુરું પાડ્યું અને પછી તો જાણે  પરિવર્તનો પવન ફુંકાયો. અને થોડા જ સમયમાં શાળાએ નવાં રૂપ રંગ ધારણ કર્યા. થોડા વર્ષો પહેલાં ગુણોત્સવમાં ડી ગ્રેડ ધરાવતી શાળા એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે શિરમોર બની.  જ્ઞાન-વિજ્ઞાન, ગણીત-ગમ્મત અને ટેકનોલોજીનો ઉપયોગ કરી સાચા અર્થમાં ‘ભાર વગરના ભણતર' ના સૂત્રને ચરિતાર્થ કર્યું છે.
         શાળામાં પ્રવેશ કરોતાં જ આપણી આંખો ઠરે તેવું શાળાનું રમણીય મેદાન છે. નકામી પ્લાસ્ટીક બોટલો,   જુનાં ટાયરો જેવી વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી શાળા પરિસરને સુંદર આકાર આપ્યો છે. ઈનોવેટીવ આઈડીયાઝથી નકામી વસ્તુંઓનો  ઉત્તમ ઉપયોગ કરી સુંદર અને આકર્ષક બનાવી છે. શાળા  CC tv  થી સજ્જ કરવામાં આવી. પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્યમાં તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નિતનવા પ્રયોગો કરીને બાળકોના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્નો કરતા વિશાલભાઈને જિલ્લા, રાષ્ટ્રકક્ષાએ ઈન્સ્પાયર એવોર્ડ  માટે પસંદગી પામીને આઈ.આઈ.ટી, દિલ્હી ખાતે રાજયનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
           વિશાલભાઈએ ધોરણ 3-8 ના તમામ વિષયોના તમામ એકમ માટે 1400 જેટલા  ક્યુ-આર કોડની રચના કરી છે. ક્યુ.આર. મદદથી તમામ વિષયના ડિજીટલ પાઠ્યપુસ્તક બનાવ્યા છે. મોબાઈલથી ક્યુ. આર. કોડ સ્કેન કરતાંની સાથે જ કોઈ પણ એકમ માટેના વિડીઓ અને અન્ય સંદર્ભ સાહિત્યની આખી દુનિયા મોબાઈલ સ્ક્રીન પ્ર ખુલી જાય છે.  જે વિદ્યાર્થીને ઘરે હોય ત્યારે અભ્યાસ કરવામાં અને શાળામાં શીખેલા મુદાઓનું પુનરાવર્તન કરવામાં મદદરૂપ બને છે . આમ, જ્ઞાન  સાથે - ગમ્મત ડિજીટલ શિક્ષણ મેળવતા દસ્તાન પ્રાથમિક શાળાના બાળકો માટે ઓફલાઇન અને  ઓનલાઇન ડિજીટલ શિક્ષણનો સમન્વય રચાયો છે.
               ટેકનોલોજીમાં ઊંડી સમજ ધરાવનાર વિશાલભાઇએ પોતાની આવડતનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે કરીને  ચમત્કાર સર્જ્યો છે. રાજ્ય સરકારના ‘ ડિજીટલ શિક્ષણના સાનકુંજ પ્રોજેક્ટમાંથી પ્રેરણા લઈ પોતાના રોજબરોજના શિક્ષણકાર્યમાં  ક્યુ.આર. કોડથી આગળ વધીને ' ઓમેન્ટેડ રિયાલીટી ઇન એજ્યુકેશનની નવીનતમ ડિજીટલ ટેકનોલોજીનો પ્રયોગ કર્યો છે. જેમાં બાળકો દ્વારા દોરાયેલા ચિત્રોને મોબાઇલ સ્ક્રીનમાં સ્કેન કરતા જ ચિત્રો થ્રીડી અને લાઇવ - બોલતા ચાલતા જોઇ શકાય છે. આ વાત આપને સૌને કાલ્પનિક લાગે પણ એક સરકારી શાળાના શિક્ષકે  હકિકત બનાવી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ક્ષિતિજો વિસ્તારી આપી છે.  પાઠ્યપુસ્તકમાં આવતાં વિજ્ઞાનના વિવિધ પ્રકરણોમાં શરીરના આંતરિક અંગો જેવા કે, હૃદય,  મગજ, ફેફસા, કરોડરજજુને લાઇવ અને થ્રીડી સ્વરૂપે ભૂલકાઓને સરળતાથી શીખી શકે તેવા પ્રયોગો પણ કર્યા છે. AR  ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોએ કરેલ રંગપુરનીનાં ચિત્રો ચાલતા અને બોલતા થયા.  દ્રશ્યશ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થી કોઈ પણ વિષય   રસપૂર્વક  શીખી શકે છે.  સામાન્ય રીતે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા લગતા વિષયોમાં થ્રી - ડી અભ્યાસ દ્વારા જીવંત શિક્ષણ આપવામાં  આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન પ્રત્યે અણગમો રાખવાના બદલે રસરૂચિ દાખવી રહ્યા છે.
           વિશાલભાઇ કહે છે કે “વર્ષ 2014 પહેલા શાળાને વર્ષે માંડ  10 થી 15 હજાર દાન મળતું હતું . 2014 બાદ  ગામના લોકોના સહકારમાં ઉત્તરોત્તર વધારો થયો છે. શાળાએ પ્રાપ્ત કરેલા ઉત્તમ પરોણામોને કારણે  છેલ્લાં ચાર વર્ષમાં શાળા પર લોક સહિયોગનો જાણે ધોધ વહ્યો. ગામના એન.આર.આઈ . શ્રી અમૃતભાઇ પટેલ તરફથી 7.50 લાખ રૂપિયા તથા રોટરી કલબ ગણદેવીએ 12 લાખ રૂપિયા મળી અન્ય લોકસહયોગથી 35 લાખ જેટલી માતબર   દાનની રકમ શાળાને દાન મળી છે. જેમાંથી બે આર.ઓ. વોટર પ્લાન્ટ, સ્માર્ટ બોર્ડ, ફ્રી વાઇ-ફાઇ,  શાળાનું રંગ-રોગાન, કમ્પાઉન્ડ વોલ પર તાર ફેંસીંગ,  ગ્રાઉન્ડમાં પેવર બ્લોક , રમત - ગમતના સાધનો, શાળાના મુખ્ય ગેટનું નિર્માણ - જેવી અનેક કામગીરીથી શાળાની રોનક બદલી છે. “.
         વિશાલભાઈ કહે છે કે , અમારા ગામની શાળામાં ગરીબ હળપતિ સમાજના બાળકો અભ્યાસ અર્થે આવે છે. જેથી બાળકોમાં રહેલા કુપોષણને નાબુદ કરવા માટે લોકસહકારથી સવારે ખમણ , બટાટા- પૌઆ, બિસ્કિટ જેવો નાસ્તો આપવાનું શરૂ કર્યું.  કુલ ૧૦ કરતા વધારે માતા પિતા વગરનાં બાળકોને દત્તક અપાવ્યા. કુલ ૭ પ્રતિભા શાળી બાળકોને દાતાશ્રીનાં હસ્તે કમ્પ્યુટર અપાવ્યા. રમતગમતના સાધનો  વસાવ્યા.જ્ઞાનકૂંજના  બે ડિઝિટલ  વર્ગો સરકાર શ્રી તરફથી શાળાને  આપવામાં અવ્યા હતા તો બીજા બે વર્ગો વિષાલભાઈ એ લોક સહિયોગ મેળવી જાત મહેનતે ઉભા કર્યા. શરૂઆતમાં  શાળામાં 170 બાળકો આવતા હતા. શાળા પરિવારના સહિયારા પરિશ્રમને પરિણામે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને દસ્તાન પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા લાગ્યા. આજે 200 જેટલા ભૂલકાઓ શાળાએ આવતા થયા છે.
              સમયની સાથે તાલ મિલાવીને શાળાનું યુ-ટયુબ એકાઉન્ટ, ટ્વીટર તથા ફેસબુક પેજ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં શાળાની દરેક પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસાર  પ્રચારનું કાર્ય કરવામાં આવે છે. DIgital Monthy  News ની શરુઆત કરવામાં આવી.જેમાં મહિના દરમિયાન શાળામાં થતી પ્રવૃત્તિ સમાચારનાં માધ્યમ દવારા વાલી અને સમાજ સુધી પહોચાડવામાં આવી.જેમાં પ્રોફેશનલ ન્યુઝ જેવી ઇફેક્ટ આપવામાં આવી.
        પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સ્વચ્છતા અભિયાન' ને વિશાલભાઇએ ખરા અર્થમાં સાર્થક કર્યું છે . તેમની શાળાને 2017 માં તાલુકા કક્ષાનો “ સ્વચ્છતા એવોર્ડ ” તથા જિલ્લાકક્ષાનો “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” પ્રાપ્ત થયો છે . દર વર્ષે ગાંધી જયંતિના અવસરે સ્વચ્છતા અભિયાન દ્વારા શાળા તથા ગ્રામજનોને પણ સાથે જોડીને સ્વચ્છતાના પાઠ શિખવવામાં આવે છે. બાળકોમાં મૂલ્યલક્ષી ગુણો વિકસે તે માટે બચત બેંક , આજનું ગુલાબ , જન્મ દિવસની ઉજવણી , રામ - હાટ , અક્ષયપાત્રો, ખોયા-પાયા, હાદાનેશ્વરી કર્ણ યોજના જેવી અનેક સહઅભ્યાસકીય  પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પુસ્તકાલયનાં પુસ્તકોને ડિઝિટલ રૂપ આપી કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ  કરી ઈ-લાઈબ્રેરીનું નિર્માણ પણ કર્યું છે.
         વિષાલભાઈની સુંદર કામગીરીની નોંધ લેતાં વર્ષ 2017  માં તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે, વર્ષ 2018 માં સુરત જિલ્લાનાં  શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તેઓની કમગીરીને બિરદાવતાં  આ વર્ષે 5 મી સપ્ટેળમ્બદર “ શિક્ષક દિન નિમિત્તે  રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ રાજય સરકાર  તરફથી વિશાલભાઇને ગાંધીનગર ખાતે રાજયપાલશ્રીના હસ્તે રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરિકેનું  રાજયપારિતોષિક -2019 ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.   
        શાળાની સફળાતાનો તમામ યશ વિષાલભાઈ સાથી શિક્ષક મિત્રો, ઉત્સાહી એસ.એમ.સી. , ગ્રામજનો અને દાતાઓને આપે છે. એક ઉત્તમ શાળાના નિર્માણ બદલ સમસ્ત દસ્તાન શાળા પરિવારને દિલ થી અભિનંદન.

વિષાલ ખત્રી સંપર્ક  નં. :97237 84607

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)

1 ટિપ્પણી:

Popular Posts