"અમે સેવા નહી, પ્રેમ કરીએ છીએ." : પદ્મ શ્રી સુરેશભાઈ સોની.
"અમે સેવા નહી, પ્રેમ કરીએ છીએ." અંતરના ઊંડાનેથી પ્રગટેલા લાગણીભીના ઉદગારોમાં સંવેદનાનો દરિયો છલકાતો અનુભવાય છે. આ ઉદગારો છે ; નિરાધાર, નિસહાય અને બહિષ્કૃત માનવીઓના જીવન ઉત્કર્ષ માટે જેમણે પોતાની જાત ઓગળી દીધી એવા આધુનિક મહર્ષિ પદ્મશ્રી સુરેશ સોનીના ! ઘોર અંધકાર ભરેલી કેટ કેટલીય જિંદગીઓમાં આશાનો ઉજાસ પાથરી તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૬ ની સંધ્યાએ તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહી અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. અને સમજે જબરજસ્ત આંચકો અનુભવ્યો. આ ઓલિયો ફકીર એક આયખામાં યુગકાર્ય કરી ગયો.
સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ સેવાધામના સ્થાપક, સેવા યજ્ઞની વેદી પર બિરાજમાન આધુનિક મહર્ષિ એટલે સુરેશભાઈ હરિલાલ સોની.
અભ્યાસકાળ દરમ્યાન એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના તેઓ વિદ્યાર્થી. 1966 માં M.Sc. માં ભૂતકાળના તમામ રેકોર્ડ બ્રેક કરી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ વિથ ડિસ્ટ્રીક્શન સાથે ઉત્તીર્ણ થનાર આ વિદ્યાર્થી. તેજસ્વી પ્રતિભાને કારણે આ જ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નિમણૂક પામનાર આ વ્યક્તિત્વ. પરંતુ પ્રોફેસર જેવી મોભાદાર અને આરામદાયક નોકરી છોડી મધર ટેરેસા અને મહાત્મા ગાંધીએ ચીંધેલ દરિદ્ર નારાયણની સેવાનો કપરો જીવનમાર્ગ પસંદ કર્યો.
સુરેશભાઈ સોનીનું મૂળ વતન તો વડોદરા જિલ્લાનું શિનોર ગામ. પરંતુ ભાગ્યરેખાઓ તેઓને સાબરકાંઠાના છેક છેવાડે આવેલ રાજેન્દ્રનગર સુધી ખેંચી આવી.
મા-બાપ તરફથી ગળથૂથીમાંથી મળેલ સંસ્કાર, ઉપરાંત હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન બી.એસ. જોષી જેવા કર્મઠ શિક્ષકનું સાનિધ્ય સાંપડ્યું. આ કર્તવ્યનિષ્ઠ શિક્ષકે કિશોર વિદ્યાર્થી માનસમાં સેવા પરાયણતાના બીજ વાવ્યાં. અને શાળા પુસ્તકાલયમાં ર. વ. દેસાઈ અને મુનશી પ્રેમચંદ જેવા પ્રખર સાહિત્યકારોના પુસ્તકોના અભ્યાસે કિશોર સુરેશભાઈના અંતરના દ્વાર ખોલી આપ્યા. અને પછી તો અંતરના ઊંડાણમાં રોપાયેલાં આ બીજ સમય જતાં ફૂલ્યા, ફા લ્યા, અને ફળ્યા પણ ખરાં!
યુવાન સુરેશભાઈનું હૃદય સેવા યજ્ઞ માટે સંકલ્પિત બન્યું. સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નોકરી તો સ્વીકારી પરંતુ મનમાં ગાંઠ વાળી કે સેવા કાર્ય કે પરમાર્થનું કોઈ મન ગમતું કામ મળી જાય તો નોકરી છોડી દેવી. અને બન્યું પણ એવું જ
પ્રોફેસરની નોકરી દરમિયાન સરકારી લેપ્રસિ હોસ્પિટલના કમ્પાઉન્ડરની દોસ્તીને પરિણામે તેઓએ રકતપિત્તના દર્દીઓની પારાવાર વેદના નજીકથી નિહાળી. રક્તપિત્તગ્રસ્ત એટલે અપંગમાં અપંગ, અસ્પૃશ્યમાં અસ્પૃશ્ય. લોહીના સગાઓથી તિરસ્કૃત, ગંદકીથી ખદબદતા ઝૂંપડાં કે ફૂટપાથ ઉપર મરવાના વાંકે કુતરાંથીય બદતર જિંદગી જીવતા માણસો. આ જિંદગી તેઓએ નજીકથી નિહાળી. ઘામાંથી પરું નીકળતા, કણસતા દર્દીઓને જોઈ તેઓ દ્રવી ઉઠ્યા. ભીખ માંગવા મજબૂર બનેલા આવા માણસોની આવી હાલત જોઈ હૃદય વલોવાયું. વડોદરાની ઝૂંપડપટ્ટીમાં ગયા. તરછોડાયેલા આવા નિઃસહાય રક્તપિત્ત ગ્રસ્તોની સેવામાં મન પરોવી દીધું. અને મનમાં વાળેલી ગાંઠ પ્રમાણે પ્રતિષ્ઠિત કોલેજના પ્રોફેસરની મોભાદાર નોકરીને તિલાંજલિ આપી અને આવા દરિદ્ર નારાયણની સેવાનો ભેખ ધારણ કર્યો.
