name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશીયલ

Sunday, June 21, 2026

સન્ડે સ્પેશીયલ

  વિદ્યાર્થીઓનું હિત જ જેમના મન સર્વસ્વ છે એવાં વાત્સલ્યમૂર્તિ   શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પટેલ

                     શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી, પણ એક સાધના છે. આ સાધનાને પોતાના જીવનનો મંત્ર બનાવનાર પી. એમ. શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાના કર્મઠ શિક્ષિકા એટલે ભાવનાબેન પટેલ. આકરૂન્દ શાળાનાં  ભૂલકાંઓમાં શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરનારાં ભાવનાબેન શિક્ષણજગતમાં એક અનોખું અને આદરણીય નામ છે. મિતભાષી, વિનમ્ર અને શાલીન સ્વભાવ ધરાવતા ભાવનાબેનનું વ્યક્તિત્વ જ એમનું સાચું આભૂષણ છે.

          ભાવનાબેનના ઉત્તમ શિક્ષક તરીકેના ઘડતરની પાછળ તેમના માતા-પિતા અને  હજારો શિક્ષકોના પ્રેરણામૂર્તિ અને 'સુ ગો રા' તરીકે વિખ્યાત આદરણીય સુમતિબેન ગોવિંદ રાવલના આશીર્વાદ અને સાનિધ્ય રહેલા છે. સુ.ગો.રા.ની  તપોભૂમિમાં અનેરામાં  પી.ટી.સી. પૂર્ણ કર્યા બાદ, ૧ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ  ભાવનાબેને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની વસાઈ પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી. માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં પોતાની અપ્રતિમ કાર્યનિષ્ઠાને કારણે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓના હૃદયમાં આદરણીય સ્થાન પામ્યા.

વતનથી દૂર ફરજ બજાવતાં ભાવનાબેનને વતનની ભૂમિ સાદ કરીને બોલાવી રહી હતી. મહેસાણા જિલ્લામાંથી તત્કાલિન સાબરકાંઠા જિલ્લામાં બદલી થતાં, ધનસુરા તાલુકાની શીકા પ્રાથમિક શાળામાં ટૂંકો સમય સેવા આપી, તેઓ આકરુંદ નજીક આવેલી માધાની મુવાડી પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષિકા તરીકે જોડાયા. માધાની મુવાડી પ્રાથમિક શાળામાં નીતિનભાઈ કાંતિભાઈ પટેલ, ચિરાગભાઈ શર્મા (હાલ ધનસુરા TPEO શ્રી) સાથે મળી વિદ્યાર્થીઓમાં શિસ્ત સાથે સંસ્કારોનું સિંચન કર્યું.  આ અંતરિયાળ વિસ્તારમાં તેમણે એક દાયકા (૧૦ વર્ષ) જેટલો લાંબો સમય નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. તેમની ફરજપરસ્તી એટલી અદભુત હતી કે આ સેવાકાળના દોઢ દાયકા પછી પણ આજે ત્યાંના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવનાબેનને અત્યંત આદર સાથે યાદ કરે છે. માધાની મુવાડીમાં હાલ ફરજ બજાવતા નિમેષભાઈ એન. પટેલ અને તેમનાં જીવન સંગીની જાગૃતિબેન પટેલે નંદનવન સમાન શાળાનું વાતાવરણ નિર્માણ કર્યું છે.   

ભાવનાબેનના જીવનસાથી અને પોતે પણ એક નિષ્ઠાવાન શિક્ષક એવા નીતિનભાઈએ વતન આકરૂન્દ ગામની સરકારી શાળાને 'મોડેલ સ્કૂલ' બનાવવાનું પ્રણ લીધું હતું. પતિના આ ભગીરથ કાર્યમાં ખભેખભો મિલાવવા માટે ભાવનાબેને એક નાની શાળા છોડીને, મોટી જવાબદારીઓ સાથે ૮ મે ૨૦૧૦ના રોજ આકરુંદ પ્રાથમિક શાળાને પોતાની નવી કર્મભૂમિ બનાવી. આકરુંદ શાળામાં આવીને આ દંપતી અને સાથી શિક્ષકોની ટીમે શિક્ષણની એવી ધૂણી ધખાવી કે શાળાનો કાયાકલ્પ થઈ ગયો. શાળાને શ્રેષ્ઠ બનાવવા માટે આ આખી ટીમે દિવસ-રાત જોયા વગર પરિશ્રમ કર્યો છે. એક સમયે ૧૨૫ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા શિક્ષકોના સહિયારા પુરુષાર્થે ૪૦૦ થી અધિક વિદ્યાર્થીઓ ધરાવતી શાળા બની. શિક્ષકોએ જીતેલા વાલીઓના અપ્રતિમ વિશ્વાસનું આ પ્રતિક છે.  

ભાવનાબેન પાસે ધોરણ ૩ થી ૫ માં ભાષા શિક્ષણ આપવાની એક આગવી અને અદ્ભુત હથોટી છે. તેઓ રમત-ગમતમાં અને સરળ શૈલીમાં બાળકોને ભાષા શીખવવાની તેમની સૂઝ ગજબની  છે. તેમના વર્ગના કોઈ બાળક નબળું ન રહી જાય તે માટે સતત તેઓ મથામણ કરતાં જોવા મળે. કોરોના કોરોના દરમિયાન વર્ગમાં બેસી ઓનલાઈન વર્ગ લેવાના બદલે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી લેતાં રહ્યાં.   પારિવારિક વ્યસ્તતાઓ અને જવાબદારીઓ હોવા છતાં, તેમણે ક્યારેય શાળાના સમય કે કાર્યમાં કોઈ બાંધછોડ કરી નથી.  તેમની સમયપાલન અને નિયમિતતા એટલી ચોક્કસ છે કે તેમને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાની ઘડિયાળનો કાંટો મેળવી શકે ! ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખી પોતાના કામમાં જ ખૂપેલાં રહેવાનો તેમનો સ્વભાવ છે. તેમનું સાદગી ભર્યું, શાલીન અને નિખાલસ વ્યક્તિત્ત્વ એક પાઠશાળા સમાન છે. ભગવાન રણછોડ રાયમાં અનન્ય શ્રદ્ધા ધરાવતાં ભાવનાબેન વિદ્યાર્થીઓમાં જ બાલ ગોપાલનાં દર્શન કરે છે.

આદરણીય નીતિનભાઈની અણધારી વિદાયથી આખા શાળા પરિવારનો જાણે આધાર સ્તંભ જ ભાંગી પડ્યો હોય એવી સ્થિતિ નિર્માણ પામી. “ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું ?” ભાવનાબેન માટે આ આઘાત અસહ્ય થઇ પડ્યો. કોઈની પણ પાસે આશ્વાસનના શબ્દો ન હતા. હૈયામાં સળગેલો દાવાનળ ક્યાં જઈ ઠરાવો ? જીવનની અત્યંત નાજુક કહી શકાય એવી પરિસ્થિતિમાં પણ પોતાના વર્ગનાં વિદ્યાર્થીનાં હિતને જરા પણ આંચ આવવા ન દીધી. મન ઉપર મેરુ પર્વત મૂકી ભાવનાબેને વિદ્યાર્થીઓનો પાઠ્યક્રમ પૂરો કર્યો. આજના સમયમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ આવી ફરજનિષ્ઠા ક્યાંય જોવા મળે ખરી ?

 છેલ્લા દોઢ દાયકાથી આકરુંદ શાળાને તેમનું અમૂલ્ય માર્ગદર્શન અને સેવાઓ મળી રહી છે. ભાવનાબેન જેવા સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ શિક્ષિકા માત્ર શાળાનું જ નહીં, પણ સમગ્ર સમાજનું ગૌરવ છે. તેમના ઉત્કૃષ્ટ કાર્યો અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને કોટી કોટી વંદન!

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

1 comment:

  1. ભાવનાબેન અને નીતિનભાઈ સાહેબને હૃદયસ્થ સો સો સલામ.

    ReplyDelete