“બેટા! મોટો થઈને ટોપી પહેરવી
પડે એવો કોઈ મોટો અધિકારી બનજે” IPS બની દીકરાએ માતાએ સેવેલા સપનાને સાકાર કર્યું.
વાત ગુજરાતના ADGP અજય ચૌધરી(IPS)ની !
વરિષ્ઠ પોલીસ અધિકારી આદરણીય અજય ચૌધરી(IPS) ADGP (Additional Director General of Police)નું નામ પરિચયનું મહોતાજ નથી. સાંપ્રત
સમયમાં માત્ર ગુજરાત કે ભારત નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ આદર સાથે લેવાતું
એક નામ છે. ‘મિશન ઈમ્પોસિબલ’ સમાન લાગતાં દિલધડક અનેક ઓપરેશનોને જાનના જોખમે સફળતાપૂર્વક પાર પાડીને અજય ચૌધરીએ એક હોનહાર અને ઝાંબાજ પોલીસ ઓફિસર તરીકે ઓળખ
પ્રસ્થાપિત કરી છે. તો બીજી બાજુ ફરજનિષ્ઠામાં સંવેદના ભેળવી લોકોહૃદયમાં સ્થાન
પામી ‘સોફ્ટ પોલીસીંગ’નો નવો ચીલો ચાતરી સમાજમાં અનેરી સુવાસ પ્રસરાવી છે.
૨ જી ફેબ્રુઅરી ૧૯૭૫ના રોજ એક સાધારણ માધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલા અજય ચૌધરીની IPS બનવા સુધીની જીવનસફર અનેક ચડાવ-ઉતારોથી ભરપુર છે. તત્કાલિન બિહાર રાજ્યના પલામુ જિલ્લાનું સોણ નદીને કિનારે વસેલા એક ‘દેહરી–ઓન–સોન’ ગામમાં તેમનો જન્મ થયો. દેહરી ગામ સોણ નદીના કિનારે આવેલું હોવાથી અંગ્રેજોએ તેને દેહરી –ઓન-સોન એવું નામ આપ્યું હતું. હાલ આ ગામનો સમાવેશ ઝારખંડ રાજ્યમાં થયેલ છે. પિતા બોકારો જિલ્લામાં આવેલી SAIL (Steel Authority of India Limited) કંપનીમાં નોકરી કરતા. અને તેમનાં માતા ગૃહિણી હતાં. SAIL રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલો એક આધુનિક પ્લાન હતો. તેથી બોકારો આયોજનબદ્ધ ઔદ્યોગિક શહેર તરીકે વિકસ્યું હતું. અજય ચૌધરીનું ભણતર અને ગણતર અહિ બોકારો શહેરમાં થયું. SAIL પ્લાન્ટ રશિયાના સહયોગથી નિર્માણ પામ્યો હોવાથી આ નગરમાં રશિયાન નાગરિકો પણ રહેતા. રશિયનો બાળકોને સ્મિત સાથે ચોકલેટ આપી ખુશ કરી દેતા, એની સ્મૃતિ અજય ચૌધરીના મનમાં આજે પણ એટલી જ તાજી છે.
ભણતરનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ એક
સાધારણ વિદ્યાર્થી જ રહ્યા.. છેલ્લી બેંચ તેમને માફક આવી ગઈ હતી. પણ તેમનાં માતા કડક શિસ્તનાં આગ્રહી. ભણતરનું મુલ્ય બરાબર
સમજતાં એટલે જરૂર પડે કડક શિક્ષા પણ કરતાં. અને માતાની આ શિક્ષાના ડરને કારણે
જયારે પણ પરિણામ આવે બાળ અજય પરિણામ લઈને ઘરે આવવના બદલે બીજે ક્યાંક ભાગી જવાનું
જ પસંદ કરતા.
શિક્ષા એ માત્ર ગુસ્સાનું પરિણામ નથી હોતું પણ
ક્યારેક સંતાન પ્રત્યેના અનન્ય પ્રેમ અને તેના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા પણ જવાબદાર
હોય છે. માતાપિતાની તો એક જ ખેવના હતી કે દીકરો આગળ વધી પોતાની કેડી આપબળે કંડાળે ! અને માતા વાત વાતમાં કહેતાં પણ ખરાં કે: “બેટા! મોટો
થઈને ટોપી પહેરવી પડે એવો કોઈ મોટો અધિકારી બનજે” માતાનાં
આ વચનો તેમનું હૃદય ભીનાજવી દેતાં. ધોરણ ૭-૮ સુધી સાવ સાધારણ જણાતા બાળ અજયના મનમાં
લાગી આવ્યું. ક્યાં સુધી માતા પિતા અને શિક્ષકો નો ઠપકો સાંભળ્યા કરવાનો? આ વિચારે હૃદય વલોવાયું. એ પછી ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. અને ચમત્કાર સર્જાયો. છેલ્લી પાટલી પર બેસનાર અજય ધોરણ
દસમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયા. ગણિતમાં તો એવી હથોટી હાંસલ કરી લીધી કે અઘરોમાં
અઘરો જણાતો કોયડો પણ પળમાં ઉકેલી આપતા. તેમનો
આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો. એક સમયે બોઝ લાગતું ભણતર હવે રસનું ક્ષેત્ર બની ગયું. ધોરણ બારમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. એટલું
જ નહિ દિલ્હીની IIT માં પ્રવેશ મેળવી લીધો. IIT માં પ્રવેશ મેળવ્યા પછી પણ તેમને
તો એમ જ લાગતું હતું કે આ કોઈ સ્વપ્નું તો નથી ને ! એક પછી એક સફળતાના સોપાનો સર કરતા
ગયા. અજય ચૌધરીએ B.Tech પૂર્ણ કર્યા બાદ UPSC
પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરીને ભારતીય પોલીસ સેવામાં પ્રવેશ કર્યો.
અજય ચૌધરી 1999 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી તરીકે નિયુક્ત થયા. જીવનમાં મળેલી સફળતાનો યશ એ માત્ર ભગવાનની કૃપા અને માતા પિતાએ પૂરી પાડેલી પ્રેરણાને જ તેઓ કારણભૂત માને છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને પોલીસ
વિભાગોમાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમની સુદીર્ધ સેવાઓ દરમિયાન જાનના
જોખમે અનેક દિલધડક ઓપરેશન તેમણે કુનેહ પૂર્વક પાર પાડી, દેશના દુશ્મનોને જડબાતોડ
જવાબ આપ્યા છે. તેમાંનું એક ઓપરેશન એટલે મુંબઈ સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા
દાઉદના સાગરી અમુ મિયાને અબુ ધાબીથી દબોચી
ભારત લાવવામાં અજય ચૌધરીએ કડી રૂપ ભૂમિકા ભજવી હતી તે ! ભારતની ૧૭ જેટલી એજન્સીઓ સાથે
સંકલન સાધી આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.
અજય ચૌધરીની કાર્યશૈલીમાં કડક
કાયદા અમલીકરણ સાથે માનવીય સંવેદનાનો અનોખો સમન્વય તેમના વ્યક્તિત્ત્વમાં સાહજિક
વણાઈ ગઈ છે. અજય ચૌધરીની ઓળખ માત્ર એક પોલીસ અધિકારી તરીકે મર્યાદિત નથી. તેઓ
"સોફ્ટ પોલીસિંગ"ના સમર્થક તરીકે પણ જાણીતા છે. તેમની માન્યતા છે કે
કાયદાનું પાલન કરાવવા માટે કડકાઈ જરૂરી છે, પરંતુ લોકોનો વિશ્વાસ જીતવા માટે સંવેદનશીલતા અને સહાનુભૂતિ એટલી જ
મહત્વપૂર્ણ છે. પોતાના કાર્યાલય માં રજૂઆત લઈને આવેલા અરજદારનું કામ પૂર્ણ સત્વરે પૂર્ણ થાય તેની ઝીણવટભરી કાળજી તેઓ લેતા હોય છે. આ અભિગમને કારણે તેઓ પોલીસ તંત્ર અને સામાન્ય નાગરિકો વચ્ચે એક
મજબૂત સેતુ તરીકે ઉભરી આવ્યા છે.
