ગુરુવાર, 13 ફેબ્રુઆરી, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : મુકેશભાઈ પટેલ


           હકારાત્મકતાથી ભર્યો ભર્યો એક હરિયાળો શિક્ષક  મુકેશભાઈ પટેલ.



           મુકેશભાઈ પટેલ.
           શબ્દનો સાધક, મૉ સરસ્વતીનો ઉપાસક અને હકારાત્મકતાથી ભર્યો ભર્યો એક હરિયાળો શિક્ષક.
        અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મથકેથી 12 કિલોમીટર અંતરે આવેલ વિકાસની વાટ જોતું ગામ એટલે રમાણા. પીવાનું પાણી નિયમિત મળી રહે માટે હજી પણ ગામલોકો અનેક હાડમારીઓ. વેઠી રહ્યાં છે. વિકાસ ઝંખતા આવા ગામની શાળા આજે તીર્થ રૂપ બની છે. એક સમયે સામાજિક ઉપેક્ષાનો ભોગ બનેલી શાળા આજે સમાજના આસ્થાનું કેન્દ્ર બની છે. એનું શ્રેય જો કોઈને જતું હોય તો શાળાના ઉત્સાહી યુવા આચાર્ય મુકેશભાઈ પટેલ અને સાથી સૌ શિક્ષકોને જાય છે.             
            ગામમાં શાળાની સ્થાપના તો છેક 1949 માં થઇ ચુકી હતી. એમ છતાં આશરે 2500 ની વસ્તી ધરાવતું ગામનાં લોકોમાં શિક્ષણની જાગૃતિનો ખાસ્સો એવો અભાવ જોવા મળતો. ગામમાં વસતા પરિવારો મોટા ભાગે ખેત મજૂરી અને પશુપાલનસાથે સંકળાયેલા. નિરક્ષર વાલીઓમાં ભણતર બાબતે નરી નિરસતા જોવા મળતી. ગામના કેટલાક શિક્ષિત અને શિક્ષણ પ્રેમી જાગૃત નાગરિકો શાળાના વિકાસમાં રસ લેતા, બાકી મોટા ભાગેના લોકોને તો શાળા સાથે જાણે કોઈ લેવા દેવા હોય એવી વિકટ પરિસ્થિતિ. આવી પડકાર જનક પરિસ્થિતિમાં થોડાંક વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલની આચાર્ય તરીકે નિયુક્તિ થઈ. અહીં સામાજિક પરિસ્થિતિ એવી તો વિકટ કે ગમે તેવા હકારાત્મક અભિગમ ધરાવતો વ્યક્તિ પણ નકારાત્મકતાને શરણે જવા મજબૂર બની જાય. પરંતુ શાળાનું સુકાન સંભાળનાર મુકેશભાઈ પટેલ જુદી માટીનો માનવી. શાળાનું સુકાન સાંભળતા પડકારો તો ઘણા આવ્યા પરંતુ હોઠ પરનું સ્મિત ક્યારેય કરમાવવા દીધું. સસ્મિત સમસ્યાઓનો સામનો કર્યો અને સમસ્યાનોનું આગવી ઢબે સમાધાન કર્યું. ચોતરફ સામજિક નકારાત્મકતાથી ઘેરાયેલી શાળાને જાણે હકારાત્મકતાનો લૂણો લગાડ્યો. શાળા, સમાજ અને પર્યાવરણમાં નવો પ્રાણ ફુક્યો.
                   મુકેશભાઈ પોતે વેલ એડયુકેટેડ છે. એમ.. એમ.એડ. એમ ફિલ સુધીનો અભ્યાસ કર્યો છે. મોડાસાની લલિતાબા બી.એડ કોલેજમાં લેકચરર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. અને પૂરાં પાંચ વર્ષ અહીં સેવા આપી. મોડેલ સ્કૂલ અમીરગઢ બનાસકાંઠામાં પણ આચાર્ય તરીકે બે વર્ષ સેવાઓ તેઓ આપી ચુક્યા છે. પ્રોફેસર કક્ષાની ઉચ્ચત્તમ ડીગ્રી ધરાવતા મુકેશભાઈને તેઓની નિયતિ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની રમાણા શાળા સુધી ખેંચી લાવી.
             કે.જી. થી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. પોતે વહીવટ કુશળ છે અને કામ કરવાની આગવી કુનેહ ધરાવે છે. સૌ પ્રથમ શાળા અને અને સમાજ વચ્ચે સાયુજ્ય સ્થપાય માટે મુકેશભાઈ અને શાળામાં ફરજ બજાવતા સાથી શિક્ષકો પ્રયત્નશીલ થયા. ઘરે ઘરે જઈ વાલીઓને રૂબરૂ મળ્યા. ગામના આગેવાનો અને શિક્ષણ રસિકોને શાળા સાથે જોડાવા પણ પ્રયત્નશીલ રહ્યા. શાળા પરિવારના સૌ શિક્ષકોની મહેનત રંગ લાવી. 'સરકારી શાળા' ને બદલે 'ગામની શાળા'નો ભાવ ગ્રામજનોના દિલમાં સ્થાપિત કરવામાં સફળ થયા.

               શાળામાં અનિયમિત રહેતાં વિદ્યાર્થીઓ દિવસે દિવસે નિયમિત થતાં ગયાં. શાળા આચાર્ય મુકેશભાઈએ શાળાના શિક્ષકોને કામ કરવાનું મોકળું મેદાન પૂરું પાડ્યું. શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણપુષ્પો થી સતત નવાજતા રહ્યા. શિક્ષકોએ પણ દિલ રેડી વર્ગોને ધબકતા કર્યા. અભ્યસિક - સહભ્યાસીક પ્રવૃત્તિઓથી શાળા ધમધમવા લાગી. PSE, NMMS , નવોદય અને ડ્રોઈંગ જેવી પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેતા થયા. એટલું નહીં પરંતુ ગત વર્ષે શાળાના ત્રણ વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષામાં મેરિટમાં પણ સ્થાન પામ્યા અને હાલ વિદ્યાર્થીઓ સરકારશ્રી તરફથી વર્ષે 12000 રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરે છે.
               મુકેશભાઈ એક ઉત્તમ ટ્રેઇનર પણ છે. તાલુકા કે જિલ્લા કક્ષાની તાલીમ કોઈ પણ તાલીમ હોય અને એમાં જો તજજ્ઞ તરીકે મુકેશભાઈ હોય તો તાલીમ રસપ્રદ અને માહિતીપ્રદ બની જાય છે. તેઓ અભ્યાસું છે, તેમની પાસે વિશાળ અનુભવનું ભાથું છે, શ્રોતાઓને સાંભળવી ગમે એવી વાત કરવાની આગવી શૈલી છે. તેઓના તાલીમ વર્ગ માં નકારાત્મકતા દૂર દૂર સુધી ક્યાંય ડોકાતી નથી. જ્યાં મુકેશભાઈની હાજરી હોય ત્યાં હકારાત્મકતાનું ભાવવારણ આપોઆપ સર્જાય છે.
             કોમ્પ્યુટર અને મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામના યુવાનો, વાલીઓ અને ગ્રામજનોને શાળા સાથે જોડવાનો એક નવતર પ્રયોગ પણ શાળા હાથ ધર્યો છે. વિદ્યાર્થીઓ ઘરે જઈ વાલીના મોબાઈલ પર ગેમ્સ રમી ને સમયનો વ્યય કરતા હોય છે એના બદલે સમયમાં અભ્યાસને લગતા વિડીઓ નિહાળે તો સમયનો સદઉપયોગ પણ થાય. અને રમતાં રમતાં અભ્યસમાં રુચિ પણ કેળવે તે માટે "ચાલો આદર્શ બનીએ " ના વિડીઓ, બાળવાર્તાઓ, કવિતાઓ અને પાઠ્યક્રમ ને લાગતા વિડીઓ વોટ્સએપ ગ્રૂપ દ્વારા મોકલવામાં આવે છે.
                  શિક્ષિત અને જાગૃત ગામો માં શાળા માટે આર્થિક સાહિયોગ મેળવવો સરળ હોય છે પરંતુ જ્યાં મોટાભાગના પરિવારો ખેત મજૂરી પર જીવન નિરવાહ કરતા હોય ત્યાં વળી આર્થિક સાહિયોગની અપેક્ષા પણ ક્યાંથી રખાય??? એમ છતાં શાળા પરિવાર ના પ્રયત્નો જોઈ ગામે દરિયાદીલી દાખવી. શાળાના ગેટના નિર્માણમાં 51000 (એકાવન હજાર) રૂપિયામાં દાનની ધારા વહાવી. અને દાન થકી શાળાનો ભવ્ય ગેટ નિર્માણ પામ્યો. એટલું નહીં ગત પ્રજાસત્તાક દિને બીજા 51000 રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી. આવડા અમથા ગામ માટે દાનની રકમ નાનીસુની કહેવાય. ગામની દૂધ મંડળી પણ હવે શાળાને આર્થિક સાહિયોગ માટે સતત તત્પર રહે છે.
                 શાળામાં રમતનું પુરતું મેદાન પણ ઉપલબ્ધ નથી. પાણીની વ્યવ્સ્થા માટે સરકાર શ્રી તરફથી ત્રણ ત્રણ વાર બોર અરાવવામાં આવ્યા. એમ છતાં બોર માં પાણી ન થયું. આજે પણ વિદ્યાર્થીઓના પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે છે. આવી સમસ્યાઓને ગણકાર્યા વિના શાળા એ વિકાસની કેડી પર પગરણ માંડ્યા  છે.
         મુકશભાઈ જણાવે છે કે "સફળતાના શિખરે તો નથી પહોંચ્યા પરંતુ સફળતાના શિખર ભણીની યાત્રાનો હજી મંગલ પ્રારંભ થયો છે. એક હાથે તાળી ક્યારેય નથી પડતી. શાળામાં જે પણ કાંઈ હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં છે તેમાં શાળામાં ફરજ બજાવતા સૌ મારા શિક્ષકોનો પણ અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે. સાથે સાથે એસ.એમ. સી. ગ્રામજનો , સી.આર.સી.કૉ. ઓર્ડીનેટરશ્રી તમામની હૂંફ મળી રહી છે. હજી પડકારો તો ઘણા છે પરંતુ સહુ ના સાથ અને સહકારથી અમે જરૂર સફળ થઈશું એવી દૃઢ શ્રદ્ધા છે."
       મુકેશભાઈ અને સાથી શિક્ષક મિત્રોને  આરંભેલી શિક્ષણ યાત્રાની સફળતા માટે અનેકોનેક શુભકામનાઓ.


 સંપર્ક : મુુુકેેેેશભાઈ પટેેેલ : 97256 93084

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620


આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)



3 ટિપ્પણીઓ:

  1. ખરેખર મારા જીવનનું અદભૂત વ્યક્તિત્વ કે જે મારા સતત અધ્યાપન કાર્ય વખતે સન્મુખ હોય છે તેવા મારા આદરણીય ગુરુ શ્રી મુકેશભાઈને સત્ સત્ નમન... આજે પણ વકત્યવ્યની શરૂઆતનો આપનો એક શબ્દ "નમસ્કાર" જેનું હું સતત અનુકરણ કરું છું. મારાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા કરતા હું આપના સ્મરણ માત્રથી આગળ વધવાની ખૂબ જ પ્રેરણા પ્રાપ્ત થાય છે. એક આદર્શ શિક્ષક, એક આદર્શ માર્ગદર્શક, પ્રેમાળ વ્યક્તિત્વ, અન્ય ના માનમાં પોતાનું સન્માન સમજનાર વિરલ વ્યક્તિને સત્ સત્ નમન સહ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો

Popular Posts