Saturday, February 23, 2019

ફેક્ટ બિહાઈન્ડ ફેક્ટ : શિક્ષક હડતાલ

"કૌટીલ્યના વંશજને કમજોર સમજવાની કોશિશ કોઈ ન કરે."



ગઈકલનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં કંઈક જુદી રીતે નોંધાશે.  દિવસે સમસ્ત રાજ્યનું પોલીસ તંત્ર કોઈ ચોર, લૂંટારું કે આંતકવાદીઓને પકડવા માટે નહીં પરંતુ સીધા સાદા શિક્ષકોને  પકડવામાં વ્યસ્ત હતું. ખેર! આ મહાશયોને કોણ સમજાવે કે ગઈકાલે શિક્ષકોને રોકવા ગાંધીનગરની આસપાસ જેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો એનાથી અડધો પણ પોલીસ બંદોબસ્ત સૈનિકોની હેરફેર વખતે પુલવામામાં ગોઠવ્યો હોત તો મારા 40 વીર શહીદ ભાઈઓના સંતાનો આજે અનાથ ન બન્યા હોત! આજે પણ તેઓની પત્નીઓના સેંથામાં સિંદૂર શોભતું હોત! બબુચકો શિક્ષકો આતંકવાદી નથી પરંતુ કૌટીલ્ય વંશજ છે.
                 કૌટીલ્ય સમસ્ત શિક્ષક સમાજના કુલગુરુ છે. " શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પાલતે હૈ"  આ વાક્ય માત્ર વાક્ય જ નથી પરંતુ સમસ્ત સમાજ માટે ગુરુમંત્ર છે. કોઈ ધનનંદ ને પૂછે કે શિક્ષકના આત્મસન્માનને ઘાત કરવાથી તંત્રની શી વલે થાય!!
              આશરે 2500 વર્ષ પૂર્વેની વાત યાદ કરાવવી આજે જરૂરી  લાગે છે. મગધનો અભિમાની રાજા ધનનંદ સત્તાના મદમાં આવી વિષ્ણુગુપ્તને ભર સભામાં અપમાનિત કરી તિરસ્કાર કર્યો. એ જ ક્ષણે એ અપમાનનો બદલો લેવા વિષ્ણુગુપ્તે ધનનંદની સત્તાને મૂળમાંથી જ ઉખેડી ફેંકવાની પ્રતિજ્ઞા કરી. અને પ્રણ લીધું કે જ્યાં સુધી ધનનંદની સત્તાને મૂળમાંથી ઉખેડી નહીં ફેંકે ત્યાં સુધી શિખા બાંધશે નહીં. અને પછી શું થયું ઇતિહાસથી સૌ સુવિદિત છે.શાણો માણસ એ છે જે ઇતિહાસમાં થયેલ ભૂલોમાંથી શીખે ન શીખે તો પરિણામ માટે તૈયાર રહે.
             વાયબ્રન્ટ ગુજરાત સાંપ્રત સમયમાં હડતાલને હવાલે છે. થોડા સમય પહેલાં ખેડૂતો હડતાલ પર હતા, અત્યારે ST  કર્મચારીઓ હડતાળ પર, આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, શિક્ષકો હડતાલ પર છે અને આંગણવાડી કાર્યકર બહેનો, મધ્યાહન ભોજન સ્ટાફ, આરોગ્ય કેન્દ્ર ના કર્મીઓ હડતાલ પર જનાર છે. તેમ છતાં જાહેરમાં જોરશોરથી સબ સલામત હૈ ના બણગાં ફૂંકવામાં આવી રહ્યાં છે. But listen carefully 'All is not well.'
            સરકારી શાળાનો શિક્ષક હવે માત્ર શિક્ષક નથી રહ્યો. શિક્ષક પટાવાળાથી માંડી પ્રિન્સીપાલ સુધીની તમામ જવાબદારી શિક્ષકે નિભાવવાની. ગરીબ કલ્યાણ જેવા મેળાઓમાં આ જ શિક્ષકને કંડકટર બનાવી બસમાં બેસાડી જન મેદની એકઠી કરી તેઓને "સાહેબોના" કર્યક્રમમાં લાવવા લઈ જવાની તમામ જવાબદારી આ શિક્ષકની હોય છે. માહિતી બધી જ online કરો. શિક્ષકોની હાજરી, વિદ્યાર્થીઓ ની હાજરી ,શિષ્યવૃત્તિની એન્ટ્રી, આધાર ડાયસ એન્ટ્રી, પરીક્ષાના માર્ક્સ ની એન્ટ્રી, એકમ કસોટી માર્કસની એન્ટ્રી, મધ્યાહ્ન ભોજનની એટ્રી  આ બધું જ સમય મર્યાદામાં પૂર્ણ કરો. નેટવર્ક ન હોય તો ધાબે ચડો.