વ્યક્તિગત રીતે અત્યંત સંવેદનશીલ એવા અજય ચૌધરી હાલ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે મોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે. અજય
ચૌધરીએ સીઆઈડી (CID)
ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે મળીને એક મોટું અભિયાન
ચલાવ્યું. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં બાળ મજૂરીના નેટવર્કનો પર્દાફાશ કરી બાળકોને
નવજીવન બક્ષ્યું છે.. ગુજરાત પોલીસના વુમન ક્રાઈમ સેલે અભિયાન દરમિયાન દરોડા
પાડીને બાળકો અને મહિલાઓને મુક્ત કરાવી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુમ થયેલ વ્યક્તિઓની સરકારી ચોપડે નોંધાયેલ આંકડો અંદાજે ચોવીસ હજારથી વધારે છે. પરિવારનું કોઈ સ્વજન ક્યાંય બહાર ગયું હોય અને સમયસર પરત ન ફરે તો પરીવારજનો કેવા ચિંતામાં મુકાઈ જાય છે ! આ ચોવીસ હજાર પરિવારજનોને પોતાના સ્વજનની મહિનાઓ અને વર્ષો સુધી કોઈ ભાળ જ મળી નથી. આવી સ્થિતિમાં પરિવારજનોની શું હાલત હશે ! આ ખૂબ સંવેદનશીલ બાબત છે. આવા હજારો પરિવારોની પીડાને પામી અજય ચૌધરીએ એક મિશન હાથ પર લીધું. જેમાં આધુનિક ટેક્નોલોજી, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી ગણતરીના દિવસોમાં અંદાજે ૧૪૦૦ જેટલી ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
પરમ
સંત ડૉ. ચતુર્ભુજ સહયાજી દ્વારા સ્થાપિત રામાશ્રમ સત્સંગ, મથુરાની અનોખી ફિલોસોફીના
તેઓ ઊંડા અભ્યાસી છે. તેના પરિણામે જ અધ્યાત્મિકાની એક નવી જ ઉંચાઈને તેઓ સ્પર્શી
શક્યા છે. પોલીસ સેવાની વ્યસ્તતા વચ્ચે અજય ચૌધરી કલા અને લેખન ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ એક
પ્રતિભાશાળી ચિત્રકાર તરીકે જાણીતા છે અને તેમની કલાત્મક કૃતિઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય
સ્તરે પ્રશંસા પામી છે.. અજય ચૌધરી અત્યાર સુધીમાં ઘણા પુસ્તકો પણ લખી
ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે 'ધ એઆઈ એડવાન્ટેજ' (The AI
Advantage) નામનું પુસ્તક લખ્યું છે. એક કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી, સંવેદનશીલ ચિત્રકાર, સર્જનાત્મક
લેખક અને એક માયાળુ માનવી એમ આ તમામ ગુણો
તેમના વ્યક્તિત્વને વિશિષ્ટ બનાવે છે.
અજય ચૌધરી સાથે વાર્તાલાપ કરતાં તેમની આંખોમાંથી નીતરતી નરી નિખાલસતા અંતરમનને ભીંજવી જાય છે. સફળતાના શિખરો સર કરી જીવનના એક
મુકામ પર પહોંચ્યા પછી પણ તેમના પગ આજે પણ જમીન સાથે જોડાયેલા રાખ્યા છે. તેમના સ્વભાવની
સરળતા, વિનમ્રતા અને નિખાલસતા હૃદયસ્પર્શી
છે. તેમની સાથે એક વાર થયેલી મુલાકાત કોઇપણ વ્યક્તિ માટે આજીવન સંભારણું બની રહે
છે.
-
ઈશ્વર
પ્રજાપતિ
9825142620

Good Life
ReplyDeleteVery nice article
ReplyDeleteInspirational
ReplyDeleteGood life
ReplyDelete