રવિવાર, 19 જાન્યુઆરી, 2020

વ્યક્તિ વિશેષ : ડૉ . મધુસૂદન વ્યાસ


સંસ્કૃત, સંસ્કૃતિ અને સંગીતના સાધક અને પ્રતિબધ્ધ પ્રોફેસર 

ડૉ. મધુસૂદન વ્યાસ 


                   સાહિત્ય અને સંગીત જગતમાં આદર સાથે લેવાતું એક નામ એટલે ડૉ. મધુસૂદન વ્યાસ. 
             આજે વિશ્વ આખામાં દેવ ભાષા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે. કેટલાક દેશોની યુનિવર્સિટીમાં તો સંસ્કૃત ભાષાને ફરજિયાત વિષય તરીકે સ્વીકાર્યો છે. એ આપણા માટે ગૌરવની વાત કહી શકાય. પરંતુ વિશ્વ ને સંસ્કૃત ભાષા ભેટ ધરનાર ભારત દેશમાં જ સંસ્કૃત ભાષાને માન-પાન જેટલાં જોઈએ તેટલાં મળતાં નથી. એમ છતાં સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રેમી કેટલાક વિદ્વાનો આજે દેવ ભાષા સંસ્કૃતના જતન માટે અવિરત પ્રયત્નશીલ છે. સાબરકાંઠા કે અરવલ્લી જ નહીં પરંતુ ગુજરાતમાં આવા સંસ્કૃત વિદ્વાનોની યાદીમાં પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવું એક નામ એટલે ડૉ. મધુસૂદન વ્યાસ સાહેબ. 
              ડૉ. વ્યાસ સાહેબનું મૂળ વતન તો જામનગર. પરંતુ તેઓની શિક્ષણ સાધના જ દ્વારિકાધીશના નગરથી શામળિયાના નગર સુધી તેઓને ખેંચી લાવી. સાગર કિનારે અંકુરણ પામેલી શબ્દ પ્રીતિ અરવલ્લીની ગિરિકંદરાઓમાં આવીને ફૂલી ફાલી. સંસ્કૃત ભાષાની લોકપ્રિય અને ઉત્તમ કૃતિઓ ને સરળ ગુજરાતી ભાષામાં અનુવાદીત કરી લોકભોગ્ય કરી આપવામાં ડૉ. વ્યાસ સાહેબનું પ્રદાન અનન્ય છે. સાહિત્ય અકાદમી દ્વારા ડૉ. વ્યાસ સાહેબ દ્વારા અનુવાદિત ગ્રંથને પ્રથમ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા એ આપણા સૌ માટે અને અરવલ્લી પંથક માટે ગૌરવપ્રદ ઘટના છે. 
             પિતા મનુકુમાર ગૌરીનશંકર વ્યાસ પ્રાથમિક શિક્ષક. માતા મંજુલાબેન ઘર સાંભળે. ઘરની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. પિતા ક્લાસિકલ સંગીતના શોખીન. સંગીતનો વારસો ડૉ. સાહેબ ને તેઓના દાદા તરફથી મળેલો. પિતા પવિત્ર રીતે કર્મકાંડ પણ કરતા. 
               સંસ્કૃત અને સંગીતના સંસ્કારો મધુસૂદન વ્યાસ સાહેબને ગળથૂંથી માંથી જ પ્રાપ્ત થયા. બાળપણથી જ પાઠશાળા પિતા મોકલતા. રુદ્ર પાઠ, ચંડી પાઠ તો બાળપણ થી જ કંઠસ્થ કરેલા. 
જામનગરમાં ભીડ ભંજન મહાદેવના મંદિરેમાં પ્રખર જ્ઞાની અને ત્યાગી સંન્યાસીઓ કથા કરવા આવતા એ દરમિયાન કિશોર અવસ્થામાં ભગવદ કથા, ગોપી ગીતો, સંસ્કૃત વ્યાકરણનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થતો રહ્યો. અને અનાયાસે જ સંસ્કૃત તરફ પ્રીત બાંધતી ગઇ. 
            દાદા અને પિતા ક્લાસિક સંગીતના ખૂબ સારા જાણકાર. એ કોઈ પણ રાગ છેડે તો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂકે. સાથે હાર્મોનિયમ ના સૂર તન મન ડોલાવી મૂકે. નવરાત્રી સમયે દાદા અને પિતા સાથે તેઓ જતા. ત્યાં દાદા અને પિતા ગરબા, ગરબી , રાસ વિવિધ રાગ રાગીણીમાં શ્રવણ કરતા. અને કિશોર મધુસૂદન ભાવ વિભોર બની સાંભળ્યા કરે. બસ ત્યારથી જ વિવિધ રાગોની સમજ કેળવાતી ગઈ. 
               રાજકોટમાં સાતચિત આત્માનંદ પ્રખર બ્રહ્મચારીજી નું આનિધ્ય સાંપડ્યું. એક સન્યાસી હોવા છતાં વિશ્વભરના કાયદાઓનું ખૂબ ઊંડું જ્ઞાન તેઓ ધરાવતા. રાજકોટના જ સુપ્રસિદ્ધ ચિત્રકાર કાંતિભાઈ સોછત્રા. અને પિયાનો વાદક જયંતીભાઈ અને વાયોલિન વાદક ભાર્ગવ ભાઈ શુક્લા જેવા સંગીત રસિકો નો સંગ સાંપડ્યો. દિવસમાં 18 -18 કલાક એકધારી સંગીતની સાધના કરતા. સાથે અભ્યાસ પણ કરવાનો. 
વિમલાતાઈ ઠાકર જેવા ગાંધીવાદી ટ્રસ્ટીઓના કારણે ગાંધી વિચાર શિબિરોમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યું. એનો ઊંડો પ્રભાવ મન ઉપર પડ્યો. 
               ડો. કે.જે અજાબિયા પ્રાધ્યાપક મળ્યા અને તેઓની હીરા પારખું નજર મધુસૂદન સાહેબના અંદર પડેલા હિરને પારખી લીધું. જ્યારે મધુસૂદન વ્યાસ સાહેબ M.A કરતા હતા એ દરમિયાન જ સંસ્કૃત અનુવાદ કરવાની શુભ શરૂઆત કરી દીધી હતી. ભણવામાં પણ તેજસ્વી હોવાના કારણે શ્રેષ્ઠત્તમ પરિણામ સાથેઉત્તીર્ણ થાય. અમદાવાદ થી PhD પણ પૂર્ણ કર્યું. અને કપડવંજ ની કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે જોડાય. અને આખરે 1989 માં શામળાજી ખાતે નવીન શરૂ થયેલ કોલેજમાં સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે જોડાયા. છેલ્લા કેટલાય દાયકા થી તેઓ આ જ કોલેજમાં સેવાઓ આપી રહ્યા છે. હાલ તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. 
       ગુજરાત ભરની પ્રતિષ્ઠિત કોલેજમાં અને અન્ય રાજ્યોની યુનિવર્સિટીમાં પણ તેઓના વ્યાખ્યાનના આયોજનો કરવામાં આવ્યા છે. પૂ. મોરારી બાપુના સાનિધ્યમાં યોજાતા સંસ્કૃત સત્રમાં પણ વક્તા તરીકે જવાનું સદભાગ્ય તેઓને સાંપડી ચૂક્યું છે. 
        રાષ્ટ્રપતિ પુરસ્કારથી વિભૂષિત પ્રા. ડૉ. ગૌતમ પટેલ કહે છે. "ડૉ . મધુસુદન વ્યાસ ગુજરાતમાંથી ભારતની ક્ષિતિજે . પોતાનો કાર્યક્લાપનો પ્રકાશ રેલાવનાર યુવા પ્રાધ્યાપકોમાં અગ્રીમ પંક્તિમાં સ્થાન પામે તેવા મહાનુભાવ છે . એકથી વધુ પરિસંવાદોનું પછી રાષ્ટ્રીય હોય કે રાજ્યકક્ષાના હોય , આયોજન કરવામાં સિદ્ધહસ્ત છે ભારતના અનેક સંસ્કૃત સામયિકોમાં તેઓ અવાર - નવાર લેખક વૃત્તાંત નિવેદક તરીકે ખ્યાતિ પામ્યા છે.
          આજના સંસ્કૃત જગતના ભીષ્મપિતા અને સંસ્કૃત ભાષાની રચનાઓમાં જ્ઞાનપિઠ જેવો સવોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડૉ. સત્યવ્રત શાસ્ત્રીની ‘ રામકીર્તિમહાકાવ્યમ્ ’ નામની કાલજયી રચનાનો અનુવાદ કરનાર ડૉ . મધુસૂદન વ્યાસને અભિનંદન આપતાં ગૌરવ અનુભવાય છે . "
             ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્રારા કરવામાં આવેલી તાજેતરની ઘોષણા અનુસાર ઈ . સ . ર૦૧૭ ની અનુવાદિત કૃતિઓમાં પ્રો . ડોં મધુસૂદન વ્યાસ દ્વારા કારવામમાં આવેલ શ્રી રામકીર્તિ મહાકાવ્યમ ના અનુવાદને પ્રથમ ઇનામે જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી પંથક માટે આ ગૌરવપ્રદ ઘટના છે. ડૉ . મધુસૂદન વ્યાસ સાહેબે ‘ રામકીર્તિમહાકાવ્યમ્ ' નો ગુજરાતી અનુવાદ આપીને ગુજરાતના સંસ્કૃતજગતની યશકલગીમાં એક નવું પીંછું ઉમેર્યું છે . આ મહા કાવ્યના મૂળ રચયિતા ડો . સત્યવ્રત શાસ્ત્રી સંસ્કૃતના ક્ષેત્રના જીવંત દંતકથીરૂપ લેખક અધ્યાપક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વ્યક્તિ છે. સંસ્કૃત સાહિત્ય માં આજ સુધી જો કોઈ ને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય તો એવા એક માટે વ્યક્તિ ડૉ. સત્યવ્રત શાસ્ત્રીજી છે. આ બાબત પણ લેખક અને અનુવાદકને ગૌરવ પ્રદાન કરે છે . 
                 સરળ , પ્રવાહી અને લોકભોગ્ય ગુજરાતીમાં પચ્ચીસ સર્ગના મહાકાવ્યને ઉતારવાનું તેમનું ભગીરથ કામ દાદ માંગી લે તેવું છે . એમનું આ એક જ કાર્ય ગુજરાતના સંસ્કૃત વિશ્વમાં તેઓને શાશ્વત - યશ પ્રદાન કરવા માટે પર્યાપ્ત છે . - આ મહાકાવ્યના આજ સુધીમાં ભારતની નવ નવ ભાષામાં અનુવાદો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને હવે આ ૧૦મો અનુવાદ ગુજરાતીમાં પ્રસિદ્ધ થાય છે અને તે પણ લબ્ધપ્રતિષ્ઠ પ્રાધ્યાપક ડૉ . ' મધુસૂદન વ્યાસ દ્વારા, આને આપણે એક ઘટના તરીકે વધાવીએ એમાં જ ઔચિત્ય છે. આ ગ્રંથના અનુવાદ બદલ અન્ય અનુવાદકો સાથે થાઈલેન્ડ દેશની યાત્રાએ સરકાર તરફથી મોકલવામાં આવ્યા હતા. થાઈલેન્ડ દેશની રાજકુમારી મહાચક્રી સિરિન્થોને ડૉ. વ્યાસ સહબનું અભિવાદન પણ કર્યું હતું. આ ઊપરાંત પણ અન્ય પુસ્તકો નું લેખન સંપાદન અને અનુવાદો તેઓ કરી ચુક્યા છે. 
                 સંસ્કૃત વિષયના ગુજરાતના એક વિદ્વાન વ્યક્તિ તરીકે તેઓની ગણના થાય છે એ ઉપરાંત તેઓ સંગીત નું પણ ઊંડું જ્ઞાન ધરાવે છે. કોઈ પણ ગીત કયા રાગમાં ગવાયું છે એ સાંભળતા વેંત કહી દે. અને ડૉ. વ્યાસ સાહેબનો કંઠ પણ એટલો જ મધુર. વ્યાસ સાહેબ જ્યારે કોઈ ગીત ગાવાનું શરૂ કરે ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની બસ સાંભળ્યા જ કરે છે. મોરના ઈંડા ચીતરવા ન પડે એ ન્યાએ આ સંગીતનો વારસો તેઓના દીકરા શ્યામલમાં પણ ઉતારી આવ્યો છે. શ્યામલની ગાયકી પણ ગજબની છે. તેઓના પત્ની ઈલાબેન પણ સંગીતનાં ચાહક છે. મોડાસા કેળવણી મંડળ સંચાલિત પૂર્વ પ્રાથમિક શાળામાં કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવે છે.  
            મા . ડૉ. મધુસૂદન વ્યાસ પાસેથી આવી બીજી અનેક કાલના ભાલ ઉપર તિલક સમાન રચનાઓ આપણને મળતી રહે તેવી શુભકામના.

ડૉ. મધુસુદન  વ્યાસ સંપર્ક  નં. : 95865 28827

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.) 

1 ટિપ્પણી:

  1. उमदा जीवन शैली, उच्च नैतिक विचार धारा एवं संन्निष्ठ प्राध्यापक के रूप में आप और नये कीर्तिस्तंभ स्थापित करते जायेंगे ऐसी उम्मीद जायज़ है। आपका मार्ग और प्रशस्त होता रहे यही कामना करता हूँ । 🙏

    જવાબ આપોકાઢી નાખો

Popular Posts