શિક્ષક હોવાની સાથે મિત્ર બની વિદ્યાર્થીઓના મનોજગતને સમજવા અવિરત મથામણ કરતાં કુમુદબેન પ્રિયદર્શી જેવા શિક્ષકોની શિક્ષણ જગતને તાતી જરૂર છે.
સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીના મનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવાની સાથે તેના હૃદયમાં પ્રેમ અને આત્મવિશ્વાસનું સિંચન કરે. આવા જ એક ઉમદા શિક્ષિકા એટલે કુમુદબેન પ્રિયદર્શી. સાબરકાંઠાના નાનકડા ગામથી શરૂ થયેલી તેમની જીવનયાત્રા આજે આકરુંદ ગામની સરકારી શાળાના બાળકોના જીવનમાં ઉજાસ પાથરી રહી છે.
તારીખ 5મી સપ્ટેમ્બર 2011ના રોજ, એટલે કે શિક્ષક દિને જ પીએમ શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષિકા તરીકે કાર્યભાર સંભાળીને તેમણે પોતાના નામને સાર્થક કરતી એક અનોખી શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી.
કુમુદબેનનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના તલોદ પાસે આવેલું તોરણીયા ગામ છે. પ્રકૃતિના ખોળે વસેલા આ ગામ સાથે તેમનો નાતો જન્મથી જોડાયેલો રહ્યો. જોકે, વિધાતાએ તેમના માટે એક વિસ્તૃત ફલક તૈયાર કર્યું હતું. તેમના પિતાશ્રીની આણંદ ખાતે આઈ.ટી.આઈ. (ITI) માં ફરજ નિયુક્ત થતાં, કુમુદબેનનું બાળપણ અને શિક્ષણ શિક્ષણનગરી આણંદમાં વીત્યું. તેમનો ઉછેર અને શિક્ષણ રામકૃષ્ણ પરમહંસ મિશન મંડળ સંચાલિત પ્રતિષ્ઠિત સ્કૂલમાં થયું. બાલમંદિરના કલરવથી શરૂ કરીને કોલેજના શિક્ષણ સુધીના તમામ તબક્કા તેમણે આ જ વાતાવરણમાં પૂર્ણ કર્યા. જેની ઊંડી છાપ આજે પણ તેમના વ્યવહાર અને શિક્ષણ કાર્યમાં સ્પષ્ટપણે વર્તાય છે.
ભાષા પ્રત્યેના વિશેષ પ્રેમને કારણે તેમણે વલ્લભ વિદ્યાનગરની પ્રખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટીના 'ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ' માંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. (M.A.) ની પદવી પ્રાપ્ત કરી. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ એક ઉત્તમ શિક્ષક બનવા માટે તેમણે એચ.એમ. પટેલ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બી.એડ. (B.Ed.) નો અભ્યાસ કર્યો. આ સંસ્થામાં જ તેમના શિક્ષક તરીકેના કૌશલ્યોનું સાચું ઘડતર થયું. અહીં તેમણે માત્ર શિક્ષણ પદ્ધતિઓ જ ન શીખી, પરંતુ એક વિદ્યાર્થીના મનોવિજ્ઞાનને કેવી રીતે સમજવું અને તેને કેવી રીતે આત્મસાત કરવો તેની કળા પણ હસ્તગત કરી.
શિક્ષણ પૂરું કર્યા પછી કુમુદબેને બોરસદ તાલુકાના નાપા ગામની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાની શરૂઆત કરી. કિશોરાવસ્થાના આ વિદ્યાર્થીઓને ભાષાની બારીકીઓ સમજાવવામાં તેઓ ખૂબ જ સફળ રહ્યા. ત્યારબાદ તેમને બોરસદ તાલુકામાં 'ઇંગ્લિશ બ્લોક રિસોર્સ પર્સન' (BRP) તરીકે સેવા આપવાની તક મળી. આ જવાબદારી દરમિયાન તેમણે અન્ય શિક્ષકોને માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક સ્તર સુધારવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા. આ જ સમયગાળા દરમિયાન તેમણે પોતાની પ્રતિભાના બળે ટાટ/ટેટ (TET) ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી લીધી, જેણે તેમના માટે સરકારી શાળામાં વિદ્યાસહાયક તરીકે જોડાવવાના દ્વાર ખોલી દીધા.
નિયતિ માણસને ત્યાં જ દોરી જાય છે જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય છે. આણંદ જેવા સુવિધા સભર શહેરમાં ઉછરેલા કુમુદબેનની નિયુક્તિ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં આવેલી પીએમ શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળામાં થઈ, ત્યારે તે માત્ર એક બદલી નહોતી પરંતુ એક નવો અધ્યાય હતો. વર્ષ 2011માં જ્યારે તેઓ ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષિકા તરીકે આકરુંદ શાળામાં હાજર થયા, ત્યારે એક રમુજી અને મધુર પરિસ્થિતિ સર્જાતી. કુમુદબેન ધોરણ 8 ની દીકરીઓ સાથે ઊભા રહેતા, ત્યારે બહારના વ્યક્તિ માટે એ ઓળખવું મુશ્કેલ બની જતું કે આમાં વિદ્યાર્થીની કોણ છે અને શિક્ષિકા કોણ!
કુમુદબેને શાળામાં વિદ્યાર્થીઓ સાથે સત્તાનો નહીં પરંતુ સ્નેહ અને મૈત્રીનો સંબંધ બાંધ્યો. જોતજોતામાં તેમણે શાળાના તમામ બાળકો, વાલીઓ અને સ્ટાફનો પ્રેમ સંપાદિત કરી લીધો. ખાસ કરીને ધોરણ 6 થી 8 ની તરુણાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓ માટે કુમુદબેન માત્ર એક શિક્ષિકા ન રહેતા, તેમના સાચાં સખી, માર્ગદર્શક અને ફિલોસોફર બની ગયા. ઉંમરના આ નાજુક તબક્કે દીકરીઓ મૂંઝવતી સમસ્યાઓ, શારીરિક અને માનસિક ફેરફારો વિશે ઘરમાં પણ વાત કરતા અચકાતી હોય છે, તે તમામ વાતો તેઓ કુમુદબેન પાસે ખુલ્લા મને કરતાં જરા પણ સંકોચ અનુભવતી નથી. કુમુદબેન પણ એટલી જ ધીરજ અને મમતાથી તેમની સમસ્યાઓ સાંભળતા અને દીકરીઓને યોગ્ય સંસ્કાર અને માર્ગદર્શન આપીને તેનું સચોટ સમાધાન કરી આપતા.
એક આદર્શ શિક્ષક વર્ગખંડ પૂરતો સીમિત નથી હોતો. કુમુદબેન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. શાળામાં કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય કે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનો અહેવાલ તૈયાર કરવાનો હોય, કુમુદબેન હંમેશા મોખરે રહે છે. વિદ્યાર્થીઓ પાસે સુંદર ભાષણ તૈયાર કરાવવું, તેમનો સ્ટેજ ફીઅર (મંચ ભય) દૂર કરવો અને વિવિધ કાર્યક્રમોનું સચોટ આયોજન કરવું એ તેમની વિશેષતા છે. વહીવટી અને શૈક્ષણિક અહેવાલો લેખનમાં તેમની ભાષાકીય પક્કડ શાળા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જ્યારે પણ કોઈ નવી પ્રવૃત્તિ કે જવાબદારી આવે, ત્યારે બેનનો એક જ જવાબ હોય છે - "હું કરવા તૈયાર છું."
ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની સરકારી શાળાઓમાં સામાન્ય રીતે અંગ્રેજી વિષય પ્રત્યે બાળકોમાં એક પ્રકારનો ભય જોવા મળતો હોય છે. વાલીઓ પણ અંગ્રેજી માધ્યમ પાછળ દોડતા હોય છે તેવા સમયે કુમુદબેને આકરુંદ ગામની સરકારી શાળામાં જ અંગ્રેજીનું એક જીવંત અને તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવા પ્રયત્નશીલ રહે છે. તેમના જ પ્રયત્નો થી પ્રાર્થનામાં એક દિવસ પ્રાર્થના સંમેલન વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજીમાં રજૂ થઈ રહ્યું છે.
તેમણે પરંપરાગત પદ્ધતિથી હટકે વિવિધ પ્રયુક્તિઓ દ્વારા બાળકોને અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું. આજે આ વિસ્તારના સરકારી શાળાના બાળકો પણ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી શબ્દો અને વાક્યો બોલતા થયા છે, જે કુમુદબેનની વર્ષોની મહેનત, નિષ્ઠા અને સરાહનીય પ્રયાસોનું પરિણામ છે.
કુમુદબેન પ્રિયદર્શી વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપતા સાચા શિલ્પી છે. છેલ્લા દોઢ દાયકાથી તેઓ આકરુંદ ગામની આ શાળામાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમણે સાબિત કરી દીધું છે કે જો શિક્ષકમાં દ્રઢ ઈચ્છાશક્તિ અને આત્મીયતા હોય, તો અંતરિયાળ વિસ્તારની સરકારી શાળાને પણ નંદનવન બનાવી શકાય છે. શિક્ષણ જગતને આવા જ ઉમદા શિક્ષકોની સખત જરૂર છે, જે સમાજના છેવાડાના બાળક સુધી જ્ઞાનની ગંગા પહોંચાડી શકે.
- ઈશ્વર પ્રજાપતી
9825142620

Very nice 👍 article,a every person has been with God gift of power of minds,how use for it positively anyone can get success and get impressive work,but thaught is necessary for doing this one
ReplyDeleteCongratulations for your reference and best wishes
ReplyDeleteNice , congratulations
ReplyDeleteNice good job
ReplyDeleteVERY GOOD JOB..
ReplyDeleteI AM PROUD OF KUMUDBEN.
EXCELLENT.
🌷💐👌🙏
VERY NICE ARTICLE SIR
ReplyDelete🙏💐🌷🙏