Wednesday, July 29, 2020

મહામારીના મહાયોદ્ધા : ડૉ. યાજ્ઞિક ચૌહાણ


મહામારીના મહાયોદ્ધા : ડૉ. યાજ્ઞિક ચૌહાણ


        સમગ્ર વિશ્વ સાંપ્રત સમયમાં સઘળી સમસ્યાઓ ભૂલીને માત્રને માત્ર મહામારીને માત કરવા કમર કસી રહ્યું છે. કોરોનાએ સર્વત્ર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારત દેશ અને એમાં આપણું રાજ્ય પણ આ મહામારીના પ્રકોપમાંથી બાદ રહી શક્યું નથી. આવી નાજુક પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી એ સમસ્ત વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રજાજનો માટે સૌ માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ આવા સમયે જિલ્લાના આરોગ્ય કર્મીઓ યોદ્ધા બની મહામારીના મોરચો સાંભળ્યો. અને સૌ કર્મીઓના સહિયારા પુરુષાર્થના પરિણામે અરવલ્લી જિલ્લો સંક્રમણ મુક્ત જિલ્લો બનવા તરફ મક્કમતા પૂર્વક કૂચ આરંભી. 
           વાત છે એવા જ એક કોરોના વોરિયર્સની. જેઓનું નામ છે. ડૉ. યાજ્ઞિક ચૌહાણ. તેઓ અરવલ્લી જિલ્લાના આકરૂન્દ ગામે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ જિલ્લામાં વધતા સંક્રમણના કેસોની સંખ્યા વધતા 9 મી મે 2020 ના રોજ થી કોવિડ હોસ્પિટલ વાત્રક ખાતે ફરજ પર નિયુક્ત થયા. અને મહામારી દરમિયાન સતત 41 દિવસ સુધી સંક્રમિત દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન ડૉ. યાજ્ઞિકભાઈએ ન જોયો દિવસ કે ના જોઈ રાત બસ દર્દીઓની સેવાને જ પોતાનો ધર્મ માન્યો અને જે સેવા બજાવી એ ઉદાહરણ રૂપ છે. સતત 15-15 રાતોની રાતો જાગીને નાઇટ ડ્યુટી નિભાવી.

          દાખલ દર્દીઓને પૂરતી સવલતો મળતી રહે એ માટે સતત પ્રવૃત્ત રહ્યા. સમય સર સારવાર મળે એ માટે સંક્રમિત દર્દીઓ પાસે દિવસમાં ત્રણ ત્રણ વાર જઈ ચેક અપ કરી સારવાર કરતા રહ્યા. આ સાથે ઓ.પી.ડી. ની સાથે સાથે ઇમરજન્સી વિભાગની પણ જવાબદારી, સેમ્પલ કલેક્શનની જવાબદારી પણ સુપરે નિભાવતા રહ્યા. આટઆટલું કામ કરવા છતાં થાકનું તો નામોનિશાન નહીં. કોઈપણ કામ માટે જ્યારે પણ હાંક મારો તેઓ તૈયાર હોય. તેઓનના મુખ પરનું સ્મિત અને કામ કરવાનો તરવાળાટ જોતાં દર્દી પોતાનું અડધું દુઃખ આપોઆપ વિસરી જાય. 
          સંક્રમિત દર્દીઓની સેવા કરતાં પોતાનો પરિવાર સંક્રમણનો ભોગ ન બને એ માટે તેઓ સતત પોતાના પરિવારથી પણ દૂર રહ્યા. તેઓનો પણ પરિવાર છે. જ્યારે સમસ્ત દેશના લોકો લૉકડાઉન દરમિયાન પોતાના પરિવાર સાથે હળવી પળો ગાળી રહ્યા હતા એ દરમિયાન ડૉ. યાજ્ઞિકભાઈ તેઓની પત્નિ, તેઓની માતા અને માત્ર ચાર મહિનાની  દીકરીથી દિવસોના દિવસો દૂર રહી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરવામાં વ્યસ્ત હતા. 
           પોતના જાનની કે પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના દિવસ રાત અથાગ મહેનત કરી સંક્રમિત દર્દીઓની સારવારમાં પોતાની જાત નીચોવી દીધી. પરિણામે હોસ્પિટલમાં સારવાર લેતાં મોટાભાગના દર્દીઓ સંક્રમણ મુક્ત બની પરિવાર સાથે પરત ફર્યાં છે.  
           ડૉ. યાજ્ઞિકભાઈએ દર્દીઓની સેવા દરમિયાન પણ પોતાના મુખ પરનું સ્મિત હંમેશા જાળવી રાખ્યું છે. તેઓ એક ઉમદા વ્યક્તિ છે. દર્દીની સેવાને જ પોતાનો ધર્મ માનતા ડૉ. યાજ્ઞિકભાઈને અભિનંદન આપીએ એટલા ઓછા છે. આવા દેવદૂત સમાન ડોકટરને પ્રભુ હંમેશા સ્વસ્થ્ય રાખે એ જ પ્રાર્થના.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપના પ્રતિભાવ મો. નં 98251 42620 પર વોટ્સએપ દ્વારા મોકલી શકો છો.

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts