Monday, January 27, 2020

જિંદગી ઝિંદાબાદ : વશરામભાઈ મકવાણા


નોંધારાનો આધાર, લોકકલ્યાણ  સેવા સંસ્થાના સ્થાપક:

  વશરામભાઈ મકવાણા



            વશરામભાઈ મકવાણા.  
            એક્દમ ઉજ્જડ, અને વેરાન એવા વિસ્તારમાં અનાથ, વંચિત, દલિત અને પછાત વર્ગનાં બાળકો માટે છાત્રાલય ઉભું કરી શિક્ષણની ભૂખ જગાડનાર અદનો લોક્સેવક છે. જ્યાં આશ્રય લેનાર વિદ્યાર્થી પાસે એક પણ રૂપિયો ફી લેવાતી નથી, સરકાર તરફથી એક પણ રૂપિયો ગ્રાન્ટ લેતા નથી.  એમ છતાં અહીં ટૂથપેસ્ટથી લઈ ચપ્પલ, ચોપડાં અને કપડાં જેવી તમામ સામગ્રી સાથે  ઉત્તમ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.  એટલું જ નહી પરતું સર્વજ્ઞાતિય  નિરાધાર, ગરીબ દિકરીઓ માટે સમૂહ લગ્નના આયોજનો કરી દિકરીઓને સન્માન જનક રીતે સાસરીએ વળાવી વશરામભાઈએ સમાજ સેવાની એક આહલેખ જગાવી છે.                 
             સુરેન્દ્રનગર જીલ્લાના  પાટડી તાલુકાનાં રણવિસ્તારમાં આવેલા નાના એવા વિસાવડી ગામ લોકસેવક વશરામભાઈનું વતન. પ્રાથમિક સુધીનું શિક્ષણ વતનમાં, માધ્યમિક સુધીનું શિક્ષણ ગાંધીનગરમાં, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પાટડીમાં અને યુનિવર્સિટી શિક્ષણ શ્રી નરસિંહભગત સરકારી કુમાર છાત્રાલય, અમદાવાદમાં રહીને અનેક હાડમારીઓ વેઠીને   ભણતર પૂરું કર્યુ. તેઓના પિતા કાળી મજૂરી કરે.  ઘરની આર્થીક સ્થિતિ અત્યંત નબળી.  એટલે પોતે પણ ભણતા - ભણતા અનેક જગ્યાએ નોકરી કરીને અભ્યાસ પૂરો કર્યો છે. જેવી  કે રાઇફલ કલબ, અમદાવાદમાં  પટાવાળા તરીકે નોકરી કરી છે. એક પ્રાઇવેટ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પ્યુન કમ કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી છે. 'The Times Of India' દૈનિક ન્યૂઝ પેપરની મુખ્ય ઓફિસમાં પેપરમાં પૂર્તિઓ ગોઠવવાની નોકરી રાત્રે 12 થી 4 કરી છે.   'સંદેશ' ન્યૂઝ પેપર વહેલી સવારે  4 થી 5 વાગે  પાલડી-અમદાવાદ વિસ્તારમાં ઘેર-ઘેર વહેંચ્યાં છે. એક સિનિયર ડી.જી. કક્ષાનાં નિવૃત અધિકારી સમક્ષ 2 કલાક ન્યૂઝ પેપર વાંચીને તેમને સંભળાવવાની નોકરી પણ કરી છે. એક મેડિકલ સ્ટોર,નહેરુનગર ચાર રસ્તા,અમદાવાદ ખાતે કચરા-પોતું કરવાની નોકરી પણ કરી છે.