ધાબે નેટવર્ક ન હોય તો ઝાડે ચડો પણ બધું online online online સમયમર્યાદામાં પૂર્ણ કરો. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ થી લઈ એકાઉન્ટ ખોલાવવા સુધીની તમામ જવાબદારી શિક્ષકની. કામોની યાદી હજી લાંબી થઈ શકે છે આ તો ઝલક માત્ર છે. શિક્ષણ સિવાયની અન્ય કામગીરી બેરોજગાર યુવા વોલિયન્ટરને સોંપી યુવા બેરોજગારોને સરકારી કામમાં રચનાત્મક રીતે ન જોડીશકાય??? એનાથી  શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓની વચ્ચે રહી શકશે અને બેરોજગાર યુવાઓને રોજગારી પણ  મળશે. 
          આવા બીજા અનેક બીનશૈક્ષણીક કામોથી ત્રસ્ત પોરબંદર જિલ્લાના શિક્ષક લખાભાઈ અને બીજા શિક્ષકો સાથે મળી હિંમત કરી સરકાર સામે જ બાંયો ચડાવી અને "સાહેબ શિક્ષકને ભણાવવા દો." નામે આંદોલન છેડવું પડ્યું. અને હવે રાજ્ય શિક્ષક સંઘ પણ હરકતમાં આવ્યું છે.
              અનેક પડકારો વચ્ચે પણ પ્રાથમિક શિક્ષક શિક્ષણની ગુણવત્તા બાબતે સતત મથામણ કરતો જ રહે છે. રાજ્યની કેટલીય શાળાઓ એવી છે સમસ્ત દેશમાં આદર્શ શાળાની હોળમાં મૂકી શકાય. નવા નદીસર મસ્તી કી પાઠશાળા જોઈ આવો, હાડે હાડે શિક્ષક રાકેશભાઈ પટેલ ને જોઈ ડોક આપોઆપ વંદન મુદ્રામાં ઝૂકી જાય છે, ખેડાની કુલદીપ ચૌહાણની વાઘજીપૂરની પ્રયોગની પાઠશાળા, ગાંધીનગરની અંતરોલી શાળા, અરવલ્લીની મિનેષ પંચાલની આગેવાનીમાં વિકસી રહેલ સાકરીયા શાળા, નિષ્ઠાવાન આચાર્ય ચિરાગ શર્માની આગેવાનીમાં વડાગામની શાળા, અરવલ્લી ની અંતરિયાળ વિસ્તારમાં આવેલી વાત્રકગઢ ગામ ની શાળા પણ પંકજભાઈ બારોટ , રૂપેશભાઈ પટેલ જેવા શિક્ષકોની રાહબરી માં ગુણવત્તાનાના ઉચ્ચત્તમ શિખરો સર કરી રહ્યા છે. ગોપાલભાઈ પટેલ ની નિશ્રામાં વજેપુરા ગામ જેવા અંતરિયાળ વિસ્તારની શાળા નંદનવન બની છે.   સાબરકાંઠાની અંકુર દેસાઈની રાહબરીમાં વિકાસ પામી રહેલ બાલઅભ્યારણ કેશરપુરા પ્રાથમિક શાળા, તરૂણ કાટબામણા જ્યાં આચાર્ય છે એ ઊના કન્યા શાળા જેવી બીજી અનેક શાળાઓ છે જે સમસ્ત દેશની શાળાઓનું માર્ગદર્શન કરી શકે તેમ છે. એમ છતાં પ્રાથમિક શિક્ષણની નકારાત્મક બાબતો જ પ્રદર્શિત કરી કરી સમાજમાં  શિક્ષકની છબી ખરડી નાખી છે. અને એવો માહોલ ઉભો કરાયો છે જાણે શિક્ષકો કંઈજ નથી કરતા. શિક્ષક મહેનત કરી પગાર મેળવે છે એમ છતાં શિક્ષકનો પગાર બધાની આંખોમાં કાણા ની જેમ ખૂંચે છે??  સમય મળે તો ફિનલેન્ડ જેવાનાનકડા દેશના શિક્ષકોનો પગાર અને શિક્ષક વિદ્યાર્થી રેશીઓ સેર્ચ કરી જોજો. દેશના શિક્ષક અને સૈનિકનું સન્માન જળવાવું જોઈએ જ. જ્યારે જ્યારે કૌટીલ્યના આત્મસન્માન પર ઘાત થાય છે ત્યારે ત્યારે કૌટીલ્ય પોતાની શિખા છોડવા  મજબૂર બને છે.
             આવડા મોટા સમુદાયમાં બે-પાંચ ટકા શિક્ષકોની કામગીરી અસંતોષકારક હશે.અવા વ્યક્તિઓ સામે પગલાં લેતા ત્મને કોણ રોકે છે? લો કડક પગલાં. કરો કાર્યવાહી. પરંતુ આ બે-પાંચ ટકાના કારણે આખા સમુદાયને વગોઅવવાનું બંધ કરો.
             હવે સત્તાધીશોએએ સમજી લેવું જોઈએ શિક્ષકો હક માંગે છે ભીખ નહીં. પાંચ વર્ષ માટે પ્રજાની "સેવા" માટે ચૂંટાઈ ને વ્યક્તિ આજીવન પેન્શન મેળવી શકે તો આખી જિંદગી જાત ઘસી નાખનારને પેન્શન કેમ નહીં ???? ભારતના ભાવીનું ઘડતર કરવું એ સમાજ સેવા નથી??? શિક્ષક આજીવન મહેનત કરે નિવૃત્ત થાય ત્યારે  પોતે દર મહિને પગારમાંથી કપાવેલા રૂપિયા થોડા વ્યાજ સાથે આપી રામ રામ કહી દેવાનું. આ સાહેબોનું કહેવું છે કે પેન્શન આપવાથી સરકારી તિજોરી પર બોજો પડે છે. તો સાહેબો તમારાં પગાર, ભથ્થા અને પેન્શન નો બોજો ક્યાં પડે છે??
         ગરીબી અને બેકારીની બદીના કારણે યુવાન ફિક્સ પગારની નોકરી મને-કમને સ્વીકારે છે. યુવાનની મજબૂરીનો સરકાર પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે . ચાલો, એનો પણ વાંધો નહીં પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન કરેલી નોકરી ને નોકરી જ નહીં ગણવાની???  આ ક્યાંનો ન્યાય છે સાહેબ?? આ યુવાન કર્મચારી એ પાંચ વર્ષ નોકરી જ કરી છે મંજીરા તો વગાડ્યા નથી એ તો આપ પણ જાણો છો. તો દેશના યુવધાનનું શોષણ કેમ???
           હા, HTAT મુખ્ય શિક્ષકની ભરતી કરી સરકારે એક સરાહનીય કાર્ય કર્યું છે. પરિણામે શાળાઓનું શૈક્ષણિક પરિણામ પણ ઊંચું આવ્યું. પરંતુ ભરતી કાર્યાના 6 - 6 વર્ષ વીતવા છતાં હજી કોઈ ચોક્કસ નિયમો બન્યા નથી. આ મુખ્ય શિક્ષકોની બદલીના શુ નિયમો છે? બઢતીના શુ નિયમો છે??ઉચ્ચત્તર પગાર ધોરણના શુ નિયમો છે?? RR  માટે કેટ કેટલી રજૂઆતો થઈ એમ છતાં પરિણામ શૂન્ય.
             આખરે સર્વે મીત્રો ને અપીલ છે કે વિરોધ અને આંદોલન વચ્ચે આપણી પાસે આવેલા વિદ્યાર્થીઓનું અહિત ન થાય એ જોવું આપણી પ્રથમ ફરજ છે. જરૂર પડે  હક માટે જરૂર લડવાનું પરંતુ ફરજ પણ એટલી જ પવિત્રતાથી નિભાવીને! વિરોધ કરવો જ હોય તો બાહ્ય તમામ બાબતો માટે અસહકારનું આંદોલન કરી શકો પરંતુ આંગણે આવેલા બલદેવોના ઉજ્જ્વળ ભવિષ્યનો વિચાર પણ આપણે જ કરવો પડશે.
         આજે તો શિક્ષકોને કમિટી રચવાની લોલીપોપ આપી આંદોલન સમેટાયું છે.પરંતુ કૌટિલ્ય વંશજને કમજોર સ્મજવાનીભૂલ કોઈ ન કરે. 

લેખન : ઈશ્વર પ્રજાપતિ  (I. D.)
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.  




9 comments:

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts