"સત્ય, સંયમ અને નિયમ. આ ત્રણ બાબતો જીવનમાં સફળ થવા માટેનો જીવનમંત્ર છે. આ ત્રણ રુલ્સનો અમલ કરશો તો સફળ થતાં દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહી શકે."
: પ્રકાશભાઈ કે. શાહ
વિદ્વાન, વિચક્ષણ અને અનુભવી વ્યક્તિ સાથે સંવાદ કરવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ એક હજાર પુસ્તક વાંચવાથી પણ પ્રાપ્ત થતું નથી. આદરણીય પ્રકાશભાઈ શાહ એવી જ એક વિરલ વિભૂતિ છે. તેઓ હરતી ફરતી વિશ્વવિદ્યાલય છે. આખા વિશ્વમાં તેઓ પ્રવાસ કરતા રહે છે. વિશ્વના શક્તિશાળી દેશ તેમની સાથે કરેલી મુલાકાત દરમિયાન ઍક પ્રશ્ન પૂછવાનું મન થયું. મે પૂછ્યું "સાહેબ જીવનમાં સફળતાનું રહસ્ય શું છે?"
આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે મારા સવાલનો જે જવાબ આપ્યો એ આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે.
મારી જિજ્ઞાસા સંતોષવા પૂછેલા સવાલનો જવાબ આપતાં આદરણીય પ્રકાશભાઈ શાહ જણાવે છે કે :
"જીવનમાં શિસ્ત ( decipline) જ ન હોય તો કોઈપણ વ્યક્તિ સફળ કેવી રીતે થઈ શકે? વ્યક્તિના જીવનમાં ત્રણ વ્યક્તિ પરિવર્તન લાવી શકે છે. આપણે ત્યાં કહેવાયું છે કે એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે. એટલે સૌથી પહેલાં એક માતા પોતાના સંતાનોને શિસ્તના પાઠ શીખવી શકે છે. એવી જ રીતે પિતા ઘરનો આધારસ્તંભ હોય છે. એના વર્તનની સંતાનોમાં ખૂબ મોટી અસર પેદા કરે છે. એટલે પિતા સંતાનની જીવનની દિશા બદલી શકે છે. એવી જ રીતે ગુરુ એટલે શિક્ષક વ્યક્તિનું જીવન બદલી શકે છે! એક આદર્શ શિક્ષક પોતાના આચરણ થકી વિદ્યાર્થી ઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. ગુરુ એ પોતાના શિષ્યને રંક માંથી રાજા બનાવી દીધા હોય તેવા કેટલાય દાખલા આપણા ઇતિહાસમાં મળી રહે છે.
સામન્ય રીતે આજે બીજાનું લઈ લેવાની આદત પડી ગઈ છે. એ ખૂબ ખોટી બાબત છે. બીજાનું ઝુંટવી માણસ કેવી રીતે સુખી થાય. સુખી, સમૃદ્ધ અને સંપન્ન થવાના ત્રણ નિયમ છે.
જીવનમાં સત્ય, સંયમ અને નિયમ વણાઈ જાય તો જીવન આપામળે આદર્શ બની જાય.
સત્ય એટલે શું ? આપણા શાસ્ત્રો માં તો સત્ય એ જ પરમેશ્વર એમ કહેવાયું છે. ગાંધીજી એ સત્ય અને અહિંસાના બળે અગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકી. સત્યમાં ગજબની તાકાત છે. માણસ છે. જીવનમાં ભૂલ કરે. પણ જો હિંમત કેળવી એ ભૂલને સ્વીકારી, સત્યને ઉજાગર કરી માતા પિતા કે ગુરુ સામે પ્રાયાશ્ચિત કરે તો એનો હકારાત્મક ઉકેલ મળે છે. જ્યારે રાઈ જેવડી ભૂલને છુપાવવા માટે હિમાલય જેવા પાપ કરવા માણસ મજબૂર બની જાય છે. માટે મુક્ત થવાનો એક જ માર્ગ છે. અને એ છે સત્ય. સત્ય એ સુવાળા ઓશિકા જેવું છે. જેના પર માથું મૂકીએ એટલે નિરાંતની નીંદર લઈ શકીએ છીએ. જ્યારે અસત્ય કંટાળી શૈયા છે, જેના પર માણસ સુખેથી સૂઈ શકતો જ નથી.
જીવનમાં ઉન્નતિના માર્ગે જવા સત્યની સાથે નિયમ પણ અત્યંત આવશ્યક છે. જે માણસે જીવનમાં ચોક્કસ નિયમો નથી અપનાવ્યા એનું જીવન અસ્તવ્યસ્ત બ્ની જાય છે. નિયમ વિના સમૃદ્ધ મનુષ્ય પણ સમય જતાં કંગાળ બની જાય છે. નિયમને જીવનની આદત બનાવો.
આપણે ખરાબ આદતો ના આદિ બની ગયા છીએ. અમેરિકામાં કોઈ જોબ પર એક મિનિટ પણ મોડો પડે તો એને જોબ ગુમાવવી પડે છે. જ્યારે આપણે અહી શું ચાલે છે એ મારે કહેવું નથી જે આપ સારી રીતે જાણો છો. પછી વ્યક્તિ હોય કે દેશ કેવી રીતે સમૃદ્ધ બની શકે??
જેણે સત્ય અને નિયમનું પાલન કર્યું તેઓ જીવનમાં સફળ થયા જ છે. અને સફળતાનો ત્રીજો જીવનમંત્ર છે - સંયમ !
આપ આપની આવડત અને કોઠાસૂઝ થી ખૂબ પૈસો પણ કમાયા, સુખી થયા, સંપન્ન થયા. આ બધું જ પામી લીધા પછી જો જીવનમાં સંયમ નહી હોય તો આ બધું જ લાત મારી ને ચાલી જશે. સંયમ વગર માણસ બેફામ અને રાક્ષશી તામસી જીવન જીવે છે. જેના કારણે માણસ હતો ત્યાંનો ત્યા રસ્તા પર આવી જશે. સફળતા પચાવી પણ અઘરી છે દોસ્ત ! કહેવાયું છે કે માણસના સાચા સંસ્કારનું દર્શન કરવું હોય તો એને બેસુમાર પૈસા અને સત્તા આપી દો. એ પછી માણસ જે વર્તન કરે એ તેના સાચા સંસ્કાર છે. ઝાડ ને જેમ ફળ આવે અને એ નમી જાય છે તેમ સમૃદ્ધિમાં વિનમ્રતા જાળવી રાખવી એ ખાનદાન મનુષ્યની નિશાની છે. સમૃદ્ધિ આવ્યા બાદ મર્યાદા અને સંયમ ચૂક્યા તો સમજો ગયા કામથી! કુદરત એની શાન ઠેકાણે લાવી દેશે. રાવણ પણ વિદ્વાન હતો. શક્તિશાળી હતો. એટલો તો સમૃદ્ધ હતો કે આખી નગરી સોનાની હતી. એનું બધું જ ખતમ થઈ ગયું કે નઈ?
સફળ થવામાં વર્ષો લાગે છે. ખતમ થવામાં દિવસો પણ નથી લાગતા. એટલે સફળતા મળે ત્યારે સંયમ જાળવી રાખવો એ બુદ્ધિજીવીનું લક્ષણ છે.
ગરીબ હોવું એ પાપ નથી. સાચું કહું તો ગરીબીમાં જ અમીરી છુપાયેલી છે. ગરીબ વ્યક્તિ પાસે જે ક્રિએટિવિટી હોય છે એ અમીરો પાસે નથી હોતી. પુરુષાર્થને આદત બનાવો. સત્ય, સંયમ અને નિયમ. આ ત્રણ બાબતો જીવનમાં સફળ થવા માટે જીવનમંત્ર છે. આ ત્રણ રુલ્સનો અમલ કરશો તો સફળ થતાં દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહી શકે.
બધું પ્રાપ્ત થયા પછી ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરીએ તો જીવનમાં આપો આપ શાંતિ અને સદભાવ ઉત્પન્ન થશે."
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરતા સૌકોઈ માટે પ્રકાશભાઈ શાહ સાહેબે બતાવેલો રસ્તો દીવાદાંડી રૂપ સાબિત થઈ શકે છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment