સવા સો પરગણાનું સવાયું રતન ૧. - ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ.
ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિને નામથી સમાજમાં જવલ્લે જ કોઈ જાણતું હશે, પરંતુ ગુજરાતના સાહિત્ય જગતમાં એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે કે સવા સો ગોળના આ સવાયા રતન ડૉ .જિતેન્દ્ર પ્રજાપતિના નામથી પરિચિત ન હોય !
જે ને ઊગવું છે એ ભીંત ફાડીને પણ ઊગી નીકળે છે. આવી વિરલ પ્રતિભાઓ પાસે વિપરીત પરિસ્થિતિનાં બહાના કાઢવાની ફુરસત જ નથી હોતી. એનું જ્વલંત ઉદાહરણ એટલે જ ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ
દુનિયા માટે ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ પરંતુ આપણા સહુ માટે તો ભાઈ જીતુ ! જીતુ થી ડૉ. જિતેન્દ્ર પ્રજાપતિ સુધીની તેમની યાત્રા સમાજના સૌ કોઈ વિદ્યાર્થી અને યુવાનો માટે પ્રેરક છે.
માતા વહાણવટી જ્યાં સાક્ષાત બિરાજે છે એ પાવન ઘડિયા ગામ તેમનું વતન. ખૂબ ઓછી વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી. જીતુના જીવનનો એ તબ્બકો એટલો તો નાજુક હતો કે જાણે જીવતર આખુ વેર વિખેર થઈ ગયું. પરંતુ મા વહાણવટી પરની પ્રગાઢ શ્રદ્ધા, સ્વર્ગસ્થ માતાપિતાના અંતરિક્ષમાંથી અવિરત વરસતા આશીર્વાદ અને પુરુષાર્થના બળે જીતુ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો. પડકારોને પડકાર્યા. હાડમારીઓ વચ્ચે અભ્યાસ ચાલુ રાખ્યો. પીટીસી કર્યું. અને બાપા સીતારામના ધામ બગદાણામાં શિક્ષક તરીકે જોડાયા. અહીં તેમની કલમ પર મા શારદાની કૃપા વરસી. કવિતાઓ, ગઝલો, બાળગીતો અને બીજું કેટકટેલું તેમની કલમે પ્રગટ્યું!
તેમની કલમમાં એવો તો જાદુ ભર્યો હતો કે વંદનીય મોરારિ બાપુએ તલગાજરડાના આંગણે અસ્મિતા પર્વમાં કવિતા પઠન કરવા નિમંત્રણ આપ્યું. કોઈપણ કવિ માટે મોરારિ બાપુ સમક્ષ કાવ્ય પાઠ કરવો એ જીવનનું સપનુ હોય છે ! ભાઈ જીતુએ તેની કઠોર શબ્દસાધનાથી યુવાવયે એ આ ગૌરવ પૂર્ણ મુકામ હાંસલ કર્યું.
તેમનું સૌથી પહેલો ગઝલ સંગ્રહ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો. એ પછી તેમની કલમને જાણે પાંખો ફૂટી. ગઝલ ઉપરાંત તેમની કલમે એવાં તે બાળગીતો ફૂટ્યાં કે રાજ્ય ભરની શાળાઓના વર્ગખંડો જીતુભાઈના બાળગીતોથી ગુંજી ઊઠ્યા. ગૌરવની વાત તો એ છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ચાલતી શાળાઓમાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં ભાઇ જીતુ ભાઈની કવિતોને સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્રમાં રહેતાં ગુજરાતી બાળકો કિલ્લોલ સાથે જીતુભાઈની કવિતા ઓ ભણી રહ્યાં છે.
પોતે એક નીવડેલા કવિ હોવા સાથે તેમની વિદ્યાર્થીવૃત્તિ જીવંત રાખી છે. સંતોષકારક સરકારી નોકરી મળ્યા પછી પણ જીતુભાઈએ અભ્યાસ ચાલુ જ રાખ્યો. અને પ્રચંડ પુરુષાર્થ કરી BA, MA B.ed અને Phd સુધીનો અભ્યાસ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો. સાવ સામાન્ય સ્થિતિમાંથી નીકળી આપબળે આગળ વધવું હોય તેઓ સૌ માટે સવા સો ગોળના સવાયા રતન સમાન જીતુભાઈ પ્રેરક ઉદાહરણ છે. આવી વિરલ પ્રતિભાનું સમાજને માર્ગદશન મળી રહે તો કંઈક કરવા મથતા સમાજના અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવલ બની શકે એમ છે.
આવો સમાજની આવી પ્રતિભાઓને પિછાણીએ અને સાથે મળી સન્માનીએ.
(સમાજની આવી વધુ એક પ્રતિભાનો પરિચય માટે વાંચતા રહો.)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620


Congratulations JITUBHAI
ReplyDeleteCongratulations 🎊
ReplyDelete