Sunday, May 25, 2025

સન્ડે સ્પેશિયલ

 મુની સેવા આશ્રમ, ગોરજ : માનવ કલ્યાણ માટે સમર્પિત એક એવી સંસ્થા કે જેનું નામ આજે સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે.



To read in English Pl. Click here

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનું ખોબા જેવડું ગોરજ ગામ આજે વિશ્વ કક્ષાએ નામના પામ્યું છે. આ તપોભૂમિ પર થોડાં વર્ષો પહેલા આરંભાયેલા સેવાકાર્યોની સૌરભ ચોમેર પ્રસરી છે. એક સમયે વેરાન વગાડો ગણાતી આ ભૂમિ પર એવો તો કોણે અને કેવો ચમત્કાર સર્જ્યો કે આભૂમી તીર્થભૂમિ બની ગઈ ગઈ ?  હવે તો દેશ - વિદેશથી  લોકો આ તીર્થરૂપ ભૂમિના દર્શને આવતા થયા છે ! વેરાન વગડે છેવાડાના માનવીની સેવાની આહલેક જગાવનાર તપસ્વી, તેજસ્વી અને સેવાવ્રતી મહિલાનું નામ છે  અનુબેન ઠક્કર. અને તેમને રોપેલા બીજમાંથી ઘેઘૂર વટવૃક્ષ બનેલી તીરથધામ સમાન સંથાનું નામ છે મુની સેવા આશ્રમ !

ખુબ થોડા જ વર્ષોમાં મુની સેવા આશ્રમના આ ઘેઘૂર વડલાની શાખાઓ એટલી તો પ્રસરી છે કે  જીવનન પથના આકરા તડકમાં હારેલા-થાકેલા લાખો લોકો અહીં શીતળ છાયાની અનુભૂતિ કરે છે. શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગારી, મહિલા સશક્તિકરણ, શિશુ સંભાળ, એમ કેટકેટલા ક્ષેત્રોમાં મુની સેવા આશ્રમે માતબર કામ કરી સમાજમાં એક હકારાત્મક આશા પ્રગટાવી છે.

અમેરિકામાં રહેતા અને ભારતમાં સ્માર્ટ વિલેજ મુવમેન્ટનું વિરાટ કાર્ય કરી રહેલા  આંતરરાષ્ટ્રીય કાર્ડિયોલોજીસ્ટ આદરણીય ડૉ. અનિલભાઈ શાહ સાહેબે મને આ સંસ્થાની મુલાકાત લેવાનું ઇજન પૂરું પડ્યું. અને એક સવારે આ સંસ્થાની મુલાકાતે હું નીકળી પડ્યો.  આ સંસ્વથા જ્ડોયાં આવેલી છે એ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ તરફના રસ્તાઓ નું સૌદર્ય પણ મનમોહક છે. રસ્તાની બંને બાજુ ઘટાટોપ વૃક્ષો અદભુત કુદરતી દૃશ્યોનું નિર્માણ કરે છે. સંસ્થામાં પગ મૂકતા એવું જરા પણ લાગે નહિ કે અહીં કોઈ હોસ્પિટલ કે અન્ય કેટલાય સેવાકર્યોથી ધમધમતી કોઈ સંસ્થા હશે. પરંતુ ચોતરફ પથરાયેલી લીલીછમ વનરાજી અને કલાત્મક શૈલીથી બંધાયેલા ભવન જોઈ પહેલી નજરે તો એમ જ લાગે કે આપણે કોઈ ફાઈવ સ્ટાર નૈસર્ગિક રિસોર્ટમાં પ્રવેશ કર્યો છે.દાયકાઓ પહેલાં જ્યાંથી પસાર થતાં ડર લાગે એવા વેરાન જંગલ વિસ્તારમાં આ સંસ્થાનું બીજ રોપવાનો જેમણે વિચાર સ્ફૂર્યો હશે એ કેવી ધન્ય પળ હશે !   

  વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાને વિકાસની વાછટે તો હજી હમણાં ભીંજવ્યો છે. વિશ્વની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓએ અહીં ધામા નાખ્યા છે. પરિણામે આ વિસ્તારના લોકોને રોજગારી મળતી થઇ છે. પરંતુ આજથી પાંચ દાયકા પહેલાં આ વિસ્તારની સ્થિતિ કેવી હતી એ વિષે વિચાર માત્રથી ભલભલાને ધ્રુજારી છૂટે ! ધોળે દહાડે વટેમાર્ગુ અહીં લૂંટાઈ જતા. એકલા પસાર થવું હોય તો લાખ વાર વિચાર કરવો પડે. પરંતુ અનુબેન ઠક્કરને આ ભૂમિ પસંદ આવી ગઈ અને  ૧૯૭૮માં અહીં આવી દેવ નદીના કાંઠે ઘાસનું ઝુંપડું બાંધી  પલોઠી વાળી સેવાની ધૂણી ધખાવી.

અહીં ક્લિક કરી બ્લોગ લેખન પ્રવૃત્તિને આપ સહયોગ આપી શકો છો.

અનુબહેનની જન્મ ભૂમિ તો કચ્છનું અંજાર. પરંતુ શરૂઆતના વર્ષોમાં સાણંદને કર્મભૂમિ બનાવી મુની શ્રી સંતબાલજીપ્રેરિત સંસ્થામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી. પરંતુ એ પછી તેઓ શ્રી મુની મહારાજના સત્સંગમાં એવાં તો રંગાયાં કે આખું જીવતર માનવ સેવામાં સમર્પિત કરી દીધું. અને અંજારનાં અનુબહેનને નિયતિ છેક વડોદરા જિલ્લાના આદિવાસી બંધુઓના મલકમાં ખેંચી લાવી.

સાડા ચાર દાયકા પહેલાં આ વિસ્તારની નિર્દોષ ભોળા  આદિવાસી  સમાજના લોકો જાણે અંધકાર યુગમાં જીવતા હતા એમ કહીએ તો જરાય ખોટું નથી. અંધશ્રદ્ધા, કુરિવાજો, જાગૃતિનો અભાવ અને બીજી અનેક બદીઓથી સમાજ ખદબદતો હતો.  એવા સમયે અનુબહેને શ્રી મુની મહારાજના આશીર્વાદથી સેવા કાર્યના શ્રી ગણેશ કર્યા. અનુબહેન પગવાટે ઝૂંપડે ઝૂંપડે જાય. નાના ભૂલકાઓને નવડાવે ધોવડાવે હાથમાં પાટી પેન પકડાવી કલમ ખડિયો ઘૂંટાવે. નિરક્ષર મા - બાપોને પણ સાક્ષર કરવાનું બીડું ઝડપ્યું.આ ભોળી પ્રજા જીવનને ઉન્નત બનાવી આખા પંથકની કાયા પલટકરવાની જાણે તેમણે નીમ લીધી હતી. પોતાના વિરાટ સપનાને સાકાર કરવા વર્ષ ૧૯૮૧ માં મુની સેવા આશ્રમ નામે ટ્રસ્ટ બનાવ્યું.  ગણતરીનાં વર્ષોમાં સેવાકર્યો થકી આ સંસ્થા વિશ્વ કક્ષાએ ખ્યાતી પામશે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય !  

શિક્ષણ જ જીવનનો આધાર છે. એટલે સૌથી પહેલું કામ આસપાસના ગરીબ અને જરૂરિયાતમંદ આદિવાસી બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા માટે ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરી. શિક્ષણ કાર્ય માત્રથી સંતોષ માને તો અનુબહેન શાનાં ! તેમને જોયું તો બીમાર લોકો માટે પ્રાથમિક સારવાર માટે આરોગ્ય સેવાની કોઈ વ્યવસ્થા હતી નહિ. એટલે વડોદરા મુકામે આવેલી એમ.એસ. યુનિવર્સીટીની મેડીકલ કોલેજ સાથે સંપર્ક કરી અહિ જ આરોગ્ય સેવા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી. શરૂઆતમાં એક મેડિકલ ડોક્ટર સ્વૈચ્છિક સેવા આપતા. દર્દીઓની સારવાર માટે ડોકટર અઠવાડિયામાં એક વાર આશ્રમની મુલાકાત લેતા. દર્દીઓની સેવા માટે આવતા તબીબોમાં એક યુવાન તબીબ અનુબહેનને  આ નિસ્વાર્થ સેવા કરતાં જોઈને મનમાં ગાંઠ વાળી કે જીવનમાં જો કોઈ કામ કરવા જેવું છે તો એ આ જ છે. અને એ યુવાન તબીબે અનુબહેન સાથે મળી સેવાનો ભેખ ધારણ કરી લીધો. એ યુવા તબીબ એટલે બીજું કોઈ નહિ પરંતુ હાલના આ સંસ્થાના મુખ્ય કર્ણધાર ડૉ. વિક્રમભાઈ પટેલ.

મુની સેવા આશ્રમના નેજા હેઠળ અનેક વિધ રચનત્મક  સેવાકર્યોના બીજ રોપી તેની માવજત કરતાં કરતાં અનુબહેન ઠક્કર ૧૮ ડીસેમ્બર ૨૦૦૧ના રોજ પૃથ્વીલોક પર અંતિમ શ્વાસ લઇ અનંત યાત્રાએ ચાલી નીકળ્યાં. અનુબહેનની ચીર વિદાય પછી એમનો જ પર્યાય બની ગયેલા સેવાના ભેખ ધારી ડૉ. વિક્રમભાઈ પટેલે મુની સેવા આશ્રમનું જાત નીચોવીને સિંચન કર્યું.  

બે દાયકા પહેલાં કેન્સર પ્રત્યે કોઈ જાગૃતિ નહિ. અને આ અંતરિયાળ વિસ્તારમાં કેન્સરની ક્યાય સારવાર ઉપલબ્ધ હતી નહીં.. કેન્સરની સારવાર માટે અમદાવાદ કે મુંબઈ જવું પડે. અમદવાદમાં પણ એ વખતે એટલી અદ્યતન સુવિધાઓ વિકસી નહતી. અને સાધારણ માનવીને અમદાવાદ મુંબઈ જેવા શહેરોની  હોસ્પિટલોની મોઘીદાટ સારવાર પોષાતી નહિ. કેન્સરથી પીડાતા દર્દીઓને સ્થાનિક કક્ષાએ સામાન્ય જનને પરવડે તેવા ખર્ચમાં  અત્યાધુનિક સારવાર મળી એ નિર્ધાર સાથે ૧૯૯૮માં કૈલાસ કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરના નિર્માણની પાયાની ઈંટ મુકવામાં આવી. કટલાય પડકારો પણ આવ્યા. એમ છતાં  એ સમયે મુની સેવા આશ્રમે પ્રગટાવેલી માનવતાની મહેંક ચોતરફ પ્રસરી ચૂકી હતી. દેશ વિદેશથી દાનનો રીતસરનો ધોધ વહ્યો.  અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ થયું.


મુની સેવા આશ્રમ સંચાલિત હોસ્પિટલ માત્ર ગુજરાત કે ભારત જ નહિ પરંતુ એશિયાની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે સ્થાન પામી છે. ૪૦૦ પથારી ધરાવતી આ અત્યાધુનિક હાઈટેક  હોસ્પિટલની મુલાકાત સૌ કોઈએ લેવા જેવી છે જેથી મનમાં દૃઢ થયેલી હોસ્પિટલની વ્યાખ્યા જ બદલાઈ જશે એવું મારું દૃઢપણે માનવું છે. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ  કોઈ ખાનગી કોર્પોરેટ  હોસ્પિટલને આંટીયો ખવડાવે એવી મોર્ડન સુવિધાઓથી સજ્જ છે. આખી હોસ્પિટલ વાતાનુકૂલિત (AC) છે. ૪૦થી વધુ અનુભવી નિષ્ણાત ડોકટરોની ટીમ દર્દીઓની સેવા માટે હંમેશા તત્ત્પર હોય છે. કેન્સર અને તેના જેવી બીજી ગંભીર બીમારીના નિદાન અને સારવાર માટે જે સાધન સામગ્રી વસાવી છે એની કિંમત સાંભળીને આંખો પહોળી થઇ જાય છે. મેં જે મશીન નિહાળ્યા એમાં એકની કિંમત ૧૨ કરોડ, બીજાની ૧૪ કરોડ અને ત્રીજા મશીનની કિંમત ૧૬ કરોડ હતી. દર્દીઓની સવલત માટે આ તમામ અદ્યતન મશીનરી પરદેશથી આયાત કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર ચાલીમાં ચાલતા હો તો લાગે નહિ કે તમે હોસ્પિટલમાં લટાર મારી રહ્યા છો. પરંતુ કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં આવી ચડ્યા હોય તેવી અનુભૂતિ થયા કરે. તમે હોસ્દપિટલમાં હો અને દવાની જરા પણ ગંધ ક્યાય ન અનુભવાય આ તે કેવું આશ્ચર્ય ! અહીં દર્દી માટેના સ્પેશીયલ રૂમ એટલે જાણે કે કોઈ હોટેલનો શ્યુટ રૂમ જ જોઇલો. જનરલ વોર્ડ પણ જોઈને આપણે અચરજ પામીએ કે કોઈ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનો જનરલ વોર્ડ આટલો સાફસુથરો હોઈ શકે ! હોસ્પિટલની સ્વચ્છતા અને સુઘડતાનો જોટો જડે એમ નથી. એની ફર્સ પર નીચે બેસી ભોજન લઇ શકાય. સફાઈ કામદારો એક સૈનિકની જેમ  ચોવીસ કલાક હોસ્ખપિટલને સ્વચ્છ અને સુઘડ રાખવા ખડે  પગે તૈયાર હોય છે.   

