Sunday, September 8, 2024

સન્ડે સ્પેશિયલ

ભાગ - ૩ 

ડૉ.  કુબેરભાઈ  ડીંડોર વર્ષ ૨૦૦૪માં  પહેલી વાર તાત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીને મળ્યા. પહેલી મુલાકાતથી જ નરેન્દ્રભાઈ મોદીજીએ  આ યુવા નેતાનું હીર પારખી લીધું હતું. 

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 


કુબેરભાઈ પ્રોફેસરની નોકરીનો ઓર્ડર લઈ ટ્રકમાં બેસી હરસોલ, ધનસુરા, મોડાસા, માલપુર થઇ રાત્રે અગિયાર વાગે વતનમાં પહોંચ્યા. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે ઘેર પહોંચ્યા. માતા-પિતાના હાથમાં નોકરીનો ઓર્ડર મુક્યો. ઘરની છતમાંથી હજી ચૂવા તો ટપકી જ રહ્યા હતા.

બીજા દિવસે ગામમાં બધાને નોકરીનો ઓર્ડર બતાવ્યો. કોઈ માનવા તૈયાર થાય નહિ કે કુબેરભાઈ હવે કોલેજના પ્રોફેસર બની ગયા છે.  રવિવારે ઉછીના પૈસા લઇ સંતરામપુર જઈ બે જોડ નવાં કપડાં ખરીદ્યા. બે જોડ કપડાં અને રૂમાલ એક થેલીમાં લઈ તલોદની વાટ પકડી લીધી. ૧૯ સપ્ટેમબર ૧૯૯૪ ના રોજ તલોદ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. તલોદ તેમના માટે એક નવો જ વિસ્તાર હતો. કોઈ પરિચિત મળે નહિ. એટલે શરૂઆતમાં રખિયાલ તેમના  સંબધીને ત્યાં રોકાઈ, અપડાઉન કરી નોકરી નોકરી ચાલુ કરી. ત્યાર પછી કોલેજના પ્રિન્સીપાલ નટુભાઈ અને હિન્દી ડીપાર્ટમેન્ટ હેડ વી.પી. ચૌહાણ સાહેબનો ખુબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો. એ પછી તો તલોદ હોસ્ટેલમાં જ રહેવાનું ચાલુ કરી દીધું. જોત જોતામાં કુબેરભાઈ વિદ્યાર્થીઓના પ્રિય પ્રોફેસર બની ગયા. સખા ભાવે વિદ્યાર્થીઓની સાથે હળીમળી ગયા. પોતે જે પરિસ્થિતિમાંથી પસાર થઇ આ મુકામ પર પહોંચ્યા હતા એ દિવસો હમેશા નજર સમક્ષ રાખી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવામાં હમેશા અગ્રેસર રહેતા.

             પ્રોફેસરની નોકરી મળતા જ લગન માટે માંગા આવવાના પણ શરૂ થઇ ગયા. કુબેરભાઈ એ વાત સારી રીતે જાણતા હતા કે આ માગાં નોકરીને જોઈ આવે છે. એટલે એમને નક્કી કર્યું કે લગન તો હવે કોઈ ગરીબ ઘરની દીકરી સાથે જ કરીશ. અને કુબેરભાઈ માટે કન્યા શોધવાનું કામ પણ એમના ગુરુજનો એ જ કર્યું. તેમના ગુરુજનો હાથે ભણેલાં જાગૃતિબેન સાથે તેઓ લગ્નગ્રંથીથી જોડાયા.

        નોકરી ચાલુ કર્યા પછી પણ માતૃભૂમિ જાણે  સાદ કરી પોકારી રહી હતી. એટલે પ્રત્યેક શનિ-રવિ અને રજાના દિવસે તલોદ નોકરી પૂરી કરી હરસોલથી  પહોંચી ટ્રક પકડી  વતનમાં જ પહોંચી જતા. જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની અને આ વિસ્તારના વિકાસના કામોમાં પણ રસ લેવા લાગ્યા. કુબેરભાઈની નિસ્વાર્થ સેવાવૃત્તિથી સંતરામપુરના આખા પંથકમાં તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધવા લાગી. કુબેરભાઈનો પડ્યો બોલ ઝીલવા લોકો તૈયાર રહેતા. કોઇપણ જાતના પદ વિના લોકોમાં આટલી લોકચાહના જોઈ વિરોધીઓના પેટમાં તેલ રેડાતું.

