ભાગ - ૪
"કિશોર અવસ્થાએ અછતના કામો કરતાં જે રસ્તાઓ પર તગારાં ભરી મેં માટીનું પૂરણ કર્યું હતું, હવે તૈયાર થયેલા એ જ પાકા રસ્તા ઉપર ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકે કાર લઈ પસાર થાઉં છું ત્યારે હૈયામાં ભૂતકાળની યાદોનું ઝંઝાવાત ઉપડે છે. એ અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી." : ડૉ. કુબેરભાઈ ડીંડોર
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
(ગતાંકથી ચાલુ ...)
કુબેરભાઈની કામ કરવાની
પદ્ધતિથી શીર્ષ નેતૃત્વ પણ નોંધ લેવા લાગ્યું.શીર્ષ નેતૃત્વ આદિવાસી
પછાત વિસ્તાર માટે આવા સબળ
નેતૃત્ત્વના શોધમાં જ હતું. પરિણામે ૨૦૦૬ માં સંતરામપુર મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. આ
જવાબદારી સુપેરે નિભાવતા ૨૦૦૯ માં જીલ્લા કક્ષાની જવાબદારી સોપવામાં આવી.
પ્રજાકલ્યાણ માટે કુબેરભાઈ રાત દિવસ જોયા વિના અવિરત દોડતા જ રહ્યા.
આઝાદીની ચળવળ દરમિયાન જલિયાવાલા બાગ જેવા અનેક હત્યાકાંડ થયા. પરંતુ બીજા
બનાવોની ભાગ્યેજ નોંધ લેવાઈ. સંતરામપુર પાસેનું માનગઢ આવું જ એક વિસરાયેલું શહીદ
સ્મારક હતું. સંતરામપુર વિસ્તારમાં આવેલ માનગઢ એ એક ઐતિહાસિક સ્થળ છે. આઝાદીની
ચળવળ દરમિયાન અહી જલિયાવાલા બાગ જેવો જ નરસંહાર
માનગઢમાં થયો હતો. પરંતુ માનગઢનો આ ઈતિહાસ ક્યાય
ઉજાગર કરવામાં આવ્યો નહતો. માનગઢ ઈતિહાસના અનેક રહસ્યો પોતાના ગર્ભમાં સમાવી બેઠો
છે. ગોવિંદ ગુરુજી એ ભક્તિ દ્વારા આખા મલકમાં આહલેક જગાવી હતી. માનગઢનો ઈતિહાસ સમાજ સમક્ષ ઉજાગર કરવા તેમજ આ સ્થાનનો વિકાસ કરવાનો વિચાર
કુબેરભાઈના મનમાં ઘોળાતો હતો. બસ આ જ વિચારે ૨૦૧૨ માં મોદીજીને મળી માનગઢના
ઐતિહાસિક મહત્વ વિષે વાત કરી. સેકડો આદિવાસી બંધુઓએ આપેલા બલિદાનની વાત કરી.
ગોવિંદ ગુરુ એ જગાવેલા ભક્તિના આહલેખની વાત કરી. માનગઢની ઓછી જાણીતી રોચક વાતો જાણી મોદી સાહેબને પણ આ સ્થાન વિષે અહોભાવ જાગે જ એ સ્વાભાવિક હતું. મોદી
સાહેબે આ સ્થાન વિશેના નક્કર પુરવા ચકાસી આ સ્થાનનો વિકાસ કરવાની ખાતરી આપી.
પરિણામે માનગઢ શહીદ સ્મારક તરીકે વિકાસ પામ્યું. આજે દૂરથી લોકો આ ધામને નમન કરવા
પધારે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સમય દરમિયાન અહી નરસંહારની ઘટના બની હતી એ ૧૭
નવેમ્બર ૧૯૧૩ માગશર સુદ પૂનમનો દિવસ હતો. ગત વર્ષથી માગશર સુદ પૂનમના દિવસે
માનગઢની પરિક્રમા પણ કુબેરભાઈએ શરૂ કરાવી લોકોમાં જાગૃતિ આણવા પ્રયાસ કર્યો છે.
