name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: અણમોલ ભેટ

Tuesday, September 20, 2022

અણમોલ ભેટ

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

 અનમોલ ભેટ.



વર્ષ ૨૦૧૯ ની આ વાત છે. પણ હજી એની લીલીછમ યાદ હૃદયમાં સચવાયેલી છે અને આજીવન સચવાયેલી જ રહેશે. વાત જાણે એમ છે કે તારીખ ૨૦ મી સપ્ટેમબર ૨૦૧૯ નો એ દિવસ જીવનનો એક એવો યાદગાર દિવસ છે જેને હું કદાચ આજીવન નહીં ભૂલી શકું.
લેખન યાત્રા થકી શબ્દ પ્રેમીજનોનો અપાર પ્રેમ અને આદર પામ્યાંનો મને આનંદ છે. કદાચ આપ માની નહીં શકો પરંતુ અત્યાર સુધી તમે બ્લોગ પર ના જેટલા આર્ટીકલ વાંચ્યા છે એ તમામ આર્ટિકલ કોમ્પ્યુટરના અભાવે મોબાઈલથી ટાઈપ કરી લખાયેલ છે. આખો દિવસ શાળામાં વ્યસ્ત હોવાના કારણે રાત્રીના 1 થી સવારે 6 વાગ્યા સુધી મારી શબ્દ સાધના ચાલુ રહેતી અને ત્યારે સવારે 7 વાગે હું આર્ટિકલ પોસ્ટ કરી શકતો. આજ સવાર સુધી આ જ ક્રમ જળવાઈ રહ્યો.
સુપ્રસિદ્ધ કેળવણીકાર અને શિક્ષણવિદ ડો. #મોતીભાઈ_પટેલ ઉર્ફે #મોતીદાદાના ધ્યાને આ વાત આવી. નિરાંતે બે કલાક દાદા સાથે બેસી વાતો કરવાનું તો જીવનમાં પહેલી વાર ગત રવિવારે જ બન્યું. માત્ર એક જ મુલાકાત. અને આજે દરિયાદિલ મોતીદાદાએ એક અણમોલ ભેટ મારા હાથમાં મૂકી.
ડૉ. મોતીભાઈ પટેલ ઉર્ફે મોતીદાદા સાહિત્ય અને શિક્ષણ જગતમાં આ નામ કોણ નથી જાણતું??? કેળવણીનો ઘેઘૂર કબીરવડ જ જોઈલો!!! તેઓની શબ્દ સાધનાનો હું ચાહક. છાપા આવતી તેઓની કોલમનો હું નિયમિત વાંચક.
૧૫ મી સપ્ટે. ૨૦૧૯ ને રવિવારનાં રોજ દાદા અમદાવાદથી તેઓના વતન ઇસરીના વૃંદાવન ફાર્મ પર આવવાના હતા. તો તેઓનો સંદેશો મળ્યો કે ' ઈશ્વર ઇસરી આવું છું. અનુકૂળતા હોય તો આવ. મળીએ ' દાદાને મળવાની ઝંખના ખૂબ હતી. રવિવારે ઇસરી આવવા જવાની મારી તમામ વ્યવસ્થા દાદાએ ફોનથી ગોઠવી દીધી. દાદા સાથે પુરા બે કલાક નિરાંતે ગાળ્યા. હીંચકે ઝૂલતાં ઝૂલતાં દાદાએ દાયકાઓનું અનુભવનું ભાથું અમારી આગળ ખુલ્લું મૂક્યું. શિક્ષણ અને સાહિત્ય ગોષ્ઠિ જામી. દાદાએ આગ્રહ કરી લીલી મકાઈના ડોડાનો છૂંદો ખવડાવ્યો. કહો ને કે મોજ પડી ગઈ. મનોરમ્ય વૃંદાવન ફાર્મ પર ગાળેલા એ બે કલાક જિંદગીની ધબકતી ક્ષણો હતી.
હું ઘરે પહોંચ્યો તો દાદાનો મેસેજ મળ્યો " ઈશ્વર મારી એક વિનંતી સ્વીકારે તો એક વાત કહું"
મેં જવાબ આપ્યો : "દાદા આપે વિનંતી નહીં આદેશ કરવાનો હોય! બોલો શુ કરવાનું છે મારે આદેશ કરો."
દાદાનો વળતો મેસેજ આવ્યો "મારા તરફથી સરસ કૉમ્પ્યુટર લઈ લે.મને કિંમત જણાવ.તરત મોકલી આપીશ."
હું વંદન કહી નિરુત્તર રહ્યો. બીજા દિવસે ફરી દાદાએ મેસેજ કર્યો "કોમ્પ્યુટર લીધું ??"
હું ફરી નિરુત્તર રહ્યો. હું શું જવાબ આપું?? દાદા પાસે થી કોમ્પ્યુટર ના પૈસા કેમ લેવાય ?? તો એ જ દિવસે સાંજે હું ઘરે પહોંચું એ પહેલાં વિનોબા ભાવે આશ્રમ શાળાના આચાર્ય મારા ઘરે આવી બેઠા હતા. તેઓ એ મને કહ્યું " દાદાએ આપને કોઈ મેસેજ કર્યો હતો?"
મેં કહ્યું "હા, દાદા કોમ્પ્યુટર લેવાનું કહે છે. પરંતુ મારાથી કેમ લેવાય?"
કનુભાઈ સાહેબે કહ્યું. "દાદાએ આપના કોમ્પ્યુટર ની જવાબદારી મને સોંપી છે. અને આપના માટે Dell નું એકદમ લેટેસ્ટ વરઝન નું લેપ્ટોપનો ઓર્ડર આપી ને આવ્યો છું. જે આપને બે દિવસમાં મળી જશે"


