બાળ અભ્યારણના રખેવાળ, ઉમદા અને અનોખા આચાર્ય અંકુર દેસાઈ
કેશરપુરા બાળ અભયારણ્ય.
શબ્દ સાંભળતાં જ આપણું મન એક અજાયબ દુનિયામાં વિહરવા માંડે છે. પ્રાણી પક્ષીઓના અભ્યારણ્ય વિશે તો આપે સાંભળ્યું જ હશે. પરંતું બાળ અભ્યારણ્ય?? સાંભળીને થોડું આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે પણ સાબરકાંઠાની ઈડર તાલુકાના કેશરપુરા ગામની સરકારી શાળાએ બાળકો માટે અનુપમ વાતાવરણ નિર્માણ કરી બાળ અભ્યારણ્યના નૂતન વિચારને ચરિતાર્થ કર્યો છે. સરકારી શાળાનું નામ સાંભળતાં જ નાકનું ટેરવું ચડાવી દેતા મહાશયો એ એક વાર શાળાની મુલાકત અચૂક લેવા જેવી ખરી. ગેટમાં પ્રવેશતાં જ શાળાના પ્રેમમાં પડી જવાય એવું નયનરમ્ય લીલુંછમ્મ પરિસર. અહિં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કરતાં બાળકને વધુ પ્રાધાન્ય અપાય છે. બાળકનું નિખાલસ હાસ્ય અને બાળપણ માણતાં માણતાં તેનું ઘડતર થાય તેવું સુંદર વાતવરણ નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈપણ જાતના બંધન વિના મુક્ત રીતે મરજી મુજબ વિહરવાની પુરતી આઝાદી છે. શિક્ષણ જગતમાં દીવાદાંડીરૂપ કાર્ય કરતી અને ભલભલી ખાનગી શાળાઓને આંટીઓ ખવડાવે એવી સુંદર શાળાના શિલ્પી છે શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય અંકુરભાઈ દેસાઈ.
અંકુરભાઈ દેસાઈ.
પ્રાથમિક શિક્ષણ જગત માટે આ નામ અજાણ્યું નથી. બે દયકાથી પણ ઓછી શિક્ષણ યાત્રામાં અંકુરભાઈ એ માતબર ખેડાણ કર્યું છે. વર્ષ 2002 માં ખેડબ્રહ્મા તાલુકાની ખાદરા ફળો પ્રાથમિક શાળામાં જોડાયા ત્યારથી નૂતન પ્રયોગો કરતા રહ્યા છે. નવી મેત્રાલના સી.આર.સી. તરીકે ફરજ બજાવી તો એ દરમિયાન પોતાના ક્લસ્ટરને એક આદર્શ ક્લસ્ટર બનાવ્યું. એક ઉત્તમ મર્ગદર્શક તરીકેની ભૂમિકા નિભાવી તમામ શાળાએને એ ગ્રેડમાં લાવી મુકી દીધી. અંકુરભાઈ યુવાન છે, બાહોશ છે, કામ કરવાની અને કામ લેવાની આગવી આવડત છે. જે કાંઈ કરવાનું એ દિલથી જ કરવાનું. .હાથમાં લીધેલ કામમાં ડૂબી જવું એ તેમનો સ્વભાવ છે.
જાન્યુઆરી 2018 માં કેશપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિયુક્ત થયા ને જાણે સોનામાં સુગંધ ભળી. શાળાનો સ્ટાફ હકારાત્મક અને અંકુરભાઈનું સુકાન સાંપડ્યું પછી તો પુછવું જ શું? શાળા વિકાસને જાણે પાંખો ફૂટી. કેશરપુરા પ્રાથમિક શાળા કે જે વિદ્યાર્થીઓની અનુકુળતા અને મરજી મુજબ ચાલે છે . બાળકોમાં સતત આત્મવિશ્વાસનો વધારો થાય એવા આશયથી આ શાળાનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા થાય છે. શાળાનું વાતાવરણ એટલું નયનરમ્ય છે કે જાણે બાળકો શાળાએ નહીં પરંતુ ગાર્ડનમાં આવ્યા હોય. બે એકર જેટલી વિશાળ જગ્યા ધરાવે છે. ચોતરફ પથરાયેલું હરીયાળું મેદાન તેમજ એક હજાર જેટલા વૃક્ષો જોતાં જ આંખો ઠરે છે. સાંજે શાળા છૂટયા પછી શિક્ષકોએ બાળકોને બળજબરી ઘરે મોકલવા પડે છે. અને સવારે શાળાએ આવવા ખુબ જ ઉત્સાહીત હોય છે.
કેશરપુરાની પ્રા . શાળામાં અવનવી અને બાળલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવાના કારણે શાળા ચર્ચાનું કેંદ્ર બની છે. ધો . 1 થી 8 સુધીની શાળામાં 14 વર્ગખંડો અને 15 ફરજનિષ્ઠ શિક્ષકો છે . અત્યારે કુલ 487 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં છેલ્લા બે વર્ષથી પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. શાળામાં શિક્ષણલક્ષી અને પ્રવૃત્તિલક્ષી ચિત્રો દ્વારા શાળાની દીવાલો પણ બોલતી કરી દેવામાં આવી છે. શાળાના કોઈ પણ ખૂણે જઈએ તો ત્યાં બાળકોને રમતા રમતા,
હરતા ફરતા કંઈકને કંઈક વિચારવાનું કે જાણવાનું મળે તેવું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે કેશરપુરા અને અન્ય આવી ઘણી શાળાઓ શિક્ષણ સમાજ અને શિક્ષણ વિભાગ માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ રહી છે.
આ શાળાની આનંદદાયક બાબત એ પણ છે કે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોના બાળકો પણ તેમની જ શાળામાં અભ્યાસ કરે છે . જેના કારણે કેન્દ્રીય વિદ્યાલયના બાળકો તેમજ ઈડર આસપાસ આવેલી ખાનગી શાળાના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ ધોરણમાં કેશરપુરા શાળામાં પ્રવેશ મેળવ્યો છે.કેશરપુરા પ્રાથમિક શાળાની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે એવી જોવા મળે છે . સાબરકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને ગ્રીન સ્કૂલ બનાવી શાળાને પર્યાવરણ માટે નમુના રૂપ બનાવી દીધી છે.
માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ ભણતર સાથે જીવનના પાઠ પણ ભણાવવામાં આવે છે.
શાળા સવારે
ખુલે અને સાંજે બંધ થાય ત્યાં સુધીની 52-55 બબાતો ની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં
સવારે તાળું ખોલવાથી માંડી સાંજે તાળું બંધ કરવા જેવી તમામ બાબતો નો સમાવેશ કરવામાં
અવ્યો છે. આ તમામ કામગીરીની વહેચણી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓમાં ફાળવની કરવામાં આવી
છે. તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. શાળામાં સારી રીતે સ્માર્ટ ખેતી કેવી રીતે થાય..ઓર્ગેનિક ખેતી અને વધુ ઉત્પાદન.. જેવા વિષય સાથે સ્માર્ટ ખેડૂત બનાવવાનું કામ પણ અત્યારથી ચાલુ.. ખેતીના વિવિધ પ્રયોગો નિહાળો તો જાણે તમે મિની ઇઝરાઈલમાં ફરી રહ્યા હોય એમ લાગે. 1.સંપૂર્ણ સજીવ ખેતી ૨.જિવામ્રુત સાથેની ખેતી 3.જૈવિક ખાતર ઉત્પાદન 4.ગ્રીન હાઉસ ખેતી 5.નેટ હાઉસ ખેતી 6. ટપક સિંચાઈ પધ્ધતિ7.પેસ્ટિસાઇઝ મુક્ત ખેતી 8. વોલ ગાર્ડન 9 હાઈડ્રોફોનિકસ ખેતી ૧૦.રોકડિયા પાકની ખેતી. ખેતીની તમામ પધ્ધતિઓ અહિં પ્રયોગિક
ધોરણે ચાલી રહી છે.
શાળાનો અન્ય એક નવતર પ્રયોગ એટ્લે બચત બેંક. વિદ્યાર્થીઓ ઘરેથી લાવતા પૈસા રોજ વાપરી નાખતાં. આ બાબતે મનોમંથન કરી શાળા વીસ હજાર રુપીયા ખર્ચ કરી અદ્દલ બેંક જેવું જ સોફ્ટવેર વિકસાવ્યું. જેનું તમામ સંચાલન વિદ્યાર્થીઓને જ સોપવામાં આવ્યું. ચેકબૂક, પાસ બૂક, પૈસા જમા કરવાનું ફોર્મ. બધુ જ જાણે મિની બેંક જ જોઈલો. શાળાની બાળ બચત બેંકમાં દરેક વિદ્યાર્થીના ખાતા ખોલી દેવામાં આવ્યા છે અને પાસબુક પણ આપવામાં આવી છે . જેથી બાળકોએ કરેલી બચત દર બુધવારે તેમના એકાઉન્ટમાં જમા કરાવી દે છે. જે રકમ બાળકો તેમના ખર્ચ માટે ઉપાડી પણ શકે છે. માન્યા માં ન આવે પણ વિધાર્થીઓએ દોઢ વર્ષમાં દોઢ લાખ જેટલી રકમની બચત કરી છે.
અહીં કન્યાઓઅમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળતું. એના ઉપાય રૂપે શાળાએ બાળ ડોક્ટર્ની નિમણૂંક કરી. બાળ ડૉક્ટરો ને પી.એચ.સી. દ્વારા તાલીમ પણ આપવામાં આવી. આ બાળા ડૉક્ટર દર શનિવારે તમામ વિદ્યાર્થીઓની સ્વચ્છતાથી માંડી આરોગ્યની ચકાસણી કરે. જો કોઈ સમસ્યા જણાય તો શિક્ષકની મદદ લઈ વિદ્યાર્થીને ડોક્ટર પાસે ટ્રિટમેંટ અપાવવામાં આવે. એનાં ખુબ સુંદર પરિણામો શાળાને પ્રાપ્ત થયાં. આ ઉપરાંત કિશોરીઓ પોતાના શારિરિક બદાલાવોથી જાગૃત બને એ માટે શાળાની શિક્ષિકાઓ દ્વારા વિશિષ્ઠ તાલીમ આપવામાં આવી. એટલું જ નહી પરંતુ વિદ્યાર્થીનીઓ સેનેટરી પેડનો ઉપયોગ કરી શકે એ માટે સેનેટ્રી એ.ટી. એમ. વસાવવામાં આવ્યું. જેના થકી કોઈ પણ વિદ્યાર્થીની માત્ર બે રૂપિયા એ.ટી.ઈમ. માં નાખી પેડ મેળવી શકે. આનું પરિણામ એ આવ્યું કે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિતો આવી જ પરંતુ પોતાના ઘરે પણ મતા કે મોટી બહેન સેનેટરી પેડ નો વપરાશ કરે એ માટે શાળામાંથી જ બે રૂપિયામાં પેડ મેળવી ઘરે લઈ જવા લાગી.
કેશરપુરા ગામ 80% મુસ્લિમ સમુદાય અને બાકીના 20% બક્ષીપંચ સમુદાયની વસ્તી ધરાવતું ગામ. શરુઆતમાં શાળા માટે પડકારો ઘણા હતા પરંતુ આગવી કુનેહથી ઉકેલતા ગયા. શરૂઆતમાં મુસ્લિમ સમુદાયનાં વિદ્યાર્થીઓ સર્વધર્મ પ્રાર્થના કરવામાં પણ સંકોચ અનુભવતા. પ્રાર્થનાનું આ દૃશ્ય જોઈ અંકુરભાઈ ને ચેન ન પડે. બાળપણથી જ બાળમાણસ પર આવાં બીજ રોપાય એ તો કેમ ચાલે? અંકુરભાઈ મોલવી સાહેબને મળ્યા. વિગતે વાત કરી. શાળા એ હિંદુ કે મુસ્લિમ થી ઉપર ઊઠીને માનવ ઘડતરનું કામ કરે છે. દરેક ધર્મને સરખો આદર અપાય એનાથી રૂડું શું હોય?? મોલવી સાહેબ પણ આ વાત સાંભળી રાજી થયા અને શાળામાં સૌ વિદ્યાર્થીઓ સર્વ ધર્મ સમભાવની પ્રાર્થના ગાતાં થયાં. અહીં ગીતાના શ્લોકનું પણ પારાયણ થાય અને દર શુક્રવારે કુરાનની આયાતો પણ અનુવાદ સાથે પઢવામાં આવે. એક આચાર્યની સમય સુચકતાથી સર્વધરમ સમભાવનું કેટલું મોટું કામ થયું!
મસ મોટી ફી ખર્ચીને પોતાના બાળકને પ્રાઈવેટ શાળામાં મુકવા માંગતા વાલીઓને પણ હવે ખાનગી શાળાનો મોહ છોડીને પોતાના સંતાનોને કેશરપુરાની શાળામાં અભ્યાસ કરવા એડમીશન લઈ લીધા છે . એટલું જ નહીં આ શાળાએ એવું તો નામ કર્યું છે કે ઓફ્ફર્ડ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ , જાપાન યુનિવર્સીટીના પ્રોફેસરો તેમજ અનેક ખાનગી શાળાના શિક્ષકો પણ શાળાની મુલાકાત લઈ ગયા છે .
સૌ સાથી શિક્ષક મિત્રોના સહિયોગથી બાળકોને શાળાએ આવવું ગમે, રમવું ગમે અને ભણવું ગમે એવું ઉત્તમ વાતાવરણનું નિર્માણ કર્યું છે. અહીં પ્રત્યેક બાળક મહત્વનું છે. બાળકોના મુક્ત વિચાર અને ઉત્સાહનો સ્વીકાર કરી યોગ્ય દિશામાં વૃદ્ધિ થાય તેવું વાતાવરણ નિમણિ કરેલ છે . શાળા અને શિક્ષકો બાળકો માટે છે અને બાળકો પોતાના વિકાસ માટે સુયોગ્ય ઉપયોગ કરે છે . બાળકોની, બાળકો માટે અને બાળકો વડે ચાલતી આ શાળા છે . જ્યાં સર્વધર્મ સમભાવ સાથે યોગ્ય માનવ ઘડતરનું પાયાનું કામ કરવા સતત મથામણ કરે છે . જીવન જરૂરી વિવિધ કૌશલ્યોના વિકાસની સાથે સાથે બાળકની ભાવનાત્મક અને રચનાત્મક બાબતોનો સંપૂર્ણ ખ્યાલ રાખી લાગણી પૂર્વક તેમનું સન્માન જાળવી શીખતા કરે છે.
અંકુરભાઈએ રજ્યમાં અને રાજ્ય બહાર કે.આર.પી તરીકે કામ કર્યું છે. વર્ષ 2006 અને 2010 ના સમાજીક વિજ્ઞાનના પઠ્ય પુસ્તકના લેખનમાં લેખક તરીકે મહત્વની ભૂમિકા તેઓએ નિભાવી છે. એ ઉપરાંત જીલા અને રાજ્ય કક્ષાએ તૈયાર થતાં શિક્ષક તાલીમ મોડ્યુલ લેખનમાં પન પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેઓની ઉમદા સેવાઓ બદલ એન.જી.ઓ. દ્વારા રાષ્ટ્ર કક્ષાના સન્માનોથી સન્માનવામાં આવ્યા છે.ઈંટરનેશનલ સ્કિલ ડેવલોપમેંટ જેવા પ્રતિષ્ઠિત સન્માનથી અંકુરભાઈને નવાજવામાં આવ્યા છે.
જો ગુજરાતની તમામ શાળાઓને આવો એક અંકુર મળી જાય તો ???
સંપર્ક : અંકુર દેસાઈ : 99253 09409
લેખન : ઈશ્વર પ્રજાપતિ 9825142620
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
Really great work
ReplyDelete