કુબેરભાઈ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળી આદિવાસી વિસ્તારનાં વિકાસને લગતા કાર્યોની સાચી
રજૂઆત કરતા. દાયકાઓ બાદ આ પંથકને જાણે વિકાસની
પાંખો ફૂટી. કુબેરભાઈનો નિયમ કે રજૂઆત યોગ્ય હોવી જોઈએ, રજૂઆત છેવાડાના માનવીને લાભ કર્તા હોવી જોઈએ અને રજૂઆત કરવાની પદ્ધતિ પણ ખુબ
સાલસ રીતે કરવી. મોદીજીને કુબેરભાઈના આ ગુણો પસંદ આવ્યા. અને અટેલે ૨૦૧૩માં ગુજરાતના આદિવાસી મોરચાના
મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ જવાબદારી સંતોષકારક રીતે અદા કરતાં
૨૦૧૫માં વન વિકાસ નિગમના ચેરમેન બનાવી વિશેષ
જવાબદારી સોંપવામાં આવી.
શીર્ષ
નેતૃત્ત્વએ કુબેરભાઈમાં મુકેલા વિશ્વાસને પારદર્શક વહીવટ થકી યથાર્થ સાબિત કરી
બતાવ્યો. વન વિકાસ નિગમના ચેરમેન બનતા જ કુબેરભાઈએ ભૂતકાળમાં સદા ખોટ કરતા નિગમે
૮૦ કરોડનો ઐતિહાસિક નફો કર્યો. સવારે ચાર વાગે જંગલમાં જઈ ટીમરુના પાન વીણી
રોજગારી મેળવતા આદિવાસી બંધુઓની શી પીડા છે એ કુબેરભાઈ સુપેરે જાણતા. એનું કારણ એ
હતું કે બાળપણમાં તેઓ પોતે માતાપિતા સાથે સવારે ચાર વાગે ઉઠી જંગલમાં ટીમરુના પાન
વીણવા જતા.. એ દિવસો યાદ કરીને પૂરા ખંતથી વન વિકાસ નિગમના ચેરમેન તરીકે કામ
કર્યું. પરિણામે ખોટ કરતુ નિગમ નફો રળતું થઇ ગયું. એ નફો ૯૦ હજાર જેટલા લોકોને
નિગમે કરેલો નફો રોયલ્ટીના રૂપમાં વહેચવા આવ્યો..
વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચુંટણીના
પડઘમ વાગી રહ્યા હતા. મોદી સાહેબ અને શીર્ષ નેતૃત્વની નજર આદિવાસી સમાજના સબળ
નેતૃત્વ કરી શકે એવી વ્યક્તિને શોધી રહી હતી. સંતરામપુર વિધાનસભા ક્ષેત્ર જીતવા મીડિયાના સર્વે, આઈ.બી.ના સર્વે અને વિશ્વાસપાત્ર
સુત્રો પાસે કરાવેલા સર્વેમાં એક નામ ઉભરીને સામે
આવ્યું. એ નામ એટલે ડૉ. કુબેરભાઈ ડીંડોરનું.
જયારે તેમને ટીકીટ ફાળવણીની જાહેરત કરવામાં આવી ત્યારે ત્યાના સ્થાનિક રાજકીય વિરોધી લોકોના પગ નીચેથી તો જાણે જમીન જ
સરકી ગઈ. તેમણે વિરોધ પણ ખુબ કર્યો. પણ કુબેરભાઈએ આગવી કુનેહ અને કોઠાસૂઝથી
વિરોધને ખાળી દીધો. શાંત દિમાંગ રાખી જીત માટે રણનીતિ તૈયાર કરી. અને આખરે
દાયકાઓથી નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવાનું પરિણામ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં જોવા મળ્યું. કુબેરભાઈ જંગી બહુમતીથી વિજય બન્યા. આ જીત મોદી સાહેબ અને શીર્ષ નેતૃત્વે મુકેલા વિશ્વાસની જીત હતી. પહેલી જ
વાર વિધાનસભામાં પહોંચેલા કુબેરભાઈને રાજ્ય કક્ષાના મંત્રીનું પદ પણ સોંપવામાં
આવ્યું. આ જવાબદારી પણ નિષ્ઠા પૂર્વક અદા કરી. પોતાના મંત્રાલય દ્વારા કરેલા ૧૦૭૨
કરોડના કામોનો હિસાબ છાપીને સૌ કોઈને વહેચવામાં આવ્યો. આવી પારદર્શિતા જોઈ વિરોધીઓ
પણ દંગ રહી ગયા.
ગાંધીનગર સચિવાલય ખાતેના પોતાના કાર્યાલયના દરવાજા આમ પ્રજા માટે ખોલી
નાખ્યા. કોઇપણ વ્યક્તિ આવીને મળી શકે, પોતાની રજૂઆત કરી શકે
એવું હળવું ફૂલ વાતાવરણ બનાવી દીધું. મંત્રી પદ મળ્યા હોવા છતાં તેમને જમીન સાથેનો
નાતો જાળવી રાખી પ્રજા હૃદયમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવતા જ રહ્યા.. અત્યંત
વ્યસ્તતા વચ્ચે પોતાના વિસ્તારના નાનામાં નાના
કાર્યકર્તાના ઘેર નાના મોટા શુભ અશુભ પ્રસંગે હાજરી આપ્યા વગર તેઓ રહેતા નથી. તેમના કાર્યાલય પર આવનારને બીજો ધક્કો ન થાય એ માટે પણ તકેદારી રાખવામાં આવે છે.. તેમના મત
ક્ષેત્રના લોકોના હૃદય તો જીતી જ લીધા પરંતુ મંત્રી તરીકે ડાઉન ટૂ અર્થ રહી રાજ્યભરની જનતાના હૃદયમાં સ્થાન જમાવી દીધું.
આ સઘળી બાબતોનું પરિણામ એ આવ્યું કે ૨૦૨૨ ની વિધાન સભાની ચૂંટણીમાં કુબેરભાઈને
જ રીપીટ કરવામાં આવ્યા. કુબેરભાઈને જીતાડવા મતદારો સ્વંભૂ બહાર આવ્યા. ચૂટણી
કુબેરભાઈને જીતાડવા માટેનું જાણે એક આંદોલન જ બની ગયું. એક સમયે કોંગ્રેસનો ગઢ
ગણાતો આદિવાસી વિસ્તાર હવે ભાજપનો ગઢ બની ગયો. એના પાયામાં કુબેરભાઈ જેવા સનિષ્ઠ
કાર્યકર્તાની દાયકાઓનો પરિશ્રમ રહેલો છે. ૨૦૨૨ ની ચુંટણીનું પરિણામ તો નિશ્ચિત હતું. કુબેરભાઈની જંગી બહુમતીથી જીત થઇ. જ્વલંત
વિજયની સાથે સરકારમાં પણ તેમની જવાબદારી વધતી રહી. આ વખતે તેમને કેબીનેટ કક્ષાના
મંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો.આમ પણ જે ખભો જેટલો મજબૂત હોય એ ખભા ઉપર
એટલી જ વિશેષ જવાબદારી મુકવામાં આવતી હોય છે.
ભૂતકાળમાં
મોટાભાગે એવું જ જોવા મળતું કે આદિવાસી સમાજના નેતાને આદિજાતિને લાગતું જ કોઈ
મંત્રાલય આપવામાં આવતું. પરતું આઝાદી પછીના ઇતિહાસમાં આ ચીલો બદલાયો. ડૉ. કુબેરભાઈ
ડીંડોર સાહેબને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું. મોદી સાહેબ અને શીર્ષ નેતૃત્વએ ખુબ
વિચાર પૂર્વક જ આ નિર્ણય કર્યો હોવો જોઈએ. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર
કોઈ ડોક્ટરેટ થયેલ વ્યક્તિને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું. પોતે શિક્ષણ
ક્ષેત્રના ઊંડા અભ્યાસી તો ખરા જ સાથે સાથે પ્રોફેસર હોવાના નાતે શિક્ષક અને
વિદ્યાર્થીઓ શું મૂંઝવણ અનુભવે છે એ સુપેરે તેઓ જાણે છે.
અધિકારીઓને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકવાની ક્ષમતા ધરાવે છે. અને એટલે જ
શિક્ષણ વિભાગના વર્ષો જૂના વણઉકેલ્યા કેટલાય
પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ સફળ રહ્યા છે.
જયારે કોઈ શાળાની મુલાકાતે જાય છે તો શિક્ષક સાથે ગરિમાપૂર્ણ વ્યવહાર કરી જાણે છે.
આચાર્યની ખુરશીમાં પોતે સ્થાન લેવાનું ટાળી આચાર્ય પદની ગરિમાને પોંખે છે. શિક્ષક
કે અધિકારીની ભૂલ હોય તો મીઠી ટકોર કરવની તેમની આગવી કળા છે. બાળકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તેઓ ક્ષણનો પણ વિલંબ કરતા નથી.
ભ્રષ્ટ અધિકારીઓ ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબની નજર માત્રથી ફફડે છે. તેઓ
પ્રમાણિકતાને પોષે છે તો ભ્રષ્ટાચારીને દંડે પણ છે. એટલે જ સામાન્ય જનતા પણ તેમને
દિલથી ચાહે છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ઐતિહાસિક નિર્ણયો લઇ એક નવી
પહેલ કરી.
કેબીનેટ કક્ષાના મંત્રી હોવા છતાં તેમના માતા પિતા ભંડારાના એ જુના
મકાનમાં જ રહે છે. મોટાભાઈ શિક્ષકની નોકરી કરે છે. તેમના બીજા ભાઈઓ રાજનીતિથી દૂર
રહે છે. સરકારી કચેરીમાં જઈ ખોટો રોફ મારવો એ એમના સંસ્કારોમાં જ નથી. ડીંડોર
સાહેબનો પરિવાર નથી કોઈ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો કે નથી પોતાની કોઈ NGO સંસ્થા ચલાવતા. તેમનો આખો પરિવાર ખુબ સાદગી પ્રિય છે. લો પ્રોફાઈલ જીંદગી
જીવવામાં આનંદ માણે છે. સફળ થવું કદાચ સહેલું હોય છે પરંતુ સફળતા પચાવવી એ ખુબ
મુશ્કેલ બાબત છે. અપ્રતિમ સફળતા મળ્યા પછી પણ આ ડીંડોર સાહેબના પરિવારે સાચા
અર્થમાં સફળતા પચાવી જાણી છે. ડીંડોર સાહેબને મળો તો
એમના પદનો ભાર તમને જરાય અનુભવવા દે નહી. દિલ ખોલી નિખાલસ વાતો કરી જાણે.
તાજેતરમાં જ ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિમાં પણ કુબેરભાઈએ રાત
દિવસ જોયા વિના પ્રજાની પડખે ઉભા રહી રાહત કામગીરી કરતા રહ્યા. વાવાઝોડાના કારણે
રસ્તામાં ધરાશાઈ થઇ ગયેલા વૃક્ષો દૂર કરવા પોતે હાથમાં
કુહાડી પકડી અને સમાજને એક સંદેશો આપ્યો. તેમની એક હાકલે રાજ્યના શિક્ષકો પણ રાહત
કાર્યમાં જોડાઈ ગયા. પૂર્ણ પ્રકોપ અસ્તવ્યસ્ત થયેલા જન
જીવનના રાહત કાર્યો માટે કુબેરભાઈએ દર્નાશાવેલી
કોઠાસૂઝ અને વહીવટી કુશળતાની ચોમેરથી
પ્રશંસા થઇ.
ડૉ.
કુબેરભાઈ ડીંડોરજીએ તેમના પિતાએ કહેલા શબ્દો ગાંઠે બધી રાખ્યા છે.
સાહેબ મંત્રી બન્યા ત્યારે તેમના પિતાએ કહ્યું હતું કે “બેટા! પૈસા વાળો તો એનું
કામ ગમે તે રીતે કરાવી જ લેશે પરંતુ આ દુનિયામાં ગરીબનું સાંભળનાર કોઈ નથી એટલે ગરીબનું ભલું થાય એવું કામ કરજો.” પિતાની શીખ તેમનો જીવનમંત્ર બની ગયો છે.
ડૉ. કુબેરભાઈ ડીંડોર કહે છે કે "૧૯૮૭ -૮૮માં અછતના કામો કરતાં જે રસ્તાઓ પર મેં તગારા ભરી માટીનું પૂરણ કર્યું હતું, આજે તૈયાર થયેલા એ જ પાકા રસ્તા ઉપર શિક્ષણમંત્રીની કાર લઈ પસાર થાઉ છું ત્યારે હૈયામાં ભૂતકાળની યાદોનું ઝંઝાવાત ઉપડે છે. શિયાળામાં ઠંડીથી બચવા પાથરેલું ડાંગરનું પરાળ ક્યારેય ભુલાશે નહિ. ચોમાસાની મેઘલી રાત્રે ચુવાના વાસણ ઉલેચવા રાતભર જાગવાનો ઉજાગરો એમ થોડો વિસરી જવાય!” શિક્ષણ મંત્રીની ચેમ્બરમાં વાત કરતાં કરતાં પણ ડીંડોર સાહેબની આંખમાં ઉભરી આવતાં ભૂતકાળનાં દુશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે.
ડૉ. કુબેરભાઈ ડીંડોર જેવા સહજ, સાલસ, વિદ્વાન અને નિષ્ઠાવંત શિક્ષણમંત્રી પ્રાપ્ત થયા છે એ સાચે જ ગુજરાત રાજ્ય સદનસીબ છે.
Good અભિનદન
ReplyDelete