કેવી હતી મોડાસા નગરપાલિકાની પ્રથમ ચૂંટણી ? જયારે તમામ ઉમેદવારોએ કોઇપણ પક્ષના નિશાન સાથે ચૂંટણી લડવાના બદલે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું પસંદ કર્યું.
સ્થાનિક
સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ચરમસીમાએ છે. મોડાસા નગરપાલિકાની ચૂંટણી પણ ૨૬ એપ્રિલના
રોજ યોજવા જઈ રહી છે. હાલ તો પ્રચારના પડઘમ વાગી રહ્યા છે પરંતુ બહુ ઓછા લોકોને
મોડાસા નગરપાલિકાના ઈતિહાસ વિશેની જાણ હશે ! સૌથી પહેલાં મોડાસા મ્યુનિસિપાલિટી, એ પછી મોડાસા
નગરપંચાયત અને ત્યાર બાદ મોડાસા નગરપાલિકા
સુધીની આ સફર ઘણી રોચક અને રસપ્રદ છે. આવો મોડાસા નગરપાલિકાના અસ્તિત્ત્વના ઈતિહાસની કુંજગલીઓમાં એક લટાર મારીએ.
મોડાસા એક
અતિ પ્રાચીન નગર છે. તેના તાર છેક પાષણયુગ સાથે જોડાયેલા છે. રાજા- રજવાડાં, મોઘલ આક્રમણો
અને બ્રિટીશ હુકુમતનું મોડાસા નગર તાજનું સાક્ષી રહ્યું છે. પ્રાચીન
સમયથી મોડાસા નગરનું સ્થાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે.
અકબર બાદશાહના અમલમાં તેમના પ્રધાન ટોડરમલે
સને ૧૫૭૯માં જમીનની માપણી કરી દર ઠરાવેલા, પણ
તે મોડાસા સુધી આવેલો નહિ. ઈ. સ. 1818થી મોડાસા પર અંગ્રેજોએ
હકૂમત સ્થાપી અને મોડાસા ડિવિઝન બન્યું. મોડાસાની વસ્તી સને 1825 માં 4059 હતી. મોડાસામાં
જમીનની માપણી સને 1842થી 1846 સુધીમાં
થઈ અને સને ૧૮૫૧માં વિઘોટી પ્રથા શરૂ થઈ. સમગ્ર વિસ્તારના ટોપોગ્રાફિકલ નકશા સને 1881માં બન્યા.
અમદાવાદની
મ્યુનિસિપાલિટી સને 1857 માં સ્થપાઈ છે. અમદાવાદ જિલ્લાના એક ભાગ તરીકે સૌપ્રથમ
પ્રાંતિજમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી. બીજી મ્યુનિસિપાલિટીપણ અમદાવાદ
જિલ્લાના ભાગ તરીકે તા. 1-10-1859 ના રોજ
મોડાસા મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ. તે વખતે બધા જ સભ્યો સરકાર નીમતી હતી. સને 1879 માં ચૂંટણીનું ધોરણ દાખલ થયું, તે
સને 1884માં વધીને પચાસ ટકા થયું. અડધા સભ્યોને લોકો ચૂંટે અને અડધા સરકાર નીમે.
આવું પચીસ વર્ષ ચાલ્યું, પછી સને ૧૯૧૦માં બે ભાગના સભ્યો
લોકો ચૂંટે અને એક ભાગના સરકાર નીમે એવું થયું. અત્યાર સુધી મહાલકારી પ્રમુખ હતા,
હવે સભ્યોને પોતાનામાંથી પ્રમુખ ચૂંટવાની સત્તા મળી.
અંગ્રેજી અમલ દરમિયાન મોડાસાએ ઘણી લીલીસૂકી જોઈ છે. સને ૧૯૦૦માં કોલેરાએ કેર વર્તાવેલો; તે પછી આવ્યો છપ્પનિયો દુકાળ (સં. 1956). તે વખતે ગામડાંમાંથી ભૂખે મરતા લોકોનાં ટોળાં મોડાસામાં આવતાં. દુકાળમાં મોડાસામાં 1498 માણસો મરી ગયાની મ્યુનિસિપાલિટીના દફતરે નોંધ છે. આવું જ ફરી સને 1918માં બન્યું. પ્લેગ અને ઈન્ફલ્યુએન્જાએ અનેક માણસોનો ભોગ લીધો. ગામના લોકો ઘરબાર છોડી દૂર જંગલમાં છાપરાં બાંધી રહેલા. તેમ છતાં આવા ભયંકર દુકાળ, પ્લેગ, રોગ જેવા કપરા પ્રસંગોએ પણ ગામના લોકો રાહતની કામગીરી બજાવવાની પોતાની નૈતિક ફરજ ચૂક્યા નથી એની નોંધ લેવી જોઈએ.