હું અવાક બની સાંભળી જ રહ્યો. તરત જ દાદાને મેં ફોન જોડ્યો અને કહ્યું " દાદા સાવ આવું કરવાનું?"
દાદા એ કહ્યું "ઈશ્વર, તું જે કામ લઈને નીકળ્યો છે એની સામે આ કંઈ નથી. આ લેપટોપથી તારા લેખન કાર્યને વેગ મળશે. તું ઝડપથી આગળ વધી શકીશ. અને કોમ્પ્યુટર ની જગ્યાએ લેપટોપ એટલે આપ્યું કે તું પ્રવાસ દરમિયાન પણ સાથે રાખી શકે. અને લખી શકે."
દાદાની વાત સાંભળતા સાંભળતા જ મારી આંખના ખુણા ભીના થયા. આટલું ઓછું હોય એમ દાદા વાત આગળ લંબાવતા બોલ્યા "સંભાળ ઈશ્વર, મારુ જો ચાલે તો તને ભાડાના મકાનમાં રહેવા દઉ નહિ. તને મકાન બનાવી આપું" દાદાના શબ્દો લાગણીથી તરબતર હતા. દાદાની મારા પરની અપાર લાગણી અને અસીમ પ્રેમ જોઈ મારી આંખોમાં પૂર ઉમટયું. અને આજે કોમ્પ્યુટર દુકાનમાંથી ફોન આવ્યો. "ઈશ્વરભાઈ તમારું લેપટોપ આવી ગયું છે. શાળાએથી ઘરે જતાં લેતા જજો."
દાદાનું આ ઋણ હું કયા ભવે ચુકવી શકીશ?? કદાચ ક્યારેય નહીં!!
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

3 comments:

  1. ઉત્તમ કાર્ય. વખાણવા લાયક.

    ReplyDelete
  2. ખરેખર દાદા ખૂબ ઉદાર છે સુરેન્દ્રનગર હતો ત્યારે તેમના હાથે બનાવેલી ચા પીધેલી છે કોઈ મોટાઈ નથી

    ReplyDelete
  3. ઉત્તમ વ્યક્તિત્વનું ઉત્તમ ઉદાહરણ....દાદાને હૃદય પૂર્વક નમન...

    ReplyDelete