name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: આધુનિક યુગના ભામાશા

Tuesday, June 2, 2026

આધુનિક યુગના ભામાશા

 ડૉ. અનિલ શાહના પ્રયત્નથી વાત્રકમાં નિર્માણ પામનાર હાર્ટ હોસ્પિટલ માટે એકત્રિત થયું પચાસ કરોડનું માતબર દાન !

નિર્માણાધીન નવીન હોસ્પિટલ
 વીડિયો લિંક 
https://youtu.be/s1SnoQdU7cQ

    ભારત હોય કે અમેરિકા તબીબી જગતમાં ડૉ. અનિલ શાહના નામ થી કોણ અપરિચિત હશે? ડૉ. અનિલ શાહ વિશ્વ વિખ્યાત કાર્ડિયોલિઝિસ્ટ છે. દાયકાઓથી અમેરિકામાં સ્થાઈ થયા છે. પરંતુ તેમનું જાણે હૃદય માતૃભૂમિ માટે ધડક્યા કરે છે. તેમણે માતૃભૂમિનાં જરૂરિયાતમંદ દર્દીને શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહે તે માટે એક અત્યાધુનિક મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યું ! આ માટે તેમણે સ્થળ પસંદગીનો કળશ વાત્રક હોસ્પિટલના પરિસર પર ઢોળ્યો.

સ્વપ્નદૃષ્ટા ડો. અનીલ શાહ

     ગુજરાતના અંતરિયાળ એવા અરવલ્લી જિલ્લાના છેક છેવાડે આવેલી વાત્રક હોસ્પિટલ એ આદરણીય કે. કે. શાહ સાહેબના માતૃભૂમિ પ્રત્યેના અપ્રતિમ પ્રેમનું પરિણામ છે. તમિલનાડુંના પૂર્વ ગવર્નર અને વડોદરાના મહારાજા તેઓ સલાહકાર હતા. દાયકાઓ પહેલાં વડોદરાના મહારાજાએ આદરણીય કે. કે. શાહ સાહેબના કહેવાથી વાત્રકમાં આશરે ૧૦૦ એકડ જેટલી વિશાળ જમીન ફાળવી હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું. શ્રી કે. કે. શાહ આરોગ્ય મંડળ સાબરકાંઠા સંચાલિત વાત્રક હોસ્પિટલ આજે ગરીબ દર્દીઓ માટે એક માત્ર આશાના કિરણ સમાન છે. 

આ હોપિસ્ટલ ના પરિસરમાં એક અત્યાધુનિક કાર્ડિયાર્ક હોસ્પિટલ નિર્માણ કરવા ડૉ. અનિલભાઈ શાહે વિરાટ સ્વપ્ન સેવ્યું. અને આ સ્વપ્નને હકિકત માં પરિવર્તિત કરવાનું બજેટ હતું હતું પૂરા ૧૦૦ કરોડનું ! પહેલી નજરે વાત્રક જેવા વિસ્તારમાં હોસ્પિટલ નિર્માણના બજેટનો આ આંકડો દીવાસ્વપ્ન સમાન લાગે. પરંતુ આ સ્વપ્ન ને સાકાર કરવા ડૉ . અનિલ શાહ રીતસરના મચી જ પડ્યા. 

ફેબ્રુઆરી ૨૦૨૫ માં પરિવાર સાથે વાત્રક પધારી શાસ્ત્રોક્ત વિધિથી હોસ્પિટલ નિર્માણનું ખાતમુર્હુત કરી પાયાની ઇંટ મૂકી એક વિરાટ કાર્યના શ્રી ગણેશ કર્યા. 

ડૉ. અનિલ શાહના હસ્તે હોસ્પિટલ ખાતમૂહર્ત ફેબ્રુઆરી ૨૦૨૫

     હોસ્પિટલ નિર્માણ માટેની વહીવટી મંજૂરીની આંટીઘૂંટીમાં દોઢેક વર્ષ પસાર થઈ ગયું. જ્યારે મંજૂરી મેળવવાનું કામ પૂર્ણ થઈ ગયું અને તરત ડૉ અનિલ શાહે અમેરિકાના કેલિફોર્નિયામાં એક સમિટ નું આયોજન કર્યું જેમાં તેમના સ્નેહી મિત્રો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. આ સમિટ માં ડૉ. અનિલ શાહે વાત્રક હોસ્પિટલ ના ડ્રીમ પ્રોજેક્ટ ની વાત મૂકી. ગરીબ દર્દીઓ માટે ની આ હોસ્પિટલ નિર્માણના ડ્રીમ પ્રોજેક્ટ ની વાત સાંભળતાં જ બધાએ ઉમળકાભેર વધાવી લીધી. અને આ પ્રોજેક્ટને સાકાર કરવા ડૉ. અનિલ શાહે પોતે ૨૦ કરોડ જેટલા માતબર રકમના દાનની જાહેરાત કરી. એ પછી તો દાનની સરવાણીનો ધોધ વહ્યો. દિન દરિદ્ર જનનો નું હિત જેમના હૈયે વસ્યું છે એવા પ્રકાશભાઈ કે. શાહે પણ આ સેવા યજ્ઞમાં એક કરોડ રૂપિયાના દાન ની આહુતિ આપી. ગણતરી ની મિનિટો માં આ દાન નો આંકડો પચાસ કરોડ રૂપિયાને આંબી ગયો. જો દૃઢ ઇચ્છા શક્તિ હોય તો પૈસા માટે કોઈ કામ અટકતું જ નથી. ડૉ. અનિલ શાહના દૃઢ વિશ્વાસે અશક્ય લાગતા કામને શક્ય બનાવ્યું છે. 

સેવાના ભેખધારી ગાંધીયન પ્રકાશ કે. શાહ

     શ્રેષ્ઠીઓના આ દાન થકી નજીકના ભવિષ્યમાં જ વાત્રકમાં એક અત્યાધુનિક હોસ્પિટલ હકિકત બનીને ઊભી હશે. જેમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં હજારો દર્દીઓને નજીવા દરે શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહેશે. અને આ ગરીબ દર્દીઓના પરિવાર જનોના આર્શીવાદ ડૉ. અનિલ શાહ, પ્રકાશભાઈ કે. શાહ અને તમામ દાતા શ્રીઓને મળતા રહેશે.

        સાબરકાંઠા અને અરવલ્લીની ભૂમિ પર આદરણીય કે. કે. શાહ સાહેબનું અનંત ઋણ છે જ. પરંતુ અરવલ્લીની આવનારી પેઢીઓ સેવાવ્રતી ડૉ. અનિલ શાહ અને પ્રકાશભાઈ કે સાહેબની ઋણી રહેશે.

- ઈશ્વર પ્રજાપતિ

No comments:

Post a Comment