Saturday, March 12, 2022

સન્ડે સ્પેશિયલ - 8

“પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામાં મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી, આ કારણે કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોચી ચૂક્યો છું.” : ડૉ. અબ્દુલ કલામ 

           


          કોઇપણ મહાન વ્યક્તિઓ માટે સમકાલીન મહાન વ્યક્તિનો સ્વીકાર કરવો એ ઘણું મુશ્કેલ હોય છે. અને એમાં’ય  જ્યારે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક હોય અને બંધારણીય સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય ત્યારે કોઈ અધ્યાત્મિક ગુરુનું શિષ્યત્વ સ્વીકારવું એનાથી પણ અઘરૂ હોય છે. પરતું પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામ કોઈ જુદી માટીના માનવી હતા. ડૉ. કલામે Transcendence પુસ્તક લખી માનવા સમાજ માટે ખુબ મોટી ભેટ પ્રદાન કરી છે. લાખો લોકોના જીવન પરિવર્તિત કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના દિવ્ય અનુભવો ડૉ. કલામે Transcendence પુસ્તકમાં  વિનમ્રભાવે આલેખ્યા છે.!  જાણીતા પત્રકાર અજય ઉમટે “પરાત્પર” નામે આ પુસ્તકનો ખુબ સુંદર  ગુજરાતી અનુવાદ  કર્યો છે. અબ્દુલ કલામ જેવા પ્રખર વૈજ્ઞાનિક પ્રમુખાસ્વમીજીનું શિષ્યત્વ સ્વીકારતાં કેવી નિખાલસ વાતો આ પુસ્તકમાં આલેખી છે એ આપણા સૌ કોઈ માટે પ્રેરક છે. આ પુસ્તકના કેટલાક અંશો અહી પ્રસ્તુત છે.

            ડૉ. કલામ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે: “મને મારા શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક પ્રમુખસ્વામી મહારાજનો ભેટો અજાણતા જ થયો હતો. કદાચ મારી નિયતિ અને મારી જીજ્ઞાશા મને પ્રમુખસ્વામી સુધી દોરી ગઈ હતી. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કચ્છના ભૂકંપ પછી પુનઃ વસવાટના કાર્યોની સમિક્ષ કરવા મેં ભૂજની મુલાકાત લેધી હતી. ત્યાં ૧૫ માર્ચ ૨૦૦૧ નાં રોજ મારી મુલાકાત પ્રમુખસ્વામી મહારાજના એક શિષ્ય બ્રહ્મવિહારી દાસજી સાથે થી હતી. સાધુ બ્રહ્મવિહારી દાસજીએ મને આશ્ચર્યચકિત કરે તેવો એક પ્રશ્ન પૂછ્યો હતો. અને તેનો અધ્યાત્મિક જવાબ એકાએક મને સ્ફૂર્યો હતો. સાધુ બ્રહ્મવિહારી દાસજી એ મને પૂછ્યું હતું : ‘ પ્રથમ અણુબોમ્બ વિસ્ફોટ પછી રોબર્ટ ઓપેન હાઈમરે શ્રીમદ ભગવદ ગીતાના શબ્દો ‘હું જ આ દુનિયાનો સંહારકર્તા છું.’ નું સ્મરણ કર્યું હતું. ભારતના પ્રથમ અણુબોમ્બનું  પરિક્ષણ કર્યા પછી  તમને શો વિચાર આવ્યો?’

           ‘આ પ્રશ્ન સાંભળીને હું મૂંઝાઈ ગયો હતો અને પછી  મેં  કહ્યું હતું :’દૈવી ઉર્જા કે પરમેશ્વર તરફથી વહેતો ઉર્જાનો અખૂટ સ્રોત ક્યારેય વિધ્વંશક હોતો નથી; તે તોડતો નથી, જોડે છે.’

            સાધુ બ્રહ્મવિહારીદાસજીએ તરત  વળતો જવાબ આપતા કહ્યું હતું : ‘ અમારા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ એકતાના મહાન શિલ્પી છે. પ્રમુખસ્વામીજી એ ખંડિત થયેલા અમારા જીવનમાં નવશક્તિનો સંચાર કરવા માટે અમારી અંદર રહેલી ઉર્જાને પુનઃ યોગ્ય દિશામાં વહેતી કરી, અમારી ઉર્જાને ચેતનવંતી બનાવી છે.’

          સાધુ બ્રહ્મવિહારીદાસજીની વાત સાંભળીને અભિભૂત થઈને મેં પ્રમુખસ્વામી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મારો આશય આવા મહાપુરુષોનો પરિચય કેળવવાની હતો, પણ અલ્પ પરિચય સ્વરૂપે થયેલી અમારી આકસ્મિક મુલાકાત જાણે “દૈવી નિયતિ” બની ગઈ હતી.

           ડૉ. કલામ આગળ નોધે છે : “પ્રમુખસ્વામી મહારાજને હું પ્રથમ વખત ૩૦મી જૂન , ૨૦૦૧ના રોજ ઉનાળાની એક સાંજે મળ્યો હતો. ભગવા વસ્ત્રોમાં શોભાયમાન, ગૌરવપૂર્ણ સૌમ્ય ચહેરો ધરાવતા પ્રમુખસ્વામી જાણે ચોતરફ દિવ્યતા રેલાવતા હોય, એવી આભા એમાંના મુખાર્વીન્દને જોતા જ પ્રથમ દ્રષ્ટિએ મારા મનમાં પડી હતી. પ્રમુખાસ્વામિજીની પ્રભાવશાળીને દિવ્યતા સભર ઉપસ્થિતિમાં અમે ટૂંકા સંવાદની શરૂઆત કરી.

         મેં પ્રમુખસ્વામી જી સમક્ષ મારા વિઝન-૨૦૨૦ના વિચારો પ્રસ્તુત કરતાં કહ્યું : ‘ભારતમાં પરિવર્તન લાવવાના હેતુથી  પાંચ ક્ષેત્રો તારવ્યા છે. : 1. શિક્ષણ અને આરોગ્ય 2. કૃષિ 3. માહિતી અને પ્રત્યાયન 4. માળખાગત સુવિધાઓ અને 5. મહત્વપૂર્ણ ટેકનોલોજી.’

          પ્રમુખાસ્વામીજીએ સ્મિત રેલાવીને સૌ પ્રથમ ઉચ્ચારેલા શબ્દો હતા : ‘ભારતને પરિવર્તિત કરવાનાં આપે જે પાંચ ક્ષેત્રો તારવ્યા છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો. : ‘ભગવાન માં શ્રધ્ધા તથા આધ્યાત્મિકતા થકી લોકોનો વિકાસ’ આ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે.’  પ્રમુખસ્વામીના આ વિધાનની સ્પષ્ટતા, ચોકસાઈ અને દ્રઢતાથી હું આશ્ચર્ય ચકિત થઇ  ગયો.

     મૌન રહેવું મુનાસીબ માની હું શાંત ચિત્તે પ્રમુખસ્વામીજી વધુ બોલે તેની રાહ જોતો અનિમેષ નજરે પ્રમુખસ્વામી જી નાં મુખારવિંદ સમક્ષ  જોઈ રહ્યો. મને જાણે કોઈએ દિવ્ય ઉપસ્થિતિની અનુભૂતિ થઇ  રહી હતી. ખરેખર પ્રમુખસ્વામીજીમાં એક પરમ શક્તિ વસે છે; એક પરમ આત્મા, આત્માનો પણ આત્મા.  મને આપણા પ્રાણ ક્ષેત્રની સૌથી નજીક હોય એવા જુદા જ દિવ્ય તત્વ સાથેના જોડાણનો અનુભવ થયો. પ્રમુખસ્વામી જીના દિવ્ય તેજથી મારું અંતઃકરણ ઝળહળી ઉઠ્યું. જાની મારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થી હોય એવી અનુભૂતિ થઇ રહી હતી.

      મને લાગ્ય કે પ્રમુખસ્વામીજી સાથે હું જીવનની એક પરિવર્તનશીલ ઘડીમાથી પસાર થઇ રહ્યો હતો. અને જાણે હું કોઈએ જુદી જ દુનિયામાં પ્રવેશી રહ્યો હતો.”

        ડો. કલામ પુસ્તકના એક પ્રકરણમાં જણાવે છે કે “પ્રમુખસ્વામી મહારાજને મળવા છેલ્લે ,૧૧ માર્ચ ૨૦૧૪નાં રોજ ગુજરાતના સાળંગપુર ગયો હતો. સુંદર ફૂલોથી મહેકતા બગીચામાં અમે બેઠા હતાં. જ્યાં મોર ગહેકાતા હતાં. અધ્યાત્મિક અને લાગણીસભર વાતાવરણ માં પ્રમુખસ્વામી મહારાજે ૧૦ મિનીટ સુધી મારો હાથ પકડી રાખ્યો હતો. અમે બંને મૌન હતા. અમારી વચ્ચે એકપણ શબ્દનું આદાન પ્રદાન થયું નહતું. મૌનનું મહાત્મ્ય છવાયું હતું. ચેતનાના સુક્ષ્મ સંચાર સાથે અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યાં આ એક આધ્યાત્મિક અનુભવ હતો.

           સાળંગપુર પ્રમુખસ્વામી મારારાજ સાથે બગીચામાં સંપૂર્ણપણે અલગ અનુભવ થયો. અગાઉ બે પ્રસંગોમાં મને લાગ્યું હતું કે મને જે અનુભૂતિ થી રહી છે તે મારી કલ્પનાઓ છે , જો કે આ વખતે સક્ષાત્કાર થયો હતો. પ્રમુખસ્વામી મહારાજે સ્વયં મારો હાથ પકડ્યો હતો. હું શૂન્ય મનસ્ક થઇ ગયો હતો. અને શાશ્વત શાંતિ તરફ દોરી રહ્યો હતો. મને અહેસાસ થયો હતો કે તેમના હાથમાં કાયાપલટ કરી શકે તેવી અખૂટ ઉર્જા છે. જેની અત્યારે વિશ્વને સૌથી વધુ જરૂર છે. આ ઉર્જાનો પ્રવાહ સમગ્ર જગતમાં પરિવર્તન આણી શકે છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખસ્વામીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે. તેઓ ક્ષનિક અને નાશવંત પ્રકૃતિથી પર છે. મને એવો અહેસાસ થયો હતો કે માનવજાતના ઉત્થાન માટે, તને સામર્થ પ્રદાન કરવા માટેના સર્વશક્તિમાન ભગવાનનો દિવ્ય સંદેશ, પ્રમુખસ્વામી મહારાજ મારફતે મને મળી રહ્યો છે. એક એવો સંદેશો કે જે માનવા જગત વિસરી ચુક્યું હતું.

          ૨૫ એપ્રિલ ૨૦૦૭ નાં દિવસે અબ્દુલ કલામે યુરોપીયન સંસદ ને સંબોધન કર્યા બાદ તેમના શબ્દો હતા કે  ‘મારા માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજ બોલી રહ્યાં છે. આખી સંસદે તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.’ અને યુરોપિયન સંસદના પ્રમુખે કહ્યું : ‘ તેમણે ક્યારેય આવું ભાષણ સાંભળ્યું ન હતું. આ તો ભગવાન પ્રેરિત ભાષણ હતું.”

         જ્યારે અબ્દુલ કલામે પ્રમુખાસ્વમીજીને રાષ્ટ્રપતિ ભાવનામાં પધારવાનું આમંત્રણ આપ્યું ત્યારે પ્રમુખસ્વામીજીનો જવાબ કાળબાહ્ય હતો. તેમણે કહ્યું “ તમે મને જ્યારે પણ યાદ કરો ત્યારે હું તમારી સાથે રાષ્ટ્રપતિ ભાવનામાં જ હોઉં છું.”  ડૉ.  કલામ નોધે છે કે અમારું જોડાણ વધુ ગાઢ બની રહ્યું હતું. પ્રમુખસ્વામીજીની ગેરહાજરીમાં પણ હું તેમની હાજરી અનુભવતો.”

          પ્રમુખસ્વામીજી સક્ષાત કરુણામૂર્તિ હતા. ડૉ કલામ  કહે છે કે “૨૪ મી સપ્ટેમ્બર ૨૦૦૨, સાંજે ૪.૪૫ કલાકે ગાંધીનગરના અક્રધામ મંદિર પર ત્રાસવાદી હુમલો થયો. અક્ષરધામ પરના આ ત્રાસવાદી હુમલામાં ૩૧ નિર્દોષ દર્શનાર્થીઓ, હરિભક્તો , કમાન્ડોઝ અને એક સાધુ પણ જીવ ગુમાવી બેઠા હતા.  23 પોલીસ કર્મીઓ સહીત ૮૦ થી વધુ લોકો ઘવાયા હતા.  આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કમાન્ડો સુર્જનસિંહ ભંડારી બે વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ શહીદ થયા.

         પ્રમુખ સ્વામી જી એ  કોઈએ પણ પ્રકારના હેતુપૂર્વકનું દોષારોપણ કર્યા વિના ઉદારતા દાખવી. અક્ષર ધામ એમનું અત્યત અમૂલ્ય , ભવ્ય અને અદભુત સર્જાના હતું એમાં છતાં પ્રમુખસ્વામીજી શાંત રહ્યા. તેમની સાધુતા હૃદયસ્પર્શી હતી. પ્રમુખસ્વામીએ ભોગ બનેલા કમ નસીબ લોકો અને શોકગ્રસ્ત સંબધિ માટે ઊંડા શોક અને સહાનુભુતિ ની લાગણી વ્યક્ત કરી અને પ્રાર્થના કરી. ઘવાયેલા જલદી સાજા થાય તે માટે પણ તેમેને પ્રાર્થના કરી. બે ત્રાસવાદીઓ જે મૃત્યુ પામ્યા હતા, ત્યાં પણ તેમને પવિત્ર જળ છાંટી પુષ્પો વેર્યા. તેમની આંખોમાં લેશ માત્ર આક્રોશ ન હતો. ઉપસ્થિત સેંકડો લોકો અને સાધુઓ પ્રમુખાસ્વામીજીની અગાધ ક્ષમાશિલતા જોઈએ અચંબિત હતા. તેમની લાગણી સભર પ્રાર્થના એ જ હતી કે ભવિષ્યમાં આતંકનાં આવા વિચારો કોઈની મનમાં જન્મે નહિ અને આવી કરુણ ઘટનાની વેદના સમગ્ર વિશ્વમાં કોઈ દેશ કે સમુદાયના લોકોને સામનો ન કરવો પડે”.  

          ડૉ. કલામ પ્રમુખસ્વામી સાથેનો  પોતાનો દિવ્ય અનુભવ ટાંકતા લખે  છે કે “ હું એ નથી જાણતો કે પ્રમુખ સ્વામીજી ને હું ફરી ક્યારે માલીશ. જોકે એમાંના શબ્દો મારી સ્મૃતિમાં સંગ્રાહાઈ ગયા છે. અમારી વચ્ચે દિવ્ય સંબંધ સ્થપાઈ ગયો છે, જે શાશ્વત છે. મારા પર થયેલી પ્રમુખસ્વામી જી ની અસરનો સાર હું કઈ રીતે સમજાવું ? એમને મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે. તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે. જે આરોહણનો પ્રારંભ મારા પિતાએ કરાવ્યો, ડો બ્રહ્મપ્રકાશ તથા સતીશ ધવને જેનું પોષણ આપ્યું : અને આખરે હવે પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામા મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી આ કારણે કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોચી ચૂક્યો છું.”

(સંદર્ભ : ‘પરાત્પર’  મૂ.લે. -  ડૉ. અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે, અનુ. અજય ઉમટ)

                                                                                             - ઈશ્વર પ્રજાપતિ

98251 42620 (whatsapp only) 

1 comment: