Thursday, April 8, 2021

મારુ જાળીયું, સોનાનું માળિયું

 "મારુ જાળીયું, સોનાનું માળિયું"




             જાલિયાના મઠ ધામના ગુરુ ગાદીપતિ પ.પૂ. સદગુરુ કેશવદાસજી મહારાજ આજે બ્રહ્મલીન થયા. ભર્યો ભાદર્યો પરિવાર અને સઘળી સુખ સાહેબી છોડી  પ. પૂ. કેશવદાસજી મહારાજે પોતાનું જીવન જલિયા મઠ મંદિરને સમર્પિત કર્યું હતું. ભક્તિના રંગે રંગાઈને સમાજને ઉમદા સંદેશ તેઓએ આપ્યો. તેઓની નિશ્રામાં આ ધામે નવી ઊંચાઈઓ સર કરી. ગુરુગાદી ધામ જલિયા મઠનો મહિમા પણ નિરાળો છે.
           જલિયાના મઠ ધામ આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ દુનિયામાં વસતા ગુરુ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા માથકે થી માત્ર 8-10 કિલોમીટરના અંતરે આવેલું જલિયા ધામ માત્ર પ્રજાપતિ જ્ઞાતિ પૂરતું નહીં પરંતુ ગુરુભક્તિના રંગે રંગાયેલા  અઢારેય વરણના સૌ શ્રદ્ધાળુઓથી  ભર્યું ભર્યું રહે છે.  સમર્થ સદગુરુ મથુરામ મહારાજની આ તપોભૂમિ !!!  વર્ષો પહેલાં મથુરામ મહારાજે અહીં આવી ભક્તિની આહલેખ જગાવી..  હાથમાં સત્યો ( પ્રભુ પ્રસાદીની લાકડી  જે આજે પણ મોજુદ છે. ) માથે પાઘડી, ઘાટી ભરાવદાર મૂછો,  તેજસ્વી મુખમુદ્રા,  અપાર તેજ વરસાવતી આંખો !  તેઓના દર્શન માત્રથી સંતાપ ટળી જાય! બાર બીજના ધણી, અલખાધણી રામપીરના તેઓ પરમ ભક્ત. હાથમાં એકતારો લઈ દિવસ રાત  પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થના કામો કરવા અને આંગણે કોઈ દુખિયારું આવી ચડે તો એનાં દુઃખનું નિવારણ કરે. જ્યારે સમાજ અનેક સામાજિક કુરિવાજો અને બદીયોથી ખદબદતો હતો ત્યારે પ્રજાને  અધ્યાત્મના માર્ગે વાળી સમાજ સુધારણાનું કાર્ય કર્યું.   ભક્તિના બળે મથુરામ મહારાજે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી..  કહેવાય છે કે તેઓની એક હાંકલે અલખાધણી હાજરે હજુર થતા.સદગુરુ મથુરામ મહારાજે જીવતે જીવ સમાધિ લઈ પરમાત્મા માં એકાકાર થઈ ગયા. આજે પણ અને શ્રદ્ધાળુઓને  આ મથુરામ મહારાજના પરચા મળતા જ રહે છે.
             પ. પૂ. મથુરામ મહારાજના સ્વધામ ગમન પછી પ.પૂ. સોમદાસ મહારાજ ત્યાર પછી શાંતિદાસ મહારાજે ભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખી. અને છેલ્લા કેટલાક વર્ષોથી પ. પૂ. કેશવદાસજી મહારાજ જલિયાનામઠ ધામના ગાદીપતિ તરીકે ભક્તિ યજ્ઞની ધૂણી ધખાવી.. વર્ષના 200 - 250 અખંડ જ્યોત પાઠ તેઓ કરતા.. દિવસે સતત પ્રવાસ અને રાત્રીએ સતત જાગરણ! કોઈ અલૌકિક શક્તિ જ  આટલી ઉર્જા પુરી પાડતી હશે ! સદગુરુના આશીર્વાદથી અને મંદિરના પારદર્શક વહીવટ કરતા પ્રમુખ શ્રી અને ટ્રસ્ટીની મહેનત થી   આજે અહીં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. સાથે વિશાળ ભોજનાલય પણ આકાર પામ્યું છે.  સુદ બીજ અને પૂર્ણિમા પર સેંકડો શ્રાધ્ધળુઓ દર્શનાર્થે આવે છે. સૌ હેતે પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. મહાસુદ બીજ અને ગુરુ પૂર્ણિમાએ તો હજારોની સંખ્યામાં શ્રાધ્ધળુઓનું માનવ મહેરામણ દર્શનાર્થે આવે છે.

             જલિયા મઠ મંદિરના ટ્રસ્ટી માન. રણછોડભાઈ પ્રજાપતિ જણાવે છે કે "પ.પૂ. કેશવદાસજી મહારાજ પુણ્ય શ્લોક આત્મા હતા. મંદિરમાં કોઈપણ આવે એને ભાવથી આવકરતા. તેઓની ચીર વિદાયથી સમસ્ત સમાજને કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા પ.પૂ. કેશવદાસજી મહારાજને વૈકુંઠમાં વાસ કરાવે એ જ પ્રાર્થના" 
       પ. પૂ. કેશવદાસજી સદેહે હવે આપણી વચ્ચે હયાત નથી પરંતુ તેઓ ચીરકાળ સુધી શ્રદ્ધાળુંઓના હૃદયમાં હ્રદયસ્થ રહેશે..
             ઈશ્વર પ્રજાપતિના સૌને જય સીતારામ.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
સંપર્ક : ૯૮૨૫૧ ૪૨૬૦

4 comments:

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts