"અમે અમારા દીકરાને મરતો જોવા માંગીએ છીએ," વૃદ્ધ માતાપિતાના આ શબ્દો
પાછળ નફરત નહીં પણ પોતાના પુત્ર પ્રત્યેનો અપાર પ્રેમ
અને કરુણા હતી.
જીવન એક વરદાન છે, પરંતુ ક્યારેક એવું વરદાન અભિશાપ બની જાય છે કે મૃત્યુ જ એકમાત્ર આશાની
કિરણ દેખાય છે. દિલ્હીના રહેવાસી હરીશ રાણાના કિસ્સામાં આ વાત અક્ષરશઃ સાચી ઠરે
છે. ૧૩ વર્ષથી કોમા જેવી સ્થિતિમાં રહેલા હરીશના જીવનની આસપાસ વણાયેલી વેદના,
તેના વૃદ્ધ માતા-પિતાનો લાચાર સંઘર્ષ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી
પહોંચેલી ઈચ્છા મૃત્યુની અરજી – આ એક એવી દાસ્તાન છે જે પથ્થર દિલના માણસને પણ
હચમચાવી મૂકે.
હરીશ રાણા એક સામાન્ય
મધ્યમવર્ગીય પરિવારનો યુવાન હતો. તે સમયે તેની ઉંમર માત્ર ૨૦-૨૧ વર્ષની હતી. તે
ઉત્સાહથી ભરેલો હતો અને પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો હતો. હરીશ ભણવામાં
અને કામકાજમાં હોશિયાર હતો. વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીના એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે હરીશના સપનાઓ
આસમાને હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષ ૨૦૧૩માં એક દુર્ઘટનાએ બધું જ બદલી નાખ્યું. હરીશ પીજીના ચોથા માળેથી
નીચે પટકાયો. આ અકસ્માતે હરીશને મગજમાં ગંભીર ઈજા થઈ.આ અકસ્માતે તેને 100 ટકા ક્વાડ્રિપ્લેજિક
અપંગતા આપી. તે કાયમી ધોરણે Permanent Vegetative State - PVS) માં ધકેલાઈ ગયો. છેલ્લા 13 વર્ષથી તે ન તો હલનચલન
કરી શકતો હતો, ન તો બોલી શકતો હતો; તે
માત્ર શ્વાસ લઈ રહ્યો હતો.આ અકસ્માત બાદ તે
ક્યારેય પોતાના પગ પર ઊભો થઈ શક્યો નહીં. એક ક્ષણની દુર્ઘટનાએ એક હસતા-રમતા
યુવાનને પથારીવશ કરી દીધો.
હરીશના
પિતા અશોક રાણા અને માતા નિર્મલા દેવી માટે આ આઘાત સહન કરવો અશક્ય હતો. એક યુવાન
પુત્ર જે વૃદ્ધાવસ્થાની લાકડી બનવાનો હતો, તે
આજે પથારીમાં જીવતું મડદું બનીને પડ્યો હતો. માતા પિતા માટે જીવન જ જાણે નર્ક બની
ગયું. હરીશના પિતા સાધારણ નોકરી કરતા હતા.
પુત્રની સારવારમાં ઘરની બધી જ બચત ખર્ચાઈ ગઈ. દિલ્હીમાં દ્વારિકાપુરીમાં આવેલું ઘર
પણ વેચાઈ ગયું. મોંઘી દવાઓ, ફિઝિયોથેરાપી અને દેખરેખ પાછળ
લાખો રૂપિયા ખર્ચાયા છતાં હરીશની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.
માતા-પિતા પોતે હવે વૃદ્ધ થઈ રહ્યા હતા. હરીશને
પથારીમાં ફેરવવો, તેને નવડાવવો,
જમાડવો અને તેની કુદરતી હાજતો સાફ કરવી એ હવે તેમના માટે શારીરિક
રીતે અશક્ય બની રહ્યું હતું. માતાની આંખના આંસુ સુકાઈ ગયા હતા અને પિતાના ખભા જવાબદારીના
બોજ નીચે ઝૂકી ગયા હતા. તેમના મનમાં
પ્રશ્ન થતો કે, "અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી
તો આની સેવા કરીએ છીએ, પણ અમારા પછી આ દીકરાનું શું થશે?"
આ સવાલ જ તેમને વહાલસોયા પુત્ર માટે ઈચ્છા મૃત્યુના રસ્તે લઈ ગયો.
હરીશ છેલ્લા ૧૩ વર્ષથી 'Persistent
Vegetative State' (પીવીએસ) માં છે. તેનો અર્થ એ છે કે તે શ્વાસ તો
લે છે, તેની આંખો ખુલે છે, પણ તે કોઈને
ઓળખી શકતો નથી કે કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી. તેના
શરીરમાં પડેલા ઘા (Bedsores) રુઝાતા જ નહોતા. તેને પાઈપ દ્વારા ખોરાક આપવામાં આવતો. હરીશ માટે
જીવવું એ રોજ હજારો મોત મરવા સમાન છે. તેની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી
કારણ કે તે પોતે બોલી શકતો નથી.
જ્યારે તમામ આશાઓ તૂટી ગઈ,
ત્યારે હરીશના માતા-પિતાએ હ્રુદય પર પથ્થર મૂકી દિલ્હી હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી
કરી. તેમની વેદના પ્રગટ કરતાં જણાવ્યું કે પોતાના
પુત્ર હરીશને 'નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ' (Passive
Euthanasia) ની મંજૂરી આપવામાં આવે. પથારીવશ દીકરાની દયનીય સ્થિતિ હવે
જોઈ જતી નથી. ડૉક્ટરોએ પણ આ વાત સ્વીકારી હતી કે હરીશના સાજા
થવાની કોઈ શક્યતા નથી. પરિવાર આર્થિક અને શારીરિક રીતે તેની સેવા કરવા સક્ષમ રહ્યો
નથી. પોતે હયાત છે ત્યાં સુધી તો દીકરાની સેવા સુશ્રુષા કરશે પરંતુ પોતે વૃદ્ધ થઇ
ગયા છે. ભવિષ્યમાં જયારે તેઓ પોતે જ હયાત નહિ હોય ત્યારે તેમની ગેરહાજરીમાં દીકરાની સારસંભાળ કોણ રાખશે ? માતા પિતાની આ વેદના જ ધ્રુજાવી મુકે
તેવી હતી. વ્યક્તિને સન્માન સાથે જીવવાનો હક છે, તો પીડા વગર
મરવાનો હક કેમ નહીં?
ભારતમાં
૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 'પેસિવ
યુથેનેશિયા' માન્ય છે, પરંતુ તેના માટે
મેડિકલ બોર્ડની પરવાનગી અનિવાર્ય છે. હરીશના કિસ્સામાં કોર્ટે મેડિકલ રિપોર્ટ
મંગાવ્યો હતો. કાયદો કહે છે કે કોઈનો જીવ
લેવો એ ગુનો છે. પણ જે જીવનમાં માત્ર પીડા જ હોય, તેને લંબાવવું
એ પણ એક પ્રકારનો અત્યાચાર નથી? ડૉક્ટરો માટે પણ આ સ્થિતિ
મુશ્કેલ હોય છે. જે શ્વાસ ચાલી રહ્યા છે તેને રોકવા માટેની મંજૂરી આપવી એ તબીબી
નીતિશાસ્ત્ર (Medical Ethics) ની વિરુદ્ધ ગણાય છે.
હરીશ
રાણાના માતા-પિતાએ જ્યારે કોર્ટમાં કહ્યું કે, "અમે અમારા દીકરાને મરતો જોવા માંગીએ છીએ," ત્યારે
તે શબ્દો પાછળ નફરત નહીં પણ અપાર પ્રેમ અને કરુણા હતી. તેઓ તેને આ અસહ્ય નરકમાંથી
મુક્ત કરવા માંગતા હતા. ઈચ્છા મૃત્યુ અહીં ક્રૂરતા નથી, પણ
એક 'દયા' છે.
માનવીય સંવેદના અને કાયદાકીય મર્યાદાઓ
વચ્ચેના દ્વંદ્વમાં આખરે સર્વોચ્ચ અદાલતે એક પિતાની મજબૂરી અને પુત્રની કાયમી
યાતનાને સમજીને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારની સાથે
હવે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર પર મહોર મારતા સર્વોચ્ચ અદાલતે 13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષીય હરીશ રાણાની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી આપી. આ
સંવેદનશીલ ચુકાદો વાંચતી વખતે બેન્ચના જસ્ટિસ જે.બી. પારડીવાલા પણ પોતાની લાગણીઓ
રોકી શક્યા નહોતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
સુપ્રીમ
કોર્ટે 11 માર્ચે તેમને 'પેસિવ યુથેનેશિયા'/ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે મંજૂરી આપી.
હરીશ રાણાને 14 માર્ચે દિલ્હીના એઈમ્સમાં દાખલ
કરવામાં આવ્યા હતા. 15 માર્ચે તેમનો પ્રવાહી ખોરાક બંધ કરી
દેવામાં આવ્યો હતો અને 17 માર્ચે પાણી પણ બંધ કરી દેવામાં
આવ્યું હતું. પરિણામે, છેલ્લા 10 દિવસથી
તેમને ખોરાક અને પાણી આપવાનું બંધ હતું. ધીમે
ધીમે લાઈફ સપોર્ટેડ સિસ્ટમ્સ દૂર કરવામાં આવી હતી અને આખરે 24 માર્ચ 2026ના રોજ હરીશ રાણાએ અંતિમ શ્વાસ લીધા હતા.
દુનિયામાં સૌથી ભારે ચીજ કઈ છે જાણો છો ? એક પિતાએ ઉપાડેલી
પુત્રની અર્થી !
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

No comments:
Post a Comment