ભાગ - ૧ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ - ૨
મજૂરથી મંત્રી સુધીની સફરના એકલ યાત્રી
ડૉ. કુબેરભાઇ ડીંડોર
- ઈશ્વર પ્રજાપતિ
સંપર્ક : 9825142620
( અગાઉના આર્ટીકલમાં આપણે જોયું કે ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબનો જન્મ સંતરામપુર તાલુકાના નાના અમથા ગામમાં આદિજાતિના અત્યંત ગરીબ પરિવારમાં થયો. પાટી પેન લાવવાના પણ પૈસા હતા નહિ એટલે બાળપણ થી જ માતા પિતા સાથે મજૂરી કરતા કરતા અભ્યાસ કરતા ગયા. ભણવામાં તેજસ્વી હોવા છતાં ધોરણ દસમાં એક વિષયમાં નાપાસ થતા ઉત્તર ગુજરાતના ગામડામાં આવી બાજરી વાઢવાનું કામ પણ કર્યું. ગુરુ જનોના માર્ગદર્શનથી ફરી અભ્યાસમાં જોડાયા સંતરામપુરની હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. હવે આગળ....)
કુબેરભાઈ
સંતરામપુર આદિજાતિના કુમાર છાત્રાલયમાં રહી ધોરણ અગિયાર-બારનો અભ્યાસ કરતા. વિવિધ રચનાત્મક
પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને એકદમ હલકી ગુણવત્તા વાળું
ભોજન પીરસાતું. અને એ પણ ખુબ ઓછી માત્રામાં. માંડ એકાદ બે રોટલી મળે.. ક્મેય પેટ તો
ભરાય જ નહિ.. સરકાર તરફથી છાત્રાલયનાં વિદ્યાર્થીઓ માટે મળતા અનાજથી
સંચાલકો પોતાના ઘરની કોઠીયો ભરતા. છાત્રાલયમાં રહેતા ગરીબ બાળકોના ભાગનું અનાજ બારોબાર
વગે કરી દેવામાં આવતું અને બાળકો ભૂખ્યા જ રહેવું પડતું. આ અન્યાય કુબેરભાઈથી તો કેમ કરી સહન થાય ! એ સમયે કુબેરભાઈ એ છાત્રાલયમાં
થતા અન્યાયની ફરિયાદ આદિજાતિ કમિશ્નરને લખી મોકલી.. તત્કાલીન કમિશ્નર પોતે તપાસ માટે આવ્યા. કુબેરભાઈને પણ કાર્યાલયમાં
બોલાવવામાં આવ્યા.. કુબેરભાઈની ઉપસ્થિતિમાં કમિશ્નરે બાળકો માટે જે હલકા શબ્દોનો પ્રયોગ કર્યો
એ શબ્દો કુબેરભાઈના હૃદયમાં જાણે કોતરાઈ ગયા.. એ શબ્દો તેઓ આજે પણ ભૂલી શક્યા નથી.
પરિણામ જે મળે તે પરંતુ યુવાનીના ઉંબરે પગ મૂકતા પહેલાં જ અન્યાય સામે અવાજ ઉઠાવાની હિંમત કુબેરભાઈએ કેળવી લીધી
હતી.
સંતરામપુર
ગાયત્રી મંદિર દ્વારા થતી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ રસ લઇ અગ્રેસર રહી કાર્ય
કરતા. ગાયત્રી પરિવારની વિવિધ પ્રવૃત્તિઓથી તેમનું વ્યક્તિત્વ તો ઘડાયું જ સાથે સાથે કુસંગત
અને વ્યસનોથી પણ પોતાની જાતને બચાવી શક્યા. ધોરણ બારનો અભ્યાસ સારા ટકા સાથે પૂર્ણ કર્યો. હવે સંતરામપુરમાં જ આવેલી આદિવાસી આર્ટસ
એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ લેવાનો હતો. કયા વિષય સાથે ગ્રેજ્યુએશન કરવું એવો તો કોઈ
વિચાર કરેલો જ નહિ. પરતું એ વર્ષે કોલેજમાં હિન્દી ડીપાર્ટમેન્ટ શરૂ થયેલો. એટલે હિન્દીના
વર્ગની સંખ્યા કરવા પ્રોફેસરો એ હિન્દી રાખવા આગ્રહ કર્યો. અને કુબેરભાઈએ હિન્દી વિષય
રાખી કોલેજ શિક્ષણના શ્રી ગણેશ કર્યા. અહીં પણ તેમની પ્રતિભા ઢાંકી રહી નહિ.
કોલેજમાં તેમનું વ્યક્તિત્વ છવાયેલું રહેતું. પ્રોફેસર કિશોરસિંહ રાવ, શ્રી રામ ત્રિપાઠી,
ઈશ્વરભાઈ રાઠવા જેવા પ્રોફેસર સાહેબોના તેઓ પ્રીતિપાત્ર બની રહ્યા.. કોલેજકાળમાં પણ
પુસ્તકો લાવવાના પૈસા તો હતા જ નહિ. એટલે લાઈબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરી અભ્યાસ કરતા
રહ્યા. કોલેજના વેકેશન દરમિયાન પણ માતા પિતા
સાથે મજૂરી કરવા જવાનો સિલસિલો તો યથાવત જ રહ્યો.. પોતે ક્યારેય માતા પિતા પર બોઝ ન
બન્યા. પોતાનો ખર્ચ મજૂરી કરીને પોતે જ કાઢી
લેતા. અને પરિવારને પણ મદદરૂપ થતા.
કોલેજકાળમાં
બનેલા બીજા એક પ્રસંગે કુબેરભાઈમાં રહેલા નેતૃત્ત્વ અને નીડરતાના ગુણની પ્રતીતિ કરાવી
દીધી. પ્રસંગ એવો હતો કે આદિવાસી આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજનું નામ બદલી કોઈ વિધર્મ સંબધી નામકરણ કરવામાં આવ્યું. કોલેજનું નામ બદલી
નાખી, વિધર્મીનું નામ જોડતા વિદ્યાર્થીઓમાં જબરજસ્ત અસંતોષ વ્યાપ્યો. વિદ્યાર્થીઓમાં જોરદાર રોષ હતો. આ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓનું
નેતૃત્વ કુબેરભાઈએ લઈ પોતાની કુનેહ અને કોઠાસૂઝ બતાવી. પ્રિન્સીપાલ અને સંચાલકોને
મળી નામ બદલવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે કોઈ વિધર્મીએ નામ બદલવાની શરતે દોઢ
લાખ રૂપિયા ડોનેશન આપેલું. આ વાત જાણ્યા પછી કુબેરભાઈએ તમામ વિદ્યાર્થીઓએ ભરેલી ફીની
પાવતીઓ એકત્રિત કરી. જેમાં મકાન બાંધકામ પેટે ૨૦-૨૫ રૂપિયા ફી ઉઘરાવામાં આવતી.
કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓની આ ફીનો સરવાળો કરીએ તો બે લાખ રૂપિયા કરતા વધુ હતો. એટલે હવે દોઢ લાખ રૂપિયાના દાનના બદલામાં નામ બદલવા સામે ખુલ્લો
વિરોધ નોંધાવ્યો. કારણ કે બે લાખ જેટલી રકમ તો આદિવાસી છાત્રો બાંધકામ પેટે ફી જમા કરાવી હતી. અહિંસક આંદોલનનું નેતૃત્ત્વ કુબેરભાઈએ લીધું.
સત્રાંત પરિક્ષામાં બધા વિદ્યાર્થીઓએ મળી નક્કી કર્યું કે જો સપ્લીમેન્ટરી ઉપર
કોલેજનું નામ વિધર્મી છાપેલું હોય તો બધા વિદ્યાર્થીઓએ
પરિક્ષા આપવાના બદલે સપ્લીમેન્ટરી ફાડી બહાર
નીકળી જવું. અને થયું પણ એમ જ બધા જ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો. આખરે સંચાલકોએ
વિદ્યાર્થીઓની માંગ આગળ જુકવું પડ્યું અને
કોલેજનું નામ પુનઃ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કરવું પડ્યું. કુબેરભાઈના નેતૃત્ત્વમાં
થયેલા આન્દોલનથી એક યુવા નેતા તરીકે તેમની
એક નવી ઓળખ પ્રસ્થાપિત થઇ.
ઉત્કૃષ્ઠ
પરિણામ સાથે ગ્રેજ્યુએશન પૂરું કરી બી.એડ. માં પ્રવેશ મેળવવા ફોર્મ ભર્યું. એ જ સમયે
પ્રોફેસર ખંડુભાઈ પરમાર સાહેબે સમજાવ્યું કે
તમારૂ ગ્રેજ્યુએશનનું પરિણામ પ્રોફેસર બનવા
લાયક છે. તો બી.એડ.માં સમય બગડ્યા વિના એમ.એ.નો અભ્યાસ કરો. પણ એમ.એ. કરવું ક્યાં?
એમ.એ. કરવા અમદાવાદ જવું પડે. એ તો કેમેય પોષાય એમ હતું નહી. એટલે વચલો માર્ગ એવો કાઢ્યો
કે એક્સ્ટર્નલ તરીકે એમ એ. માં એડમિશન લીધું. ઘરે માતા પિતા સાથે મજૂરી કરતા જવાનું
અને અભ્યાસ પણ કરતા રહેવાનું. ઘરકામ કરતા કરતા એમ. એ. પાર્ટ -૧નું શ્રેષ્ઠ પરિણામ લાવ્યા.
પરિણામ જોતાં પ્રોફેસર સાહેબે એમ.એ. પાર્ટ
- ૨ રેગ્યુલર કરવાની ભલામણ કરી. એટલે અમદાવાદની
એલ.ડી. કોલેજમાં પ્રવેશ લીધો.
૧૯૯૩નું
એ વર્ષ હતું. જીંદગીમાં પહેલીવાર અમદાવાદ જવાનું હતું. માતા-પિતાને તો ચિંતા કોરી ખાતી
હતી. પિતા તો બોલ્યા પણ ખરા “બેટા !
અમદાવાદ એકલો ક્યાં જઈશ? ક્યાંક ખોવાઈ જઈશ તો ?” ભણવાની ધગશ હતી એટલે ઘર પરિવારને સમજાવી
અમદાવાદની વાટ પકડી. પહેલી વાર અમદાવાદની ભૂમિ પર પગ મુક્યો.. આટલી ભીડ-ભાડ અને ઘોંઘાટ
તો પહેલી વાર જોયો.. એ.વી. પટેલ સાહેબ કોલેજના પ્રિન્સીપાલ હતા. તેઓ કડક શિસ્તના આગ્રહી હતા. કુબેરભાઈએ કમર કસી અભ્યાસમાં
મન ડુબાવી દીધું. એક પણ લેકચર છોડવાનું નહિ. કોલેજના અભ્યાસ દરમિયાન વાંચેલા પુસ્તકોમાં
અબ્રાહમ લિંકનનું જીવન ચારિત્ર્ય વાંચ્યું. એ પુસ્તકની અમીટ છાપ હૃદયપર ઝીલાઈ. એ જ
રીતે હિન્દી સાહિત્યના સુખ્યાત કવિ નાગાર્જુનની કવિતાએ કુબેરભાઈને વિચારતા કરી દીધા.
પુસ્તકો તો પોતાની પાસે હતા નહિ પરંતુ લેકચર દરમિયાન પ્રોફેસર સાહેબ જે બોલે એ નોટમાં ઉતારી લે. અને પાકું કરી લેવાનું.
કહેવાય છે ને કે સખત પુરુષાર્થ ક્યારેય દગો નથી દેતો. એ સમયે કોલેજનું પરિણામ સમભાવ અખબારમાં પ્રગટ થતું.
૧૦ મી ઓગષ્ટ ૧૯૯૪ ના રોજ એમ.એ. પાર્ટ-૨નું પરિણામ જાહેર થયું. બસ કુબેરભાઈની મહેનત રંગ લાવી હતી. આખી એલ.ડી.
કોલેજમાં કુબેરભાઈ ૬૩ % સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ
થયા હતા.
નિરક્ષર માતા-પિતાને તો ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ એટલે
શું એની પણ જાણ ક્યાં હતી ! બીજા વિદ્યાર્થીઓ એટીકેટી પાસ થયાનું જાણી પિતાએ કુબેરભાઈને
ઠપકો આપ્યો કે ‘તમે કેમ એટીકેટીથી પાસ ન થયા.?’ પિતાજીની વાત સાંભળી કુબેરભાઈ હસી પડ્યા
હતા.
આ
અરસામાં બીજો એક બનાવ બન્યો. સંતરામપુરના છેવાડાના વિસ્તારમાં પાકા રસ્તા, પાણી કે વીજળી પહોંચી જ નહોતી. સરકારે એક આદિવાસી સમાજના
લોકો માટે ડોર પોઈન્ટ નામે એક સ્કીમ બનાવી
હતી. જેમાં વીજળીના થાંભલા પરથી વીજળી માટે એક પોઈન્ટ આપવામાં આવતો. આવા ૭૫ પોઈન્ટ
મંજૂર થયા હતા. આ યોજના સરકાર તરફથી તદ્દન મફત હતી. એમ છતાં આ ગામના સરપંચે દરેક કનેક્શન
દીઠ ૫૦-૫૦ રૂપિયા ઉઘરાવ્યાની જાણ કુબેરભાઈને થઇ .તેમને સરપંચનો ખુલ્લો વિરોધ કર્યો. ગામનો સરપંચ ભોળી નિરક્ષર
પ્રજાને છેતરી રહ્યો હતો. કુબેરભાઈના પિતાએ કનેક્શનના બદલામાં પચાસ રૂપિયા
ન હોવાથી એક કિલો ઘી સરપંચને આપવું
પડ્યું હતું. આ વાતથી કુબેરભાઈ વ્યથિત થઈ ગયા. ગામના યુવાનો લઇ GEBની ઓફિસે જઈ ધારદાર
રજૂઆત કરી. તો વિરોધી લોકો એ આ કુબેરભાઈ પર ખોટી FIR દાખલ કરી. સમય આવ્યે કોઇપણ હિસાબે ભ્રષ્ટ સરપંચની શાન ઠેકાણે લાવવાનો નિર્ધાર કર્યો.
આ બનાવથી જ યુવા વયે ગામની રાજનીતિમાં રસ લેવાનો શરૂ કર્યો. કુબેરભાઈ કહે છે “જો સરપંચે
પચાસ રૂપિયાની લાંચ લઇ ભ્રષ્ટાચાર આચર્યાની જાણ મને ન થઇ હોત તો કદાચ હું રાજકારણમાં ક્યારેય ન આવ્યો હોત.
ભ્રષ્ટાચારી લોકોને સત્તાથી દૂર કરવા રાજનીતિમાં હું સક્રિય બન્યો.”
ઘોર
અંધારી રાત્રી પછી સૂર્યોદય તો થતો જ હોય છે. બસ મનસુખભાઈના પરિવાર માટે હવે સોનાનો
સુરજ ઉગવાની પ્રતિક્ષા કરી રહ્યો હતો. એમ.એ. નું પરિણામ આવ્યાના એક જ સપ્તાહમાં પાલનપુર,
રાજકોટ અને તલોદની કોલેજમાં પ્રોફેસર લેવા માટેની જાહેરાત આવી. રાજકોટ ઈન્ટરવ્યુંમાં
જવા માટે ભાડાના પૈસા ન મળે. ચણા વેચી ઇન્ટરવ્યું આપવા ગયા.. બીજું ઇન્ટરવ્યુ ૧૭ સપ્ટેમ્બર
૧૯૯૪ના રોજ તલોદ કોલેજમાં ગોઠવાયું હતું.
શનિવારનો એ દિવસ હતો. ગામના તલાટી પ્રતાપભાઈ
ડીંડોર પાસેથી ૨૦૦ રૂપિયા ઉછીના લઈ તલોદ ઈન્ટરવ્યું માટે ગયા. તલોદ કોલેજમાં સ્થાનિક ઉમેદવાર લેવાનું નક્કી થયું હતું, કારણ કે
દૂર થી નોકરી માટે આવતા ઉમેદવારો વતન નજીક
નોકરી મળી જતા અહીની નોકરી છોડી જતા રહેતા. હોવા છતાં કુબેરભાઈની પ્રતિભા જોઈ તલોદ મંડળે તરત જ તેમનું સિલેકશન કરી લીધું. સાથે આ નોકરી ન છોડવાનું કમીટમેન્ટ
લીધું. ( આ કમીટમેન્ટ કુબેરભાઈએ આજદિન સુધી નિભાવ્યું છે.) અને હાથો હાથ પ્રોફેસરની
નોકરીનો ઓર્ડર હાથમાં આપી દીધો.
કુબેરભાઈ
ઓર્ડર લઈ તલોદથી ટ્રકમાં બેસી હરસોલ,
ધનસુરા, મોડાસા, માલપુર થઇ રાત્રે અગિયાર વાગે વતનના પાસેના ગામે પહોંચ્યા. એક બાજુ
સાંબેલા ધાર વરસાદ અટકવાનું નામ લેતો નહતો..અહીંથી ભંડારા જવા માટે રાત્રે કોઈ માણસનો સંગાથ ના મળે ત્યાં વળી કોઈ વાહન તો ક્યાંથી મળે!. વરસાદથી બચવા ખાખરાનાં પાનની ટોપી બનાવી માથે
મૂકી દીધી. ચોતરફ ફેલાયેલો ઘોર અંધકાર અને વીજળીના
ભયંકર કડાકાઓ વચ્ચે પગવાટે ઘર તરફ ચાલવા માંડ્યું. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે
નીતરતા કપડે ઘેર પહોંચ્યા. એક પ્લાસ્ટિકની
કોથળીમાં પોતાના ડોક્યુમેન્ટ્સ અને નોકરીનો ઓર્ડર જીવની જેમ સાચવી રાખ્યો હતો. ઘરે
પહોંચતા જ માતા પિતાએ હાશકારો અનુભવ્યો.. કુબેરભાઈએ માતા-પિતાના હાથમાં નોકરીનો ઓર્ડર
મુક્યો. ઘરના છાપરામાંથી હજી ચૂવા તો ટપકી
જ રહ્યા હતા.
(ક્રમશઃ )
વાહ
ReplyDeleteજીવંત યાત્રા થઈ જાય એવું લખ્યું છે આપે ..વંદન.
Delete