Sunday, August 3, 2025

સન્ડે સ્પેશિયલ

 

“બિમારીમાં કણસતા એક માસના મારા  સંતાનને લઇને હું ક્યાં જાઉ ???” : કાજલ

(તસવીર પ્રતિકાત્મક )

        સુરેખાબેન, ગાયત્રીબેન અને પન્નાબેન સાબરકાંઠામાં મહિલા હેલ્પ લાઈન અભયમમાં ફરજ બજાવે છે. ફરજનિષ્ઠ અભયમ કર્મીઓએ અનેક પીડિત મહિલાઓને યાતનામાંથી ઉગારી છે. તો કેટલીય શોષિત મહિલાઓને આત્મહત્યાના આરેથી પાછી વાળી છે. અને કેટલીયે મહિલાઓના પારિવારિક જીવનમાં આવતા સંઘર્ષોમાં સમજૂતી સમાધાન કરી અનેક તૂટતા ઘર બચાવ્યાના દાખલા મોજૂદ છે. તેનું એક ઉદાહરણ અહી પ્રસ્તુત છે.  

         એક બપોરે અભયમ હેલ્પલાઈન સેન્ટર સાબરકાંઠાના કાર્યાલયમાં ફોનની ઘંટડી રણકે છે. સામે છેડેથી એક મહિલા રડતાં રડતાં બોલી રહી હતી. “બેન ! બચાવી લો.. ! મારું તો જે થવું હશે તે થશે પરંતુ  મારા એક માસના ફૂલ જેવા સંતાનને  બચાવી લો !”   આવાજ પરથી અત્યંત ગભરાયેલી લાગતી મહિલાના અવાજમાં અકલ્પ્ય પીડા અનુભવાતી હતી. હેલ્પલાઇન સેન્ટરના કર્મીઓ પરિસ્થિતિ પામી ગયાં. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મહિલાનું એડ્રેસ જાણી ૧૮૧ અભયમ ટીમનાં સુરેખાબેન અને પન્નાબેન  ગણતરીની મીનીટોમાં  મહિલા પાસે પહોંચી ગયાં. બીમારીથી કણસતા એક માસના બાળકને તેડીને આક્રંદ કરતી મહિલા એક ઘરની બહાર ઊભી હતી. દૃશ્ય  અત્યંત હૃદયદ્રાવક હતું. અભયમ ટીમનાં સુરેખાબેન અને પન્નાબેને  મહિલા પાસે જઈ તેને સંભાળી લીધી. અને  આ પરિસ્થિતિને સમજવા આખી મૂળથી આખી વાત સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો.

 અભયમ ટીમને જોઈ શાંત થયેલી મહિલા હિંમત રાખી પોતાની આપવીતી કહેવાની શરૂ  કરે છે.

“મારૂ નામ કાજલ. એક સાધારણ મધ્યમ વર્ગના પરિવારમાં મારો ઉછેર થયો. ભણવાની ઉંમરમાં કુણાલ સાથે આંખો મળી. એ પ્રેમ હતો કે માત્ર શારીરિક આકર્ષણ એ સમજી શકું એટલી પરિપક્વ પણ નહતી. બસ કુણાલનો સંગાથ મને ગમવા લાગ્યો. અને કુણાલ પણ મને પસંદ કરતો કરતો હતો.  કુણાલ અને હું સંબધોમાં ઘણાં આગળ વધી ચૂક્યા હતાં. કારકીર્દી ઘડવાની ઉમરે અમે એકબીજા સાથે  ઘર બાંધી સાથે રહેવાનો  નિર્ણય કર્યો. કાયદાકીય રીતે લગ્ન માટે નિર્ધારિત ઉમર થતાં જ અમે લગ્ન કરી લીધાં. મારા પરિવારને જ્યારે આ વાતની જાણ ત્યારે આખા પરિવારે ખુબ આઘાત અનુભવ્યો. અને મારી સાથેનો નાતો કાયમ માટે કાપી નાખ્યો. પરિવારને છોડવાનું દુઃખ તો મને પણ હતું. પરતું કુણાલ વિના હું રહી શકતી નહતી. કુણાલ સાથેના શરૂઆતના દિવસો તો ખુબ સોનેરી વીત્યા. પરતું તેનાં માતા  એટલે મારાં સાસુ અને અને નણંદને હું આંખમાં કણાની જેમ ખૂંચતી. કુણાલ મારી સાથે સારી રીતે વર્તતો એટલે બીજા કોઈનેય મને પરવા હતી નહિ. અમારું લગ્ન જીવનનો આગળ વધતું ગયું. અને મને સારા દિવસો જવા લાગ્યા.. એની સાથે સાથે સાસુ-નણંદનો વ્યવહાર એકદમ રુક્ષ થતો ગયો. ઘરમાં નાની નાની બાબતોમાં  દિવસે–દિવસે કંકાસ પણ વધવા લાગ્યો. કુણાલ પોતે પોતાની માતા કે બહેનને કાઇ પણ કહેવા અસમર્થ હતો. અને છેવટે એનો ભોગ મારે જ બનવું પડતું.

રોજ રોજના કંકાસને કારણે પેગ્નેન્સીના દિવસોમાં પણ મારી માનસિક સ્થિતિ દયનીય બની ગઈ હતી. હવે મને મારા પરિવારની હૂંફની જરૂરિયાત અનુભવાતી હતી. પરંતુ મારા માતા –પિતા અને આખો  પરિવાર તેમની મરજી વિરુદ્ધના  મારા લગ્નના નિર્ણયથી  હજી નારાજ હતા.એમ છતાં એક વાર મારાં મમ્મીને એક વાર ફોન કરી વાત ચીત કરી. પપ્પાને કે પરિવારમાં કોઈને જાણ ન થાય એ રીતે મમ્મીએ મારી સાથે કરી. વાત કરતાં કરતાં એ પણ ખૂબ રડી. એ પછી સમયાંતરે અમે મા દીકરી કોઈને જાણ ન થાય એમ વાત કરી હૈયું હળવું કરી લેતાં.

મારી પ્રસુતિના દિવસો નજીકમાં હતા. ઘરનું વાતાવરણ એકદમ કલુષિત હતું. કુણાલનું મારા તરફનું  વર્તન પણ હવે  બદલાયેલું હતું. એ તેના મમ્મી અને બહેનને પક્ષે રહી મારી સાથે વાત કરવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. હું હવે એકલી પડી ગઈ હોઉં એવો અહેસાસ થઇ રહ્યો હતો. પણ હવે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહતો. પ્રસુતિનો સમય આવતાં હોસ્પિટલમાં દાખલ થઈ અને ઓપરેશન કરી પ્રસુતિ કરવામાં આવી.

મને એમ હતું કે સંતાનના જન્મ પછી બધાનું વર્તન મારા તરફ થોડું બદલાશે. પરંતુ મારી એ ધારણા પણ સાવ ખોટી પડી. ઓપરેશન કર્યું હોવાથી મારી સ્થિતિ ખૂબ નાજુક હતી. તો મારું સંતાન પણ જોઈએ એટલું તંદુરસ્ત નહતું. સુવાવડમાં સ્ત્રીને કેટકેટલું સાચવવાનું હોય છે. અમારું જ્યાં ઘર છે તેની પાસે જ ગટરનાં નાળાં  અને કીચડથી ખદબદે છે. મચ્છરનાં ત્રાસથી મારું નાજાવત સંતાન બીમાર પડ્યું. અંધશ્રદ્ધામાં ડૂબેલા મારા સાસુ અને કુણાલ સંતાનને હોસ્પિટલ લઇ જવાને બદલે દોરા ધાગામાં સમય પસાર કરવા લાગ્યા. હું દવાખાને લઇ જવાની વાત કરું એટલે તરત ઘરમાં કંકાશ શરૂ થઇ જતો.  દિવસેને દિવસે મારા સંતાનની હાલત દયનીય બની રહી હતી. હું મારા બાળકને ક્લોનીક લઇ જવા માટે  કુણાલને કરગરતી રહી. પરંતુ એને તો જાણે કોઈ ફરક જ પડતો નહતો. બાળકના સ્વાસ્થ્યની કોઈને પરવા જ નહતી. બાળકને હજી એક મહિનો પણ થયો નહતો ત્યાં બાળક બીમારીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. મને ઓપરેશન કર્યું હોવાથી મારામાં પણ અત્યંત નબળાઈ આવી ગઈ હતી. મારું જે થવું હોય એ થાય પરંતુ મારા બાળકને તો હું  કમોતે નહિ મરવા દઉં. મારા બાળકને હોસ્પિટલ લઇ જવા માટે મેં જીદ પકડી. એ દિવસે કંકાશ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો.. કુણાલે ઘરનાં વાસણો છૂટા ફેકી તોડફોડ શરૂ કરી દીધી. મારાં સાસુએ મને હાથ પકડી ઘરની બહાર તગેડી મૂકી. એક ડગલું પણ ચાલી શકવાની મારી ક્ષમતા નથી. જે ઘર માટે મેં મારા માતાપિતા, ભાઈ-બહેન, અને આખો પરિવાર છોડ્યો આજે એ જ ઘરમાંથી મને હાથ ઝાલી તગેડી મૂકી.  આ એક માસના બીમાર સંતાનને લઇને ક્યાં જાઉ ???”

        કાજલ પોતાની વાત તો અહીં પૂરી કરે છે પરંતુ તેનું હૈયાફાટ રુદન થંભવાનું નામ લેતું નથી. કાજલનાં હાથમાં રહેલા બાળકના આખા શારીર ઉપર લાલ ચકમા થઇ ગયા હતા. બાળક માંડ માંડ શ્વાસ લઇ રહ્યું હતું. બીમારીમાં કણસતું આ બાળકને જોઈ ક્યારે શું બને એ કળવું મુશ્કેલ હતું. અભયમ ટીમના સુરેખાબેન અને પન્નાબેને કાજલને સાત્ત્વના આપી શાંત કર્યા.  તેમણે કાજલના સાસુ અને કુણાલને સમજાવવાના પ્રયત્ન કરી જોયા. પરંતુ તેનાં સાસુ એક જ વાત પર અડગ હતાં કે “ આ સ્ત્રી આ ઘરમાં જોઈએ જ નહિ.” અને કાજલનો પતિ કુણાલ આ બાબતે મગનું નામ મરી પાડવા પણ તૈયાર હતો નહિ.

કુણાલ અને એની માતાનું વર્તન જોઈ સુરેખાબેન અને પન્નાબેનને અંદાજ આવી ગયો કે  જો આ સ્થિતિમાં કાજલ અહી રહેશે તો કાજલ  અને બાળક બંને રીબાઇ રીબાઈને દમ તોડી દેશે. અને જો આ બંનેને સખી વન સ્ટોપ સેન્ટર પર લઇ જવામાં આવે તો એ પણ બે ચાર દિવસની જ નિરાંત થાય. પરંતુ એ પછી શું?? અભયમની બંને બહેનોએ સમજદારી પૂર્વક કામ લીધું. તેમણે કાજલ પાસેથી એની મમ્મીનો મોબિલ નંબર લીધો. અને ફોન કરી આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા. કાજલનાં માતા તો કાજલને સ્વીકારવા તૈયાર હતાં પરંતુ બાકીના પરિવારને કોણ સમજાવે ? એની જવાબદારી પણ અભયમ ટીમે ઉપાડી. કાજલ અને તેના બાળકને લઇ સુરેખાબેન અને પન્નાબેન મહેસાણા જીલ્લાના કાજલના ગામે પહોંચ્યા.  કાજલની અવદશા જોઈ માતા પિતા સમસમી ઉઠ્યા. પરિસ્થિતિ ખૂબ નાજુક હતી. એમ છતાં  અભયમની બહેનોએ સમજુતી પૂર્વક પરિવારને કાજલને સ્વીકારવા માટે સહમત કર્યા.

સાબરકાંઠા અભયમ ટીમનાં સુરેખાબેન, ગાયત્રીબેન, પન્નાબેન સમગ્ર ટીમે  આવી અનેક સંવેદનશીલ પરીસ્થીમાં સુખદ નિવારણ લાવી સેકડો યાતના ભોગવતી  મહિલાઓને નવજીવન બક્ષ્યું છે.  અભયમની ટીમનાં સુરેખાબેન અને પન્નાબેન  સરાહનીય કામગીરીથી કાજલને પોતાના પરિવારની હૂંફ મળી અને નવજાત સંતાનને જીવતદાન.

માતા પિતાની મરજી વિરુદ્ધ લાગણીના આવેશમાં લગ્ન કરવા પરિવાર છોડી ભાગી જતી દીકરીઓએ કાજલના કિસ્સામાંથી પ્રેરણા લેવી રહી. 

(સત્ય ઘટના : પીડિત અને તેના પરિવારજનોનાં નામ પરિવર્તિત )


- ઈશ્વર પ્રજાપતિ 

9825142620      

2 comments:

  1. Very nice imotional story a real life is very struggling for some women but also optional for themselves by god's. best covering of stories by your side.congrtulation

    ReplyDelete