Sunday, July 26, 2020

ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર શ્રી અજય ઉમટ

ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર શ્રી અજય ઉમટ 

        
        
        ગુજરાતના બહુ લબ્ધપ્રતિષ્ઠિત તંત્રી-પત્રકારોમાં મોખરાનું એક નામ એટલે શ્રી અજય ઉમટ. એવું કહી શકાય કે તેઓ ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર છે. હાલ તેમના સુકાની પદે ‘નવગુજરાત સમય’ અખબાર સફળતા અને વૃદ્ધિનાં એક પછી એક સોપાનો સર કરી રહ્યું છે. અંગ્રેજીમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના સિનિયર એડિટર તરીકે પણ તેઓ દેશભરમાં ચર્ચા જગાવે તેવા કેટલાય અહેવાલોના પ્રણેતા રહી ચૂક્યા છે. સ્ટેટ એડિટર તરીકે તેમનાં નેતૃત્વ હેઠળ જ ‘દિવ્ય ભાસ્કર’ ગુજરાતી અખબારે પ્રગતિની છલાંગ લગાવી હતી. ગુજરાત સમાચારના અગ્રણી પત્રકાર તથા કોલમિસ્ટ તરીકે તેમની કલમનો જાદુ વર્ષો સુધી ગુજરાતી વાચકોએ માણ્યો છે. 
         સંદેશ, જનસત્તા-લોકસત્તા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી) તથા ઇન્ડિયા ટૂડે (ગુજરાતી ) સહિતનાં અખબારો-સામાયિકો થકી તેમની પત્રકારત્વની યાત્રા ગુજરાતભરના કેટલાય પત્રકારો માટે પથદર્શક રહી છે. ગુજરાતનો વિનાશકારી ભૂકંપ, અક્ષરધામ પરનો આતંકવાદી હુમલો, ગુજરાતનાં કોમી રમખાણો સહિતની પાછલા કેટલાય દાયકાઓની દેશ અને દુનિયાને હચમચાવનારી ઘટનાઓ તથા ગુજરાતના રાજકીય પ્રવાહો સંબંધી કેટકેટલીય બ્રેકિંગ સ્ટોરીઝનું શ્રેય તેમના નામે બોલે છે. 
        વાસ્તવમાં ગુજરાતના આધુનિક રાજકીય ઇતિહાસના એક આધારભૂત તજજ્ઞ તથા વિશ્લેષક તરીકે દેશ-દુનિયામાં તેમણે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આથી જ દેશવિદેશનાં કેટલાંય રેડિયો સ્ટેશન્સ ઉપરાંત ટીવી ચેનલો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાયિકો તેમના અભિપ્રાય અને એનાલિસીસની હંમેશાં માંગ રહે છે. ગુજરાતી ચેનલો પર સાંપ્રત પ્રવાહો અંગે તેમનાં ધારદાર અવલોકન, દૃષ્ટિકોણ તથા બેહદ ઊંડાણભર્યા ઇન્ટરવ્યૂઝ માટે ગુજરાતી દર્શકો તેમની પ્રતીક્ષા કરતા હોય છે. ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’, ‘નુક્તેચીની’ સહિતની તેમની અખબારી કોલમો બહુ વિશાળ વાચક વર્ગ ધરાવે છે. માત્ર રાજકારણ જ નહીં પરંતુ ગુજરાતના ઉદ્યોગજગત, કલા અને સાહિત્યજગત ,શિક્ષણ ક્ષેત્ર અને જાગૃત કર્મશીલોમાં તેઓ એટલી જ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. ખરું કહીએ તો ગુજરાતના જાહેરજીવનમાં તેમનાં સ્તરની લોકપ્રિયતા અને સંપર્ક સામર્થ્ય ધરાવનારા સંપાદકો જુજ છે. ગુજરાત મીડિયા કલબના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. તો સાથે સાથે કેટલીય ખ્યાતનામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ માર્ગદર્શક અને નિષ્ણાત સલાહકાર તરીકે તેઓ જોડાયેલા છે.
         શ્રી અજય ઉમટ એક પ્રખર લેખક પણ છે. તેમના તંત્રી લેખોના સંપાદન પ્રગટ થઇ ચૂક્યાં છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત અબ્દુલ કલામે બીએપીએસના સ્થાપક પૂ. પ્રમુખ સ્વામી વિશે લખેલાં પુસ્તક Transcendence : My spirutual experiences with Pramukh Swamiji નો ભાવવાહી અનુવાદ તેમણે ‘પરાત્પર’ તેમણે કર્યો છે. આ ઉપરાંત પત્રકારત્વ તથા અન્ય સાંપ્રત વિષયોને લગતાં સંપાદનો પણ તેમણે આપ્યાં છે. 
           પત્રકાર તરીકે શ્રી અજય ઉમટ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન તથા અન્ય મહાનુભવો સાથે અમેરિકા, રશિયા, સિરિયા, કઝાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, યુકે, તાન્ઝાનિયા, ઇથિઓપિયા સહિતના દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તેઓ બ્રિક્સ સમીટનું ત્રણ-ત્રણ વખત કવરેજ કરી ચૂક્યા છે. યુએન કોન્ફરન્સ, જી-૨૦ શીખર પરિષદ, ન્યૂક્લિયર સિક્યુરિટી સમીટ , ચોગમ, સહિતની આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકોનું તેમનું કવરેજ પણ વાચકોએ માણ્યું છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરનેશનલ વિઝિટર્સ લીડરશીપ પ્રોગ્રામ ઓન ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ તથા સિટિઝન રિપોર્ટિંગ પ્રોગ્રામ માટે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 
          વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બીએસસી અને એમએસ ડબ્લ્યૂની ડિગ્રી હાંસલ કરી ચૂકેલા શ્રી અજય ઉમટની વિદ્યાસાધના પત્રકારત્વના ખેડાણની સમાંતર ચાલી છે અને તંત્રી તરીકે અખબારોનું સંવર્ધન કરવાની સાથે સાથે જ તેમણે નિરમા યુનિવર્સિટીમાંથી એલએલએમની ડિગ્રી મેળવી છે. અખબારી કાયદાઓ અંગે તેઓ નિષ્ણાત ગણાય છે. આ વિદ્યાસાધનાએ જ અને પ્રાધ્યાપક પિતા તરફથી મળેલા વારસાએ તેમનામાં રહેલા શિક્ષક જીવને પણ સતત સતેજ રાખ્યો છે. ગુજરાતની મોખરાની પત્રકારત્વ કોલેજોમાં તેઓ વર્ષોથી અધ્યાપન-માર્ગદર્શન કરતા રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વની પાઠશાળામાં સંખ્યાબંધ ગુજરાતી પત્રકારો તૈયાર થયા છે. કેટકેટલાય તેજસ્વી યુવા પત્રકારોના તેઓ ગુરૂ છે. માત્ર પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા તથા ખાસ કરીને સાંપ્રત પ્રવાહો અને સરકારી કાર્યશૈલીથી વાકેફ કરાવવા તેઓ સ્પીપા સહિતની કેટલીય સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં પણ અભ્યાસ અને તાલીમ માટે વિષય નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે. 
         પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન માટે તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ( 2010), દ્વિતીય ડીડી ગિરનાર શિરોમણી પુરસ્કાર (2013) અંતર્ગત શિરોમણી પુરસ્કાર, તુષાર ભટ્ટ પત્રકારત્વ એવોર્ડ, ફિલિંગ્સ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ , ભારતીય પત્રકાર સંઘ અને ગુજરાત પત્રકાર સંઘ દ્વારા લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તથા અન્ય કેટલાય એવોર્ડઝ પ્રાપ્ત થઇ ચૂક્યા છે. તાજેતરમાં તેમને જાયન્ટ ઇન્ટરનેશનલ દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ચિત્રલેખા મેગેઝિન દ્વારા તેમનો ગુજરાતની 60 ટોચની પ્રતિભાઓમાં સમાવેશ થઇ ચૂક્યો છે.
(અજય ઉમટ સરની એફ.બી. વોલ પરથી સાભાર)

સં. - ઈશ્વર પ્રજાપતિ
મો. 98251 42620 ( whatsapp only)

1 comment:

  1. Ajay is friend of many, he is brilliant ,we have good time in MSU Hostel, helping person. He is kind and cooperative.
    Best wishes.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts