હત્યા કે આત્મહત્યા ? પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ કેવી રીતે ઉકેલ્યો ?
નાના અમથા ખોબા જેવડા ગામના એક છેડે આવેલા નાના મકાનમાં સુમિત્રાબેન
પોતાની ૧૭ વર્ષની દીકરી કાવ્યા સાથે રહેતાં હતાં. સુમિત્રાબેનના પતિના અવસાન બાદ
તેમણે ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને કાવ્યાને મોટી કરી હતી. કાવ્યા દેખાવમાં જેટલી શાંત
અને ભોળી લાગતી,
અંદરથી તે એટલી જ જિદ્દી અને લાગણીશીલ હતી. ગામમાં જ રહેતા અજય
નામના એક રખડું યુવક સાથે કાવ્યાને આંખ મળી ગઈ હતી. સમય જતાં આ સામાન્ય ઓળખાણ ગાઢ
પ્રેમમાં બદલાઈ ગઈ. બંને કલાકો સુધી છૂપી રીતે મળતાં અને સાથે જીવવા-મરવાના વચનો
આપતાં. સુમિત્રાબેન દીકરીની આંખો પામી ગયાં. યુવાનીના ઉંબરે ઉભેલી દીકરીની ચિંતા
કોરી ખાવા લાગી. દીકરીનું બદલાયેલું વર્તન જોઈ તેમણે મનમાં ગાંઠ વાળી દીધી કે દીકરી
ઉંમર લાયક થાય એટલે સારું ઘર શોધી તરત તેના હાથ પીળા કરી દેવા.
સુમિત્રાબેને દીકરી કાવ્યાનું સગપણ પાસેના જ ગામના એક સુખી અને પ્રતિષ્ઠિત પરિવારના યુવક
સાથે નક્કી કરી દીધું. આ સમાચાર જાણતાં જ કાવ્યાનો આક્રોશ જાણે આસમાને ચડી ગયો. તેણે
તેની માતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે આ સગપણ માટે તે બિલકુલ તૈયાર નથી. સુમિત્રાબેને
દીકરીને સમજાવતાં કહ્યું : "મેં તારા માટે જે છોકરો
પસંદ કર્યો છે, તે જ તને સુખી રાખશે. મેં જે કર્યું છે એ
તારા ભલા માટે જ કર્યું છે," પણ કોઈ કાળે કાવ્યા તેની
માતાની વાત માનવા તૈયાર ન થઇ તે ન જ થઈ. આ વાતથી સુમિત્રાબેન અત્યંત દુખી થયાં.
આ વાતને થોડા દિવસો વીત્યા
હશે ત્યાં ગામથી વીસેક કિલોમીટર દૂર એક ઘટના બની. વગડામાં કામ કરતા એક વ્યક્તિને તળાવમાં
કાંઈક તરતું દેખાયું. એ જોઈ એ વ્યક્તિ મનમાં ફાળ પડી. નજીક જઈ જોયું તો તળાવના
પાણી પર એક સ્ત્રીની લાશ તરી રહી હતી. ડરી ગયેલી વ્યક્તિ હાંફતાં હાંફતાં ગામમાં આવી ગ્રામજનોને વાત કરી. ગ્રામજનો પણ
તળાવ પાસે દોડી આવ્યા. ગ્રામજનોએ તરત નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી. આખા
વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. તાબડતોબ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. લાશને બહાર
કાઢવામાં આવી. આ ગામ માટે મહિલાનો ચહેરો અપરિચિત હતો. કોઈ ઓળખ કાર્ડ નહોતું, પરંતુ તેના ઘરેણાં અને કપડાં પરથી તે કોઈ સારા ઘરની સ્ત્રી હોય તેવું
લાગતું હતું. પોલીસે આસપાસના તમામ જિલ્લા અને પોલીસ સ્ટેશનોમાં મહિલાના
ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા. ગણતરીના
કલાકોમાં જ ખબર પડી કે આ લાશ બીજા કોઈની
નહિ, પરંતુ સુમિત્રાબેનની છે.
પોલીસે સુમિત્રાબેનની દીકરીને ખબર આપી. સમાચાર જાણતાં જ કાવ્યા હાંફળી-ફાંફળી દોડતી પોલીસ સ્ટેશન પહોંચી. લાંબા સમય સુધી તે માતાના
મૃતદેહને વળગી ચોધાર આંસુઓએ રડતી રહી. અને રડતાં રડતાં પોલીસને એટલું જ
જણાવી શકી કે "મારી માતા રાત્રે
કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. કદાચ તેઓ માનસિક તણાવમાં હતાં. પરંતુ તે આવી
રીતે આત્મહત્યા કરી લેશે એવી કલ્પના નોહતી."
પોલીસે કાવ્યાને શાંત કરી. અને આગળની કાર્યવાહી હાથ ધરી. લાશને પોસ્ટમોર્ટમ માટે
મોકલી આપી.
બે દિવસ પછી લેબોરેટરીમાંથી
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો,
એ ચોંકાવનારો હતો. મૃતકનાં ફેફસામાં તળાવનું પાણી નહોતું ગયું, એટલે કે તેને જીવતી પાણીમાં ફેંકવામાં આવી નહોતી. તેના ગળાના હાડકામાં
ફ્રેક્ચર હતું અને ગળા પર કોઈ પાતળી દોરી કે વાયરથી ટૂંપો આપવાના સ્પષ્ટ નિશાન
હતા. આ બધી કડીઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે આ આત્મહત્યા નહોતી, આ એક અત્યંત ક્રૂર અને યોજના પૂર્વક કરવામાં આવેલી હત્યા (Murder) હતી! પોલીસને પહેલેથી થોડી શંકા તો હતી જ કે કોઈ સ્ત્રી આત્મહત્યા કરવા
માટે રાત્રિના સમયે પોતાના ગામથી વીસેક કિલોમીટર દૂર પગપાળા કે કોઈ સાધન વગર કેવી
રીતે જાય? PM રીપોર્ટે પોલીસની શંકાને સત્યમાં પરિવર્તિત કરી
દીધી.
પોલીસ
માટે પણ હવે આ કેસ પડકારરૂપ બની ગયો હતો. પોલીસે છૂપી રીતે તપાસ શરૂ કરી. ટેકનીકલ
અને હ્યુમન રિસોર્સ કામે લગાડ્યા. તેમણે સૌથી પહેલાં સુમિત્રાબેનનો મોબાઈલ કોલ
ડિટેઈલ રેકોર્ડ (CDR)
કઢાવ્યો. તપાસમાં બહાર આવ્યું કે મૃત્યુની રાત્રે સુમિત્રાબેન પર
રમેશભાઈના નંબરેથી ફોન આવ્યો હતો.
પોલીસે તપાસ કરતા વધુ એક વિગત બહાર આવી. એક સમયે
રમેશભાઈ અને સુમિત્રાબેન વચ્ચે મૈત્રીના સંબધો હતા. પરંતુ કેટલાક સમયથી કોઈ અગમ્ય
કારણોસર બંને વચ્ચેના સંબધમાં તિરાડ પડી ચુકી હતી. પોલીસે
મોડું કર્યા વગર સૌપ્રથમ રમેશભાઈની અટકાયત કરી. પોલીસના કડક વલણ અને આકરી પુછપરછ રમેશ લાંબો સમય ટકી શક્યો નહીં. તે ભાંગી પડ્યો
અને તેણે પોપટની જેમ આખી હકીકત ઓકી દીધી: "સાહેબ, આમાં મારો કાંઈ વાંક નથી. આ બધું મેં અજય અને તેના મિત્રો રોહિત
અને વિજયને કહેવાથી જ કર્યું છે!" કેસ વધુ ગૂંચવાતો જતો હતો. બનાવ બન્યાની રાત્રે અજય
અને તેના મિત્રોના મોબાઈલ ટાવર લોકેશન તળાવ તરફ જતા રોડ પર બતાવી રહ્યા હતા. પોલીસે
તરત જ એક સાથે દરોડા પાડીને અજય, રોહિત અને વિજયને દબોચી
લીધા.
પોલીસે કડક હાથે પૂછપરછ
કરતાં અજયે જે ઘટસ્ફોટ કર્યો એ સાંભળીને સૌના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. અજયે
પોલીસને કહ્યું કે “સુમિત્રાબેનની દીકરી મને ચાહતી હતી. પરંતુ સુમિત્રાબેનને અમારો
સંબધ મંજૂર નહતો. એટલે તેમણે કાવ્યાનું
સગપણ બીજે નક્કી કરી દીધું હતું. કાવ્યા આ સગપણથી ખૂબ નારાજ હતી. માતાના આ દબાણે
કાવ્યાની અંદરના પ્રેમને એક હિંસક આક્રોશમાં બદલી નાખ્યો. તેને લાગ્યું કે જો તેની
માતા આ દુનિયામાં નહીં રહે,
તો જ તે અજય સાથે મુક્તપણે જીવી શકશે.
કાવ્યાએ
એક દિવસ અજયને એકાંતમાં બોલાવ્યો અને રડતાં રડતાં કહ્યું, "મારી માં આપણને ક્યારેય એક થવા નહીં દે. જો તું મને સાચો પ્રેમ કરતો હોય,
તો તારે આ આડખીલીને હંમેશા માટે રસ્તામાંથી હટાવવી પડશે." અજય
પહેલાં તો આ સાંભળીને હેબતાઈ ગયો, પણ કાવ્યાને ગુમાવવાના ડરના
કારણે તે પણ આ પાપના કીચડમાં ઉતરવા તૈયાર થઈ ગયો. પરંતુ સુમિત્રાબેનને રસ્તામાંથી
હટાવવા એટલા સરળ નહોતા. અજયે આ પ્લાનને અંજામ આપવા માટે તેના બે મિત્રો – રોહિત
અને વિજયને પૈસા અને લાલચ આપીને સાથે લીધા.
આ કાવતરામાં સૌથી ચોંકાવનારો
વળાંક ત્યારે આવ્યો જ્યારે અજયે સુમિત્રાબેનના જ એક જૂના પરિચિત અને મિત્ર
રમેશભાઈનો સંપર્ક કર્યો. રમેશભાઈ કોઈ કારણસર સુમિત્રાબેનથી નારાજ હતા અને તેમની
અંગત વાતો જાણતા હતા. અજયે રમેશને પણ પોતાની તરફ કરી લીધો. પાંચ જણાની આ ટોળકીએ
ભેગા મળીને એક એવો માસ્ટર પ્લાન બનાવ્યો.
બનાવની એ કાળી રાતે આખું ગામ
ભરનિદ્રામાં હતું. કાવ્યા પોતાના ઘરમાં જાગતી આંખે નજર રાખીને બેઠી હતી. યોજના
મુજબ,
રમેશભાઈએ રાત્રે ૧૧ વાગ્યે સુમિત્રાબેનને ફોન કર્યો. તેમણે કોઈ
જરૂરી અને ગુપ્ત વાત કરવાના બહાને સુમિત્રાબેનને ગામના છેડે આવેલા અવાવરુ ખેતરમાં
મળવા બોલાવ્યા. સુમિત્રાબેન કોઈપણ જાતના સંશય વગર, કાવ્યાને
ઘરમાં સૂતેલી મૂકીને ખેતર તરફ નીકળી પડ્યા.
ખેતરમાં
ઘાટી બાજરીના પાક વચ્ચે અજય, રોહિત અને વિજય અંધારામાં
છુપાઈને શિકારની રાહ જોઈ રહ્યા હતા. જેવી જ સુમિત્રાબેન ત્યાં પહોંચ્યા અને રમેશ
સાથે વાત કરવા લાગ્યા, કે તરત જ પાછળથી અજય અને તેના મિત્રોએ
તેમના પર હુમલો કરી દીધો. સુમિત્રાબેન કઈ સમજે કે બૂમ પાડે તે પહેલાં જ તેમનું મોં
દબાવી દેવામાં આવ્યું.
ક્રૂરતાની તમામ હદો પાર થઈ ગઈ. પકડાઈ ન જવાય તે
માટે કોઈ હથિયાર વાપરવાને બદલે, વિજયે પોતાના પગમાંથી બૂટની દોરી કાઢી. અજય અને
રોહિતે સુમિત્રાબેનના હાથ-પગ પકડી રાખ્યા અને રમેશે આસપાસ નજર રાખી. વિજયે બૂટની
દોરી સુમિત્રાબેનના ગળાની ફરતે વીંટીને પૂરી તાકાતથી ખેંચી લીધી. થોડી જ મિનિટોની
તડપ બાદ સુમિત્રાબેનનો શ્વાસ કાયમ માટે રૂંધાઈ ગયો. હત્યા તો થઈ ગઈ, પણ હવે લાશને છુપાવવી એ મોટો પડકાર હતો. અજય ખૂબ જ શાતિર હતો. તે આ
હત્યાને અકસ્માતનું રૂપ આપવા માંગતો હતો જેથી કોઈને શંકા ન જાય.
તેઓએ સુમિત્રાબેનના મૃતદેહને
કપડામાં લપેટીને અજયની મોટરસાયકલ વચ્ચે ગોઠવ્યો. રાતના ઘનઘોર અંધારામાં આશરે વીસેક
કિલોમીટર દૂર આવેલા તળાવમાં ભારે પથ્થર બાંધીને સુમિત્રાબેનના મૃતદેહને ઊંડા
પાણીમાં ફેંકી દીધો,
જેથી લાશ ક્યારેય ઉપર ન આવે. પુરાવાનો નાશ કરીને તમામ નરાધમો
પોતપોતાના ઘરે પરત ફરી ગયા. કાવ્યાને પણ ફોન પર મેસેજ મળી ગયો – "કામ પૂરું
થઈ ગયું છે." મેસેજ વાંચી કાવ્યા નિરાંતે સૂઈ ગઈ.
એક દીકરી પોતાની માતાની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડી શકે ? બનાવની હકીકત સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગઈ. પોલીસ જ્યારે કાવ્યાને પકડવા તેના ઘરે પહોંચી, ત્યારે ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જે દીકરી પોતાની માતાના મોત પર મગરના આંસુ વહાવી રહી હતી, તે જ આ જઘન્ય અપરાધની માસ્ટરમાઇન્ડ નીકળી!
(સત્ય ઘટના. નામ પરિવર્તિત - તસવીર પ્રતીકાત્મક)
-
ઈશ્વર પ્રજાપતિ
- 9825142620

રસપ્રદ લખાણ !!!! મનમાં આબેહૂબ ઘટના ચિત્રિત થઈ....
ReplyDelete