શિક્ષણ
જગતમાં અજવાળા પાથરવા અવિરત ઝળહળતો એક ચિરાગ : ચિરાગભાઈ પટેલ
ચિરાગભાઈ પટેલ એટલે એટલે પી.એમ શ્રી
આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાને અવિરત ધબકતી રાખવા ૨૪*૭ પ્રયત્નશીલ રહેતા એક
નિષ્ઠાવાન શિક્ષક ! પી.એમ. શ્રી આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાના ગણિત
અને વિજ્ઞાન વિષયના શિક્ષક ચિરાગભાઈ પટેલ શિક્ષણ જગતમાં એક આદર્શ અને પ્રેરણારૂપ
વ્યક્તિત્વ છે. તેમનો સમગ્ર અભિગમ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વિષયને રસપ્રદ બનાવવાની તેમની કુનેહ દાદ
માંગી લે તેવી છે.
મોડાસા તાલુકાનું બાયલ ગામ તેમનું વતન. તેમનો પરિવાર મૂળ તો ખેતી સાથે સંકળાયેલો. ખેડૂતપુત્ર હોવાના નાતે ખેતીનું સૂઝ તો ખરી જ ! પરંતુ ખેતી તરફ ન વળતાં શિક્ષણને પોતાનું હથિયાર બનાવ્યું. એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ગણિત વિજ્ઞાનમાં અત્યંત રૂચી. એટલે વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ બાર પાસ કરી, B.Sc. B.Ed. અને PTC નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૫ મી જુલાઈ ૨૦૧૦ ના રોજ મહીસાગર જિલ્લાના એક છેવાડાના ગામમાં વિદ્યાસહાયક તરીકે નિયુક્ત થયા. નોકરીની શરૂઆતથી જ કાંઈક હટકે કરવાની તેમની ખેવનાના કારણે વિદ્યાર્થીપ્રિય શિક્ષક બની રહ્યા. મહીસાગરમાં ટૂંકી સેવાઓ આપ્યા બાદ અરવલ્લીની ગિરિકંદરાઓ ચિરાગભાઈને જાણે સાદ કરીને પોકારી રહી હતી. અરવલ્લી જિલ્લામાં અલગ-અલગ શાળાઓમાં સેવાઓ આપી. આખરે નિયતિ તેમને છેક આકરૂન્દ શાળા તરફ દોરી લાવી. ૨૪ મી નવેમ્બર ૨૦૨૦ ના રોજ તેઓ આકરૂન્દ શાળામાં જોડાયા અને શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા.
ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સરળ, સચોટ અને પ્રાયોગિક બનાવીને વિદ્યાર્થીઓમાં તેમણે એક ઊંડી સમજણ ખીલવવા
મથામણ આદરી. છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીનો પાયાનો ખ્યાલ સ્પષ્ટ ન થાય ત્યાં
સુધી ઝંપીને બેસે તો ચિરાગભાઈ શાના ! આકરૂન્દ ગામના કે આજુ બાજુના ગામથી આવતા
વિદ્યાર્થીઓમાં કોઈ ગેરહાજર હોય તો ચિરાગભાઈ તેના ઘરે જઈ પોતાની કારમાં
વિદ્યાર્થીને તેડી લાવે. કોઇપણ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે એ ચિરાગભાઈને સતત ડંખ્યા
કરે.
ચિરાગભાઈ માટે વિજ્ઞાન એટલે
માત્ર ગોખણપટ્ટી નહીં,
પરંતુ જીવનના પ્રત્યેક અનુભવને સમજવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ. તેમણે
અભ્યાસક્રમમાં આવતા તમામ પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે જાતે કરાવીને તેમને વિજ્ઞાનના
ગૂંચવણભર્યા સિદ્ધાંતો સરળતાથી સમજાવ્યા છે. તેમના જ અથાક પ્રયાસો અને દ્રઢ
સંકલ્પના પરિણામે આકરૂન્દ શાળામાં એક આધુનિક અને સુંદર “નીતિનભાઈ જે. પટેલ ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”નું નિર્માણ શક્ય
બન્યું છે. આ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને પોતાની જાતે નવું શીખવા અને સમજવા માટેનું
એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ઉનાળુ
કે દિવાળી વેકેશન સૌ માટે પોતાના પરિવાર સાથે હળવાશથી સમય પસાર કરવાનો
શ્રેષ્ઠ સમય હોય છે. પરંતુ વેકેશન દરમિયાન પણ શાળા અને પોતાના વિદ્યાર્થીઓના જીવન
વિકાસના વિચારો હૃદયમાં રમ્યા કરે એવી વ્યક્તિ બહુ ઓછી જોવા મળે ! ગત દિવાળી
વેકેશનમાં ચિરાગભાઈના મનમાં એક વિચાર સ્ફૂર્યો કે શાળાના બાળકો દ્વારા ભગવત
ગીતાજીનો એક શ્લોક કંઠસ્થ કરાવી, દરરોજ એક શ્લોક દરેક વાલી અને વિદ્યાર્થી સુધી પહોંચાડીએ તો કેવું ! વિચાર તો મજાનો હતો
પરતું વેકેશન હતું. દિવાળીનો દિવસ હતો. કરવું તો કરવું શું ? પણ હાર માની બેસી જાય
તો ચિરાગભાઈ નહિ. તેમને વિદ્યાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી શાળામાં બોલાવ્યાં. દરેકને
એક એક શ્લોક કંઠસ્થ કરવા આપી દીધો. અને તમામ શ્લોકોને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા.
અને નૂતન વર્ષના દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા નિયમિત પ્રસ્તુત કરવામાં આવતા ભગવત
ગીતાના શ્લોકની શરૂઆત થઇ. જેમાં સંસ્કૃત વિષયનાં નિષ્ણાત શિક્ષિકા દર્શનાબેનનો સથવારો
મળ્યો. પરિણામે જાહેર રજા હોય કે ઉનાળુ
વેકશન હોય તે ક્રમ આજે પણ યથાવત જળવાઈ રહ્યો છે.
શિક્ષણ નગરી તરીકે વિખ્યાત મોડાસા
જેવા શહેરમાં પોતે રહેવા છતાં, પોતાનાં સંતાનોને ખાનગી શાળામાં
ભણાવવાને બદલે આકરૂન્દની સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો તેમનો નિર્ણય સૌ કોઈ માટે
પ્રેરણારૂપ છે. આ નિર્ણય તેમની આદર્શવાદી
વિચારધારા અને સરકારી શિક્ષણ પ્રણાલીમાં રહેલા અતુટ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે.
શાળાની
અંદરની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય કે શાળા બહારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ચિરાગભાઈની કાર્યપદ્ધતિમાં માઈક્રો પ્લાનિંગ (સૂક્ષ્મ આયોજન) સ્પષ્ટપણે
જોઈ શકાય છે. ગતવર્ષે તાલુકા કક્ષાની શિક્ષકોની તાલીમ આકસ્મિક આકરૂન્દ શાળા ખાતે
ગોઠવાઈ. એની જાણ શાળાને આગળના દિવસે સાંજે થઇ. અંદાજે ૭૦ જેટલા શિક્ષકોની બેઠક
વ્યવસ્થ, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા જરૂરી સાહિત્ય અને સ્ટેશનરીની વ્યવસ્થા કેવી રીતે ઉભી કરવી તે એક મોટો પ્રશ્ન હતો. એક
પળનો પણ વિલંબ કાર્ય વિના ચિરાગભાઈએ તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. ગણતરીના
કલાકોમાં એવું ઉત્કૃષ્ઠ વ્યવસ્થા પૂરી પાડી કે તાલીમ લેનાર તમામ શિક્ષકોએ ચિરાગભાઈની
પથ થાબડી. કોઈપણ કાર્યને સફળતાપૂર્વક પાર
પાડવાની તેમની આવડત ખરેખર ઉડીને આંખે વળગે તેવી છે.
શાળા માટે જરૂરી વસ્તુઓની ખરીદી હોય કે
બાળકોના જ્ઞાનવર્ધન માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન હોય, તેઓ દરેક વિગતો પર ઊંડાણપૂર્વક ધ્યાન આપે છે. શાળાના નિર્ધારિત સમય પછી પણ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અવિરત મથ્યા કરવું, એ તેમના
સ્વભાવ બની ગયો છે.
એક ઉત્તમ
શિક્ષક માત્ર ભણાવવા પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ તે બાળકના
સ્વાસ્થ્ય અને સુખાકારીની પણ ચિંતા કરે છે. ચિરાગભાઈ બાળકોને મધ્યાહન ભોજનમાં
પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે વિશેષ કાળજી રાખે છે. ભોજનની ગુણવત્તા
જળવાઈ રહે અને બાળકો તંદુરસ્ત રહે તે માટે તેમની દેખરેખ અને માર્ગદર્શન ખૂબ જ મૂલ્યવાન
સાબિત થાય છે.
ચિરાગભાઈનું
જીવન અને કાર્યશૈલી એ તમામ શિક્ષકો માટે પ્રેરણારૂપ છે. તેમનું આકરૂન્દ શાળા સાથેનું જોડાણ માત્ર એક
નોકરી પૂરતું નથી,
પરંતુ તે એક સમર્પિત ભાવના છે. પોતાના અંગત જીવનની સુવિધાઓને બાજુ
પર મૂકીને, વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી માનવું અને સરકારી
શાળાઓ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલવો એ તેમનું સૌથી મોટું યોગદાન છે. આવા
કર્તવ્યનિષ્ઠ અને સમર્પિત શિક્ષકો જ આદર્શ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં પાયાનો
પથ્થર સાબિત થાય છે. ચિરાગભાઈ પટેલ જેવા શિક્ષકોના સથવારે જ આકરૂન્દ આદર્શ
પ્રાથમિક શાળા જેવા વિદ્યાલયો જ્ઞાનના સાચા મંદિર બનીને ઝળહળી ઉઠે છે.
શાળામાં
ઉજવાતા વિવિધ ઉત્સવોમાં ચિરાગભાઈ હંમેશાં
અગ્રેસર રહીને શાળાના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર
વિષયવસ્તુ નથી ભણાવતા,
પરંતુ તેમને જીવનના મૂલ્યો અને સંસ્કારોનું પણ સિંચન કરે છે. તેમના
આ જ પ્રયાસોના કારણે આકરૂન્દ પ્રાથમિક શાળા સમગ્ર અરવલ્લી પંથકમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એક આદર્શ શાળા તરીકે ઉભરી આવી છે.
સરકારી શાળાઓની ગુણવત્તા વધારવા અને
શિક્ષણને નવો આયામ આપવા માટે ચિરાગભાઈની આ કર્તવ્યનિષ્ઠા અને સપનાઓને આપણે સૌ સલામ
કરીએ છીએ. તેમનો આ નિસ્વાર્થ સેવાભાવ આવનારી પેઢી માટે સદા પ્રેરણાદાયી બની રહેશે.
સંપર્ક
: ચિરાગભાઈ પટેલ : 94279 61383
- ઈશ્વર પ્રજાપતિ
- 98251 42620



Very nice
ReplyDeleteGood job
ચિરાગભાઈ સાચા અર્થમાં શિક્ષણ ના અજવાળા પાથરનાર શિક્ષક છે.આપ પણ આવા શિક્ષણ ના અજવાળા પાથરનાર શિક્ષકો ની કર્મશીલતાને આપની કલમ દ્વારા પ્રોત્સાહિત કરી બાળકોના શિક્ષણ માટે સતત કાર્યશીલ છો. આવા શિક્ષકોને ઉજાગર કરવા બદલ ઈશ્વરભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન..
ReplyDeleteCongratulations Bhai
DeleteGood
ReplyDeleteઅદ્ભૂત વ્યક્તિત્વ ્....
ReplyDeleteવંદન સહ અભિનંદન
Congratulations bhai
ReplyDeleteVery good
ReplyDeleteChira Kumar
Congratulations chirag kumar
ReplyDeleteCongratulations bhai
ReplyDeleteઆ એક આદર્શ શિક્ષક અને સમાજ સેવી નું જ કામ છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન.
ReplyDelete