Sunday, July 20, 2025

સન્ડે સ્પેશિયલ

દાનવીર લવજીભાઈ બાદશાહ કહે છે : 

 "તમારી પાસે જે પણ કાંઈ ધન - સંપત્તિ છે તેને કાંતો કોઈને આપીને જાઓ અથવા  મૂકીને જાઓ. ઉપર સાથે લઇ જવાની કોઈ વ્યવસ્થા નથી." 


(પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે લવજીભાઈ બાદશાહ )

         વર્ષ ૧૯૮૪ ની વાત છે. સૌરાષ્ટ્રના ભાવનગર પંથકનો એક બાર વર્ષનો છોકરો જીવનમાં કાંઇક કરી બતાવવાના મનસૂબા સાથે સુરત શહેરની વાટ પકડી. સુરત સુધી જવાનું ખિસ્સામાં ભાડું પણ મળે નહિ. ઉછીના-પાછીના કરી સાહીઠ રૂપિયા ગજવે મુક્યા.  ખોબા જેવડા ગામડાના આ છોકરાએ સાવ અજાણ્યા શહેરમાં જઈ બે પાંદડે થવાનાં સપના સાથે એસ.ટી. બસ પકડી. આ પહેલા ક્યારેય કોઈ શહેર જોયેલું નહિ. રસ્તામાં જતાં કોઈ નગરમાં જરાક ક્યાંક લાઈટ જુએ તો તરત બાજુમાં બેઠેલા મુસાફરને  વારે વારે પૂછી જુએ "સુરત આવ્યું ?"  લાંબી મજલ કાપ્યા બાદ આખરે સુરત આવ્યું ખરું. સાવ અજાણ્યા શહેરમાં પહેલી વાર પગ મુક્યો. જીવનમાં પહેલી વાર કોઈ શહેર જોયું. સુરતમાં ભાડે રહેતી કાકાની દીકરીને ત્યાં રહી કામની શોધ આદરી. 
         સુરત એટલે ડાયમંડ નગરી અહી ડાયમંડની ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ શીખવાની શરૂઆત કરી. જૂના કારીગરો જે કામ બતાવે એ કરવાનું. અને એમની પાસે રહી શીખતા જવાનું. કામ પતે એટલે એ જ ફેકટરીમાં સૂઈ જવાનું. મોટા માણસ બનવાની મહત્વકાંક્ષા આંખોમાં આંજીને આવેલા આ છોકરાને ક્યાય ચેન પડતું નહતું. દિવસ રાત કઠોર પરિશ્રમ કરીને બસ બે પાંદડે થવું હતું. નિયતિએ પણ હવે યુવાનીનાં ઉબરે ડગ માંડી રહેલા આ યુવાને ની આકરી કસોટી લેવાનો જાણે નિર્ધાર કર્યો હતો. તો બીજી બાજુ હિંમત અને સાહસના સથવારે આ આકરી કસોટી પાર કરી  જવાનો  આ છોકરાએ દૃઢ નિર્ધાર કર્યો હતો. પેટીયું રળવા  હીરા ઘસ્યા, કુલફી વેચી, કાપડની  દુકાનમાં નોકરી કરી, કાળી મજૂરી કરવામાં કોઈ કસર છોડી નહિ. અનેક નિષ્ફળતાઓ મળી. ક્યારેક તો ચોતરફ અંધકાર છવાઈ જતો. બહાર નીકળવાની જાણે કોઈ દિશા જ સુઝે નહિ ! આવા સંજોગોમાં પણ હિંમત રાખી પરિસ્થિતિ સામે મક્કમતાથી બાથ ભીડી.
        સંઘર્ષ જેટલો પ્રચંડ હોય છે,  સફળતા એટલી જ્વલંત હોય છે.  યુવાને આદરેલા તનતોડ પુરુષાર્થ સામે  કુદરતે પણ મહેર કરી. અને પછી તો આ યુવાન જ્યાં હાથ મુકે એ વસ્તુ સોનાની બની જતી. કિસ્મતે એવી યારી આપી કે  માત્ર સુરતના જ નહિ પરંતુ ગુજરાત અને ભારતના શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે આખા વિશ્વમાં નામના પ્રાપ્ત થઇ. માત્ર સાહીઠ રૂપિયા ગજવે લઇને આવેલા એક છોકરાએ કઠોર પરિશ્રમ  અને ભગવાન ઉપર અપાર શ્રદ્ધાના સહારે કોરોડો-અબજોનું સામ્રાજય ખડું કરી દીધું. દંતકથા સમાન લાગતી આ જીવન કથા છે આધુનિક ભામાસા તરીકે ખ્યાતી પામેલા કર્મવીર-દાનવીર લવજીભાઈ બાદશાહ સાહેબની ! 
      તેમનું મૂળ નામ તો લવજીભાઈ ડુંગરભાઈ ડાળિયા. પરંતુ આજે આખું જગત એમને લવજીભાઈ બાદશાહને નામે ઓળખે છે. પ્રજાવત્સલ રાજાના હૈયે  હંમેશા પ્રજાનું હિત સમાયેલું હોય છે. નાજુક સ્થિતિના સમયે પ્રજાવત્સલ  રાજા તેની રૈયત માટે માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દેતા હોય છે. એ જ રીતે લવજીભાઈએ  પણ સમાજ માટે હંમેશા પોતાનો ખજાનો ખુલ્લો મૂકી, કરોડો રૂપિયાનો દાનનો ધોધ વહાવી "બાદશાહ" નામ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. 
          ભાવનગર જિલ્લાના  પાલીતાણા પાસેના અંતરિયાળ  નાના અમથા એવા સેજળિયા ગામમાં  ૨૦ જુલાઈ ૧૯૭૨ના રોજ એક સાધારણ ખેડૂત પરિવારમાં લવજીભાઈનો જન્મ થયો. પિતા ડુંગરભાઈ અને માતા કંકુમાનાં છ સંતાનોનો ભર્યો ભાદર્યો પરિવાર.એક તો ટૂંકી જમીન અને બીજીકોઈ આવક નહિ ! એટલે બહોળા પરિવારનું ગુજરાન ચલાવવું પણ ઘણું કપરું હતું. સંતાનો પણ સમજુ. માતા પિતા પર બોઝ બનવાના બદલે બાળપણથી જ કામમાં જોતરાઈ ગયાં. આ પરિસ્થિતિની બાળ લવજીભાઈ પર ઊંડી અસર થઇ. મોટા થઇને ખુબ અમીર આદમી બનવાનું બીજ હૃદયમાં રોપાયું. ગામની જ પ્રાથમિક શાળામાં દાખલ થયા. પણ બાળપણ થી જ મન તો કઈક નોખું કરવાના જ મૂડમાં હતું. એ સમયે તેમની ગામના આસપાસના યુવાનો સુરત જઈ હીરા ઉદ્યોગમાં ઝંપલાવી ખુબ રૂપિયા રળતા. આ જોઈ લવજીભાઈએ પણ સુરત જઈ રૂપિયા કમાઈને પરિવારને આર્થિક સધ્ધર બનાવવાની મનમાં ગાંઠ વાળી. પણ હવે સુરત જવાનું ભાડું પણ ખિસ્સામાં મળે નહિ. ઉછીના સાહીઠ રૂપિયા  લઇ માત્ર બાર વર્ષની ઉંમરે સુરતની વાત પકડી.  
          સુરતમાં આવી ખરો સંઘર્ષ શરૂ થયો. અહી ખુબ ઓછા સમયમાં હીરા પોલીસ કરવાનું કામ શીખી લીધું. દિવસના સોળ - સોળ કલાક કામ કરવા છતાંય માંડ બે ટંક પેટ પૂજા થઇ શકે એટલું જ રળી શકાતું. ઘરે માતા-પિતા  માટે કોઈ મદદ  મોકલી શકતા નહિ. કાળી મજૂરી કરીને પણ રૂપિયા કમાવવાની એક ચિનગારી તેમના હૃદયમાં હંમેશા પ્રજ્વલિત રહેતી. એટલે એક પછી એક નોકરી બદલાતા ગયા. સમય જતાં અનુભવના આધારે સમજાયું કે નોકરીમાંથી દા'ડા  નહિ વળે. નાનો મોટો પોતાનો બિજનેશ કરવો પડશે. નોકરી કરતા કરતા તેઓ હીરાના કુશળ કારીગર બની ચુક્યા હતા. અને હીરાના વેપારની સૂઝ પણ કેળવાઈ હતી. એટલે ૧૯૯૩ના વર્ષમાં હીરાના કારખાનાનો પાયો નાખી ઉદ્યોગ સાહસિકતાના શ્રી ગણેશ કર્યા. ૧૯૯૫ માં મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. એ સાથે શ્રી ઇન્ફ્રા નામની કંપનીની પણ શરૂઆત કરી. ઉદ્યોગ વિકસાવામાં ઘણી ચડતી પડતી આવી. ક્યારેક એવી પરિસ્થિતિ પણ સર્જાઈ કે ચોતરફ અંધાર છવાઈ જતો દેખાયો. જાણે જીવન હવે આહી જ સમાપ્ત થઇ જશે એવી ભયંકર પરિસ્થિતિ પણ આવી. આવી વિકટ પરિસ્થિતિમાં પણ નીતિમત્તા, પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠા સાથે ક્યારેય બાંધછોડ ક્યારેય કરી નહિ.         માતાપિતા તરતથી વારસામાં મળેલા આધ્યાત્મિક સંસ્કારોએ લવજીભાઈનું વ્યક્તિત્ત્વ ઘડાયું હતું. જીવનની નાજુક પરિસ્થિતિમાં પણ ભગવાન પર અતુટ શ્રદ્ધા રાખી પ્રામાણિક પુરુષાર્થ ચાલુ જ રાખ્યો. રાત્ઘોરી ગમે તેટલી ઘોર અંધારી કેમ ન હોય  પ્રભાતે સૂર્યોદય થતો જ હોય છે. બસ, લવજીભાઈના જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગ્યો. તેમનો બિઝનેશ દિવસે ન વધે એટલો રાત્રે વધે અને રાત્રે ન વધે એટલો દિવસે વધવા લાગ્યો. જોત જોતામાં કરોડોનું સામ્રાજ્ય ખડું કરી દીધું. સફળતાના એવરેસ્ટ ઉપર પહોંચ્યા [પછી પણ લવજીભાઈની સાદગી અને નિખાલસતા હૃદયસ્પર્શી છે. એમની સફળતા ભલે સાતમા આસમાનને આંબતી હોય પરંતુ તેમના પગ હંમેશા ધરતી સાથે જોડાયેલા રાખ્યા છે. તેમની પાસે બેઠા હોઈએ તો તમને એનો અણસાર પણ ન આવે કે આ આખા વિશ્વમાં વ્યાપારનો વિસ્તાર ધરાવતી વિરાટ વ્યક્તિ સાથે તમે બેઠા છો. 
        સાહીઠ રૂપિયા ઉછીના લઈને આવેલો એક સાધારણ પરિવારનો છોકરો, કે આજથી ચાર દાયકા પહેલા એમના દૂર દૂરના સગા સંબધી પાસે બાઈક પણ હતું નહિ,  આજે  તેઓ ચાર્ટડ પ્લેનના માલિક છે.   લવજીભાઈને કુદરતે અપાર ઐશ્વર્ય પ્રદાન કર્યું છે. પોતે કમાયેલું ધન સમાજના કલ્યાણ માટે વાપરવામાં લવજીભાઈએ કદી પાછીપાની કરી નથી. વર્ષ ૨૦૧૫-૧૬ના એક સર્વેમાં જાણવા મળ્યું કે સમાજમાં ૧૦૦૦ દીકરાઓની સરખામણીમાં ૮૦૦ જ દીકરીઓ છે. ત્યારે દીકરીઓના ઘટતા જન્મદરની ચિંતા કરીને સમાજની ૧૦૦૦૦ દીકરીઓ માટે બાદશાહ સુકન્યા યોજના અમલમાં મૂકી લવજીભાઈએ ૨૦૦ કરોડનું માતબર દાન કર્યું.  આ સિવાય અનાથ દીકરીઓની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સામાજિક સંસ્થાઓમાં કરોડો રૂપિયાની દાનની સરવાણી તેઓ વહાવી રહ્યા છે. તેમનાં માતા કંકુબાના નામે ફાઉન્ડેશનની સ્થાપના કરી સમાજ સેવાના અનેકવિધ રચનાત્મક કાર્યો તેઓ કરી રહ્યા છે.  સુરત હોય કે સૌરાષ્ટ્ર,  દક્ષિણ  ગુજરાત  હોય કે ઉત્તર ગુજરાત સેવાકીય ઉત્કૃષ્ઠ કામ કરતી સંસ્થામાં લવજીભાઈની દાનની સરવાણી પહોંચી છે. અરવલ્લીનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક એક શાળાની લાઈબ્રેરીને પણ તમને દાનની સરવાણીથી સંતૃપ્ત કરી સમૃદ્ધ કરી છે. 
         લવજીભાઈ બાદશાહ માટે પ્રેરણામૂર્તિ પૂજ્ય સચિદાનંદ સ્વામી છે. તેમની સાથે અનેક દેશોના પ્રવાસો તેમણે કર્યા છે. જાણીતા ઉદ્ગોયોગપતિ અને સમાજસેવી ગોવિંદભાઈ ધોળકિયાને લવજીભાઈ પોતાના આદર્શ વ્યક્તિ માને છે. લવજીભાઈનાં જીવનસંગીની કૈલાસબેન ગમેતેવી પરિસ્થિતિમાં પડછાયાની જેમ તેમની પડખે રહી હામ વધારતાં રહ્યાં. લવજીભાઈએ આદરેલા સેવાયજ્ઞની જ્માંયોત પ્રજ્વલિત રાખવા  કૈલાસબેન આહુતિ આપતાં રહે છે.   
        'આટલું માતબર દાન કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી ?' આ પ્રશ્નનો ઉત્તર આપતાં લવજીભાઈ બાદશાહ વિનમ્રતા પૂર્વક જણાવે છે કે : "તમારી પાસે જે પણ કાંઈ સંપત્તિ અથવા ધન છે તેને કાંતો કોઈને આપીને જાઓ અથવા  મૂકીને જાઓ. ઉપર સાથે લઇ જવાની કોઈ વ્યવસ્થા નથી." આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લવજીભાઈ બાદશાહ આ દેશને જો મળી જાય તો ભારતને વિશ્વગુરુ બનતું કોઈ રોકી નહિ શકે !
        ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જેમની ઉદ્યોગ સાહસિકતા અને દાન વૃત્તિને જાહેરમાં બિરદાવવાનું ચુકતા નથી એવા દાનવીર લવજીભાઈ બાદશાહ સાહેબનો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે અંનત શુભકામનો. પરમ કૃપાળુ પરમાત્માને તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના. 

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620, 6351786155

1 comment: