ભારત સરકારે મરણોત્તર ભારતરત્ન તરીકેનું જેમનું નામ જાહેર કર્યું એ કર્પુરી ઠાકુર
બે - બે વાર બિહારના મુખ્યમંત્રી રહ્યા હોવા છતાં તેઓ પાસે પોતાનું ઠીકઠાક ઘર પણ નહતું.
રાજકીય જબરજસ્ત ઉથલપાથલને
કારણે આજકાલ બિહાર રાજ્ય ચર્ચામાં છે. તો બીજી
બાજુ પ્રમાણિકતા અને કટ્ટર ઈમાનદારીથી બે- બે વાર બિહારના મુખ્યમંત્રી પદ શોભાવનાર
જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની ૧૦૦ મી જન્મ જયંતી પર મરણોત્તર ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી.. કોણ હતા કર્પૂરી
ઠાકુરજી ? તેઓની પ્રમાણિકતા અને ઈમાનદારીના
કિસ્સા આજની પેઢીને કદાચ માન્યામાં પણ ન આવે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સાહેબે કર્પૂરીજીની સાદગી અને પ્રમાણિકતાના કેટલાક પ્રસંગો તેમના બ્લોગ પર આલેખ્યા
છે. તેઓ લખે છે. “બિહારમાં
તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. પછી રાજ્યના નેતાઓ
માટે વસાહત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાના માટે કોઈ જમીન લીધી નહીં. જ્યારે પણ
તેમને પૂછવામાં આવતું કે તમે જમીન કેમ નથી લેતા, ત્યારે તેઓ નમ્રતાથી હાથ જોડી દેતા હતા. 1988માં જ્યારે તેમનું
અવસાન થયું ત્યારે ઘણા નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. કર્પૂરીજીના
ઘરની હાલત જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેઓ વિચારતા હતા કે આટલા મોટા
હોદ્દા પર બિરાજમાન વ્યક્તિનું આટલું સાદું ઘર કેવી રીતે હોઈ શકે.”
બ્લોગ આગળ લખે છે કે
“કર્પૂરી
બાબુની સાદગીની બીજી લોકપ્રિય વાર્તા 1977ની છે જ્યારે તેઓ બિહારના CM બન્યા હતા. તે સમયે
કેન્દ્ર અને બિહારમાં જનતાની સરકાર હતી. તે સમયે પટનામાં જનતા પાર્ટીના નેતા
લોકનાયક જયપ્રકાશ નારાયણ એટલે કે જેપીના જન્મદિવસ માટે ઘણા નેતાઓ એકઠા થયા હતા.
તેમાં સામેલ મુખ્યમંત્રી કર્પુરી બાબુનો કુર્તો ફાટી ગયો હતો. આવી સ્થિતિમાં, ચંદ્રશેખરજીએ તેમની
અનોખી શૈલીમાં લોકોને કેટલાક પૈસા દાન કરવાની અપીલ કરી, જેથી કર્પૂરીજી નવો
કુર્તો ખરીદી શકે. પણ કર્પૂરી જી તો કર્પૂરી જી હતા. તેમણે આમાં પણ એક દાખલો
બેસાડ્યો. તેમણે પૈસા સ્વીકાર્યા પરંતુ તેને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી
દીધા.”
પ્રમાણિકતાના પર્યાય સમા કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયની જ્યોત પ્રજ્વલિત કરનાર નેતા માનવામાં આવે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ એક સામાન્ય વાળંદ પરિવારમાં થયો હતો.
પટનામાં વર્ષ 1940માં મેટ્રિક પરીક્ષા પાસ કરીને તેઓ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા હતા. તેમણે આચાર્ય નરેન્દ્ર દેવના પગલે
ચાલવાનું પસંદ કર્યું. એ પછી તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને વર્ષ 1942માં અસહકાર
આંદોલનમાં ભાગ લીધો. આ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વર્ષ 1945માં તેઓ જેલમાંથી
બહાર આવ્યા અને સમાજવાદી આંદોલનનો એક ચહેરો બની ગયા. તેમનો હેતુ અંગ્રેજોની
ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવાની સાથે સાથે સમાજમાં ફેલાયેલા જાતિવાદને દૂર
કરવાનો પણ હતો, જેથી
સમાજના વંચિતો, દલિતો અને
પછાત સમાજના લોકોને એક સન્માનપૂર્વકની જિંદગી જીવવાનો હક મળે.
કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર
વિધાનસભા ક્ષેત્રથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા.
તેઓ ‘જનનાયક’ના નામથી લોકોમાં જાણીતા બન્યા હતા. 1967ની બિહારની ચૂંટણીમાં તેમણે સંયુક્ત
સોશ્યાલિસ્ટ પાર્ટીમાંથી ચૂંટણી જીતીને પહેલીવાર બિહારમાં કોંગ્રેસ મુક્ત સરકાર
બનાવી હતી.
એ સમયે મહામાયા
પ્રસાદ સિંહા મુખ્યપ્રધાન બન્યા હતા અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યપ્રધાન બન્યા
હતા. તેમને શિક્ષણખાતું સોંપવામાં આવ્યું હતું જેમાં તેઓ ઘણા સુધારાત્મક પરિવર્તનો
લાવ્યા. થોડા વર્ષો બાદ તેઓ બિહારના મુખ્યપ્રધાન પણ બન્યા હતા. 6 મહિનાના તેમના
કાર્યકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટેના ઘણા હિતકારી નિર્ણયો લીધા હતા. તેમણે
ઉર્દૂભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપ્યો હતો.
પોતાના કાર્યકાળ
દરમિયાન તેમણે પછાત વર્ગને 27 ટકા અનામત અપાવી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામમનોહર
લોહિયા તેમના રાજકીય ગુરૂ હતા.
એવું કહેવાય છે કે
તેમણે જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ ચલાવી અને પોતાનું રાજકીય સ્થાન હાંસલ
કર્યું. ઈમરજન્સી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઈન્દિરા ગાંધી તેમની ધરપકડ કરી
શક્યા ન હતા.
કર્પૂરી ઠાકુર 1970માં પ્રથમ વખત
રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 22 ડિસેમ્બર 1970 ના રોજ, તેમણે પ્રથમ વખત રાજ્યની કમાન સંભાળી. તેમનો પ્રથમ કાર્યકાળ
માત્ર 163 દિવસ
ચાલ્યો હતો. 1977ની જનતા
લહેરમાં જનતા પાર્ટીને જોરદાર જીત મળી ત્યારે પણ કર્પૂરી ઠાકુર બીજી વખત બિહારના
મુખ્યમંત્રી બન્યા. તેઓ પોતાનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નથી. ત્યારબાદ પણ તેમના
બે વર્ષથી ઓછા કાર્યકાળ દરમિયાન તેમણે સમાજના દલિત લોકોના હિત માટે કામ કર્યું
હતું.
બિહારમાં મેટ્રિક
સુધી શિક્ષણ મફત કર્યું. સાથે જ રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું
ફરજિયાત કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગરીબો, પછાત અને અત્યંત
પછાત લોકોના પક્ષમાં એવા ઘણા કામો કર્યા, જેનાથી બિહારની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પછી, કર્પૂરી ઠાકુરની
રાજકીય તાકતમાં જબરદસ્ત વધારો થયો અને તેઓ બિહારની રાજનીતિમાં સમાજવાદનો મોટો
ચહેરો બની ગયા.
કર્પૂરી ઠાકુર વિશે એક લોકપ્રિય કિસ્સો એ છે કે જ્યારે તેઓ વર્ષ 1952માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારે તેમની પસંદગી ઑસ્ટ્રિયાના
સત્તાવાર પ્રતિનિધિમંડળ માટે કરવામાં આવી હતી. તે સમયે કર્પૂરી ઠાકુર પાસે કોટ
નહોતો. ઓસ્ટ્રિયા જવા માટે તેણે એક મિત્ર પાસેથી ફાટેલો કોટ ઉધાર લીધો. જ્યારે
યુગોસ્લાવિયન રાષ્ટ્રપતિ જોસિપ ટીટોએ તેના ફાટેલા કોટ પર ધ્યાન આપ્યું, ત્યારે તેણે કર્પુરી ઠાકુરને નવો કોટ ભેટમાં આપ્યો.
એક ઘટના એ સમયની છે કે
જ્યારે તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના ગામના કેટલાક શક્તિશાળી સામંતોએ તેમના
પિતાને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર ફેલાતાં જ જિલ્લા મૅજિસ્ટ્રેટ
પગલાં લેવા ગામમાં પહોંચ્યા, પરંતુ કર્પૂરી ઠાકુરે
જિલ્લા મૅજિસ્ટ્રેટને પગલાં લેતા અટકાવ્યા. તેમણે કહ્યું કે દરેક ગામમાં દલિત અને
પછાત લોકોનું અપમાન થઈ રહ્યું છે.
17 ફેબ્રુઆરી, 1988ના રોજ
તેમનું અવસાન થયું.
-ઈશ્વર પ્રજાપતિ
No comments:
Post a Comment