આ સમય દરમિયાન અમદાવાદના સુખી પતિવારમાં ઉછરેલા ઇન્દિરાબેન તરફથી વિવાહનો પ્રસ્તાવ આવ્યો. તો સામે પક્ષે સુરેશભાઈએ જિંદગી જીવવા માટેની શરતો વર્ણવતો 17 પાનાનો પત્ર લખ્યો. ઇન્દિરાબેનને એમ કે જુવાનીનું જોમ છે એટલે આવી શરતો લખે પરંતુ પરણ્યા પછી જવાબદારી આવશે એટલે બધું બરાબર ગોઠવાઈ જાશે. અને સઘળી શરતો મંજુર રાખી લગ્ન ગ્રંથિથી જોડાયાં. સુરેશભાઈ ને સુધારવાની ખેવના લઈને પરણેલા ઈન્દિરાબેન લગ્ન બાદ પોતે પણ સેવાના રંગે રંગાઈ ગયાં.
વડોદરાની ઝૂંપડપટ્ટીમાં આવા દર્દીઓની સેવા માટે શ્રમમંદિર નામે ચાલતા ટ્રસ્ટમાં રહી સુરેશભાઇ દર્દીઓની સેવા કરતા. પરંતુ સમય જતાં ટ્રસ્ટના સંચાલકો સાથે મતભેદ ઉભો થયો. સુરેશભાઈને આખરે ટ્રસ્ટ છોડવાનો વારો આવ્યો. ત્યાંના રહેવાસી દર્દીઓ રડતાં રડતાં કહેવા લાગ્યાં " જ્યાં તમે, ત્યાં અમે. અમે ફરી ભીખ માંગીશું. એમાં પહેલાં તમે કુટુંબ જમજો પછી અમે જમીશું. પણ અમે તમારાથી દૂર નહીં જઈએ. "
સુરેશભાઈ પર જાણે કે ધર્મ સંકટ આવ્યું! હવે કરવું શું. આ દર્દીઓને લઇને જવું ક્યાં? પણ જ્યાં પરમાર્થનો મંત્ર છે ત્યાં પરમાત્માનો સાદ છે. સર્વોદય આશ્રમના રચનાત્મક કાર્યકર રામુભાઈ પટેલનો ફોન આવ્યો. અને તેઓએ કોઈ પણ જાતની શરત વગર 32 એકર જમીન દાનમાં આપી. અને આજથી બરાબર ત્રણ દાયકા પહેલા 1988 માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની કામગીરી શરૂ કરી ત્યારે સંસ્થામાં સેવા મેળવતાં 20 રક્તપિત્તગ્રસ્તો અને 6 બાળકો હતાં આજે સુરેશભાઈ અને ઈન્દિરાબેનના સેવાના તપોબળથી આ ભૂમિ તીર્થ ભૂમિ બની છે.
સહયોગ કૃષ્ઠયજ્ઞ એટલે સાબરકાંઠાના છેવાડે વસતું, શ્વસતું, ધબકતું મીની ઇન્ડિયા! સંવેદનાની સરવાણીના સરનામા સમ આ તીર્થસ્થાન પરિવારથી તરછોડાયેલા સમાજથી બહિષ્કૃત, રક્તપિત્તગ્રસ્ત ભારતના વિધ વિધ પ્રાંતના લોકો પોતાની પારાવાર વેદના વિસારી અહીં સન્માન પૂર્વક જિંદગી વિતાવી રહ્યાં છે.
સહયોગ એક સંસ્થા નહીં પણ એક ગામ છે. સાચા અર્થમાં ગોકુળિયું ગામ. જ્યાં વસતા લોકો એક નવી જ જિંદગી જીવી રહ્યાં છે. જેમાં રક્તપિત્તગ્રસ્તો, રક્તપિત્ત ગ્રસ્તોના બાળકો, મંદબુધ્ધિ વાળા ભાઈઓ, મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓ છે. સૌ હળી મળીને રહે છે. આ સંસ્થા રક્તપિત્તગ્રસ્તોના અંદરોઅંદર લગ્ન કરાવે છે. આ ગામમાં ભારતભરમાં ઉજવાતા તમામ ઉત્સવો ઊજવાય છે. નંદનવન સમા આ ગોકુળીયા ગામમાં ગંદકી નથી. શહેરોની જેમ સડક , પાણી , વીજળી છે, ઘરે ઘરે શૌચાલય છે. દરેકના ઘર આંગણે તુલસી ક્યારો છે. રોજ સંધ્યા ટાણે ક્યારે ક્યારે દીવડા પ્રગટાવવામાં આવે છે. અહીં 24 કલાક ખુલ્લું રહેતું મંદિર છે. અહીં રોજ સાંજે સૌ ગ્રામવાસીઓ પ્રાર્થના કરવા ભેગા મળે છે. ચૂંટણી બૂથ છે જ્યાં 100% મતદાન થાય છે. એક સરકારી પ્રાથમિક શાળા છે જ્યાં અહીંના બાળકો અભ્યાસ કરે છે. 45 પથારીની અદ્યતન હોસ્પિટલ છે. જ્યાં આજુબાજુના ગામોના દર્દીઓ પણ સારવાર મેળવે છે.
રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવાથી પ્રારંભયેલો આ માનવતાનો સેવા યજ્ઞ હવે અબોલ પશુઓ સુધી પાહોંચ્યો છે. અહીં સુરેશભાઇ અને ઈન્દિરાબેન તેઓના સાથી ઓ સાથે મળી 37 જેટલી વૃદ્ધ અને અપંગ ગાયોની સેવા કરે.
દેશભરમાંથી આવતા સેવાભાવી યાત્રીઓ માટે યાત્રી નિવાસ પણ છે. સુંદર પુસ્તકાલય અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે સાયન્સ કોર્નર પણ શરૂ કરાયો છે. 32 એકરમાં પથરાયેલું સેવા સુગંધથી પમરાટ પામેલું સંકુલ ગુજરાતની સેવાવૃત્તિનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. સુરેશભાઈના સેવા કર્યો ની સૌરભ દેશ દુનિયામાં પ્રસરી રહી. સુરેશભાઈએ આજીવન આદરેલા સેવા યજ્ઞની નોંધ ભારત સરકારે પણ લીધી. પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત સન્માન થી તેમને નવાજવામાં આવ્યા.
ડિસેમ્બર ૨૦૨૪ માં થાઇરોડના કેન્સરનું નિદાન થયું. નાદુરસ્ત તબિયત હોવા છતાં છેલ્લા શ્વાસ સુધી આશ્રમની સેવામાં પોતાની જાતને નીચોવી દીધી. છેલ્લા કેટલાય સમયથી વ્હીલ ચેર ના સહારે જ હરીફરી શકતા. શારીરિક પીડા પણ દિવસે દિવસે વધતી રહેતી એમ છતાં તેમના મુખ પરનું નિખાલસ બોખું સ્મિત જરાય કરમાવા દીધું નહી. અને છેલ્લે ૨૩ એપ્રિલે હિંમતનગર ની હોસ્પિટલમાં પૂર્ણ સંતોષ સાથે આંખો મીંચી દીધી.
નરસિંહે ગાયેલું 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...' એ શબ્દોને સુરેશભાઈએ યથાર્થ જીવી બતાવ્યું છે.
પિતાએ આરંભેલા સેવાયજ્ઞ અવિરત પ્રજ્વલિત રાખવા તેમના પુત્ર દીપકભાઈએ પોતાની ઉજ્જવળ કારકિર્દી, ધીખતો વ્યવસાય છોડીને સેવાનો ભેખ ધારણ કરી લીધો. સુરેશભાઈ ના વિરાટ સપનાને સાકાર કરવા ઇન્દિરાબેન અને દીપકભાઈને પ્રભુ બળ આપે એ જ પ્રાર્થના સાથે પુણ્યશ્લોક આત્મા સુરેશભાઈને હૃદયપૂર્વક ની ભાવાંજલિ !
સંપર્ક: દીપક સોની - +919825598900
- ઈશ્વર પ્રજાપતિ
9825142620


Super khub khub vandan
ReplyDeleteમાનનીય. સુરેશભાઈ સોની સાહેબ ની સેવા ના સૂરો આખાયે વિશ્વ મા એવા ફેલાવો કે આવા અનેક સોની સાહેબ જેવા સેવકો ના અંતઃકરણ ની વેદનાઓ જાગ્રત થઈ જાય અને આવા સેવા યજ્ઞ મા જોડાવવા પ્રેરાય... શત્ શત્ નમન સોની સાહેબ ની પરમાત્ત્મા સ્વરૂપી આત્મા ને...
ReplyDeleteઅને... વિશેષ.. આભાર શ્રી ઈશ્વર ભાઈ કે જેઓ આ સેવાયજ્ઞ ના માર્ગ ચિંધક બન્યા છે...