Thursday, October 24, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : ગોપાલ પટેલ


વિદ્યાર્થીઓને આવવું ગમે, રમવું ગમે અને ભણવું ગમે એવી લીલીછમ્મ શાળાના શિલ્પી ગોપાલ પટેલ


          ગોપાલ પટેલ.
                    અરવલ્લીના એક અંતરીયાળ ગામમાં નિરક્ષર અથવા ઓછું ભણેલા વાલીઓમાં જગૃતિ આણી શિક્ષણની જ્યોત પ્રગટાવનાર એક કર્મશીલ શિક્ષક છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું વજેપુરા ગામ માંડ 700 ની વસ્તી ધરાવતું આમતો સાવ નાનું ખોબા જેવડું ગામ.  ગામમાં વચ્ચેથી પસાર થતાં ગામની અસલ દયનીય પરિસ્થિતિનો ચિતાર મળે. ખેત મજૂરી પર નિર્ભર આ ગામમાં પાકા ધાબા વાળા જૂજ મકાન. મોટાભાગે કાચાં નાળિયા વાળા મકાન અને બીજાં થોડાં છાપરાં. સો ટાકા બક્ષીપંચ વસ્તી ધરાવતું આ ગામ. મોટા ભાગના લોકો નિરક્ષર અથવા ખૂબ ઓછા ભણેલ મળે. પરંતુ આ ગામની ભાગોળે રસ્તા પર આવેલી શાળા જોઈને કારના એક્સેલેટર પર નો પગ સીધો જ બ્રેક પર આપોઆપ આવી જાય. આપ શિક્ષણ પ્રેમી હોવ તો શાળાને જોતાં જ શાળાને નજીક જઈ જોવાની લાલચને આપ રોકી શકો જ નહીં. જોતાં જ દિલમાં વસી જાય એવી નાની અમથી પણ રૂપકડી લીલીછમ્મ શાળા. આવા અંતરીયાળ ગામમાં જ્યાં હજી શિક્ષણ પ્રત્યેની પૂરતી લોકજાગૃતિ પણ નથી ત્યાં તે વળી આવી અનુપમ શાળા ક્યાંથી હોય!! શાળા જોઈ ને અંદાજો લગાવી શકાય કે અહીં કોઈ શિક્ષકોએ વર્ષોથી તપ આદર્યું હોવું જોઈએ. શિક્ષક જ્યારે પોતાના કર્મને જ પૂજા માની શાળામાં દિલ રેડે છે ત્યારે ધાર્યું પરિણામ લાવી શકાય છે ગોપાલભાઈ પટેલ એનું  ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.
                 આ ગામમાં સરકારી શાળાની સ્થાપના આઝાદીના ત્રણ દાયકા પછી એટલે કે 1979 માં થઈ. શાળાને શરૂ થયે દાયકાઓ વીત્યા છતાં ગામ લોકોમાં જોઈએ એવી શિક્ષણની ભૂખ ઉઘડી જ ન હતી. ઘરનાં છોકરાં નિશાળે ભણવા જાય એ કરતાં ખેતરે મજૂરીએ જાય અને સાંજ પડતાં બે પૈસા રળી લાવે વાલીને એમાં વધુ રસ. ગામમાં એક થી સાત ધોરણ સુધીની શાળા એટલે આગળ અભ્યાસ માટે વાલી પોતાના દીકરા દીકરીઓને બાજુના ગામમાં મોકલવા પણ જલ્દી તૈયાર થતા નહીં. વિદ્યાર્થીઓ અધવચ્ચે થી જ શાળા છોડી જતા એટલે ડ્રોપ આઉટ રેટ પણ ઘણો ઊંચો. આવી વિષમ સ્થિતિમાં એક શિક્ષક બદલી થી શાળામાં આવે અને અને શાળા તથા ગામની સિક્કલ બદલી નાખે આ વાત શિક્ષક તરીકે આપણને સૌને ગૌરવ અપાવે છે.
               ગોપાલભાઈ 2000 ની સાલમાં બદલીથી આ શાળામાં હાજર થયા. થોડા સમયમાં ગામની વાસ્તવિક પરિઅસ્થિનો ચિતાર મેળવી લીધો. અને આ શાળાને એક આદર્શ શાળા બનાવાનો મનોમન દૃઢ સંકલ્પ કર્યો. ગોપાલભાઈ જેવા શિક્ષકો પાસે સમસ્યાઓની ફરિયાદ માટે જરા પણ સમય નથી હોતો. તેઓ હર વખત સમસ્યાના સમાધાનની ખોજમાં વ્યસ્ત હોય છે. વજેપુરા ગામની આ શાળામાં હાજર થયા બાદ તેઓએ પહેલું કામ કર્યું અશિક્ષિત વાલીઓમાં શિક્ષણની ભૂખ જગાડવાનું! નિયમિત વાલી મિટિંગ કરી વાલીઓને શાળાએ આવતા કર્યા. ગામ અને શાળા વચ્ચે એક સેતુબંધ બાંધ્યો. તેઓના બાળકોમાં રહેલી નાની નાની વિશેષતાઓ, અવડતોથી ગોપાલભાઈ વાલીઓને વાકેફ કરતા રહ્યા. વાલી શાળાએ ન આવે તો તેઓ ઘરે જઈને મળતા. પરંતુ શાળા અને વાલી વચ્ચેના સેતુબંધ જરા પણ નબળો ન પાડવા દીધો.

                  શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને ગમે એવી અનેકવિધ પ્રવૃત્તિઓથી શાળા ધમધમવા લાગી. ધીમે ધીમે શાળાનું તમામ સંચાલન વિદ્યાર્થીઓને જ સોંપી દીધું. પ્રાર્થનાથી લઈ શાળા છૂટે ત્યાં સુધીની તમામ જવાબદારી વિદ્યાર્થીઓ સુંદર રીતે નિભાવતા થયાં. ગમતી જવાબદારી અવતાં ગેરહાજરીનું પ્રમાણ નહિવત થવા લાગ્યું. ગેરહાજરી નું પ્રમાણ ઘટતાં આપો આપ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ પરિણામો પ્રાપ્ત થવા લાગ્યા.
               નિયમિત ભરાતી વાલી મીટીંગમાં એક વાલીએ ફરિયાદ કરી કે "સાહેબ છોકરાં રડીને પૈસા માંગે છે અને પૈસા વાપરવાની ખોટી તેવો તેઓના બાળકોમાં પડી રહી છે" વાલી મજૂરી કરી માંડ બે છેડા ભેગા કરવા પ્રયત્ન કરતો હોય એમાં વળી મારી શાળાનો વિદ્યાર્થી આમ પૈસા ઉડાવે એ તો કેમ ચાલે! ગોપાલભાઈએ તરત બીજા જ દિવસે શાળામાં બચત બેન્ક શરૂ કરી. વિદ્યાર્થીઓ જે પૈસા લાવે એ શાળામાં જમા કરાવી દે. અને મહિના ના અંતે ભેગા થયેલા તમામ પૈસા વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જમા કરાવી દેવામાં આવે. પરિણામે વિદ્યાર્થી ઓ માં બચતનો ગુણ તો કેળવાયો જ . સાથે સાથે બેન્ક ની લેવડ દેવડ નો પણ ખ્યાલ આવ્યો. આજે વિદ્યાર્થીઓની એક મોટી રકમ બેંકમાં જમા થઈ છે. વિદ્યાર્થીને કોઈ વસ્તુ લાવવી હોય અથવા પ્રવાસ જવું હોય તો વાલી પાસે અલગથી પૈસા માંગવા નથી પડતા પરંતુ વિદ્યાર્થી એ પોતે બચાવેલા પૈસાથી જ પોતાનો ખર્ચ કરે છે. શાળા પરિસરમાં સુંદર રામહાટ ચાલે છે. વિદ્યાર્થીઓ ને જોઈએ તે વસ્તુ પોતાની રીતે જ પૈસા મૂકી લઈ શકે. છે.
                    ગોપાલભાઈનાં પત્નિ સોનલબેન પણ આ  શાળામાં આવી ગયાં. અને હવે આ શિક્ષક દંપતિએ શાળાને નંદન વન બનાવવાની જહેમત ઉઠાવી. ગોપાલભાઈ એ વજેપુરા ગામમાં આરંભેલી શિક્ષણયાત્રામાં દિવસે ને દિવસે હકારાત્મક વલણ ધરાવતા સાથી શિક્ષક મિત્રો મળતા ગયા. જેથી શિક્ષણયાત્રા વેગવંતી બની. શાળાના શિક્ષકો ટીમવર્કથી કામ કરે છે. ગોપાલભાઈ આચાર્ય તરીકે સુકાન સાંભળે છે. શિક્ષકોને કામ કરવાનું મોકળું મેદાન પ્રાપ્ત છે.
          ગોપાલભાઈ પાસે કામ કરવાની આગવી આવડત છે. શાળાને વધુ સુંદર કઈ રીતે બનાવવી એની કોઠાસૂઝ છે. શાળા પરિસરનો એક એક ખૂણો અને શાળા ભવનની એક એક દીવાલનો જે રીતે શક્ષણિક હેતુ માટે ઉપયોગ કર્યો છે એ માટે આ શિક્ષકને દાદ આપવી પડે. શાળા દીવાલ પર દોરાયેલા એક એક ચિત્રો માટે શિક્ષકોએ કરેલી મથામણનો ખ્યાલ આપે છે. આ શાળામાં વિદ્યાર્થીઓના ફૂટવેર થી લઈ કાર્યાલયની ફાઈલોની ગોઠવણી ધ્યાન ખેંચે છે. વિદ્યાર્થીઓમાં દમનયુક્ત શિસ્ત નથી પરંતુ સ્વયં શિસ્તના સંસ્કારોનું સિંચન કર્યું છે. અહીંના વર્ગખંડો હોય કે મધ્યાહ્ન ભોજન કક્ષ, મેદાન હોય કે શેનિટેશન શાળા પરિસરની સુઘડતા ઉડીને આંખે વળગે એવી છે.
      ગામ નાનું છે એટલે વિદ્યાર્થીઓ ની સંખ્યા ઓછી પરંતુ અહીંની પ્રાર્થનાસભા માણવા જેવી છે. સંગીતના સાધનો સાથે માઇક્રોફોનના સહારે ગવાતી મધુર પ્રાર્થના સાંભળી ડોલી જવાય. પ્રાર્થનાસભામાં સુવિચાર, સમાચાર, જાણવા જેવું, બાળવાર્તા જ્યારે બાળકો પ્રસ્તુસ્ત કરે છે ત્યારે આ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જોઈ દંગ રહી જવાય છે. વિદ્યાર્થીઓના ઘડતર માટે અહીં રોજ કંઈ નવતર પ્રયોગો થતા રહ્યા છે. નાની નાની શૈક્ષણિક સમસ્યાઓના સમાધાન માટે, વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતર માટે જે ઇનોવેશન અહીં થાય છે એ જો ડાયટમાં સબમિટ કરાવવા માં આવે તો ચોક્કસ આ નવતર પ્રયોગો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી ખ્યાતિ પામે એમ છે.
           વજેપુરા ગામ આર્થિક રીતે કાંઈ એટલું સમૃદ્ધ ગામ તો નથી જ પરંતુ શિક્ષકો એ આદરેલા આ શિક્ષણ યજ્ઞમાં યથાશક્તિ આહુતી આપવા હમેશ તતપર રહે છે. આર્થિક રીતે અત્યંત નાજુક ગ્રામજનો એ સહિયારો ફાળો કરી શાળાને વોટરફૂલર દાન આપ્યું. આ દાન લાખો રૂપિયા ના દાન કરતાં જરા પણ ઉતરતું નથી. ગોપાલભાઈ પોતાના પિતા ભીખાભાઈ બબુભાઈ પટેલની પુણ્ય તિથિ નિમિત્તે દર વર્ષે આ તમામ વિદ્યાર્થીઓને બુટ મોજાનું વિતરણ કરે છે. શાળા અન્ય શિક્ષકો પણ અવારનવાર શાળામાં આર્થિક યોગદાન આપતા રહે છે. શાળાના પૂર્વ ઉપ શિક્ષક મહેશભાઈ એન. પટેલ દ્વારા શાળામાં ચબૂતરો બનાવી આપ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ રોજ મુઠ્ઠી ચણ લઈને આવે છે. અને પંખીઓ પણ જાણે એ ચણ ચણીને શાળા પરિસરને કલરવ થી ભરી દે છે.
         શિક્ષકોના પ્રયત્નોથી આજે વિદ્યાર્થીઓ ની સો ટકા હાજરીનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તમામ વિદ્યાર્થીઓ વાયકક્ષા અનુસાર લખી, વાંચી અને ગણી શકે છે. ગુણોત્સવમાં શ્રેષ્ઠતમ પરિણામ પ્રાપ્ત કર્યા છે. ધોરણ સાત પાસ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં પ્રવેશ મેળવે અને ધોરણ દસ સુધી અભ્યાસ પૂર્ણ કરે એ માટે ગોપાલભાઈ અંગત રીતે રસ લઇ દેખરેખ રાખે છે. પરિણામ એ આવ્યું કે એક સમયે આ ગામના ધોરણ દસમા માત્ર 5 ટકા કરતાં પણ ઓછાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં એના બદલે પરિણામ દિવસે દિવસે સુધારતું ગયું. અને આ ગામના વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ, 11-12 વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવી ઉજ્વળ કારકિર્દી બનાવતાં થયાં. આજે આ ગામના ઘણા વિદ્યાર્થીઓ એન્જીનીયર અને બીજી સારી એવી પોસ્ટ પર ફરજ નિભાવી રહ્યા છે.  થોડાં વર્ષો પહેલાં આ ગામની કન્યાઓ ધોરણ આઠ માટે બાજુંના ગામમાં જવા તૈયાર ન હતી આજે એ જ ગામની કન્યાઓ BSc કરી નર્સિંગનો અભ્યાસ કરી રહી છે.
ગામ નિરક્ષર હોય, અવિકસિત હોય, અજાગૃત હોય પણ જો કોઈ શિક્ષક ગોપાલભાઈની જેમ દૃઢ નિશ્ચય કરે તો પરિસ્થિતિ પલટાવી શકાય છે.  
          ગોપાલભાઈની શિક્ષણ ક્ષેત્રે ઉમદા સેવાઓ બદલ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. 

ગોપાલભાઈ પટેલ સંપર્ક નં. :94084 12257

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે


લેખન : ઈશ્વર પ્રજાપતિ

9825142620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ

No comments:

Post a Comment