The Radiant of Gujarat - 4
વતનના વિકાસ માટે ૧૦૦ કરોડ જેટલી માતબર રૂપિયાની સખાવત આપનાર મેક દાદાએ ૮૫ વર્ષની વયે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
સંઘર્ષ અને પુરુષાર્થના સથવારે શૂન્યમાંથી
સર્જન કરી વિશાળ સામ્રાજ્ય ખડું કરી દેતા અનેક લોકોના દૃષ્ટાંત દુનિયામાં મોજુદ છે. પરંતુ અપાર ધન વૈભવ પ્રાપ્ત
થયા પછી માતૃભુમીની સેવા માટે પોતાનો સઘળો ખજાનો ખુલ્લો મૂકી દે એવા ઉદાહરણ કેટલાં?? તાજેતરમાં જ મૂળ ચરોતરના એક ગામના અને હાલ
અમેરિકા સ્થાઈ થયેલા મહેન્દ્રભાઈ પટેલે પોતાના વતન પર દાનનો ધોધ વહાવ્યો. વતનના વિકાસ માટે એક-બે નહિ પરંતુ
પૂરા સો કરોડ રૂપિયાની સખાવતની જાહેરાત કરી. જે સમગ્ર ચરોતર જ નહીં,
પરંતુ રાજ્યના ઇતિહાસમાં એક વ્યક્તિ થકી થતું આ સૌથી મોટું
વ્યક્તિગત દાન હશે.
સમગ્ર
ગુજરાતે જ નહિ પરંતુ સમગ્ર દેશ અને દુનિયાએ મહેન્દ્રભાઈની દાતારીને નત મસ્તક વંદન કર્યા.
મહેન્દ્રભાઈ પટેલ તેમનું મૂળ નામ. પરંતુ અમેરિકામાં મેક પટેલ નામથી વિખ્યાત બન્યા.
ચરોતરના બોરસદ તાલુકાનું નિસરાયા તેમનું વતન. નિસરાયા ગામના મેક પટેલના પિતા
ચતુરભાઈ પટેલ સમગ્ર બોરસદ પંથકમાં જાહેર ક્ષેત્રની પ્રજાપ્રિય કામગીરીને કારણે 'નેતાજી' ઉપનામથી લોકપ્રિય હતા. વર્ષ ૧૯૩૯માં બોરસદના
નિસરાયા ગામમાં “નેતાજી”ના ખોરડે મહેન્દ્રભાઈ પટેલનો જન્મ થયો હતો. અદમ્ય સાહસિક,
રસિક અને સખાવતી વ્યક્તિત્વ ધરાવનાર એનઆરઆઈ મહેન્દ્રભાઈ ચતુરભાઈ
પટેલ વિદ્યાર્થીકાળ દરમિયાન જ તેઓએ અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ અનેક
પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. વર્ષ 1957માં તત્કાલીન
રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે બોમ્બે ભવન્સ કોલેજમાં મેટ્રિક કરતી વખતે રમતવીર
તરીકેની તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે વિશિષ્ટ પદક એનાયત કર્યો હતો.
મહેન્દ્રભાઈ પટેલની કારકિર્દીની
શરૂઆત જોઈએ તો તેઓએ 1960માં ગુજરાત
યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા બાદ વિશેષ અભ્યાસ માટે અમેરિકાની
યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે પહોંચ્યા. ત્યાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો
અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પરંતુ આ સમય દરમિયાન તેઓનો પરિચય નવી વિકસી રહેલી
કોમ્પ્યુટર ટેક્નોલોજી સાથે થયો અને જીવન બદલાઈ ગયું. તેમને કોમ્પ્યુટર સિસ્ટમની
ડિઝાઈનિંગ અને પ્રોગ્રામિંગ માટે ગજબનો લગાવ હતો. જેના પગલે મેક પટેલ વર્ષ 1962માં આઈબીએમ કંપની સાથે જોડાયા અને વર્ષ 1965માં
આઇબીએમ કંપનીએ મેક પટેલની કાર્યક્ષમતાઓને ઓળખીને તેમના સહિત સાત કર્મચારીઓને
આઇબીએમ દ્વારા એટેચ્ડ સપોર્ટ પ્રોસેસર વિકસાવવા પસંદ કરવામાં આવ્યા. એએસપી
પ્રોજેક્ટની સફળતા બાદ મેક પટેલ એસીટી કન્સલ્ટિંગ કંપનીમાં જોડાયા અને તેમને
આઈબીએમના સિમ્યુલેટર અને સેમ્યુલેટરની ડિઝાઈન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.
દરમિયાન વર્ષ 1969 સુધી એસીટી સાથે રહ્યા બાદ વેલ્સ ટીપી
સાયન્સે મેક પટેલને ટેક્નિકલ હોદ્દાના પદભાર સંભાળવા કહ્યું ને તે જ વર્ષમાં તેઓ
પોતાની કાબેલિયતથી આ જાણીતી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ પદ સુધી પહોંચ્યા હતા.
1973ની અમેરિકાની મંદી વચ્ચે ચરોતરના આ યુવા પાટીદારોનું અદમ્ય સાહસ બહાર
આવ્યું અને પટેલ કન્સલ્ટન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. જે એક સોફ્ટવેર
કન્સલ્ટિંગ ફર્મ હતી. બિઝનેસમાં પૂર્વ યુએસએમાં મેક પટેલ પ્રથમ ભારતીય હતા. જે આજે
પોતાની વ્યાપારિક ગુણવત્તા માટે કન્સલ્ટન્સી બિઝનેસનો પર્યાય બની ગયો છે. જે સમગ્ર
પૂર્વ યુરોપની ફોર્ચ્યુન 100 કંપનીઓ સાથે વિકાસ ભાગીદારી કરી
રહી છે.
અમેરિકામાં
તેઓ
મેક પટેલ (મેક દાદા) ના નામે ઓળખાયા. અદમ્ય સાહસ અને પુરુષાર્થથી ખૂબ ધન-વૈભવ
હાંસલ કર્યો અને હાલ 65 વર્ષ બાદ માતૃભૂમિનું
ઋણ અદા કરવા 12મી નવેમ્બરે માદરે વતન પહોંચ્યા છે. 85
વર્ષની વયે તેઓ અહીં એક
અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે રૂ.100 કરોડનું
દાન આપવાની તેમણે જાહેરાત કરી છે.
વર્ષો
બાદ વતન પધારેલા આ દાનવીર મેક દાદાનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગામ આખું રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મેક દાદાને સુશોભિત બગીમાં બેસાડીને આખા
ગામમાં ફેરવવામાં આવ્યા હતા. તેમની સ્વાગત યાત્રામાં આખું ગામ ઊમટી પડ્યું હતું.
ગામનો વિકાસ અને ગ્રામજનો દ્વારા કરાયેલા ભવ્ય સ્વાગતથી મેક દાદા ગદગદિત થયા હતા.
નિસરાયા
ગામની શાળામાં હાલ માત્ર 8
ધોરણ સુધીના અભ્યાસની જ વ્યવસ્થા છે. જેથી વિદ્યાર્થીઓને ધોરણ 8
બાદ વધુ અભ્યાસ માટે બીજા ગામમાં જવું પડે છે. બાળકોને અભ્યાસમાં
પડતી આ મુશ્કેલીને જોઈ મેક દાદાએ ગામમાં અત્યાધુનિક શિક્ષણ સંકુલ બનાવવાનું નક્કી
કર્યું અને તે માટે રૂ. 100 કરોડનું દાન આપવાની જાહેરાત કરી
છે. તેઓ 100 કરોડ રૂપિયાની બેંકમાં એફ.ડી કરશે. આ રકમના
માત્ર વ્યાજની આવકથી જ સમગ્ર શૈક્ષણિક સંકુલનો તમામ પ્રકારનો નિભાવ ખર્ચ ખૂબ જ
સરળતાથી થશે તેવું આયોજન કરાઈ રહ્યું છે. આ અત્યાધુનિક શૈક્ષણિક સંકુલમાં ધોરણ 9થી 12 સુધીના ક્લાસ હશે. જેમાં જરૂરિયાતમંદ દરેક
બાળકોને રહેવાનું, જમવાનું અને ભણવાનું વિનામૂલ્યે આપવામાં
આવશે. તેમજ બાળકોને સારું શિક્ષણ આપી શકાય તે માટે દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોની
ભરતી પણ કરવામાં આવશે. મેક દાદાએ છેલ્લાં દસ વર્ષમાં સમગ્ર ભારતનાં 4000 અનાથ વિકલાંગ છોકરીઓ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં મફત
શિક્ષણ અપાવવામાં મદદ કરી છે.
ઉદ્યમી અને આજીવન વિદ્યાર્થી એવા મેક દાદાએ 85 વર્ષની વયે AIમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ 81
વર્ષની વયે મેક પટેલને વિશ્વની શ્રેષ્ઠ 300 યુનિવર્સિટી
પૈકી એક લિન્કોન યુનિવર્સિટીમાંથી પ્રોફેશનલ ટ્રેઇનિંગ ઓન એડવાન્સ ન્યુટ્રિશન
થેરાપીમાં સ્નાતક થયા. તેમજ દર વર્ષેની વચ્ચે એનઆઇસીઇ અને ડબલ્યુઆઇએસઇના સભ્ય
બન્યા. 83 વર્ષની વચ્ચે મેક પટેલે ઇમર્જન્સી અને પેઇન
મેનેજમેન્ટમાં પ્રમાણપત્ર શ્રીધર યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કંપન ઉપચાર અને
હાલમાં અદૃશ્ય ઉપચારના અન્ય વિવિધ સ્વરૂપોનો સક્રિયપણે અનુભવ કરી રહ્યા છે. તેઓએ 85
વર્ષની વયે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ (AI)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સૌથી વધુ ઉમરે
AIમાં પોસ્ટ
ગ્રેજ્યુએટ કરનાર વિશ્વના સૌથી પહેલી વ્યક્તિ બન્યા છે.
ગુજરાત અને ભારતમાં ધનકુબેરો તો અનેક હશે જ
પરંતુ જો એમને મેક દાદા જેવો વિચાર સ્ફૂરે તો ભારત દેશના ગામડાઓની સિક્કલ બદલાઈ જાય. મેક દાદા જેવા દાતારને જનમ દેનારી
જનેતાને કોટી કોટી સલામ !
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
ઇશ્વર એટલે કે ભગવાન તમારી અદમ્ય લેખન જોઈ મને પણ કહેવાનું મન થાય કે અરવલ્લીની ગિરિમાળા માં એક વીરલો છે કે જેઓ દુનિયાને જોવાના ભાવ ને દિશા અને નજરીયો બદલી ખુદ ના ચસ્માં માંથી અમારા જેવા કરોડો વાચકોને સાહિત્યની સુંદરતા નિહાળવાનો નવો અભિગમ કે દોરો આપ્યો તેથી મને પણ કહેવાનું મન થાય કે ધન્ય છે તમારી માતા ને આવ્યું વીરલો અમ અરવલ્લીની પાવન ભૂમિ ને અર્પ્યા
ReplyDeleteમેકદાદાને વંદન ...
ReplyDeleteઇશ્વરભાઇ,આપની કલમે આ ભગીરથ કાર્યને હવનમાં ઘી હોમવા જેવું કાર્ય કર્યું ગણાય.