સને 15-8-1947 ના રોજ દેશ સ્વતંત્ર થયો અને તા. 10-6-1948 ના રોજ સાબરકાંઠા જિલ્લો બન્યો,
ત્યારે જિલ્લામાં દશ હજારથી વધારે વસ્તીવાળું ગામ એક માત્ર મોડાસા હતું.
સ્વરાજય મળ્યા પછી ગુજરાતની આપણી સરકારને એવી ધૂન ચઢી કે એણે વીસ હજારથી ઓછી
વસ્તીવાળાં ગામની મ્યુનિસિપાલિટીઓ બંધ કરી, તેની જગાએ
નગરપંચાયતો ઊભી કરી, અને એ નગરપંચાયતોને તાલુકા પંચાયત હેઠળ
મૂકી. આથી મોડાસાની પ્રગતિ ઘણી રૂંધાઈ. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. સરકારે
પ્રગટ કરેલું 'સાબરકાંઠા ગેઝેટિયર' ચોખ્ખું
કહે છે કે 'મોડાસા છેક ખૂણે પડેલું હોવાથી અંગ્રેજી અમલમાં
તેના પ્રત્યે કંઈ જ ધ્યાન અપાયું નથી.' વર્ષ 1938 માં મથુરદાસ મગનલાલ શાહ મોડાસા નગર પંચાયતના સભાપતિ તરીકે ચૂંટાયા હતા. સ્વરાજય મળ્યા પછી
મોડાસાનું મહત્ત્વ સ્વીકારાયું. મોડાસાની વસ્તી વીસ હજારનો આંક વટાવી ગઈ ને બાવીસ
હજારની થઈ. મોડાસાને નગરપાલિકાનો દરજ્જો આપવાની લોકલાગણી તીવ્ર બની. તે પછી બબ્બે
દશકા વીતી ગયા પછી 8 મી ઓક્ટોબર 1986 ના રોજ મોડાસાનું દાયકાઓ જૂનું સપનું સાકાર થયું.
અને મોડાસા નગર પંચાયતને નગરપાલિકાનો દરજ્જો મળ્યો. ત્યારે ફરી પાછી તે સ્વતંત્ર નગરપાલિકા
થઈ.
વર્ષ 1987 માં મોડાસા નગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણી યોજાઈ. આ ચૂંટણી ખુબ રસપ્રદ અને રસાકસીભરી બની રહી. પ્રથમ ચૂંટણીમાં તમામ ઉમેદવારોએ કોઇપણ પક્ષ સાથે જોડાયા વિના અપક્ષ તરીકે જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. એ સમયે રાજકીય પક્ષોના રાજ્ય કક્ષાના નેતાઓએ ઉમેદવારોને રાજકીય પક્ષના નિશાન સાથે ચૂંટણી લડવા સમજાવવાના પ્રયત્નો પણ કરી જોયા પણ કોઈ ઉમેદવાર તે માટે તૈયાર થયા નહિ. નગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી હતી એટલે ઉમેદવારો અને જનતામાં પણ ખુબ ઉત્સાહ હતો. ચૂંટણી પૂર્ણ થતાં પરિણામ જાહેર થયું. તારીખ 4 નવેમ્બર 1987ના રોજ આફતાબહુસેન દુરાની નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા. 11 નવેમ્બર 1992 સુધી એમ પૂરા પાંચ વર્ષ નગરપાલિકાનું સાશન અપક્ષ દ્વારા ચલાવવામાં આવ્યું. વર્ષ 1992 થી વર્ષ 1995 એમ ત્રણ વર્ષ વહીવટદાર દ્વારા નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં આવ્યો. અને ત્યાર બાદ જાન્યુઆરી 1995 માં યોજાયેલી મોડાસા નગરપાલિકાની ચૂંટણી પક્ષના નિશાન સાથે લડવા લડવામાં આવી. જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. જાણીતા સમાજસેવક, મૃદુ અને મિતભાષી કનુભાઈ આર. પટેલ તારીખ 19 જાન્યુઆરી 1995ના રોજ નગરપાલિકાના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યું. કમનસીબે એ સમયે નિયમોની આંટીઘૂંટી એવી હતી માત્ર એક વર્ષ માટે જ નગરપાલિકા પ્રમુખ પદની સત્તા મળતી. બીજા વર્ષે બીજા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવતી. આ એક વર્ષમાં પણ દૂરંદેશી કનુભાઈએ ઉદાહરણરૂપ નેતૃત્ત્વ પૂરું પાડ્યું. એ સમયે આફતાબહુસેન દુરાની વિરોધપક્ષના નેતા હતા. સત્તાપક્ષ અને વિરોધ પક્ષના બંને નેતાઓ નગર વિકાસના કાર્યોમાં ખભે ખભા મિલાવી આધુનિક મોડાસાના વિકાસને એક નવી દિશા પૂરી પાડી.
વર્ષ 1995 થી આજદિન સુધી મોડાસા નગરપાલિકા ભાજપનું સાશન બરકરાર રહ્યું છે. નગરપાલિકાની
સ્થાપનાથી પ્રથમ પ્રમુખ આફતાબ હુસેન દુરાનીથી માંડી છેલ્લા
યુવા પ્રમુખ નીરજ શેઠ એમ અઢાર જેટલા નગરપ્રમુખોનું
સાશન મોડાસા નગરે નજીકથી નિહાળ્યું છે. મોડાસા નગરના વિકાસના પાયામાં મહિલા
પ્રમુખોનું યોગદાન પણ ઓછું આંકી શકાય તેમ નથી. શ્રીમતી સુશીલાબેન ભોઈ, શ્રીમતી નીતાબેન
એ. ભાવસાર, શ્રીમતી ગુણવંતીબેન કંસારા, વનીતાબેન પટેલ અને જલ્પાબેન ભાવસાર એમ પાંચ
મહિલાએ મોડાસા નગરપાલિકાનું પ્રમુખપદ શોભાવ્યું છે. વનિતાબેન પટેલને કામ કરતાં
નજીકથી નિહાળ્યાં છે. આગવી સુઝબુઝ, કુનેહ અને પારદર્શક વહીવટ થકી નગરપાલિકાને એક
નવી ઉંચાઈએ લઇ જવામાં તેમનું યોગદાન અમુલ્ય છે.
શરૂઆતમાં મોડાસા નગરપાલિકાની કચેરી બજાર વિસ્તારમાં કોમર્શિયલ કોમ્લેક્ષમાં કાર્યાન્વિત હતું. નવીન ભવનની તાતી જરૂરિયાત હતી. જેને દીર્ઘદૃષ્ટા પ્રમુખ સુભાષભાઈ શાહએ ભારતના ગૃહ મંત્રી અમિતભાઈ શાહને મળી જૂની મામલતદાર (કલેકટર) કચેરી નગરપાલિકાને ફાળવવા વિનંતી કરી. અમિતભાઈ શાહે અંગત રસ લઈ તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ભલામણ કરી. પરિણામે મોડાસા નગર પાલિકાને ઝર્ઝરિત બિલ્ડીંગમાંથી મુક્તિ મળી. 22 જુલાઈ 2019 ના રોજ કચેરી નવીન બિલ્ડીંગમાં લઇ જવામાં આવી. નવીન બસ પોર્ટની પાછળની બાજુએ આવેલ જૂની મામલતદાર કચેરીમાં હાલ નગરપાલિકા કાર્યરત છે. સુભાષભાઈ શાહે એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 210 કરોડ ગ્રાન્ટ મંજૂર કરાવી સુદૃઢ વહીવટનો પરિચય કરાવ્યો.
મોડાસા નગરપાલિકાની સ્થાપના પછી મોડાસા ઘણું વિકસિત બન્યું છે એમાં કોઈ બેમત નથી. મોડાસા નગરના વિકાસ કાર્યોમાં જરૂર પડે સત્તા પક્ષનું ધ્યાન દોરવામાં વિરોધ પક્ષે પણ મહત્ત્વની ભૂમિકા અદા કરવાની જવાબદારી નિભાવી છે. મોડાસાના વિકાસમાં ચૂંટાયેલા તમામ પક્ષના પદાધિકારીઓથી માંડી વહીવટકુશળ અધિકારીઓનો પણ ફાળો રહ્યો છે.
(સંદર્ભ : મારું ગામ મોડાસા : લે. – રમણલાલ
સોની, ઇડર રાજ્યનો ઈતિહાસ : લે. દીનું ભદ્રેસીયા, ગુજરાતી વિશ્વકોષ)
- ઈશ્વર પ્રજાપતિ
98251 42620

ખૂબ જ સારી અને જૂની જાણકારી અને આજસુધીની નવી જાણકારી ઈશ્વરભાઈએ સરસ પરિચય કરાવ્યો આભાર- પ્રભુદાસ પટેલ
ReplyDeleteGood
ReplyDeleteખૂબ સરસ માહિતી જાણવા મળી અભિનંદન
ReplyDelete