હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
આજનો દિવસ જાણે ગોળ ધાણા ખાઈને ઊગ્યો! કહેવાય છે કે કેટલીકવાર કલ્પના કરતાં હકીકત વધુ રોમાંચક હોય છે. બસ આવી જ કાંઈક અનુભૂતિ સ્નેહ મિલનમાં અનુભવી. દોઢેક મહિના પહેલાં કોઈએ કલ્પના પણ નહી કરી હોય કે સવા સો ગોળ પ્રજાપતિ સમાજનું કોઈ સંગઠન હોઈ શકે અને આ સમાજનું ભવ્ય સ્નેહ મિલન પણ થઈ શકે ! અશક્ય લાગતી આ કલ્પના આજે હકીકત બની સૌ કોઈના હૃદય ઝંકૃત કરી ગઈ.
સવા સો ગોળની રચના આપણા વડવાઓએ વર્ષો પહેલાં કરી હશે. એક જમાનામાં ચોતરફ સવા સો પરગણાનો ડંકો વાગતો હતો. પરંતુ દિવસો મહિનાઓ અને વર્ષો વીતતાં કોઈને કોઈ કારણસર સમાજ વિરવિખેર થતો ગયો. સાંપ્રત સમયની નજાકતને સમજી સમાજ ને પુનઃ એક કરવાની તાતી જરૂરિયાત હતી. સમાજના દુરંદેશી વડીલોની નિશ્રામાં યુવાનોએ ખભે ખભો મિલાવી સમાજને સંગઠિત કરવા રીતસરની કમર કસી. અને માત્ર દોઢ મહિનામાં જ સવા સો ગોળ સમાજ એકતાની ચળવળ જાણે એક ક્રાંતિ બની બની ગઈ.
ગામે ગામનાં આબાલવૃદ્ધ સૌ નો જે પ્રતિસાદ સાંપડ્યો, એ જોઈ કોઇપણ વિચારશીલ વ્યક્તિનું હૃદય ગદગદીત થઈ જાય. સદીઓથી અંધકાર ઓઢીને બેઠેલી કોઈ બંધ ગુફામાં સૂર્યપ્રકાશના એક કિરણનો પ્રવેશ થાય અને સદીઓ જૂનો અંધકાર એક પળમાં જ ચીરાઈને ખરી પડે એમ આવા જ કોઈ તેજ લીસોટા એ સવા સો સમાજ પણ આજે ઝળહળ ઝળહળ ઝગમગી ઊઠ્યો.
આજે રાધાસ્વામી સત્સંગ હોલ લાડુજીના મુવાડા ખાતે યોજાયેલા સમાજનું ભવ્ય પ્રથમ સ્નેહ મિલન તેનું ઝળહળતું પ્રમાણ છે. ઇતિહાસમાં પ્રથમ વખત સવા સો ગોળના સ્નેહ મિલનના સાક્ષી બનવાનો અવસર મળ્યો. સમાજમાં કેટકેટલી વિરલ પ્રતિભાઓ છુપાઈ રહેલી છે એનો આજે સર્વેને પરિચય થયો. સવારથી શરૂ થયેલ કાર્યક્રમ છેક બપોરે ૧:૦૦ સુધી ચાલ્યો પણ એમાં સમાજે શિસ્ત અને સંયમ નાં દર્શન કરાવ્યાં તે કાબિલે દાદ છે. શિક્ષણ સેવા માટે માત્ર ૧૦ મિનિટ ના સમયમાં અંદાજે એક લાખ જેટલી માતબર રકમનું દાનની સરવાણી વહાવી, ઉદારતા અને દાતારી આપણા સમાજના લોહીમાં વણાયેલી છે એ આજે ફરી સાબિત કરી બતાવ્યું.
આંતરરાષ્ટ્રીય કક્ષાની લાયન્સ ક્લબ - રેડક્રોસ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓ જેમની સેવા ઓ લઈ રહી છે તેવી સમાજની વિચક્ષણ, દુરંદેશી અને સાવ નિર્મળ પ્રતિભા ધરાવતા સમાજના પ્રથમ પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ સાહેબના બાહોશ નેતૃત્વમાં સમાજે એક નવા અધ્યાયના શ્રી ગણેશ કર્યા. સમાજના વરિષ્ઠ આગેવાન રામચંદ્રભાઈ જીવભાઈ, શનાભાઈ કાળાભાઈ, જયંતિભાઈ જેવા સમાજ હિતેચ્છુઓનો દાયકાઓનો અનુભવ અને માર્ગદર્શન સમાજ માટે પ્રાણપોષક બની રહ્યો.
સ્પષ્ટ અને સત્યવક્તા સમાજના ખજાનચી પુનમભાઈ, ઉપપ્રમુખ સંજયભાઈ, મંત્રી મહેશભાઈ અને સમસ્ત કારોબારી સભ્યોનો અવિરત પરિશ્રમ ગણતરીના દિવસોમાં જ મ્હોરી અને મહેંકી ઉઠ્યો.
લાડુજીના મુવાડા ગામ પ્રજાપતિ સમાજે સાચા અર્થમાં યજમાન પદ દીપાવ્યું. જગ્યાનો પણ પ્રભાવ અને મહિમા હોય છે. રાધાસ્વામી સત્સંગ પરિસરમાં આ વાતની પ્રત્યેક પળે પ્રતીતિ થતી રહી. આ પરિસરમાં પ્રવેશતા જ એની દિવ્યાનૂભૂતિનો અહેસાસ થયા વિના રહેતો નથી. મહારાજની અમીદૃષ્ટિની હેલીમાં સૌ કોઈના હૃદય ભીનાં થયાં. આ પરિસરમાં ભોજન માત્ર ભોજન નહી પણ પ્રસાદ બની ગયું. લાડુજી ગામના યુવાનો અને વડીલોએ કાર્યક્રમ ને સફળ બનાવવા જે જહેમત ઉઠાવી છે એ નજરે નિહાળી મસ્તક આદરભાવ થી ઝૂકી ગયું.
ઈશ્વર પાસે ક્યાં એટલું ક્યારેય માગ્યું હતું ? પણ આખરે એ તો ઈશ્વર છે ને!
"હું તો માંગુ ખોબો ને દઈ દે દરિયો.."
- ઈશ્વર પ્રજાપતિ

સવા સો ગોળ પ્રજાપતિનું ખરેખર અદ્ભુત સંમેલન યોજાયું, જેના અમે બધા સાક્ષી બન્યા તેનો અમને ગર્વ છે.
ReplyDeleteસવાસો પ્રજાપતિ સમાજ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે તેમાં આપ જેવા કલમના કસબી ને અમો સર્વે જ્ઞાતિજનો આપની અભિવંદના કરીએ છીએ.
ReplyDeleteખૂબ સુંદર આયોજન સાથે કાર્યક્રમ
ReplyDeleteખૂબ જ જોરદાર કાર્યકર્મ રહ્યો
ReplyDelete