Sunday, June 18, 2023

સન્ડે સ્પેશિયલ

ગુમ થયેલો અજય આખરે ક્યાં હતો ?


અજય  સાથેનો  સંબંધ  મારા માટે  બોઝ બની  ગયો હતો,
એટલે મેં એને મળવા માટે જંગલમાં બોલાવ્યો હતો. : કુસુમ



એપ્રિલ 2021ની આ વાત છે.  સાબરકાંઠા અને અરવલ્લીના  સીમાડે આવેલ એક ગામમાં ચહલપહલ મચી હતી. ગામનો એક આશાસ્પદ યુવાન બે દિવસથી ગાયબ હતો. એનું નામ અજય હતું. તે બાજુના જ એક ગામમાં સરકારી નોકરી કરતો હતો. અજય બે દિવસ પહેલાં નોકરી જવા માટે ઘેરથી નીકળ્યો હતો. એ પછી તે પરત ફર્યો ન હતો. પરિવાર ચિંતામાં ઘરકાવ બની ગયો હતો. સગાસંબંધી અને મિત્ર વર્તુળમાં પણ તપાસ કરાવી પણ અજયનો કોઈ જ પત્તો જડ્યો નહિ. આખરે પરિવારે પોલીસની મદદ લેવાનું મુનાસીબ માન્યું. પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

પોલીસે અજયની શોધખોળ આદરી. શોધખોળ કરતાં બાજુના ગામના જંગલ વિસ્તારમાંથી એક પુરુષની  લાશ મળી આવી. તેના શરીર પર ઘાતકી રીતે  ચપ્પાના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. આ લાશ બીજા કોઈની નહિ પણ બે દિવસથી ગુમ થયેલ અજયની જ હતી. અજયની હત્યાની જાણ થતાં આખા પરિવારજનો પર જાણે આફતનું આભ ફાટ્યું. કોઈને કંઈજ સમજાતું ન હતું કે અજયની હત્યા કોણે અને કેમ કરી? અજય એક સારી સરકારી નોકરી કરતો હતો. એને સુંદર પરિવાર હતો. કોઈ સાથે દુશ્મની પણ હતી નહીં. તો આવી ઘાતકી હત્યા કરી કોણે ? આ સવાલનો જવાબ કોઈ પાસે હતો નહીં. પોલીસ માટે આ કેસ ઉકેલવો એક કોયડારૂપ હતો.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

 અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ કેસની ગંભીરતા સમજી કેસ LCBને સોંપ્યો. તત્કાલીન એલસીબી પી.આઈ. વાઘેલા અને તેમની ટીમે કેસને ઉકેલવા મોરચો સંભાળ્યો. અરવલ્લી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમિદારોને કામે લગાડ્યા. કેસની વધુ તપાસ કરતાં જે તથ્યો બહાર આવતાં ગયાં તે ચોંકાવનારાં હતાં. અજયની કોલ ડિટેઇલનું વિષ્લેષણ  કરતાં એક ફોન નંબર શંકાસ્પદ જણાતો હતો. એ નંબર પર અજય દિવસમાં અનેકવાર વાતચિત કરતો. અજયના નંબર પરથી છેલ્લી વાત પણ એ શંકાસ્પદ ફોન ઉપર જ થઈ હતી. પોલીસે તેની વિગત મેળવી. એ ફોન નંબર કુસુમ હતો. કુસુમ એ અજયના કુટુંબી નાના ભાઈની પત્ની હતી. હવે આ હત્યા કેસે નવા જ વળાંક લીધો.

કુસુમ યુવાન હતી. સુંદર હતી. તે તેના સાસુ સસરા સાથે એકલી રહેતી હતી. પોલીસે કુસુમની પૂછપરછ આદરી. પોલીસથી સત્ય છુપાવવું અશક્ય હતું. ઉલટ સુલટ પ્રશ્નો પૂછતાં કુસુમ ભાંગી પડી. પોલીસને અતઃથી ઇતિ કહી સંભળાવ્યું તે અત્યંત આઘાતજનક હતું.

કુસુમે પોલીસને જણાવ્યું  "ભર્યાભાદર્યા પરિવારમાં મારો ઉછેર થયો. યુવાનીના ઉંમરે પગ મૂકતાં જ મારાં કાકીના ભાઈ કેતન સાથે આંખો મળી અને પ્રેમ સંબંધે બંધાઈ ગઈ. કેતનને સાથે જીવવા મરવાના કોલ આપી ચુકી હતી. એટલે એની સાથે રહેવા ઘેરથી ભાગી નીકળી. ભલે વિધિપૂર્વક અમારાં લગ્ન નથી થયાં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી અમે પતિ પત્નીની જેમ રહીએ છીએ.

કેતનનો પરિવાર સાધારણ પરિવાર હતો. પરિવારના નિભાવ માટે કેતન કચ્છમાં નોકરી કરવા ગયો. મારા સસરા એટલે કે કેતનના પિતાને બી.પી.ની બીમારી હતી. તમને સાચવવા મારે તેમની સાથે ઘેર જ રહેવું. પડતું. કેતન મહિને બેત્રણ દિવસ માટે ઘેર આવતો. એ બેત્રણ દિવસ જ અમે સાથે રહી શકતાં. એ પછી કેતનની હૂંફ માટે મારે મહિનાની રાહ જોવી પડતી. વિરહ ક્યારેક અસહ્ય થઈ પડતો.

 મારા સસરા બીમાર રહેતા હોવાથી અજય અવાર નવાર ખબર કાઢવા આવતો. અજય એ મારો કૌટુંબિક જેઠ પણ થતો. સસરાની ખબર જોવાનું એક બહાનું હતું એ મને જ જોવા આવતો. એ ઘેર આવી મને નીરખ્યા કરતો. એની નજર પરથી  અજયના ઈરાદા હું પામી ગઈ. મને પણ એકલતા કોરી ખાતી હતી. મને પણ અજયનો સહવાસ ધીમે ધીમે પસંદ આવવા લાગ્યો. મર્યાદાઓ ઓળંગી  સંબંધમાં અમે ક્યારે આગળ વધી ગયાં એ હું કાંઈ સમજી ન શકી. એ પછીતો અજય અને હું અવારનવાર મળતાં રહેતાં. પરંતુ મારા પતિ કેતનને જો આ સંબંધની જાણ થશે તો ? આ વિચાર જ મને કંપાવી મુકાતો. ક્યારેક ઘોર પાપ કર્યાની લાગણી અનુભવાતી.

 આ સંબંધને વધુ આગળ વધતાં અટકાવી દેવો મને યોગ્ય લાગતું હતું. અજયથી હું દૂર થવા પ્રયત્ન કરતી હતી. પરંતુ અજય હવે દૂર જવા માટે તૈયાર ન હતો. ઘણું સમજવ્યા પછી પણ એના ફોન આવ્યા જ કરતા હતા. આ સંબંધ મારા માટે હવે એક બોઝ બની ગયો હતો.

એક વાર મારા પતિ કેતન કચ્છથી ઘેર આવેલા હતા. એ દરમિયાન મારા ફોનની કોલ ડિટેલમાં અજયનો નંબર જોઈ કેતનને શંકા ગઈ. અને મેં સઘળી હકીકત કહી સંભળાવી કે હવે મારે અજય સાથે કોઈ સંબંધ નથી રાખવો પણ અજય સતત ફોન કર્યા જ કરે છે. હું પણ કંટાળી છું.  એ જ રાત્રે  અમે આ સંબંધનો કાયમી અંત કેવી રીતે લાવવો એની યોજના ઘડી કાઢી.

 બીજા દિવસે અજયનો ફોન આવ્યો. એ મને મળવાની સતત જીદ લઇને બેઠો હતો. એને મળવા માટે મેં જ જગલમાં બોલાવ્યો. યોજના પ્રમાણે થોડા અંતરે મારો પતિ કેતન સંતાઈને બેઠો હતો.  મારો ફોન કેતનને ડાયલ કરી ચાલુ રાખી બાજુમાં મૂકી દીધો હતો. અજય જંગલમાં મને મળવા આવી પહોંચ્યો. થોડી વાર અલપઝલપ વાતો કર્યા પછી  એને ફરી અંગત પળો માણવા જીદ કરી. મારો પતિ આ બધી જ વાતો ફોનથી સાંભળી રહ્યો હતો. કેતન ગુસ્સે થઈ અમે જ્યાં બેઠાં હતાં ત્યાં દોડી આવ્યો. કેતને  અજયનું ગળું દબાવી દીધું. રાત્રે ઘડેલી યોજના પ્રમાણે મેં  નાડીના છેડે ધારદાર ચપ્પુ સંતાડી રાખ્યું હતું. એ ચપ્પુ મેં કેતનને આપ્યું. અજય જીવતો છૂટી ન જાય એટલે  ચપ્પા વડે બે ત્રણ ઘા ઝીંકી દીધા. અમારી નજર સામે જ અજય તરફડીને મૃત્યુ પામ્યો. અજયના લોહીથી રંગાયેલા કેતનના હાથ મેં પાણીથી ધોવડાવ્યા. ચપ્પુ પણ ત્યાં જંગલમાં જ ફેંકી દીધું.

અમે ઘેર આવી જાણે કાંઈ જ બન્યું ન હોય એમ કામમાં પરોવાઈ ગયાં. અજયના ગુમ થયાના સમાચાર વાયુ વેગે ફેલાયા પણ એ ક્યાં હતો એ હું અને કેતન જ જણાતાં હતાં. હત્યા નો કોઈ પુરાવો અમે છોડ્યો ન હતો. એટલે અમેને એમ હતું કે કોઈ અમારા પર શંકા પણ નહીં કરે અને પોલીસ પકડી પણ નહીં શકે. પણ અમારી બધી ધારણાઓ ખોટી પડી. હા, હું સ્વીકારું છું કે હું ગુનેગાર છું. મેં અને મારા પતિ કેતને સાથે મળીને અજયની હત્યા કરી છે." કુસુમની જુબાની સાંભળી પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ. પોલીસે કેતન અને કુસુમને જેલના હવાલે કરી દીધાં.  

    અરવલ્લી પોલીસ વડા સંજય ખરાત કહે છે. જીવનમાં કોઇપણ અનીતિક કામ કરશો તો એનો આનંદ ક્ષણિક હોય છે. પરંતુ એનો આખરી અંજામ અત્યંત  કરુણ  આવતો હોય છે. આપણે એ વાત ક્યારેય ભુલવી ન જોઈએ કે  પાપ હંમેશા છાપરે ચઢી મને પુકારતું હોય છે. કુસુમ અને કેતન તો હવે હત્યાના ગુનામાં જેલમાં છે. પરંતુ અજયનો પરિવાર નિરાધાર બની ગયો છે. સમાજે આવા કિસ્સાઓમાંથી બોધપાઠ લેવો રહ્યો. 

(સત્ય ઘટના : નામ પરિવર્તિત કરેલ છે.)  

  - ઈશ્વર પ્રજાપતિ 

9825142620


1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts