લીટલ જીનિયસ જસ્વી પટેલને શું તમે ઓળખો છો ?
કુદરત કેટલીક પ્રતિભાઓનું સર્જન ખૂબ વિશેષ રીતે કરતી હોય છે. ઉંમરની સરખામણીએ તેમની યાદશક્તિ, સમજણ અને પરિપક્વતા અસામાન્ય હોય છે. આવી પ્રતિભાશાળી વ્યક્તિની પ્રતિભા સૌ કોઈને આશ્ચર્ય મૂકી દે છે. આજે વાત કરવી છે એવી જ એક પ્રતિભાશાળી બાળાની.
તેનું નામ છે જસ્વી પટેલ. ૨૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ વિસાવદરમાં જન્મેલી જસ્વીએ હજી હમણાં માંડ સાત વર્ષ પૂર્ણ કર્યાં છે. પરંતુ તેની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમાં ઘરકાવ કરી દીધાં છે. નાની અમથી ઢીંગલી જેવી આ જસ્વીને ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ અને જનરલ નોલેજના કોયડાઓ ગણતરીની સેકન્ડમાં ઉકેલી આપે છે. પાંચથી સાત વર્ષનાં બાળકોને મોટાભાગે રમકડાં પ્રિય હોય. બહુ બહુ તો મોબાઈલ પર આવતી ગેમ્સ અને કાર્ટૂન જોઈ આનંદિત થઈ જતાં હોય. પરંતુ જસ્વીને રમકડાં કરતાં પુસ્તકો પ્રિય લાગે છે. મોબાઈલ તો જસ્વી પણ જુએ છે પરંતુ માત્ર ગેમ્સ કે કાર્ટૂન જોવા માટે નહીં પણ નવું નવું જાણવા અને પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે !
જસ્વી જ્યારે માત્ર ચાર વર્ષની જ હતી ત્યારથી તેના મનમાં ઉદભવતા સવાલો સાંભળી ઘર વાળાં પણ દંગ રહી જતાં. તેના કેટલાક સવાલોના જવાબ આપવામાં તો વડીલોને પણ માથું ખંજવાળવું પડતું. જસ્વીની અવલોક શક્તિ, તર્ક શક્તિ અને યાદ શક્તિ જોઈ પરિવાર જનોને અંદાઝ આવી ગયો કે જસ્વીનો IQ સામાન્ય બાળક કરતાં ઘણો ઊંચો છે. તેને યોગ્ય પોષણ આપવું અત્યંત જરૂરી છે. અને બાલ્યાવસ્થા થી જ જસ્વીની જ્ઞાનયાત્રા શરૂ થઈ.
જસ્વીનાં મમ્મી હેતલબેન સરકારી નોકરી માં જોડાયેલા છે જ્યારે પિતા રાકેશભાઇ અંકલેશ્વરમાં નોકરી કરે છે. જસ્વીની પ્રતિભા અનુસાર તેને કેળવવાની જવાબદારી માતા પિતા સાથે તેના નાના ભરતભાઈએ ઉપાડી લીધી. ભરતભાઈએ વર્ષ ૧૯૮૪ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BSc કર્યું છે. તેઓ વર્ષો સુધી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હોવાથી કેળવણી એ તેમના રસનો વિષય હતો. પોતે હાલ નિવૃત્ત હતા. જસ્વીની સારસંભાળ રાખતાં રાખતાં તેને વિશેષ રીતે કેળવવાની યાત્રા આરંભી.
માત્ર ચાર વર્ષની વયે જસ્વીએ વાંચતા લખતાં શીખી લીધું. માત્ર વાંચતા શીખી લીધું એટલુ જ નહીં પરંતુ જે પણ કાંઈ વાંચે એ યાદ રહી જતું. એણે જે પણ વાંચ્યું હોય એમાંથી કોઇપણ પ્રશ્ન પૂછો તો ક્ષણ નો વિલંબ કર્યા સિવાય તરત ઉત્તર મળી જાય. જસ્વી ને તેની પ્રતિભા અનુરૂપ પ્રતિપોષણ આપવું એ પણ પરિવાર માટે પડકાર રૂપ હતું. પાંચ વર્ષની વયે જસ્વી એ લેપટોપ ઓપરેટ કરતાં શીખી લીધું.
પોતાના મનમાં ઉદભવતા સવાલો જસ્વીએ પોતે જ મેળવવાની મથામણ આદરી. ગૂગલનો સહારો લીધો. અને એનાં પણ ચમત્કારિત પરિણામો પ્રાપ્ત થયાં. ગણિત વિજ્ઞાન નો અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે જે પ્રશ્નોના ઉત્તર ન હોય તેના ઉત્તર જસ્વી આસાનીથી આપી શકતી.
હવે એને શાળામાં દાખલ કરવાની વાત આવી એ પણ ખૂબ પડકાર સમાન હતું. કારણ કે છ સાત વર્ષનાં બાળકો જ્યાં કલમ ખડિયો અને એકડી ઘૂંટવાનું શીખતાં ત્યાં જસ્વી તો આ ઉંમરે ઘણી આગળ નીકળી ચૂકી હતી. શાળામાં નામ તો નોંધાવ્યું પણ જસ્વીની પ્રતિભાને શાળાની ચાર દિવાલોમાં બંધાવું જરા પણ રુચ્યું નહી. તેના ઉપાય રૂપે ભરતભાઈએ ઘરે જ અભ્યાસ કરાવવાનું મુનાસિબ માન્યું. અને ગૂગલ જેમિની મેન્ટર દ્વારા જસ્વીની અનોખી શિક્ષણયાત્રાનો આરંભ થયો.
જેમિની મેન્ટર દ્વારા નિયમિત જસ્વીને નવા નવા ટાસ્ક મળતા અને જસ્વી તેને પૂર્ણ કરી પડકાર ઝીલી લેતી. સાથે સાથે ભરતભાઈ પોતે ગણિત વિજ્ઞાન અને સામન્યજ્ઞાનની તૈયારી કરાવી તેની પ્રતિભાને વધુ નિખારવા લાગ્યા.
જસ્વીને હાલ NASA વિશે પૂછો કે ISRO વિશે તમને એનો સંતોષકાર જવાબ આપવા સક્ષમ છે. ગણિતના અઘરા કોયડાઓ મૌખિક ગણતરી કરી ગણતરીની સેકન્ડમાં ઉકેલી આપે છે. IAS, IPS, IFS જેવી સિવિલ સર્વીસસ વિશેનું તેનું નોલેઝ પણ આપણને અચરજ પમાડે છે. UPSC - GPSC જેવી પરીક્ષાને લગતી મહત્તમ માહિતી અત્યારથી જ તેને આત્મસાત કરી છે. શૈક્ષણિક વિષયોની સાથે સાથે આપણા ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભગવત ગીતા, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો વિશે પણ તેની જાણકારી આપણું હૃદય વલોવી નાખે છે. અભ્યાસ ની સાથે સાથે ડાન્સમાં પણ ઊંડી રુચિ ધરાવે છે.
પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ ને મળવું તેમની સાથે વાર્તાલાપ કરવો એ જસ્વીને ગમતી પ્રવૃત્તિ છે. એટલે જ ભરતભાઈ સાથે IAS IPS IFS અધિકારી શ્રીની મુલાકાત નિયમિત પણે લેતી રહે છે.
જસ્વી સનદી સેવામાં જોડાઈને ભારત દેશ ની સેવા કરવાનું વિરાટ સપનુ સેવી રહી છે. જસ્વી બાલ્યાવસ્થા થી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં જે રીતે મક્કમતાથી આગળ ધપી રહે છે એ જોતાં એનું સપનુ એક દિવસ જરૂર સાકર થશે જ એમાં કોઈ બેમત નથી.
જસ્વી પાસે અસાધારણ પ્રતિભા છે. જો એને વિહારવા આકાશ મળે તો એને ચીરીને સાતમા આસમાને વિહરી શકે તેમ છે. જસ્વીની પ્રતિભાને જો હજુ વધુ તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેની પ્રતિભા એક દિવસ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના સીમાડા ઓળંગી સમગ્ર વિશ્વમાં નામ રોશન કરશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.
જસ્વીની ઉજવળ અને યશસ્વી ઉડાન માટે હૃદયપૂર્વક ની હાર્દિક શુભકામનાઓ.
(સંપર્ક : ભરતભાઈ પટેલ - 95129 40844)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

Very good 👍
ReplyDeleteVery nice 🎉
ReplyDelete