            સુરેન્દ્રનગર જિલ્લામાં અંતરિયાળ કહી શકાય એવા ખારાપાટ વિસ્તારમાં શ્રમજીવી અગરિયાઓના પરિવારો વસે છે. છેવાડાના માણસની તકદીરમાં ગામની સરકારી નિશાળ પૂરતી સગવડ હોય. આવા લોકો વચ્ચે જન્મેલા ઉછરેલા અને મહાનગરમાં જઈ ભણેલા વશરામભાઈએ  રણમાં કાળી મજૂરી કરતા અગરિયાઓને જોઇને, તેમનાં સંતાનોની હાલત જોઇને આવા બાળકો માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે લોકસેવાનો જાણે ભેખ ધર્યો.  સંઘર્ષમય પરિસ્થિતિને પહોંચી વળવાની તથા લોકજાગૃતિ લાવવાની નેમ સાથે 2002માં લોકકલ્યાણ સેવા સંસ્થાની સ્થાપના કરી અને તેઓ સંસ્થાના સ્થાપક બન્યા .મહિને છસો રૂપિયાના  ભાડાના મકાનમાં નવ વિદ્યાર્થીઓનું છાત્રાલય શરૂ થયું. વશરામભાઈ મકવાણા નામના યુવાનને સામાજિક રીતે પ્રતિબદ્ધ એવા અધ્યાપક મળી ગયા. શિક્ષણ અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં સમર્પણ વૃત્તિથી ડો . નવીનભાઈ પટેલ ત્રણ દાયકાથી સક્રિય છે . અને  આ ઉમદા શૈક્ષણિક પ્રવૃત્તિને હૂંફ મળી.
          એક ઓરડામાંથી   છાત્રાલય   શરૂ થયેલ આ સંસ્થાને અમેરિકા સ્થિત ડો . શ્યામાબેન ગૂગલે તથા રજનીભાઈ હાથીભાઈ પટેલે જમીન - મકાનનું દાન કર્યું. દાન થકી 23 ઓરડાનું બાંધકામ થયું.  અનેક વિટંબણાઓ વેઠીને ઉછરેલા નવયુવાને અમદાવાદથી 100 કિલોમીટર દૂર  વડગામના વગડાઉ વિસ્તારમાં આજે એકસો તેવીસ જેટલાં ગરીબ જરૂરિયાતમંદ  વિદ્યાર્થીઓને છાત્રાવાસની સુવિધા મળી છે. જેમાં ગુજરાત ઉપરાત રાજસ્થાન, , ઝારખંડ, દિલ્હી એમ સમસ્ત ભારત બહારના વિદ્યાર્થીઓ એ આશ્રય લીધો છે                                          હાલ 123અનાથ,ગરીબ,  જરૂરિયાતમંદ,તકવંચિત બાળકો (19 દિકરીઓ અને 104 દિકરાઓવિનામૂલ્યે રહેવા-જમવા-ભણવાનો લાભ તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે અભ્યાસ કરી રહ્યાં છે.
                  અનેક આર્થિક વિટંબણાઓ વચ્ચે પણ તેઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ સતત વિકસાવતા રહ્યા છે . હજારો ગરીબ, લાચાર, અનાથ બાળકો અને વિધવા તેમજ ગરીબ વર્ગની મહિલાઓ માટે તેઓ મુકિતદાતા છે, તેમનાં તારણહાર છે, તેમને રોજી - રોટી અપાવનાર છે . સાદાઇ , સંયમ , વિનય , વિવેક અને આધ્યાત્મિકતાને વરેલા શ્રી વશરામભાઈ પ્રેરણાદાયી વ્યકિતત્વ ધરાવે છે.
                મહાનુભાવોની પ્રેરણાથી અને તેમનાં નેતૃત્વમાં પા પા પગલી પાડતી સંસ્થાએ ટૂંક સમયમાં વટવૃક્ષનું રૂપ ધારણ કરી લીધુ. તેમની સેવાકીય પ્રવૃતિઓ સતત વિસ્તરતી રહી છે. વહેલી સવારથી મોડી રાત સુધી સતત કાર્યરત રહેવા છતા પણ તેમના ચહેરા ઉપર કદી થાક જણાતો નથી . વળી તેમનું જીવન તદન સાદુ અને સરળ  છે  તેમની સંસ્થા ધોરણ થી ૧રનાં વિધાર્થીઓ માટે છાત્રાલય , બાલવાડી, સીઝનલ હોસ્ટેલ્સ, સપોર્ટ સ્કૂલ્સ, સીવણ કલાસ અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માન્ય કોમ્યુટર સેન્ટર ચલાવે છે. વડગામ ખાતે મહાત્મા ગાંધી પુસ્તકાલય ગ્રામજનોનાં જ્ઞાનમાં સતત વધારો કરી રહ્યું છે .
               અત્યાર સુધીમાં 1062 જેટલા બાળકો આ  સંસ્થામાંથી ભણીને આગળ વધ્યા છે. 100 થી વધુ બહેનો સીવણ શીખીને આગળ આવી છે. પોતાનું ગુજરાન ચલાવે છે. 100 જેટલા લોકો આ સંસ્થામાંથી કોમ્યુટર શીખીને રોજગારી મેળવી રહ્યા છે. દર વર્ષે  અહીં મેડિકલ કેમ્પ કરવામાં આવે છે. તે મેડિકલ કેમ્પોમાં  અત્યાર સુધીમાં 5 હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે તપાસ / દવાઓ મેળવી છે. આંખની તકલીફ વાળા દર્દીઓમાંથી 1000થી વધુ દર્દીઓને ચશ્મા વિનામૂલ્યે આપ્યા છે તેમજ 1000થી વધુ દર્દીઓને  મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરેલ છે. વશરામભાઈએ આખું  યૌવન માત્રને માત્ર સેવામાં હોમી દીધું છે..
              અત્યાર સુધીમાં 102 અનાથ દિકરીઓનાં હાથ પીળા કરવાનું (સર્વ જ્ઞાતિ-સર્વ ધર્મ સમુહલગ્ન) ભગીરથ કાર્ય અનેક લોકોનાં સહયોગથી સુપેરે પૂર્ણ કરેલ છે. ગત વર્ષે એકાવન જેટલી કન્યાઓના પાંચમાં સમૂહલગ્નનો કાર્યક્રમ થયો . સર્વધર્મ - સર્વજ્ઞાતિ સમૂહલગ્નનો બીજી વખત આવેલો પ્રસંગ હતો . વાલ્મીકિ , વણકર , રોહિત સમાજ, ઠાકોર સમાજની દીકરીઓ ઉપરાંત આઠ જેટલી મુસ્લિમ કન્યાઓ લાભાર્થી તરીકે હતી . મુસ્લિમ સમાજની બહેનોના નિકાહ પણ વિધિપૂર્વક થયા. દરેક કન્યાને કુલ એકસો પાંચ જેટલી વસ્તુ કરિયાવર રૂપે આપવામાં આવી. લોકભોગ્ય ભાષામાં લખાયેલાં પુસ્તકની ભેટ તો ખરી . સમૂહલગ્નોની હવે આપણે ત્યાં નવાઈ નથી. પરતું અહીં યોજાયેલ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન સૌથી જુદી ભાત પાડે છે,  કરિયાવરમાં મળેલી એક સો પાંચ જેટલી વસ્તુઓ સાવ છેવાડાના કહી શકાય એવા યુગલો માટે જીવનભરની મૂલ્યવાન સંપ્રાપ્તિ હતી .       
     વર્ષે પણ લોકકલ્યાણ સેવા સંસ્થા દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ-સર્વ ધર્મ સમુહલગ્નમાં 20 નવદંપતિઓનાં નામની નોંધણી થઈ ગઈ છે. જેમાં ગુરૂ બ્રાહ્મણ -1,વાલ્મિકી- 3, તૂરી-બારોટ-5,વણકર-1 રોહિત-2,મુસ્લિમ સમાજની 8 દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. તમામ દિકરીઓમાંથી અમુક દિકરીઓને માઁ હયાત નથી, અમુક દિકરીઓને પિતા હયાત નથી, અમુક દિકરીઓને માતા-પિતા બંને હયાત નથી.અમુક દિકરીઓનાં માતા-પિતા બંને 80 ટકાથી વધુ દિવ્યાંગ-અપંગ છે.અમુક દિકરીનાં માતા-પિતા બહેરા-મૂંગા છે,અમુક દિકરીઓનાં માતા-પિતાને સંતાન તરીકે માત્ર દિકરીઓ છે. આવા અત્યંત ગરીબ, 100 ટકા જરૂરિયાતમંદ,અનાથ દિકરીઓનાં હાથ પીળા કરવાનું બીડું સંસ્થાએ ઉપાડ્યું છે.
         વશરામભાઈનાં  પત્ની કંચનબેન  80 ટકાથી પણ વધુ પગથી અપંગ છે, પણ તેનું મનોબળ ખૂબ મજબૂત છે. હાલ મારા 123 બાળકોની ' માઁ ' ( મોટાબેન) બનીને દિલથી સુપેરે સેવા આપે છેતેઓ જણાવે છે કેઅમારા લગ્ન થયા ત્યારે કેન્સરનાં ગુજરાતનાં હેડ ર્ડો. શ્રી પંકજ શાહ સાહેબ કહેતા હતા કે ' બેનને બોર્ન (હડકાનું) કેન્સર છે,તે સમયે તેને કેમો થેરાપીનાં ડોઝ  ચાલુ હતા. છતાંય મેં દિલથી લગ્ન કર્યા....!આજે કુદરતની અણમોલ કૃપાથી અમારે ' અતિથિ' નામનો એક દિકરો-સંતાન આઠ વર્ષનો છે.” અમે લગ્ન (16 મીફેબ્રુઆરી -2010) કર્યા ત્યારે મેં 3 સંકલ્પ કર્યા હતા.
1. એક બાળક કરવું. દિકરી જન્મે કે દિકરો જન્મે પણ બાળકનું નામ ' અતિથિ ' રાખવું.
અતિથિ એટલે 'દુનિયા કા સબસે બડા મહેમાન...! '
2. આજીવન સોનુ - ચાંદી પહેરવું નહીં.
3. આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવા."
               લોકકલ્યાણ સેવા સંસ્થા એક નાનકડા સંકલ્પમાંથી વિસામો આપે એવા વૃક્ષ તરીકે વૃદ્ધિ પામી છે.  2014 સુધી છાત્રાલયનાં વિદ્યાર્થીઓ માટે ભોજન ખર્ચ સરકાર તરફથી પૂરો પાડાવામાં આવતો હતો. પરતું  વહીવટી આંટી ઘૂટીનેકારણે આખરે  વશરામભાઈએ એ ગ્રાન્ટ પણ સ્વિકારવાની બંધ કરી દીઘી. અને હવે તેઓની આ સેવાવૃતી માત્રને માત્ર સમાજ તરફથી મળતા દાનને આભારી છે. તેઓની નિ:સ્બાર્થ સેવાવૃત્તી જોઈને લોકો દાનની સરવાણી વહાવતા રહે છે.  એક વાર સંસ્થાની મુલાકાત લેનારના હ્રુદયમાંં સંવેદનાની સરવાણી પ્રગટ્યા વગર રહેતી નથી.  
                વશરામભાઈ અને તેમનાં પત્નિ કંચનબેન જણાવે છે કે " આ દુનિયાના ખૂણામાંથી અમને ગરીબ, જરૂરિયાતમંદ અથવા અનાથ બાળકો આપો તે બાળક્ની અભ્યાસની રહેવા જમવાની, કપડાં ચોપડાંની તમામ સુવિધાઓ અમે પૂરી પાડીશું"  લોક્સેવાનો ભેખ ધારણ કરી ધૂણી ધખાવીને બેઠેલાં કંચન-વશરામ દંપતિએ સચા અર્થમાં સમાજનું અણમોલ ઘરેણું છે. તેઓના સેવા કાર્યને કોટીકોટી વંદન .

વશરામભાઈ મકવાણા  સંપર્ક નં   94264 25037

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)


2 comments:

  1. વંદન વશરામભાઈ અને કંચનબહેન ને!

    સેવાની આ સરવાણી અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ!

    તથા ગરવી ગુજરાતનાં દાતાઓને પણ એક અર્ચના કે અહીં આપેલું એળે નહીં જાય. દિલથી આપજો. આ ભૂલકાઓની દુઆઓ તમારાં હ્રદયને એવી ટાઢક પહોંચાડશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

    અને આ હકીકતને શબ્દોમાં સજાવી લોકો સુધી પહોંચાડવા બદલ ઈશ્વરભાઈ આપ પણ વંદન નાં અધિકારી છો.

    ReplyDelete
  2. અભિનંદન સાહેબ

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts