name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, May 24, 2026

સન્ડે સ્પેશિયલ

રોમની ગલીઓમાં એક સમયે છૂટક ચીજો વેચતી, આયાની નોકરી કરતી અને બારમાં કામ કરતી એક છોકરીની ઇટાલીનાં પ્રધાનમંત્રી સુધીની રોચક સફર ! વાત જ્યોર્જિયા મેલોનીની !

 

વર્ષ ૧૯૭૬ ની વાત છે. ઇટાલીના ઐતિહાસિક રોમ શહેરની અન્ના પેરાટોર નામની એક ગર્ભસ્થ મહિલા ઘરના તનાવપૂર્ણ વાતાવરણ અને આર્થિક સંકડામણથી ત્રસ્ત  થઇ, ગર્ભપાતના નિશ્ચય સાથે હોસ્પિટલ માટે પગ ઉપાડે છે. રસ્તામાં કોફી શોપ પર કોફી માટે રોકાય છે. કોફી પીતાં-પીતાં એનું મન બદલાય છે અને ગર્ભપાતનો વિચાર માંડી વાળી ઘરે પરત ફરે છે.  અને તારીખ  15 જાન્યુઆરી 1977 ના રોજ એક બાળકીને જન્મ આપે છે. આ બાળકીનું નામ રાખવામાં આવ્યું જ્યોર્જિયા મેલોની !

જ્યોર્જિયા મેલોની એટલે બીજું કોઈ નહિ, પરંતુ ઈટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે ! જ્યોર્જિયા મેલોની ઈટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાનું ગૌરવ મેળવનાર મેલોનીની જીવનયાત્રા કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. જ્યોર્જિયા મેલોનીનો જન્મ રોમના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનાં માતા અન્ના પેરાટોર લેખિકા  હતાં. જયારે પિતા ફ્રાન્સેસ્કો મેલોની એકાઉન્ટન્ટ  હતા.  મેલોની જયારે માત્ર એક વર્ષનાં હતાં તેમના પિતા ફ્રાન્સેસ્કોએ પરિવારનો સાથ છોડી દીધો. પિતાએ આખો પરિવાર છોડીને સ્પેનના કેનેરી આઇલેન્ડ્સમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો. અને  બીજાં લગ્ન કરી લીધાં.

પિતા ગયા પછી, તેમની માતા અન્ના પરાટોએ એકલા હાથે જ્યોર્જિયા અને તેમની બહેન એરિયાનાનો ઉછેર કર્યો. માતાએ આર્થિક તંગી વચ્ચે દીકરીઓને ભણાવવા માટે રાત-દિવસ એક કર્યા. જ્યોર્જિયા જયારે ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનું ઘર આગ લાગવાથી ખાક થઇ ગયું. તેમના પરિવારે પોતાનું ઘર બદલીને રોમના શ્રમિક વર્ગના વિસ્તાર 'ગારબાટેલા'  માં રહેવા જવું પડ્યું. આ એ સમય હતો જ્યારે જ્યોર્જિયાએ ગરીબીને ખૂબ નજીકથી જોઈ. આ દિવસોએ જ્યોર્જિયાને જમીન સાથે જોડી રાખી. ગારબાટેલાની એ ધૂળભરી ગલીઓએ તેમને શીખવ્યું કે સામાન્ય લોકોની પીડા શું હોય છે. આ જ પીડા આગળ જતાં તેમની રાજકીય વિચારધારાનો પાયો બની.

આ કડવા અનુભવોએ જ્યોર્જિયાના હૃદયમાં એક એવો સંકલ્પ દૃઢ બન્યો  કે તેઓ જીવનમાં ક્યારેય હાર નહીં માને. એક મુલાકાતમાં તેમણે રડતી આંખે સ્વીકાર્યું હતું કે, પિતાના આ વ્યવહારે તેમને બાળપણમાં જ સમય કરતાં વહેલા મોટા અને મજબૂત બનવા મજબૂર કરી દીધાં હતાં. પોતાની માતાને આર્થિક મદદ કરવા અને પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે કિશોરાવસ્થામાં જ તેમણે અનેક નાના-મોટા કામો શરૂ કર્યા. તેમણે રોમના પ્રખ્યાત નાઇટક્લબમાં બારટેન્ડર ગર્લ  તરીકે કામ કર્યું. બાળકોને સાચવવાની આયા  તરીકે નોકરી કરી. બજારોમાં નાની મોટી ચીજ વસ્તુઓ  વેચવામાં પણ ક્યારેય નાનમ ન અનુભવી.

જ્યારે કોઈ વ્યક્તિનું બાળપણ સંઘર્ષમાં વીતે છે, ત્યારે તેનામાં કાં તો નિરાશા જન્મે છે કાં તો તેના મનમાં  ક્રાંતિનાં બીજ રોપાય છે.  જ્યોર્જિયાના કિસ્સામાં તેમનો સંઘર્ષ, તેમની ગરીબી, તેમના પડકારો એ તેના હૃદયમાં  ક્રાંતિબીજનું વાવેતર કર્યું. અને  માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે, ૧૯૯૨ માં, તેમણે 'મોવિમેન્ટો સોશિયાલે ઇટાલિયાનો' (MSI) ના યુવા મોરચા 'ફ્રન્ટે ડેલા ગિઓવેન્ટુ' માં જોડાવાનો નિર્ણય કર્યો. આ એક દક્ષિણપંથી (Right-wing) સંગઠન હતું.

એક યુવાન છોકરી માટે પુરુષ પ્રધાન રાજકારણમાં સ્થાન બનાવવું અત્યંત કઠિન હતું. પરંતુ જ્યોર્જિયા પાસે શબ્દોનું  અમોઘ શસ્ત્ર હતું. તેમની પ્રભાવી વક્તૃત્ત્વ શૈલી ભલભલા  વિરોધીઓને શાંત કરી દેતી. તેમની વક્તૃત્વ શૈલી એટલી પ્રભાવશાળી અને આક્રમક હતી કે લોકો તેમને સાંભળવા મંત્રમુગ્ધ થઈ જતા. તેઓ પોતાના ભાષણોમાં દેશભક્તિ, પારિવારિક મૂલ્યો અને સંસ્કૃતિની રક્ષાની વાત કરતાં. જોતજોતામાં  તેઓ યુવાનોના અવાજ બનીને ઉભરી આવ્યાં.

        ઇટાલીના રાજકીય ગલીયારોમાં પ્રતિભાવાન જ્યોર્જિયાનો સિતારો દિન પ્રતિદિન વધુને વધુ ચમકતો ગયો. વર્ષ ૨૦૦૬ માં, માત્ર ૨૯ વર્ષની ઉંમરે જ્યોર્જિયા મેલોની ઇટાલીની સંસદના નીચલા ગૃહ (Chamber of Deputies) ના સભ્ય તરીકે ચૂંટાયા. તેમની પ્રતિભા જોઈને ૨૦૦૮ માં તત્કાલીન પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીએ તેમને દેશના મંત્રી બનાવ્યા. ૩૧ વર્ષની ઉંમરે મંત્રી બનીને તેમણે ઇટાલીના ઇતિહાસમાં સૌથી નાની વયના મંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો. પરંતુ જ્યોર્જિયા એટલાથી અટકવાનાં  નહોતાં. ૨૦૧૨ માં તેમણે પોતાની નવી રાજકીય પાર્ટી 'બ્રધર્સ ઓફ ઇટાલી'  ની સ્થાપના કરી. આ પાર્ટીની શરૂઆત ખૂબ નાની હતી, પરંતુ જ્યોર્જિયાના અથાક પરિશ્રમને કારણે આ પાર્ટીએ ઇટાલીના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.

       આ દરમિયાન જ્યોર્જિયા મેલોની પ્રખ્યાત ઇટાલિયન પત્રકાર એન્ડ્રીયા ગિઆમ્બ્રુનોના સંપર્કમાં આવ્યાં. બન્ને વચ્ચે ઘનિષ્ઠ આત્મીય  સંબધો બંધાયા. બંને  લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા. પરંતુ બંનેએ ક્યારેય લગ્ન કર્યા નહોતા. આ તમામ રાજકીય દોડધામ વચ્ચે જ્યોર્જિયાના જીવનમાં એક સુંદર વળાંક આવ્યો. તેમણે વર્ષ ૨૦૧૬માં  પુત્રી 'જિનેવરા' ને જન્મ આપ્યો. એન્ડ્રીયા જ તેમની દીકરી જિનેવરાના પિતા છે. જ્યોર્જિયા મેલોનીના અંગત જીવનમાં સૌથી મહત્વનું સ્થાન તેમની દીકરી જિનેવરાનું છે. એક રાજકારણી તરીકે ગમે તેટલી વ્યસ્તતા હોવા છતાં, જ્યોર્જિયા હંમેશાં એક સમર્પિત માતા તરીકે પોતાની ફરજ નિભાવે છે. તેઓ ઘણીવાર પોતાની દીકરીને રાજકીય પ્રવાસો અને રેલીઓમાં પણ સાથે રાખે છે. જ્યોર્જિયા કહે છે કે, "જ્યારે હું મારી દીકરીની આંખોમાં જોઉં છું, ત્યારે મને ઈટાલીના ભવિષ્યને સુરક્ષિત રાખવાની સૌથી મોટી પ્રેરણા મળે છે." એક નેતા હોવાની સાથે-સાથે પોતાની પુત્રી પ્રત્યેનો તેમનો પ્રેમ અને સ્નેહ જોઈને દેશની મહિલાઓ પણ તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ.

વર્ષ ૨૦૨૨ માં ઈટાલીમાં ચૂંટણી યોજાઈ. જેમાં જ્યોર્જિયાએ રચેલા રાજકીય પક્ષની આકરી કસોટી થવાની હતી. તેમણે આખા દેશમાં પ્રચંડ રેલીઓ કરી. વિરોધીઓએ તેમના પર અનેક આરોપો લગાવ્યા, તેમને રોકવાના પ્રયાસો કર્યા, પરંતુ જે સ્ત્રીએ બાળપણથી જ તોફાનોનો સામનો કર્યો હોય, તેને રાજકીય પવન શું રોકી શકવાનો હતો? ચૂંટણીના પરિણામો આવ્યા અને જ્યોર્જિયાની પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી. જ્યારે તેઓ ઇટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની આંખોમાં આંસુ હતા – એ આંસુમાં ગારબાટેલાની ગલીઓનો સંઘર્ષ હતો, પિતાના છોડી જવાની પીડા હતી, માતાનો ત્યાગ હતો અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી.

       ઓક્ટોબર ૨૦૨૩ માં જ્યોર્જિયાના અંગત જીવનમાં મોટો ધરતીકંપ આવ્યો. એન્ડ્રીયા ગિઆમ્બ્રુનોના કેટલાક ઓફ-એર ટીવી વિડીયો લીક થયા, જેમાં તેઓ પોતાની સાથી મહિલા પત્રકારો સાથે અશ્લીલ અને અયોગ્ય વાતો કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી આખા ઈટાલીમાં હોબાળો મચી ગયો. એક દેશના પ્રધાનમંત્રી હોવાને નાતે આ તેમના આત્મસન્માન પર મોટો પ્રહાર હતો. જ્યોર્જિયાએ સહેજ પણ ડગ્યા વિના, અત્યંત હિંમતપૂર્વક સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ એન્ડ્રીયા સાથેના પોતાના ૧૦ વર્ષ જૂના સંબંધોનો તાત્કાલિક અંત લાવે છે. તેમણે ખૂબ જ ગૌરવપૂર્ણ શબ્દોમાં લખ્યું: "જે લોકો મને નબળી પાડવા માંગે છે તેઓ યાદ રાખે કે, પાણીના ટીપાં ગમે તેટલા પ્રયત્નો કરે, તે પથ્થરને તોડી શકતા નથી."

જ્યોર્જિયા મેલોનીના  જીવને ડગલે ને પગલે  અનેક આકરી કસોટીઓ લીધે રાખી પણ આ સઘળી કસોટીઓને તેણીએ ચોટદાર જવાબ આપ્યો છે.  જ્યોર્જિયા મેલોનીએ તેમના જીવનના સંઘર્ષોને આલેખતી આત્મકથા I Am Giofgia – My Roots, My Principles” પ્રગટ કરી છે. જે પુસ્તકની પ્રસ્તાવના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખી છે.

   પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો તમારામાં અડગ આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય તો આખી દુનિયા તમારી સામે ઝૂકે છે. એક અનાથ જેવું બાળપણ જીવનારી છોકરી આજે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક ઇટાલીનું નેતૃત્વ કરી રહી છે. તેમની આ સફર વિશ્વની કરોડો મહિલાઓ અને યુવાનો માટે એક જીવંત પ્રેરણા છે કે: "તમારો ભૂતકાળ તમારું ભવિષ્ય નક્કી નથી કરતો, તમારી મહેનત તમારું ભવિષ્ય નક્કી કરે છે."

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620

1 comment:

  1. એક જીવન અનેક લોકો માટે પ્રેરણા નું જરનું બની રહેશે. ઈશ્વરભાઈ અભિનંદન 🙏

    ReplyDelete