name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, March 1, 2026

સન્ડે સ્પેશિયલ

ફોટો જર્નાલીસ્ટ નીક ઉતે ખેંચેલી એક તસવીર જ્યારે  યુદ્ધ વિરામ માટે નિમિત્ત બની.

   સાંપ્રત પરિસ્થિતિ  જોતાં લાગે છે કે સમગ્ર વિશ્વ મક્કમતાથી સર્વનાશ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વિશ્વના દેશો વચ્ચેની લોહી નીતરતી  સીમાઓ સળગી રહી છે. પ્રાણઘાતક મિસાઈલોથી સમસ્ત પૃથ્વી ધ્રુજી રહી છે.  યુક્રેન - રશિયા,  ઇઝરાયેલ - ગાઝા, અમેરિકા-વેનેઝુયેલા,ભારત - પાકિસ્તાન, પાકિસ્તાન અફઘાનિસ્તાન, અને હવે ઇઝરાયેલ - ઈરાન - અમેરિકા ! અને હવે ઈરાને બીજા સાત દેશો પર કરેલો હુમલા ! હજારો નિર્દોષ લોકોનો કીડી - મકોડાની જેમ મારી રહ્યાં છે. પણ વિશ્વમાં માનવતા સાવ મારી પરવારી હોય એમ સંવેદના ક્યાંય નજરે પડતી નથી. યુદ્ધ વિરામનો કોઈ સંકેત દૂર દૂર સુધી દેખાતો નથી. સાંપ્રત પરિપેક્ષ્યને જોતા આજે અહીં એક એવી સત્ય ઘટના પ્રસ્તુત કે  ૯ જૂન ૧૯૭૨ ના રોજ વિશ્વના વિખ્યાત અખબારોમાં પ્રગટ થયેલી એક તસવીર કારણે શક્તિશાળી દેશે પણ બે દાયકાથી આરંભેલા  ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા માટે મજબૂર થવું પડ્યું.   
      અમેરિકાએ છેક ૧૯૫૫થી વિયેતનામ પર એકતરફી આક્રમણ કરી દીધું હતું. ૧૯૭૨ સુધી આ યુદ્ધે જબરદસ્ત નરસંહાર કર્યો. વિયેતનામના લાખો લોકો મોતને ભેટ્યા હતા. અમેરિકન સૈનિકોએ હજારો વિયેતનામી સ્ત્રીઓને સગર્ભા બનાવી દીધી હતી. આખા વિશ્વના દબાણ છતાં અમેરિકા યુદ્ધ બંધ કરતું નહોતું. અમેરિકા ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચેના યુદ્ધમાં ખલનાયકની ભૂમિકા ભજવતું હતું. પણ એક ચમત્કાર સર્જાયો.તા.૮ જૂન, ૧૯૭૨ના દિવસની વાત છે. દક્ષિણ વિયેતનામમાં ટ્રેંગબેંગ નામનું એક ગામ આવેલું છે. રોજેરોજ આ ગામ પર યુદ્ધ વિમાનો ઊડીને બોમ્બ ફેંકતાં હતાં. એ વખતે પ્રતિબંધિત હોવા છતાં નેપામ બોમ્બ ફેંકવામાં આવતા હતા. નેપામ બોમ્બ ચારે તરફ ભયાનક આગ લગાવી દેનારો બોમ્બ છે. આ ગામનો કબજો ઉત્તર વિયેતનામના લશ્કરે લઈ લીધો હતો. દક્ષિણ વિયતનામનાં યુદ્ધ વિમાનો તે ગામનો કબજો પાછો લેવા માગતાં હતાં.
ગામમાં નવ વર્ષની કિમ ફૂક નામની એક બાળકી પણ એનાં માતા-પિતા સાથે રહેતી હતી. ગામમાં એક મંદિર હતું. બોમ્બમારાથી બચવા કિમ ફૂક ને તેના પરિવારે આ મંદિરમાં આશ્રય લીધો હતો. ગામનો કબજો લેનાર સૈનિકો પણ તેમાં હતા. એવામાં મંદિરના પાછળના ભાગમાં યુદ્ધ વિમાનોએ નેપામ બોમ્બ ઝીંકી દીધો. બોમ્બધડાકાથી પાછળ કાળાં વાદળો છવાઈ ગયાં. હકીકતમાં દક્ષિણ વિયેતનામના વિમાન પાઇલટની એ ભૂલ હતી અને ભૂલથી જ એણે સૈનિકોની છાવણીના બદલે માનવવસતી પર બોમ્બ ઝીંકી દીધો. એ બોમ્બમારામાં નાનકડી કિમ ફૂકના બે પિતરાઈ ભાઈ માર્યા ગયા. નવ વર્ષની કિમ ફૂક પણ ઈજા પામી. તે શરીરના અનેક ભાગોમાં દાઝી ગઈ. કપડાં સળગતાં હોઈ તેણે પોતાનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને નિર્વસ્ત્ર થઈ જીવ બચાવવા બીજાં બાળકો સાથે દોડવા લાગી.
એ વખતે એસોસિયેટેડ પ્રેસનો એક ફોટોગ્રાફર યુદ્ધનું કવરેજ કરી રહ્યો હતો એનું નામ નીક ઉત. તેણે જોયું તો એક નાનકડી બાળકી વસ્ત્રવિહીન દશામાં રડતી રડતી પોતાની તરફ દોડી રહી છે એણે એ તસવીર ક્લિક કરી લીધી.
એ બાળકી ચીસો પાડતી હતી: `આઈ એમ ડાઈંગ…આઈ એમ ડાઈંગ, મને પાણી આપો. પાણી આપો.’
ફોટોગ્રાફર નીક ઉત દોડ્યો અને ક્યાંકથી પાણી લઈ આવ્યો અને દાઝી ગયેલી બાળકીના શરીર પણ પાણી રેડ્યું. તસવીરકાર એ દૃશ્યથી એટલો તો હતપ્રભ થઈ ગયો હતો કે એ બોલ્યો: `હવે મારે વધુ તસવીરો લેવી નથી?’
એ વખતે એસોસિયેટેડ પ્રેસનો તસવીરકાર નીક ઉત માત્ર ૨૧ વર્ષનો હતો. એણે એ બાળકીને તથા બીજા ઘવાયેલાઓને હોસ્પિટલમાં દાખલ કર્યાં. અલબત્ત, નીક ઉતને એ વખતે ખબર નહોતી કે તેની એક તસવીર આખા વિશ્વને ચોંકાવી દેશે. ખાસ કરીને અમેરિકાને.
એસોસિયેટેડ પ્રેસે આ તસવીર અમેરિકાના જાણીતા અખબાર `ન્યૂયોર્ક ટાઈમ્સ’ને મોકલી. ન્યૂયોર્ક ટાઈમ્સના તંત્રીઓ તસવીરમાં બાળકી નગ્ન દેખાતી હોઈ સહુથી પહેલાં આ તસવીર અખબારમાં મૂકતાં ખચકાતાં હતા, પરંતુ આ તસવીર યુદ્ધની ભયાનકતા દર્શાવતી હોવાથી તેમણે છેવટે એ તસવીર પ્રગટ કરવા નિર્ણય કર્યો. નવ વર્ષની કિમ ફૂકની વસ્ત્રવિહીન દશામાં દોડતી આ તસવીર અમેરિકાથી જ પ્રગટ થતા `ન્યૂયોર્ક ટાઈમ્સ’ના પહેલા પાને પ્રગટ થઈ. આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. અમેરિકન સરકાર શરમાઈ ગઈ.     `નેપામ બોમ્બથી સળગી રહેલા વિયેતનામના એક ગામની નાનકડી દીકરી રડતી રડતી પોતાનો જીવ બચાવવા નિર્વસ્ત્ર હાલતમાં ભાગી રહી હતી એ તસ્વીર પહેલા પાને છપાઈ અને `ન્યૂયોર્ક ટાઈમ્સ’ની એ તસવીર જોઈ ખુદ અમેરિકા શરમાઈ ગયું અને એ તસવીર પ્રગટ થયા બાદ અમેરિકાએ યુદ્ધવિરામ કરી દીધો. એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રિચાર્ડ નિકસન હતા. તેમણે તો આ તસવીર સાચી છે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી પરંતુ તસવીર એટલી જ સત્ય હતી જેટલું વિયેતનામ યુદ્ધ. આ તસવીર પ્રગટ થયા બાદ આખા વિશ્વનું અમેરિકા પર દબાણ વધ્યું અને યુદ્ધનો લગભગ અંત આવી ગયો.
નીક ઉતની આ તસવીરના કારણે તેમને ૧૯૭૨ની વિશ્વની શ્રેષ્ઠ પત્રકારત્વની તસવીર ગણી તેમને પુલિત્ઝર પ્રાઈમ મળ્યું.
એ પછી નાનકડી કિમ ફૂક `નેપામ ગર્લ’ તરીકે આખા વિશ્વમાં જાણીતી બની ગઈ, કારણ કે તે પછી એ તસવીર આખા વિશ્વનાં તમામ પ્રમુખ અખબારો અને મેગેઝિનમાં પ્રગટ થઈ. આ તસવીરના કારણે જ યુદ્ધની ભયાનકતાનો લોકોને અહેસાસ થયો. કિમ ફૂકની એ તસવીર લીધા બાદ ફોટોગ્રાફર નીક ઉત જ કિમ અને બીજાં બાળકોને સાઈગોનની બાર્સ્કી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. કિમના શરીરનો ૩૦ ટકા હિસ્સો દાઝી ગયો હતો. ડૉક્ટરોને આશા નહોતી કે તે બચશે. નાનકડી બાળકીને ૧૪ માસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેના પર ૧૭ વખત શસ્ત્રક્રિયા કરવી પડી. તેના શરીર પર સ્કિન ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા પણ થઈ. સ્કિન ટ્રાન્સપ્લાન્ટ ફિનલેન્ડના ડૉ.આર્નેરિન્તાલાએ કર્યું અને એક દિવસ તે સાજી થઈને ઘેર ગઈ. એ પછી ફોટોગ્રાફર નીક ઉત નિયમિત રીતે તેની ફોટોસ્ટોરીના સંવેદનશીલ પાત્ર એવી કિમની મુલાકાત લેતો રહ્યો.
ઉપર તસવીરમાં દેખાતી એ ભયભીત બાળકી આજે હયાત છે. એ તસવીરે કિમ અને તસવીરકાર નીક બેઉની જિંદગી બદલી નાંખી હતી. એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે પોતાની એ નગ્ન તસવીર જોઈ ક્ષોભ અનુભવવા લાગી હતી પરંતુ સમય જતાં એણે એ તસવીરને જ યુદ્ધવિરોધી સંદેશ માટેનું એક નિમિત્ત અને મિશન બનાવી દીધું. કિમ ફૂક કહે છે: `મેં જે વ્યથા સહન કરી છે તેવી જ વ્યથા દુનિયાભરના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ભોગવી રહ્યા છે. મારી એ વ્યથાની તસવીર દ્વારા હું એ બધાંને મદદ કરવા માગું છું!’
અલબત્ત, એ પછી કિમ ફૂકના જીવનમાં નાટ્યાત્મક ઘટનાઓ ઘટી, એ તસવીર પ્રગટ થયા બાદ કિમ તો એના ગામમાં બાળકી બની રહેવા માગતી હતી પણ વિશ્વભરના તસવીરકારો, પત્રકારો તેમની મુલાકાત લેતા રહ્યા. તા.૩૦મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ ઉત્તર કોરિયાના સૈન્યે દક્ષિણ કોરિયાના એ ભાગોનો કબજો લઈ લીધો. કિમ હજુ પેઈનકિલર્સ લઈને જીવતી હતી. તેને ડૉક્ટર બનવું હતું પણ નવા કોમ્યુનિસ્ટ લીડરને કિમ `નેપામ ગર્લ’ તરીકે દુશ્મનોના પ્રચારનું સાધન બની જાય તે પસંદ નહોતું. તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવી. તે ફરી તેના ગામ ગઈ. વિદેશી પત્રકારોને મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોઈ મળે તો તેણે શું બોલવું તે કમ્યુનિસ્ટ સરકાર નક્કી કરતી. તે હસતી રહી. એનો રોલ ભજવતી રહી.
એક દિવસ લાઇબ્રેરીમાં તેની નજર બાઈબલ પર પડી. તેને એમાં શ્રદ્ધા બેઠી. જે તસવીરથી તે વ્યથા અનુભવતી હતી તે તસવીરે જ તેને એક નવી તક પૂરી પાડી. વિદેશી પત્રકારો સાથે ૧૯૮૨માં તે તબીબી સારવાર માટે પશ્ચિમ જર્મની ગઈ. પાછળથી વિયેતનામના વડાપ્રધાનને પણ કિમની સ્ટોરીથી અનુકંપા થઈ. તેમણે ક્યૂબામાં કિમને ભણવાની સગવડ કરી આપી. ફોટોગ્રાફર નીક ઉત કે જે એસોસિયેટેડ પ્રેસ માટે હજુ લોસ એન્જેલસમાં કામ કરતો હતો તે ૧૯૮૯માં કિમને મળવા ક્યૂબા ગયો પણ તે બંનેને એકલાં મળવાની તક ન મળી. કિમને હજુ નીકની મદદની જરૂર હતી.
કિમ જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તે વિયેતનામના એક યુવાનના પરિચયમાં આવી હતી. કિમને તેના દાઝી ગયેલા શરીર અને તેના ડાઘના કારણે તેની સાથે કોઈ પરણશે તેવી આશા નહોતી, પરંતુ તેનો બચપણનો દોસ્ત બુઈ હ્યૂ તોઓન તેની સાથે પરણવા તૈયાર થયો. ૧૯૯૨માં બેઉ પરણી ગયાં. હનીમૂન માટે તેઓ મોસ્કો ગયાં. તેઓ મોસ્કોથી ક્યૂબા પાછાં ફરી રહ્યાં હતાં પરંતુ વિમાન કેનેડા બળતણ લેવા ઊભું રહ્યું ત્યારે ક્યૂબા જતા વિમાનમાં પાછાં બેઠાં જ નહીં. તેઓ ફરી કોઈ કમ્યુનિસ્ટ કન્ટ્રીમાં પાછાં જવા માગતાં જ નહોતાં. હવે તેઓ કેનેડામાં જ રોકાઈ ગયાં. કિમ હવે મુક્ત હતી.
તસવીરકાર નીક ઉતે ફરી કિમનો સંપર્ક કરી તેની સ્ટોરી આખા વિશ્વને કહેવા સૂચન કર્યું, પરંતુ તે હવે તેના પતિ સાથે નોર્મલ લાઈફ જીવવા માગતી હતી, પરંતુ મીડિયાએ શોધી કાઢ્યું કે જગપ્રસિદ્ધ નેપામ ગર્લ હવે એક યુવતી તરીકે કેનેડાના ટોરેન્ટોમાં રહે છે. પત્રકારો તેને મળવા લાગ્યા. કિમે હવે તેની સ્ટોરી દુનિયાને કહેવા નિર્ણય કર્યો. ૧૯૯૯માં એક પુસ્તક બહાર પાડ્યું. તે પછી દસ્તાવેજી ફિલ્મ પણ બની.
એ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે કિમ ફૂકને સંયુક્ત રાષ્ટ્રસંઘના ગૂડવીલ એમ્બેસેડર બનવા કહ્યું. તે પછી કિમ અને તસવીરકાર નીક અનેક વાર મળ્યાં અને દુનિયાને યુદ્ધની હોરર સ્ટોરીથી વાકેફ કર્યાં. તેઓ લંડન ગયાં અને યુ.કે.નાં મહારાણી ક્વીન એલિઝાબેથને પણ મળ્યાં.
કિમ ફૂક કહે છે: `હું એ તસવીરથી મારો પીછો છોડાવવા માગતી હતી. હું નેપામ બોમ્બથી દાઝી ગઈ હતી. હું યુદ્ધની ભયાનકતાનો શિકાર બની હતી પરંતુ મોટી થયા બાદ હું અલગ જ વ્યક્તિત્વ ધરાવતી બની ગઈ!’
એસોસિયેટેડ પ્રેસના તસવીરકાર નીક ઉત કહે છે: `મેં કિમને મદદ કરી તેનો મને આનંદ છે. મારા માટે તે મારી દીકરી છે!’ કિમ ફૂક આજે લગભગ ૫૨ વર્ષની વયની છે અને સુખી લગ્નજીવન જીવી રહી છે.
સંદર્ભ : રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ 

- ઈશ્વર પ્રજાપતિ

No comments:

Post a Comment