          ગામના સરપંચે ડોર પોઈન્ટ માટે લીધેલી પચાસ રૂપિયાની લાંચની વાત હૈયામાં કોતરાયેલી હતી. ૧૯૯૫માં ગામમાં સરપંચની ચુંટણી આવી. પેલા ભ્રષ્ટ સરપંચને સબક શીખવાડવાનો અવસર આવી ચડ્યો. કુબેરભાઈએ  યુવાનોની બોડીને તૈયાર કરી અને ચુંટણીના મેદાનમાં ઉતર્યા. અને પરિણામે ચમત્કાર સર્જ્યો. ભ્રષ્ટ સરપંચને યુવાનોએ ભૂંડી રીતે હરાવી દીધો. એ દિવસથી આજદિન સુધી કુબેરભાઈ જે વ્યક્તિ પર આંગળી મુકે એ વ્યક્તિ ગામની સરપંચ તરીકે ચૂંટાઈ આવે એ સિલસિલો જ બની ગયો..

      સંતરામપુર વિસ્તાર આદિવાસી વિસ્તાર એટલે કોંગ્રેસનો ગઢ જ ગણાય. એ સમયમાં કોંગ્રેસનો ઉમેદવાર પ્રચાર ન કરે તો પણ જીતી જ જાય આવી માન્યતા પ્રવર્તતી હતી. આવા સમયે રાષ્ટ્રવાદી  વિચાર ધારાથી રંગાયેલા કુબેરભાઈએ આ વિસ્તારમાં ભાજપનો પ્રચાર પ્રસાર ચાલુ કર્યો. ૧૯૯૯ માં લોકસભાની  ચુંટણી દરમિયાન તેમના ગામમાં કોંગ્રેસની એકપણ સભા થવા જ ન દીધી. આ સમાચારની નોંધ શીર્ષ નેતૃત્ત્વએ પણ લેવી પડી. તેમની અપ્રતિમ લોકપ્રિયતાના કારણે વિધાનસભા અને લોકસભાની ચુંટણીનું સમગ્ર કેમ્પેઈન તેઓ સંભાળવા લાગ્યા. અનેક વિરોધ વચ્ચે એકલા હાથે ઝંઝાવાતી  પ્રચાર પ્રસાર કરતા રહ્યા. અને આખરે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મળી. ૧૯૯૯ની લોકસભાની ચુંટણીમાં દાહોદની શીટ ભાજપ જીતવામાં સફળ રહ્યું. આ જીત પાછળનું  ફળદ્રુપ ભેજું  કુબેરભાઈનું જ હતું.  

     રાજનીતિમાં સક્રિયતાની સાથે સાથે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સરાહનીય કામગીરી કરતા રહ્યા. NSS  પ્રોગ્રામ ઓફિસર તરીકે તલોદની આસપાસનાં ગામડાઓમાં વિદ્યાર્થીઓ સાથે મળી જે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી એની સુવાસ આજે પ્રસરી રહી છે. તલોદ પાસેના એક ગામમાં NSSના કેમ્પ દરમિયાન સમગ્ર ગામે વ્યાસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ ગામમાં આજે પણ કોઈ દુકાન કે ગલ્લા પર તમાકુ કે ગુટખાનું વેચાણ થતું નથી. આવી તો અનેક સુંદર પ્રવૃત્તિઓના  કારણે NSS ના બેસ્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે કુબેરભાઈને સન્માનિત કરવામાં આવ્યા. અમદવાદની જાણીતી લેબોરેટરી પ્રથમાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ કરી ૩૫૦ જેટલી બ્લડ બોટલ એકત્રિત કરી.  તો મોદી સાહેબના મુખ્યમંત્રી કાળમાં શરૂ થયેલું વાંચે ગુજરાત અભિયાનમાં તલોદ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે પણ ખુબ સુંદર કામગીરી કરી હતી. સંતરામપુરની આજુબાજુના જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને તલોદ લાવી કોલેજનો અભ્યાસ પૂરો કરાવવામાં પુરેપુરી મદદ કરી. તો તલોદ આસપાસના ગામોના વિદ્યાર્થીઓની પણ કાળજી લઇ અભ્યાસ કરતા કર્યા. ફીના અભાવે જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડી ચાલ્યો ગયો હોય અને કુબેરભાઈને એની જાણ થાય તો ખિસ્સાના પૈસા ખર્ચી આવા અનેક વિદ્યાર્થીઓની ફી ભરી અભ્યાસ કરતા કર્યા છે. આવા કેટલાય વિદ્યાર્થીઓ આજે પ્રતિષ્ઠિત નોકરી કરી રહ્યા છે. સુખેથી જીવન પસાર કરી રહેલા આવા વિદ્યાર્થીઓ પોતાની સફળતાનો  સંપૂર્ણ યશ કુબેરભાઈ સાહેબને આપે છે.

          દિનપ્રતિદિન કુબેરભાઈની વધતી જતી લોકપ્રિયતાના કારણે તેમના મતક્ષેત્રમાં વિરોધીઓ પણ વધતા ગયા. એના પરિણામે જયારે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ માં ગોધરાકાંડ પછીના જે કોમી રમખાણો થયા તેમાં સંતરામપુર વિસ્તારમાં ૪૬ વ્યક્તિઓ ઉપર કેસ થયા. તેમાંનું એક નામ કુબેરભાઈનું પણ હતું. રાજકીય વિરોધીઓએ કુબેરભાઈની રાજકીય કારકિર્દી ખતમ કરવા આખો કારસો રચ્યો હતો. પરંતુ કુબેરભાઈએ દિવસે તલોદ કોલેજમાં ઉપસ્થિત હતા એના નક્કર પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરતા વિરોધીઓના સાંધા ગગડી ગયા.

એ જ વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ચુંટણી યોજાઈ. કુબેરભાઈએ  ભાજપાના ઉમેદવારના સમર્થનમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો. સ્થાનિક લોકોને  કુબેરભાઈ પોતાની વાત આસાનીથી સમજાવી શકતા. અને તેમની વાત પર લોકો આંખો બંધ કરી વિશ્વાસ પણ કરતા. પરિણામે ૨૦૦૨માં સંતરામપુર શીટ પર  ભાજપાના ઉમેદવારની  ભવ્ય જીત થઇ. તેઓ એક સફળ રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા.

          આદિજાતિનું પ્રભુત્વ ધરાવતા આ પંથકને એક વિઝનરી નેતૃત્ત્વની તલાશ હતી. આ વિસ્તારના લોકો કુબેરભાઈમાં  વિઝનરી નેતાના દર્શન કરવા લાગ્યાં. વર્ષ ૨૦૦૪ની વાત છે. જયારે મહીસાગર નદીના કાંઠાના  આ વિસ્તાર લોકો પાણી માટે ટળવળતા. સાંસદ સભ્ય અને ધારાસભ્ય સાથે મળી તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા ગયા. સચોટ રજૂઆત કરવા માટે સાંસદ અને ધારાસભ્ય શ્રીએ  કુબેરભાઈને પોતાની સાથે લીધા. કુબેરભાઈએ આ વિસ્તારના લોકોની સ્થિતિનો ચિતાર મોદી સાહેબ સમક્ષ પ્રસ્તુત કરતાં કહ્યું. “સાહેબ આ વિસ્તારના લોકોની આંખો આગળથી મહીસાગરનાં નીર વહી રહ્યા છે. લોકો મહીસાગરના  નીરને જોઈ શકે છે પરંતુ સ્પર્શી કે પી શકતા નથી.” ખુબ ઓછા પણ અસરકારક શબ્દોમાં  મોદી સાહેબ સમક્ષ પોતાની  ચોટદાર  રજૂઆત પ્રસ્તુત કરી.  મોદી સાહેબ વાતને પામી ગયા. તરત જ મોદી સાહેબે જણાવ્યું કે “આ યોજના માટે તમારે બીજો ધક્કો નહિ કરવો પડે એની ખાતરી આપું છું.”  અને તરત ૭૦ કરોડની પાનીપુરવઠા યોજના મંજૂર કરી દીધી. આ પંથકના લોકોની વર્ષો જૂની તરસ છીપાવવામાં કુબેરભાઈની સચોટ અને ધારદાર રજૂઆત કારણભૂત બની.

          પહેલી મુલાકાતથી જ નરેન્દ્રભાઈ મોદી આ યુવા નેતાનું હીર પારખી ગયા. કુબેરભાઈની ઉજવળ રાજકીય કારકિર્દીનો આરંભ થઇ ચુક્યો હતો...  (ક્રમશઃ )

 ભાગ - ૧ વાંચવા અહી ક્લિક કરો

ભાગ - ૨ વાંચવા અહીં ક્લિક કરો


1 comment:

  1. સાહેબના જીવનયાત્રાની આપના શબ્દોમાં લખાયેલી કથા,
    તે વિસ્તારના અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બની
    જશે..આપના શ્રેષ્ઠ પ્રયત્નોને વંદન.

    ReplyDelete