Sunday, March 31, 2024

સન્ડે સ્પેશિયલ


કેવી હતી આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી ?

ચાર મહિના ચાલેલી ચૂંટણી પ્રક્રિયામાં ૬૮ ફેઝમાં મતદાન થયું હતું.

 



લોકશાહી દેશ માટે ચૂંટણી એ મહોત્સવ સમાન હોય છે. ભારત વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે. સમગ્ર દેશમાં અઢારમી લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ બરાબર જામ્યો છે. તંત્રએ નિષ્પક્ષ રીતે સો ટકા મતદાન થાય એ માટે કમર કસી છે. આજના સમયે ચૂંટણી પ્રક્રિયાને પહોંચી વળવા અદ્યતન ટેકનોલોજી અને પુરતા સંશાધનો ઉપલબ્ધ છે. અને ભારતીય પ્રજાજનો પણ મતદાનના અધિકાર માટે  શિક્ષિત અને જાગૃત છે. પરંતુ જ્યારે દેશ આઝાદ થયો અને પહેલી વાર દેશમાં ચૂંટણી યોજાઈ એ સમયે માહોલ કેવો હશે ! એ તરફ એક વાર નજર કરવા જેવી છે.

ભારતને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યું પરંતુ એ ખૂબ ઓછા લોકોને જ ખબર હશે કે પ્રથમ સામાન્ય ચૂંટણી 1951-52માં કઈ રીતે થઈ હતી અને કઈ રીતે મતદાન થયું હતું. પ્રથમ ચૂંટણીમાં લોકસભાની 497 તથા રાજ્ય વિધાનસભાઓીન 3283 સીટો માટે ભારતના 17 કરોડ 32 લાખ 12 હજાર 343 રજિસ્ટર્ડ વોટર હતા. કુલ 68 ફેઝમાં મતદાન થયું હતું.

અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયા બાદ ૧૯૫૧ માં પ્રથમ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીની તૈયારી કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 સુધી એટલે કે લગભગ ચાર મહિના ચાલેલી આ ચૂંટણી પ્રક્રિયાને સમગ્ર દુનિયાના લોકતાંત્રિક દેશોની કતારમાં ભારતને ઊભું રાખી દીધું હતું. તેમજ ચૂંટણીનું મતદાન ચાર મહિના સુધી ચાલ્યું હતું. હિમાચલ પ્રદેશનાં કલ્પા ગામનાં 102 વર્ષના શ્યામસરણ નેગી દેશનાં પ્રથમ મતદાર બન્યા હતાં.

સૌથી મોટો પડકાર સામે આવ્યો હતો. દેશમાં 85 ટકા લોકો નિરક્ષર હતાં. તેઓ લખી વાંચી શકતા ન હતા. તેવા લોકો મત આપવા જાય ત્યારે, ઉમેદવારનું લખેલું નામ વાંચી નહીં શકે તો મત કેવી રીતે આપે ? આ મોટો પ્રશ્ન હતો. આથી ચૂંટણીમાં દરેક ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવવામાં આવ્યા હતાં. જેના આધારે નિરક્ષર મતદાર પણ પોતાના પસંદગીનાં ઉમેદવારને મત આપી શકે. એવી રીતે ચૂંટણી ચિન્હ આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ બોગસ મતદાન રોકવા ખાસ પ્રકારની શાહી બનાવવામાં આવી હતી. જેનું નિશાન આંગળી ઉપર 8 દિવસ સુધી રહે છે. જેના કારણે એક વ્યક્તિ એક જ વેળા મતદાન કરી શકે. તેવી વ્યવસ્થા કરી હતી. 

દેશમાં પ્રથમ વખત જ ચૂંટણી થતી હોવાથી થીએટરોમાં ચૂંટણી પંચે ડોક્યુમેન્ટરી બતાવી લોકોને માહિતગાર કર્યા હતાં. અને મતદાનની જાગૃત્તિ લાવ્યા હતાં. દેશમાં પહાડો વચ્ચેનાં ગામોમાં પુલ ન હતાં. તેવી જગ્યા પર સેનાની મદદથી કામચલાઉ પુલ, નદી ઓળંગવા બોટની મદદ લઈ મતદાન કરવા માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ ચૂંટણી માટે ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ હાથ ધરી હતી. મતદાર યાદી તૈયાર કરવાની સાથે બોગસ મતદાન અટકાવતા મતદારની આંગળી  ઉપર શાહીનું નિશાન કરવાનું નક્કી કરાયું. વૈજ્ઞાાનિકોએ ખાસ પ્રકારની શાહી તૈયાર કરી જેનું નિશાન ૮ દિવસ સુધી ભુંસી શકાય નહીં. તેવી ૪ લાખ નાની બોટલ શાહી તૈયાર કરાઈ, ઉદ્યોગપતિ ફિરોઝશા ગોદરેજે ૨૦ લાખ મતપેટી બનાવી આપવાનું બીડું ઝડપ્યું. 

મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં એક ગામ ભાડે લઈ તેમાં તંબુ બનાવી રાત-દિવસ મતપેટી બનાવવાનું શરૂ કર્યુ. ટૂંક સમયમાં લક્ષ્યાંક પુરો કરવા તેમને દરરોજ ૧૫ હજાર મતપેટીનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં કુલ ૮૨૦૦ ટન સ્ટીલ વપરાયું હતું. બેલેટ પેપર માટે ૪ લાખ પેપર રેમ્પ બનાવીને ૬૨ કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતાં. મતદાન માટે ર.૨૪ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં. જે પૈકી ૫૬ હજાર અધિકારી હતા. ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા માટે દેશમાં કુલ ૨૪ લાખ પોલીસ તૈનાત કરાયા હતાં. 

ભારત દેશમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી વખતે દેશની કુલ વસ્તી ૩૬ કરોડની હતી. જેમાં મતદારોની કુલ સંખ્યા ૧૭.૫૦ કરોડ હતી. જૈ પૈકી પુરૂષ મતદારની સંખ્યા ૯.૫૦ કરોડ અને સ્ત્રી મતદાર ૮.૦ કરોડ હતી.
 ૧૯૫૨ ની ચૂંટણીમાં કુલ ૧૦.૭૦ કરોડ મતદારોએ પોતાનો મતદાનનો હક્ક બજાવ્યો હતો. સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કેરળ રાજ્યનાં કોટ્ટયયમ સસંદીય બેઠક પર ૮૦ ટકા નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશની શહદોઈ સસંદીય બેઠક પર સૌથી ઓછું ૧૮ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.

સુકુમાર સેન મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમણે વોટર રજિસ્ટ્રેશનથી લઈને, પાર્ટીઓના ચૂંટણી પ્રતીકોના નિર્ધારણ અને પારદર્શી ચૂંટણી યોજવા માટે યોગ્ય અધિકારીઓની પસંદગીનું કામ કર્યું. બેલેટ બોક્સ અને બેલેટ્સને પોલિંગ બૂથ સુધી પહોંચાડવા ખૂબ મુશ્કેલ હતું. જો કે આ ચૂંટણી પ્રક્રિયા ધીમે ધીમે સુધરી અને આજે આપણે દુનિયાના સૌથી વિશાળ લોકતંત્ર તરીકે દુનિયાને શીખવી રહ્યા છીએ કે ચૂંટણી કઈ રીતે કરાવવી જોઈએ.

એક મહત્વની હકીકત એ છે કે પ્રથમ લોકસભા ચૂંટણીમાં પ્રતિ મતદાર ખર્ચ 60 પૈસા આવ્યો હતો.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

2 comments:

  1. બહું સરસ સંદર્ભ ની ખુબ સંપૂર્ણ માહિતી સાથેનો ઉત્તમ લેખ i am very proud 🦚

    ReplyDelete
  2. Excellent research based article. Great work

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts