Saturday, December 7, 2024

ધ ગ્લોબલ લ્યુમિનરી: પ્રકાશ શાહ' એક શ્રેષ્ઠ અને પ્રેરક પ્રતિભા

પ્રસ્તાવના 

 'ધ ગ્લોબલ લ્યુમિનરી: પ્રકાશ શાહ' 

એક શ્રેષ્ઠ અને પ્રેરક પ્રતિભા.

- દેવેન્દ્ર પટેલ 

To Read in English pl. Click here

   ગુજરાતે જે શ્રેષ્ઠ રાષ્ટ્રીય પ્રતિભાઓ આપેલી છે તેમાંનું એક નામ છે કે. કે. શાહ. તેમની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન મૂળ અરવલ્લી જિલ્લાના ગાબટ ગામના વતની એવા કે. કે. શાહ તમિલનાડુના રાજ્યપાલ પદ સુધી પહોંચ્યા હતા. તમિલનાડુના ગર્વનર બન્યા બાદ તેમણે તમિલ ભાષા પણ શીખી લીધી હતી. કે. કે. શાહનું અરવલ્લીની ભૂમિને જે શ્રેષ્ઠ નજરાણું છે તે છે વાત્રક ખાતેની શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ હોસ્પિટલ. આ હોસ્પિટલ આજે લાખો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ શ્રેષ્ઠ હોસ્પિટલ છે. કે. કે. શાહ ભારતના કેબિનેટ મંત્રીપદે પણ રહ્યા હતા. સમગ્ર ભારત તેમની કર્મભૂમી હતી, પરંતુ તેઓ પોતાના માદરેવતનને કદી ભૂલ્યા નહોતા. 

           તેમના પરિવારે પણ જે શ્રેષ્ઠ રત્નો આપ્યાં છે તેમાંથી એક છે પ્રકાશ શાહ. વિદેશમાં વસતા પ્રકાશ શાહ હજારો માઈલ દૂરથી પણ પિતાના વતનપ્રેમ અને સેવાના વારસાને આજે આગળ વધારી રહ્યા છે. આ સેવાયજ્ઞ દ્વારા તેમણે કે. કે. શાહ પરિવારનું નામ ઉજ્જ્વળ કર્યું છે. દાયકાઓથી અમેરિકામાં સ્થાયી થયેલા પ્રકાશભાઈ શાહ વિશ્વના અનેક નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. આમ છતાં તેમના સ્વભાવમાં નમ્રતા, નિરંહકારીપણું અને જીવનમાં સાદગી તે તેમની પ્રકૃતિ છે. તેઓ પોતાના ધનવૈભવ કે ઐશ્વર્યનું પ્રદર્શન કરવાથી હંમેશાં દૂર રહ્યા છે. અરવલ્લી-સાબરકાંઠા વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે કે. કે. શાહે વાત્રક હોસ્પિટલનો પાયો નાખ્યો. આ વાત્રક હોસ્પિટલને પુન: ધબકતી કરવા પ્રકાશભાઈશાહે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. કે. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રકાશભાઈ શાહ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળા પાથરવાનાં સેવાકીય કાર્યો કરી રહ્યા છે. અરવલ્લી સાબરકાંઠા વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે પણ તેમણે જહેમત ઉઠાવી છે. 

    તેમના જીવન કવન આધારિત આ કોફી ટેબલ બુક `ધ ગ્લોબલ: લ્યુમીનરી પ્રકાશ શાહ' ઈશ્વર પ્રજાપતિએ તૈયાર કરી છે. ઈશ્વર પ્રજાપતિ એ સ્વયં તેજસ્વી લેખક-સાહિત્યકાર છે. તેમની પાસે આગવી અને સરળ ભાષા છે. તેમની ભાષાશૈલી પ્રવાહી અને રસાળ છે. કંઈ પણ લખતા પહેલાં તેઓ પૂરું ગૃહકાર્ય કરે છે. તેમના દરેક લખાણમાં તેમનો અન્વેષનાત્મક અને સંશોધનાત્મક પરિશ્રમ દેખાય છે. તેથી જ તેઓ સાવ આગવી શૈલીના સર્જક તરીકે ઊપસી આવ્યા છે. તેમનો જીવ માત્ર સાહિત્યકારનો નથી, પરંતુ તેમનામાં શ્રેષ્ઠ પત્રકારની દૃષ્ટિ પણ છે, સાહિત્ય અને પત્રકાર વચ્ચે પાતળી ભેદરેખા છે. હું નિ:શંકપણે માનું છું કે ભાઈ ઈશ્વર પ્રજાપતિએ જે વિષય પર લખ્યું, તેમાં ઊંડું સંશોધન પણ કર્યું છે અને તેથી જ તેમનું સાહિત્ય શ્રેષ્ઠ પ્રકારનું સંશોધનાત્મક પત્રકારત્વ પણ છે. આવો સુભગ સમન્વય બહુ ઓછા લેખકોમાં જોવા મળે છે. મારી દૃષ્ટિએ ઈશ્વર પ્રજાપતિ શ્રેષ્ઠ પત્રકાર પણ છે અને સાહિત્યકાર પણ છે. 

ઈશ્વર પ્રજાપતિએ તૈયાર કરેલ પુસ્તકમાં પ્રકાશભાઈશાહના જાહોજલાલીમાં વીતેલા બાળપણની વાત છે, તો સંઘર્ષમાં વીતેલી યુવાનીની વાત છે. પ્રચંડ પુરુષાર્થ પછી પ્રાપ્ત થયેલ અપ્રતીમ સફળતાની વાત છે, તો વતન પર વરસાવેલા અનરાધાર વહાલની પણ વાત છે. 

ઈશ્વર પ્રજાપતિએ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલું આ પુસ્તક અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકનાં અનુવાદક પલ્લવી ગુપ્તા એક પ્રતિભાશાળી અનુવાદક છે. તેઓ અંગ્રેજી વિષયનાં શિક્ષિકા હોઈ, અંગ્રેજી વિષય પર સારી એવી હથોટી ધરાવે છે. વિવિધ સાહિત્ય કૃતિઓનું ભાષાંતર કરી ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે. આ પુસ્તકનો અંગ્રેજી ભાવાનુવાદ પણ ખૂબ રસાળ શૈલીમાં કર્યો છે. અંગ્રેજીમાં થયેલા અનુવાદને કારણે આ પુસ્તક વૈશ્વિક વાચકો સુધી વિસ્તરશે. 

વિદ્યાર્થીઓ, યુવાનો અને આવનારી પેઢી માટે આ પુસ્તક પ્રેરણાના ઝરણા સમાન બની રહેશે. પુસ્તકની સફળતા માટે ભાઈ ઈશ્વર પ્રજાપતિ અને અનુવાદક પલ્લવી ગુપ્તાને શુભકામનાઓ પાઠવું છું. 

----------------------------------------------------------------------------------- 

(શ્રી દેવેન્દ્ર પટેલ વરિષ્ઠ પત્રકાર અને ભારત સરકાર દ્વારા  પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત છે.)



No comments:

Post a Comment