એક વર્ષે  દરમિયાન આ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કેટલું કાર્ય કરે છે આ કેટલાક આંકડા તપાસીશું તો એનો આછો અંદાઝ આવી જશે. હોસ્પિટલ દ્વારા એક વર્ષમાં ૧ લાખથી વધારે OPD, ૨૦ હજારથી વધારે IPD, ૧૭ હજાર થી વધુ કિમોથેરાપી, ૨ હજાર થી વધુ જુદી જુદી સર્જરી, ૨ હજાર થી વધુ રેડિયો થેરાપી,૧ હજાર ૮ સો થી વધુ PET Scan કરવામાં આવે છે. એ પણ કોઈ ખાનગી હોસ્પિટલ કરતાં નજીવા દરે. દવાઓની છાપેલી કિંમત થી રાહત દરે આપવામાં આવે છે. એટલું જ નહિ દર્દી અને તેની સાથે આવતા એક સગા સંબધીને પૌષ્ટિક જમવાનું પણ પીરસવામાં આવે છે. દૂર દૂર થી આવતા દર્દીઓ અને તેમના સગાઓને રોકવા માટે ગેસ્ટ હાઉસની પણ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


હોસ્પિટલની સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ, રોજગાર તાલીમ કેન્દ્ર, ઘોડિયાઘર, વૃદ્ધાશ્રમ, જૈવિક ખેતી, ગૌશાળા જેવી અનેક પ્રવૃત્તિઓ મુની સેવા આશ્રમ દ્વારા કરવામાં આવી રહી છે. આશરે ૮૫૦ જેટલા કર્મચારીઓ ફરજનિષ્ઠ છે. સંસ્થામાં ફરજનિષ્ઠ સુનીલભાઈ રહેવરે ખુબ પ્રેમપૂર્વક  સંસ્થા બતાવી ઝીણામાં ઝીણી માહિતી પૂરી પાડી.

જાણીને નવાઈ લાગે કે  આ સંસ્થાનો એક દિવસનો ખર્ચ લાખોમાં આવે છે. અને એનો તમામ આધાર દાતાશ્રીઓ છે. મુની મહારાજ અને અનુબહેનના આશીર્વાદથી દાનની વ્યવસ્થા કોઈને કોઈ રીતે ગોઠવતી જતી હોય છે. આટલી વિશાળ સંસ્થાને ચલાવવા દિન પ્રતિદિન નવીન પડકારો અને મુશ્કેલીઓ પણ આવતી જ હોય છે અમ છતાં સંસ્થાને ધબકતી અને ધમધમતી રાખવા ચેરમેન ડૉ. વિક્રમભાઈ પટેલ દિવસ રાત જોયા વિના અહર્નિશ દોડ્યા કરે છે. તેમની સમગ્ર ટીમ ખભે ખભો મિલાવી સંસ્થાને નવીન ઉંચાઈએ લઇ જવા પ્રયત્નશીલ રહે છે.

ગુજરાતના અંતરિયાળ ગામડામાં માનવ કલ્યાણનું કેવડું  મોટું વિરાટ કાર્ય થઇ રહ્યું છે !  મુની  સેવા આશ્રમ માત્ર ગુજરાત માટે નહિ પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ રૂપ સંસ્થા છે.  



 સંસ્થાની વેબ સાઇટ :  https://greenashram.org/

સંપર્ક : સુનિલભાઈ રહેવર :  +91 94274 32093


                           - ઈશ્વર પ્રજાપતિ 

                   Contact  : 9825142620                                     6351786155

Email : khudishwar1983@gmail.com 

                    

 

1 comment: