"ચાલ આપણે ક્યાંક દૂર ભાગી જઈએ." : સીમા.
સાહિલના માતાપિતાની આંખોમાંથી આજે પણ આંસુ સૂકાતા નથી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક ગામની સીમમાં ઘટેલી આ સત્ય ઘટના છે. રાત્રિના બે-એક વાગવા આવ્યા હશે. નિર્જન સીમમાં રસ્તા ઉપર એક યુવાન લોહી લુહાણ હાલતમાં કણસી રહ્યો હતો. એનું બાઈક એનાથી દૂર ફંગોળાઈ પડ્યું હતું. યુવાનનનો માથાના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું. રાત્રિના સમયે આ યુવાનની દર્દ ભરી ચીસો સાંભળી શકે એવું કોઈ નહતું. યુવાન હવે બેભાન અવસ્થામાં લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યો હતો. એ સમયગાળા દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચાલક ની નજર આ યુવાન પર પડી. એ અજાણ્યા મુસાફરે એને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી. કમનસીબે હોસ્પિટલ પહોંચતાં સુધીમાં યુવાને દમ તોડી દીધો અને ડોકટરે તેને મૃત જાહેર કર્યો.
રાત્રિ ફરજ પરના ડોક્ટરે તત્કાલિક આ અજાણ્યા યુવાનના મૃત્યુની રાજુલા પોલીસ સ્ટેશને જાણ કરી. પરોઢ થતાં પહેલાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ. યુવાનના શરીરે થયેલી ઇજાઓ જોતાં જ પોલીસ પામી ગઈ કે આ કોઈ અકસ્માતથી થયેલ મૃત્યુ નથી. પરંતુ યોજનાબદ્ધ ઘડાયેલું હત્યાનું કાવતરું છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં પડેલું બાઇક અને સ્થળ નિરીક્ષણ કરતાં પોલીસની શંકા વધુ દૃઢ બની.
એ કમનસીબ યુવાનનું નામ હતું સાહિલ. તેનાં માતા પિતા પુત્રની વાટ જોતાં આખી રાત સૂઈ શક્યાં નહતાં. અને વહેલી સવારે પોલીસ દ્વારા સાહિલના મૃત્યુ સમાચાર આપવામાં આવ્યાં ત્યારે માતપિતા પર જાણે આફતનું આખું આભ ફાટી પડ્યું ! દીકરાના મૃત્યુના સમાચાર જાણી સાહિલનાં માતાપિતા ત્યાં જ ફસડાઈ પડ્યા.
સાહિલનો પીએમ રિપોર્ટ આવતાં પોલીસની શંકા હવે હકીકતમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. સાહિલના માથાના ભાગે ગંભીર ઇજાઓ એનો બોલતો પુરાવો હતો. સાહિલના અકસ્માત નહીં પરંતુ એક હત્યા હતી. સાહિલ જેવા યુવાન દીકરાની હત્યાના સમાચાર તેના માતાપિતા કે પરિવાર માટે વણઉકલ્યો કોયડા સમાન હતો. કારણ કે સાહિલ એક સીધો સાદો છોકરો હતો. તેની હત્યા કોઈ શું કામ કરે ?? આ પ્રશ્ન સહુ કોઈના હૃદયને કોરી ખાતો હતો. પોલીસે અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો ગૂનો દાખલ કર્યો.
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે આ કેસને ઉકેલવાના નક્કર પગલાં ઉઠાવ્યાં. રાજુલા પોલીસે ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા અને તેમની ટીમે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી.
સાહિલની કોલ ડિટેલ તપાસતા તેને છેલ્લો કોલ તેના મિત્ર સાગરે કર્યો હતો. સાગર અને સાહિલ બંને ખૂબ નિકટના મિત્રો હતા. પોલીસે પૂછપરછ માટે સાગરનો ટેલિફોનીક સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પરંતુ સાગરનો ફોન સતત સ્વીચ ઓફ જ આવી રહ્યો હતો. ગમે તે રીતે સાગર સુધી પહોંચી તેની પૂછપરછથી જ આગળની કડી સુધી પહોંચી શકાય એમ હતું. પોલીસે હ્યુમન અને ટેકનિકલ રિસોર્સની મદદથી સાગરનું પગેરુ મેળવી લીધું. સાગરને પોલીસ સ્ટેશને લાવી પોલીસે પૂછપરછ આદરી. સાગર પહેલા તો મગનું નામ મરી પાડવા તૈયાર નહતો. પરંતુ પોલીસે તેની આગવી સ્ટાઇલથી આકરી પૂછપરછ શરૂ કરી ત્યાં સાગરે જણાવેલી હકીકત સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ.
સાગરના જણાવ્યા પ્રમાણે સાગર અને સીમા વચ્ચે પ્રેમ સંબંધ હતો. બન્ને એકબીજા સાથે જીવવા મારવાના કોલ આપી દીધા હતા. સાગર અને સીમાના સમાજ અને જ્ઞાતિ અલગ હતી. આ બન્નેના પ્રેમ સંબંધની સીમાના પરિવારને જાણ થતાં સીમાના ઘરનું વાતાવરણ તંગ બની ચૂક્યું હતું. સીમાના પરિવારે તેમની જ જ્ઞાતિના છોકરા સાથે સગપણ નક્કી કરી દીધું. સીમાનો આ પહેલાં પણ સગપણ થયું હતું પરંતુ સીમાના સાગર સાથેના પ્રેમ સંબંધને કારણે સગપણ તૂટી ગયું.
એક રાત્રીએ અગિયાર વાગ્યે સીમાએ સાગરને ફોન કર્યો અને એ જ રાત્રે પરિવારથી ક્યાંક દૂર ભાગી જવાનું પ્લાનિંગ કર્યું. સીમાએ પોતાના ગામની સીમમાં આવી જવા સાગરને જણાવ્યું. સાગર પણ સીમા સાથે જીવન જીવવા આતુર હતો. બીજો કોઈ જ વિચાર કર્યા સિવાય તે સીમા સાથે ભાગી જવા તૈયાર થઈ ગયો. સાગરે તેના મિત્ર સાહિલને ફોન કરી બોલાવી લીધો. લાંબી વાત કરવાનું બાજુ પર મૂકી સાગરે કહ્યું "મારી સાથે ચાલ, હમણાં પાછા આવીએ છીએ"
રાત્રિના અંધકારમાં સાહિલ અને સાગર બાઈક લઈ નીકળી પડ્યા. સાહિલ બાઇક હંકારી રહ્યો હતો. એ દરમિયાન સાગરના મોબાઈલ પર સતત ફોન આવી રહ્યા હતા. "કેટલે પહોંચ્યા? " સાગર ટૂંકમાં પ્રત્યુત્તર વાળી ફોન કટ કરી દેતો. સીમા અધીરી બની ફોન પર ફોન કર્યે જતી હતી. જેવા સાગર અને સાહિલ ગામ નજીક પહોંચ્યા ત્યાં જ રસ્તાની બાજુમાં સંતાઈ રહેલા કેટલાક લોકો લોખંડની પાઇપો અને ધોકા લઈ તૂટી પડ્યા. રાતના અંધકારમાં કાંઈ સમજ પડે એ પહેલાં જ સાગર ત્યાંથી ભાગી છૂટ્યો. કાળ બની તૂટી પડેલા પેલા લોકોએ સાહિલને લોહીલુહાણ કરી નાખ્યો. સાહિલ બેહોશ થઈ જતાં એ મરી ગયો છે એમ સમજી પેલા લોકો પણ ત્યાંથી ભાગી છૂટ્યા.
પોલીસ હવે સાગરની પ્રેમિકા સીમાને પણ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ આગળ ચલાવી. સીમા પોતે પોલીસસ્ટેશનમાં આવી ભાંગી પડી અને સત્ય ઓકવા લાગી. તને જણાવ્યું તેના પરિવાર અને સગા સંબંધીઓના કહેવાથી તેમની સાથે મળી સાગરને સબક શીખવાડવા આખું ષડયંત્ર રચ્યું હતું. અને આ ષડયંત્રના ભાગરૂપે મેં જ સાગરને ફોન કરી રાત્રે મળવા બોલાવ્યો હતો. તેનું પ્રોપર લોકેશન જાણવા જ એ સમયે હું સતત સાગરને ફોન કરતી હતી. અને નક્કી કરેલા સ્થળ પર બાઇક પહોંચતા જ બધા તૂટી પડ્યા.
સાગરને સબક શીખવાડવાના ચક્કરમાં એક નિર્દોષ સાહિલનો ભોગ લેવાઈ ગયો. સાહિલના માતાપિતાની આંખોમાંથી આજે પણ આંસુ સૂકાતા નથી. આ ષડયંત્રમાં સીમા પણ સામેલ હતી એ જાણી સૌ કોઈ સ્તબ્ધ હતા.
ગણતરીના દિવસોમાં રાજુલા પોલીસ ટીમ પી.આઈ. વી. એમ. કોલાદરા, ASI મધુભાઈ પોપટ, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ વાળા, હરપાલસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ રવિભાઈ વરુ, મહેશભાઈ બારિયાએ આ હત્યાનો ભેદ ઉકેલી, સાહિલની હત્યા ષડયંત્રમાં સામેલ તમામને દબોચી લીધા.
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત કહે છે યુવાનો કારકિર્દી ઘડવાની ઉંમરે લક્ષ્ય માત્ર ભણતર પર કેન્દ્રિત રાખવું જોઈએ. અને તમારા મિત્રો કેવા છે ?તમારી સંગત કેવી છે ? તેનો પણ તમારા જીવતર પર ઘણો પ્રભાવ પડતો હોય છે. કોઈ વ્યક્તિ ભલે નિખાલસ અને નિર્દોષ હોય પરંતુ ઘણીવાર તેની સોબતને કારણે તે વ્યક્તિ અને તેના પરિવારે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે.
(સત્ય ઘટના નામ પરિવર્તિત)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

No comments:
Post a Comment